અપરાધી/વકીલાતને પંથે
← દેવનારાયણસિંહ | અપરાધી વકીલાતને પંથે ઝવેરચંદ મેઘાણી |
ધૃષ્ટ છોકરી ! → |
૩. વકીલાતને પંથે
વાળુ કરીને પછી શિવરાજ પિતાની પાસે બેસતાં ડરતો હતો. હમણાં કંઈક પૂછશે, શું બન્યું હતું તેની વાત કાઢશે — એવો શિવરાજને ફડકો હતો. પણ માલુજીએ જ શિવરાજને સૂવા જતો અટકાવ્યો. “ચાલો, બાપુ પાસે બેસો : બેઠા વિના ન ચાલે.” એવું કહીને માલુજી એને હાથ ઝાલીને લઈ ગયો.
સત્તર વર્ષનો કસરતી શિવરાજ માલુજીના વૃદ્ધ જર્જરિત પંજામાં પકડેલું પોતાનું લોખંડી કાંડુ જરીકે હલાવ્યા વિના ચાલ્યો આવ્યો. માલુજીને શિવરાજ પોતાની ‘મા’ ગણતો હતો, અથવા ‘મા ગણતો હતો’ તે શબ્દો સાચા નથી. શિવરાજને સંસારમાં ‘મા’ જેવું કંઈ જ નહોતું. બીજા છોકરાને જ્યારે જ્યારે શિવરાજ પોતપોતાની માતાઓ સાથે ટંટા અને જીદ કરતો જોતો, અથવા ‘મા’ કહી બોલાવતા સાંભળતો, ત્યારે એને નવાઈ થતી. પોતાને એટલું જ થતું કે બીજાઓ ‘મા’ 'મા’ કરે છે ત્યારે જે ભાવ અનુભવતા હશે તે ભાવ પોતે ‘માલુજી’ કહે ત્યારે અનુભવે છે તેવો જ હશે.
બાપુની પાસે પુત્ર અરધો કલાક બેઠો, પણ બાપુ શબ્દ સરખોય બોલ્યા નહીં. ફક્ત બાપુ શિવરાજની સામે ગંભીર હસતા મુખે જોતા રહ્યા, ને છેલ્લે કહ્યું : “હવે સૂઈ જવું છે ?”
શિવરાજે માલુજીની સામે જોયું. માલુજીએ ઊઠવા કહ્યું. પથારીમાં પડ્યા પછી બે જ મિનિટમાં એનાં નસકોરાંની બંસી બોલી. માલુજી પરસાળમાં બેસી માળા ફેરવવા લાગ્યો. દેવનારાયણસિંહના ખંડમાંથી તે રાત્રિએ, ઘણા દિવસ પછી, સિતારના ધીરા ધીરા ઝંકાર સંભળાયા. એમાં મીંડ ઘૂંટાવા લાગી. સોરઠી દુહાના માઢ સૂરો દેવનારાયણસિંહની આંગળી નીચે. તાજાં જન્મેલાં કુરકુરિયાંની માફક સળવળતા હતા.
સિતાર બંધ કરીને દેવનારાયણસિંહ ઊઠ્યા. પુત્રના ઓરડામાં હળવે પગલે આવ્યા. પુત્રના કપાળ પર હાથ મૂક્યો. નિહાળીને કંઈક જોયું. પછી શાંત પગલે પાછા જઈ પોતાના બુજરગ ટેબલ પર બેઠા, અને ચાવી વતી એક ખાનું ઉઘાડીને ચામડાના પૂંઠાવાળી એક નોટબુક કાઢી. એના ઉપર લખ્યું હતું : “નર્મદાની રોજનીશી’. એનાં ઘણાં પાનાં લખેલાં હતાં. કોરે પાને પોતે ચીપી ચીપીને લખ્યું :
“તારા બાળકનું મોં આજે પહેલી જ વાર નીરખીને જોયું. તારા જમણા લમણા પર જે તલ હતો, અસલ તેવો જ તલ તારા બાળકને પણ જમણે લમણે ઊગ્યો છે.”
એટલું લખીને એણે રોજનીશી પર ચામડાનું પૂંઠું લપેટી લીધું, ફરતી દોરી વીંટાળીને મેજના ખાનામાં મૂકી ચાવી લગાવી. એ બધી ક્રિયામાં એક ડાહ્યા વેપારીની સમતા હતી.
વળતા દિવસે બાપ-દીકરા વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ. પિતાએ કંઈ જ ન પૂછ્યું, પુત્રે જ શરૂઆત કરી : “હવે મારે શું કરવું ?”
“અભ્યાસ કરવો છે ?”
“હા.”.
“શાનો ?”
“મેટ્રિક તો થઈ જાઉં; પછી વકીલનું ભણું.”
