અપરાધી/‘જાગતા સૂજો !’

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મુંગી શૂન્યતા અપરાધી
‘જાગતા સૂજો !’
ઝવેરચંદ મેઘાણી
શિવરાજની ગુરુ →


૧૨. ‘જાગતા સૂજો !’'

શિવરાજને જોતાં જ એ ઓરત પાછી ફરી ગઈ. એણે ચાલવા માંડ્યું… એના પગ વેગ પકડવા લાગ્યા. એ જાણે શિવરાજથી જ ડરીને નાસતી હતી; કેમ કે ત્યાં બીજું કોઈ નહોતું.

છેલ્લી ઘોડાગાડી આગળ થઈ ગઈ હતી. ગાડીવાનના ચસકા હજુ છેટેથી સંભળાતા હતા : “બેસવું છે, એલી એઈ ? બે આના ! એક આનો ! મફત !”

મેળેથી વળેલા લોકોનું વૃંદ પણ એને વટાવી ગયું હતું. તેમનાં મનોરંજન ચારે દિશામાં પડઘા પાડતાં હતાં. રાત્રિ ઝરમર ઝરમર હસતી જાણે આનંદનાં આંસુ ઝેરતી હતી. અંધારી આઠમનો ચાંદો વાદળીઓના જૂથમાંથી નીકળવા ફાંફાં મારતો હતો.

આ કોણ નાસભાગ કરી રહેલ છે ? મારાથી બીનારું કોણ ? શા માટે ફાળ ખાતું ભાગે છે ?… કુતૂહલનો માર્યો શિવરાજ પણ વેગ કરવા લાગ્યો. એના બૂટની પડઘી વાગી. એની ઠેસે આવતા કાંકરા ઊછળી ઊછળીને એ ભાગતી ઓરતના ઓઢણામાં અફળાયા. એણે ખેતર તરફ દોટ મૂકી. શિવરાજ પણ પાછળ દોડ્યો: હાક મારી : “ઊભી રહે.”

“મને — મને — મને મારશો મા !” એવી એક ચીસ પાડીને બાઈ સ્તબ્ધ બની. એના ગદ્‌ગદીત કંઠમાંથી ઠૂઠવો ઊઠ્યો.

“કોણ છે તું ?” કહેતો શિવરાજ પણ હેબતાઈને થોડે છેટે ઊભો રહ્યો.

ઓરતનો ચહેરો ઊંચો થયો. એણે આડા હાથ દીધા — જાણે એને કોઈ મારવા આવતું હતું.

“અજવાળી !” શિવરાજે ઓળખી. અજવાળી પકડાઈ ગયેલા અપરાધી જેવું ખસિયાણું મોઢું લઈ ઊભી થઈ રહી.

“તું આંહીં ક્યાંથી ?” શિવરાજના સ્વરોમાં અજાયબી અને અનુકંપાની કોમળ સા-રી-ગ-મ બોલી.

અજવાળી ન બોલી શકી. એના ગળામાં કોઈએ જાણે સીસું રેડી દીધું હતું.

“ચાલ મારા ભેગી. ડર રાખીશ ના.”

“ક્યાં હાલું ?” અજવાળીએ હીબકાં ભર્યાં.

“તારા બાપને ઘેર.”

“કાઢી મેલી છે.”

“કાઢી મેલી ? શા માટે ?”

“મેળે ગઈ’તી.”

“કહીને નહોતી ગઈ ?”

“કજિયો કરીને ગઈ’તી.”

“ક્યારે આવી ?”

“મોયલી ગાડી ચૂકી; બીજી ગાડીમાં આવવું પડ્યું. બાપે ખડકી ઉઘાડવાની ના પાડી.”

“તારી મા ?”

“માને બાપો કે’કે, ઉઘાડીશ તો મા-દીકરી બેયને ટૂંપો દઈને રાતમાં જ પૂરી કરીશ.”

“પછી ?”

“રસ્તે સંતાતી સંતાતી ઊભી છું.”

“કોની વાટ જોતી ?”

અજવાળી કશો ઉત્તર ન આપી શકી. એનો દયામણો ચહેરો શરમથી નીચે ઢળ્યો.

“ક્યાં જવું’તું ?”

“શી ખબર ?”

“કોઈ ઠેકાણું છે ? કોઈ સગાંવહાલાં ? — કોઈ ઓળખીતાં ?”

“જે છે તે બધાંયને બારણે જઈ આવી. એકોએકે ઉઘાડવા ના પાડી.”

“હવે ક્યાં જવું છે ?”

“ખબર નથી.”

“મારી મેડી પર બેસીશ ? હું તારે માટે મારી ઓળખાણવાળાઓને ઘેર ક્યાંક સગવડ કરીને તેને તેડી જાઉં.”

અજવાળીના મોં પર અજાયબીના રંગોની ચડઊતર થઈ રહી. સુધરાઈનાં નિસ્તેજ ફાનસો, કોઈની પણ ચુગલી ન ખાવાનો સ્વભાવ ધારણ કરીને જગતથી કંટાળેલાઓ જેવાં, એક પછી એક આવતાં ગયાં, તેના જરી જેટલા તેજમાં શિવરાજ અજવાળીના મુખભાવ પારખતો ગયો. મેઘલી રાતની મીઠી ઠંડીમાં બુરાનકોટ લપેટીને પહેરેગીરો પોતપોતાની છાપરીમાં ઊભા ઊભા નીંદમાં પડેલા હતા, તેઓ ફાંસીને ગાળિયે લટકતા કેદીઓ હોય તેવા લાગ્યા.

કોઈની જાણ વગર મોડી રાતે શિવરાજે મેડીનું તાળું ખોલીને અજવાળીને અંદર લીધી. ત્રાસી ગયેલી હરણીને છુપાવાનું સ્થાન મળે ને જેવી નિરાંત થાય તેવી નિરાંતનો એક નિઃશ્વાસ અજવાળીના હૈયામાંથી હેઠો પડ્યો. શૂન્ય મેડીમાં એ નિસાસાના પડવાનો જાણે કે અવાજ થયો.

પછવાડે, મેઘલી રાતની આરપારથી, નિદ્રાવશ પાડોશીઓનાં નસકોરાં સંભળાતાં હતાં. શિવરાજના શ્વાસ ફડક્યે જતા હતા.

બત્તી કરવા જતાં શિવરાજ અજવાળી સાથે સહેજ અફળાયો — ને એને એ જુવાન ખેડુ-કન્યાના દેહની એક માદક સોડમ આવી.

બત્તી કરીને શિવરાજ બીધેલા જેવો ઝડપથી બહાર ચાલ્યો, કહ્યું : “હું હમણાં તપાસ કરી આવું છું. તું બીશ નહીં ને ?”

“ના.”

શિવરાજ બહારથી તાળું મારતો હતો તે અજવાળીએ સાંભળ્યું. એનો વિશ્વાસ સહેજ કંપ્યો.

ચાલતાં ચાલતાં શિવરાજે નૂતન અને પુરાતન, જાણીતા ને અજાણ્યા — બેઉ પ્રકારના મનોભાવ અનુભવ્યા. એક જુવાન છોકરી પોતાને આશરે આવી હતી. એનાં માબાપે એને રઝળતી મૂકી હતી. કોઈ મવાલીને હાથ પડી ગઈ હોત તો ચૂંથાઈ જાત. પોલીસો એને શું ન કરત ? પોતાના જીવનમાં એ બીજી વારનો ગર્વકારી અવસર હતો.

પોતે મેળામાં અજવાળીને દીઠી હતી. દીઠેલું રૂપ યાદ આવ્યું. અકળ ઉત્સુકતાભરી એ ચકડોળ પાસે ઊભી હતી. ચકડોળમાં અનેક જુવાન જોડલાં માતેલાં બનીને ચડતાં હતાં. ઊંચે જતા ફાળકામાંથી હાથ લંબાવીને જુવાનો નીચે ચાલ્યા આવતા ફાળકામાં બેઠેલી છોકરીઓની છેડતી કરતા હતા. કંઈ કનાં છોગાં, કંઈકનાં છૂટાં ઓડિયાં, અનેક સ્ત્રીઓના પાલવ અને પછેડા, ગળાનાં ને છાતીનાં ફૂમકાં — તમામ ફંગોળે ચડ્યાં હતાં. ચકડોળના ગંજાવર ચક્રની ફુદરડી એ જુવાનિયાંને અંકલાશે ઉપાડી જઈ પાછા પાતાળમાં ફંગોળતી હતી. ગામડિયાંઓની સમગ્ર સૃષ્ટિ ફંગોળે ચડી હતી.