વળતા દિવસથી શિવરાજ સ્થાનિક હાઈસ્કૂલમાં જોડાયો. બાપુએ પોતાના અંતરની ઉમેદના ભાંગી પડેલા ટુકડાને ક્યાંય દેખાવા દીધા નહીં. એની કલ્પનામાં વેદધર્મનો ઝંડો ફરકાવનાર એક આર્યસમાજી બ્રહ્મચારી રમતો હતો; વકીલાત, દાક્તરી કે રજવાડી સરકારી નોકરી કરનાર પરાધીન પુત્રનો મનોરથ નહોતો મેળ ખાતો. એને તો પુત્રનું તેજના અંબાર પ્રકટાવતું ભાવનામય લલાટ, વેદધર્મના ભાસ્કર જેવું, જીવનગગનમાં ઘૂમતું નિહાળવું હતું.
કારણ એ હતું કે દેવનારાયણસિંહનાં એક ભટકતી વિધવા બ્રાહ્મણી સાથે લગ્ન કરી આપનાર માઈના પૂત વીશ વર્ષો પર આર્યસમાજીઓ જ હતા. રઝળતી નર્મદાને ભોળવી-ભગાડીને વટલાવી નાખવાનો પ્રપંચ કરનાર ટોળીનો સામનો રાજકોટ સિવિલ સ્ટેશનની હદમાં તે દિવસે આર્યસમાજીઓએ જ કર્યો હતો. મદ્રાસી ડેપ્યુટીને ઘેર નર્મદાને નોકરીએ રખાવી દેનાર પણ એ વખતના વિરલ ‘સમાજિસ્ટો’ જ હતા. છેલ્લે નર્મદા સાથેનો હસ્તમેળાપ પણ આ પરદેશી પુરબિયા રાજપૂતને કરાવી આપવા બીજું કોઈ તૈયાર નહોતું. થિયોસોફિસ્ટ ધર્મપ્રચારક શ્રી દીક્ષિતે આવા ટંટાફિસાદી લગ્નમાં હાથ નાખવાની સિફતથી ના પાડી હતી; કેમ કે એ લગ્નની એક બાજુ બ્રાહ્મણોની લાકડીઓ હતી ને બીજી બાજુ ગુંડાઓની છૂપી છૂરીઓ હતી. એની વચ્ચે બાંયો ચડાવીને ઊભનાર પુરોહિત એક ન્યાતબહાર મુકાયેલ આર્યસમાજી બ્રાહ્મણ જ હતો. પોતાના સુખી સમયમાં આર્યસમાજના ગુરુકુળને માટે દૂરના દરબારી ગામમાં એક નદીને કિનારે દેવનારાયણસિંહે જમીન કાઢી આપી તેનું કારણ આ હતું. જે માતાનો ઉદ્ધાર ને ઉગાર આર્યસમાજે કર્યો હતો, તેના પુત્રનું એ ઉદ્ધાર-ધર્મમાં સમર્પણ કરવું દેવનારાયણસિંહને ઉચિત ભાસ્યું હતું. દીકરો બીજી અનેક માતાઓનો ઉદ્ધારક બને તે જોવાનો પિતાનો છૂપો મૂગો અભિલાષ હતો.
તેને બદલે તો શિવરાજ વકીલાતના પંથે પળવા ચાલ્યો. ભલે ચાલ્યો. દેવનારાયણસિંહે સ્પૃહા ખોઈ હતી.
ત્રણ જ ગાઉ પર ‘કાંપ’ હતું. ‘કાંપ’ એટલે કેમ્પ : પોલિટિકલ એજન્ટની છાવણી. અઠવાડિયે એકાદ વાર પિતાજી ગાડી હાંકીને કાંપમાં આંટો મારી આવતા. હમણાં હમણાં ત્યાં નવા ડેપ્યુટી આવ્યા પછી દેવનારાયણસિંહનું કાંપમાં જવું વધ્યું હતું. અમસ્તા પણ દેવનારાયણસિંહ રોજ સવારે ગામડાં જોવા નીકળી પડતા, ને સાંજે પણ કચેરીમાંથી મોડા આવતા. શિવરાજ નિશાળના સમય બહાર ઘણુંખરું ઘરમાં એકલો જ રહેતો, અથવા કોઈ કોઈ વાર કાંપમાંથી પોતાનો ગુરુકુલવાળો દોસ્ત રામભાઈ છાનોમાનો મળવા આવતો.
રામભાઈને પણ ગુરુકુલમાંથી રજા મળી હતી. એના પિતાએ એને જુદી જ તરેહનો સત્કાર આપ્યો હતો :
“એ અમલદારના છોકરાની ભાઈબંધી ! એ ટારડાના છોકરાની દોસ્તી ! એ ટેંટાંની વાદે તું ખાનદાન કુટુંબનો નબીરો ઊઠીને ભેખડાઈ ગયો ! એ પોતાની વસ્તીને માથે સિતમ ગુજારનાર અમલદારના પુત્રની સાથે આપણને પ્રજાવાદીઓને શો મેળ મળી શકે ? મારું તે નામ બદનામ કર્યું ! તારો બાપ જાહેર જીવનમાં પૂજનીય ગણાય, ગરીબડી પ્રજાનો ‘સેવક મહારાજ’ મનાય; તેના અંગત જીવન પર તેં બટ્ટો બેસાર્યો, તેં ઓલ્યા દેશી રાજના અમલદારના માંડી વાળેલ દીકરાની સંગતે—”
એમ કહેતાં કહેતાં શબ્દ-કોલસે તપતા જતા બોઈલર જેવા એ વકીલ દેવકૃષ્ણે પોતાના દીકરાના ગાલ પર બે તમાચા ખેંચી કાઢ્યા.