ઘેલાંતૂર ગામડિયાંથી વેગળી એકલી અજવાળી ઊભી હતી. એને કેટલાય જુવાનો પોતાની ભેગાં ચકડોળમાં ચડવા બોલાવતા હતા — પણ એ નહોતી જતી. એ પીઠ ફેરવીને શૂન્યમાં આંખો તાણતી હતી. સીમાડાની અનંત લાંબી રેખા ઉપર કોને શોધી રહી હતી એ આંખો ? કોણ ખોવાયું હતું એનું ?

શિવરાજે એ કલ્પનાદોર સંકેલી લઈને એક સ્નેહીનું ઘર ભભડાવ્યું. અંદર કોઈ નહોતું; તાળું મારેલું હતું. તાળું દેખીને શિવરાજને અંતરના ઊંડાણમાં એક પ્રકારની સુખવ્યથા કેમ થઈ ? તાળાનો સ્પર્શ એને આનંદમય કેમ લાગ્યો ? એને છુટકારાની લાગણી શા માટે જન્મી ?

એ બીજે ઘેર ગયો. સાંકળ ખખડાવી ખરી — પણ ધીરો ખખડાટ કર્યો. શા માટે દ્વારને જોરથી ન ઢંઢોળ્યું ? વરસાદના છાંટા અને ફૂંકાતા પવન-સુસવાટા એની આડે આવ્યા, તે એને મનગમતા મિત્રો લાગ્યા ? ગમે તે થયું, પણ એ વધુ ખખડાટ કર્યા વિના જ પાછો વળ્યો.

એને થયું : “મારા પર જ, ત્યારે તો, છેલ્લે આ ફરજ આવી પડી !”

છેટેથી એણે પોતાની બારીની બત્તી દીઠી. મેડી જાણે કે પોતાના નાક પર આંગળી મૂકીને શિવરાજને “‘ખબરદાર !’ કહેતી હતી. મેડીના તે રાતના રૂપમાં એને કરડાઈ ભાસી. પોતાના અંતરની આ અકળ–અગમ સુખવેદનાનો દોર્યો શિવરાજ પાછો પહોંચ્યો. ખૂબ હળવે તાળામાં ચાવી ફેરવી. તાળું અને ચાવી એના હાથમાં સહેલાઈથી ન ફરી શક્યાં. આંગળીઓ વચ્ચે ચાવી કોઈ ટીડડા જેવી લાગી.

અજવાળીને એણે ફરી વાર નિહાળી. પોતે ગયો ત્યારે બેઠેલી હતી તેવી ને તેવી — તે જ બેઠક : તે જ આસન : ગૂંચળું વળીને બેઠેલી ઉભડક પગ ફરતા હાથ લપેટી લીધેલા : મોં બે ઘૂંટણ વચ્ચે ટેકવેલું : બત્તી સામે તાકીને ધ્યાન ધરી રહેલી.

“એકેય ઘર ન ઊઘડ્યું.” શિવરાજે શ્વાસ હેઠો મૂક્યો.

અજવાળી જરીક સળવળીને પાછી જેમની તેમ સ્થિર બની.

“શું કરશું ?”

અજવાળીએ ઉત્તર ન દીધો.

“આંહીં રહીશ ?”

અજવાળીનું મોં જરાક શિવરાજ તરફ ઊંચું થયું. એની આંખોમાં પ્રશ્નોની પરંપરા હતી. વિસ્મય, ભય અને કૃતજ્ઞતાની એ મોં પર રંગોળી હતી.

એકાએક શિવરાજની નજર ગઈ અજવાળીનું શરીર ધ્રુજતું હતું; દાંતની ડાકલી વાગી રહી હતી.

“તું આટલી કંપે છે કેમ ? અરેરે, આ શું ? તારાં લૂગડાં તો બધાં પાણીમાં લદબદ છે. તું ક્યારની બોલતી કેમ નથી ?”

શિવરાજને સાન આવી કે અજવાળી શું બોલે ? કોને કહે ? કહેવા જેવું પણ શું હતું ? જીવનની જ સાન ગુમ થઈ હતી ત્યાં કપડાંનું ભાન ક્યાંથી રહે ? બાપે બે વર્ષ પર પરણાવીને બીજા જ દિવસથી ફરજિયાત રંડાપો પહેરાવ્યો હતો. માની ગોદ પર બાપની બીકે વિજય મેળવ્યો હતો. આવતું પ્રભાત ઊગવાનું તો છે જ , એવા અટલ નિમાર્ણ પરથી પણ એની આસ્થા ડગી ગઈ હતી. જીદ કરીને મેળામાં જવાનું જોર ઘડીભરનું હતું,

“ઊઠ; આ મારા ધોતિયાથી કપડાં બદલાવી લે, બાજુના ઓરડામાં બત્તી લઈને જા !”

શિવરાજે પોતાનું ધોતિયું એના હાથમાં મૂક્યું. સ્ટવ પેટાવ્યો, કોલસા સળગાવ્યા, સગડી ભરી, પંખો માર્યો. થોડા વખતમાં તો અંગારા ગુલાબી હાસ્ય કરવા લાગ્યા, સગડી લઈ જઈને એણે અંદરના ખંડમાં મૂકી કહ્યું : “લે, તાપવા માંડ જલદી,”

શ્વેત ધોતીમાં લપેટાયેલો એક ખેડુ-પુત્રીનો ભરાવદાર દેહ શિવરાજ નામના એક યુવકે યૌવનના સળવળતા સૂર્યોદયે એક નિર્જનતાની વચ્ચે નિહાળ્યો. નિહાળતાં જ એના રોમેરોમમાં ધ્રુજારીની એક લહર, ઊભા ચારાટિયાની અંદરથી લહેરાતા હિલોળા જેવી રમતી થઈ.

“તું કાલે ક્યાં જઈશ ?” શિવરાજે આ ઓરડામાં બેઠે બેઠે પૂછ્યું.

“શી ખબર ?” કરુણ જવાબ આવ્યો.

“તારા બાપને મનાવી લઉં તો ?”

“બહુ મારે છે.”

“તારે સાસરે ?”

“છે જ નહીં.”

“કેમ ? પરણી’તી ને ?”

“તોડાવી નાખ્યું.”

“બીજે પરણાવે નહીં ?”

“પૈસા સારુ પરણાવે છે એક કોઢિયા બુઢ્‌ઢા હારે. મેં ના પાડી છે, એટલે તો મારા વાંસામાં ને માથામાં ધોકલા પડ્યા છે.”

દીવાના અજવાળાએ ફક્ત ધોતીભર બેઠેલા અજવાળીના દેહની વધુ ને વધુ ચાડી ખાધી. જે શરીર પર માર પડ્યો હતો તે શરીરની કુમાશ પણ ગુલાબી કોલસાની બળતી સગડી બતાવતી હતી.

શરણાગતિનો ભાવ શિવરાજના અંતરમાં વધુ વધુ ઘૂંટાતો ગયો. મેંદીનાં લીલાં પાંદે જાણે કે ધીમે ધીમે લાલપ મૂકી. પોતાનું શરણાગત માનસિક અસહાયતા ભોગવતું બેઠું છે. એને છેક દિલનાં દ્વાર સુધી લીધા વગર શરણદાતા જંપે નહીં. એનો સંપૂર્ણ ત્રાતા ને રક્ષણહાર, એની બાજુએ ઊભો રહીને લડનાર, ઘવાનાર, લોહીલોહાણ થનાર, પોતાની જાત ફના કરનાર શું કોઈ નથી ? હું ન કેમ બનું ? કેવું શરણાગત ! કેવું સુકોમલ ! કેવું કરુણાપ્રેરક ! મૂંગા મારની લાકડીઓ ઝીલનારું આ શરીર !

શરણાગતિના સીમાડા નજીક આવ્યા… ઓળંગાઈ ગયા… કેટલેય પછવાડે પડી રહ્યા… ને શિવરાજ આકર્ષણના સીમાડામાં, મોહિત દશાના પ્રદેશમાં, ઉત્ક્રાંત અવસ્થામાં, અસહાયતાની ચૂડમાં જઈ પડ્યો : એ અજવાળીની નજીક ગયો… અજવાળી ન ભડકી, ન ચમકી, ન ખસી કે ન સંકોડાઈ. આશરાધર્મની ભ્રમણા અતલ અંધારી ખાઈમાં માણસને ગબડાવી પાડે છે તે માનસિક ઘડી આવી પહોંચી. ત્યાં તો ચોકીદારનો ખોંખારો સંભળાયો :

“ખબરદા..ર! હૂ ! હૂ ! હૂ ! જાગતા સૂજો !” ચોકીદારની એ વાણીમાં કાળવાણીના ભણકારા હતા.