દેવકૃષ્ણ વકીલ ‘સેવક મહારાજ’ કહેવાતા, એ એમની વાત સાચી હતી. નદીની રેતમાં એક પણ જાહેર સભાએ એમની ગેરહાજરી વેઠી નહોતી. શહેરની ‘ભૂખી અને શોષિત જનતા’ના પ્રતિનિધિ તરીકે જ એ પોતાની જાતને ઓળખાવીને પછી કોઈપણ પ્રમુખની દરખાસ્તને ટેકો આપવા ઊભા થઈ જતા, ને ભાગ્યજોગે જો પોતે મોડા પડ્યા હોય તો સભા ચાલે તે દરમિયાન સભાના સંચાલક પર દશ જેટલી ચિઠ્ઠીઓ મોકલી મોકલી છેવટે પ્રમુખના આભારની દરખાસ્તને ટેકો આપવાનો હક તો મેળવ્યે જ રહેતા. ને ‘દેશની ભૂખી તેમ જ શોષિત જનતાના પ્રતિનિધિ’ તરીકે જ પોતે બોલી રહેલ છે, એવો દાવો ટેબલ પર હાથ પછાડીને આગળ ધરતા.
એમનું પાટિયું વકીલ તરીકેનું હતું, પણ એમનું કામ નનામી અરજીઓ લખવાનું હતું. એ જમણા ને ડાબા — બેઉ હાથે લખી જાણતા, તેથી અક્ષરો ન ઓળખાય તેવા કરી શકતા. વળી એ જમણી ને ડાબી બેઉ આંખો ફાંગી કરી જાણતા. અસલ એ એક ગામડામાં શિક્ષક હતા, ને ત્યાં ફીના પૈસાની ખાયકી બાબતમાં સંડોવાયા હતા. રાતોરાત ત્યાંથી નાસીને એકાદ વર્ષ અલોપ પણ થયા હતા. પછી કાંપમાં આવીને વકીલાતનું પાટિયું લગાવ્યું હતું. ‘પીડિતોનું પૈસાફંડ’ નામે એક ખાતું પોતે ચલાવતા, ને એ ખાતાના પ્રમુખ તરીકે કેમ્પના એક ‘રિટાયર’ થયેલા થાણદારને પોતે સાધી શક્યા હતા. એનામાં આવડત એ હતી કે ‘પીડિત-પૈસાફંડ’નો અહેવાલ, હિસાબ વગેરે રીતસર ‘ઓડિટ’ કરાવીને એ પ્રતિ-વર્ષ છાપાંને નિયમિત પહોંચાડી શકતા. છાપાંએ એ અહેવાલની નોંધ લીધી હતી તે પોતે સગર્વ તમામને દેખાડતા, ને કહેતા કે, “જુઓ કાંગ્રેસના હિસાબના ભવાડા, ને જુઓ આ ‘પીડિત-પૈસાફંડ’ની પ્રામાણિકતા !”
પુત્રને માર મારતા મારતા પણ પાછા દેવકૃષ્ણ બોલવા લાગ્યા કે, “એ હરામજાદો અમલદારનો છોકરો —”
ત્યારે રામભાઈથી ન રહી શકાયું. એણે પિતાના હાથને મૂઠીમાં સજ્જડ ઝાલી લઈ કહ્યું : “શું બક બક કરો છો ? શિવરાજનો વાંક નહોતો; અપરાધી તો હું જ હતો…”
એમ કહીને બાપનું કાંડું મરડતો મરડતો એ રહી ગયો. બાપ તરત સમજી ગયો કે પુત્રને સોળ વર્ષની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અર્થાત્ જૂની સંસ્કૃત કહેવત પ્રમાણે પુત્રને મિત્ર દરજ્જે ગણવાનું ટાણું આવી પહોંચ્યું છે !
ટાઢા પડીને બાપે કહ્યું : “તારો અપરાધ થયો છે એમ તારે કબૂલ કરવાની કશી જરૂર હતી ? એટલો સિદ્ધ ને સત્યવક્તા થવાનું તને કહે છે કોણ ? અક્કલનાં તો ઢોકળાં જ બાફી નાખ્યાં, ઢોકળાં !”
એમ કહીને દેવકૃષ્ણ એક સભામાં હાજરી આપવા ચાલ્યા ગયા.
એનો પુત્ર રામભાઈ કાંપની હાઈસ્કૂલમાં ભણવા બેઠો.