એ ભણકારા રાત્રિના હૃદયમાં વિલીન થયા.

ચોકિયાતની બૂમ ‘જાગતા સૂજો !’ શિવરાજને જાગ્રત ન કરી શકી. દિવસરાતના પેટગુજારાના ઉદ્યમમાં સાથે જીવતાં ને સ્વાભાવિકપણે જ સલામત રડી શકતા ખેતીકારો અને મજૂરોની મનોદશા શિવરાજની તો, બેશક, નહોતી. વાઘના બાળકે કાચું માંસ સૂંઘ્યું. માનવી-જીવનનાં કોતરો વાપ-દીપડાથી ભર્યાં છે. શિવરાજના મનની ખીણો સળવળી.

અથવા એ શું વાઘ-દીપડાની જ ડણકો હતી ? ચોવીસ વર્ષો સુધીનું સૂનકાર, સ્ત્રીવિહોણું ઘર-જીવન જ શું અમુક ઊર્મિઓને અણઘડ રાખી મૂકવાને માટે જવાબદાર નહોતું ?

માની ગોદ, બહેનનો ખોળો, દાદીનાં લાલન, શેરી અને ફળિયાની નાની મોટી કન્યાઓની કુમાશભરી ક્રીડાઓ — એ બધાંનો અભાવ જ તે મધરાતે શિવરાજના મનમાંથી પુકારી ઊઠ્યો : આ ઘર નથી — પણ ઘોરખાનું છે એવા માલુજીના બોલના ભૂત-ભણકારા પડ્યા. અને શિવરાજે છેલ્લો જે જખમ સરસ્વતીની ઠંડી કૂરતાના ઘાએ અનુભવ્યો હતો તેના પર પણ તે મધરાતે એક મીઠી ફૂંક લગાવી. મેળામાં દીઠેલા મુક્ત જીવનની ઝંખના તો તૈયાર જ હતી. એ સર્વ સૂરોમાંથી વણાયેલા દોરડાએ શિવરાજને ગળે આંટા લીધા. દબાયેલો કંઠ આટલું જ બોલી ઊઠ્યો : “અજવાળી, તું મારી જ છે — મારી પોતાની જ છે.”

એટલું કહીને તેણે અજવાળીને પોતાની કરી લીધી. સંસારનાં વમળોમાં ગળકાં ખાતી એ ખેડુ-કન્યાએ શિવરાજનો સ્વીકારરૂપી તરાપો જોયો. જોતાંવેત એ ચડી બેઠી. એ સાચોસાચ તરાપો જ છે ? કે તણખલું છે ? કે મગરમચ્છનું મોટું છે ? ડૂબતી ખેડુ-કન્યાને માટે આવો વિવેક અશક્ય હતો.

શિવરાજની એ પ્રથમ પહેલી મૂર્છના. એ મૂર્છનામાં એણે શું શું જોયું ?

સહેજ સહેજ સાંભરતી મા, ન દીઠેલી બહેન, ન કલ્પેલા બીજા સંખ્યાબંધ કૂણા સ્નેહસંબંધો, ન સાંપડેલા મિત્ર-પત્નીઓના લાડકોડ, ન સૂઝેલી કુદરતની સુંદરતા, ન સૂંઘેલી ફૂલોફળોથી લચેલી વનરાજિઓની સુવાસ — એ સર્વનો સામટો આસ્વાદ શિવરાજના હૈયામાં સિંચાઈ ગયો, અકુદરતી એને કશું ન લાગ્યું. અજવાળીને એણે ફરી કહ્યું : “આપણે સાથે જ રહીશું. સાથે જ જીવીશું ને સાથે મરશું.” એ પહેલો ઊભરો જેમ જેમ રાત જતી ગઈ તેમ તેમ હેઠો બેસતો ગયો. જેમ જેમ પરોઢનો જનરવ કાને અફળાયો તેમ તેમ શિવરાજના અંતરદ્વારે કોઈ ખડખડાટ થવા લાગ્યા.