આત્મવૃત્તાંત/ઉચ્ચ અભ્યાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શાળા, શેરી અને સોબત મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ઉચ્ચ અભ્યાસ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ઉત્કર્ષ →


3. ઉચ્ચ અભ્યાસ

મુંબઈ જેવું હજારો આકર્ષણોથી ભરેલું નગર, માથે કોઈ સંભાળ રાખનાર મુરબી નહિ, ૧૮ વર્ષનું યુવાવસ્થાનું ઉચ્છૃંખલ શરીર ને જેવી જોઈએ તેવી સોહોબતની સુલભતા, માબાપ તરફથી વિદ્યોપાર્જન નિમિત્તે માંગીએ તેટલું દ્રવ્ય મળવાનો સંભવ, એવા પ્રસંગમાં જે કેવળ પોતાનો સ્વાર્થ જ સાધી બીજી રીતે દૂષિત ન થાય એવા તો કોઈ હજારે એક-બે પ્રભુની કૃપાના પાત્ર હોય તો હોય! મેં તો જોયા નથી. स योगी अथवा पशु:। એમ હોય તેની જુદી વાત. કૉલેજમાં દાખલ થઈ હું રેસીડેન્ટ સ્ટુડન્ટ થયો. મારી સાથે તે વખતે લગભગ ૪૦ ગુજરાતી રેસીડેન્ટ સ્ટુડન્ટ હતા, તે સર્વ મારાથી પાંચ-પાંચ દસ-દસ વર્ષ મોહોટા હતા. કોલેજમાં ધર્મનું તો નામ ન મળે. નાતજાત સર્વે માણસ એ સિવાય બીજી સમજાય નહિ. ગુજરાતીઓમાં પોતપોતાની પ્રકૃતિ મુજબ જુદી જુદી મંડળીઓ હતી. તે સર્વેમાં થોડેઘણે અંશે દારૂ, માંસ, વગેરેનું ભક્ષણ તથા રંડીબાજીના બહાર ચાલ્યાં જતાં. જમવા ખાવામાં કોઈ બૂટ પહેરીને જમે, તો કોઈ નાહ્યા વિના જમે તો કોઈ ઝાડે ફરી આવી જમીને નહાય. વાણીયા બ્રાહ્મણ પારસી મુસલમાન સર્વે જાહેર, છુપા પણ ભેગા વ્યવહાર કરે. ભાવનગરના એક-બે નાગર બહારનો દેખાવ સાચવતા તથા અમદાવાદીઓ ભયના માર્યા બધું ધીમે ધીમે કરતા. મારે આમાં કોઈનું પિછાન મળે નહિ, પણ મારો સાથી છગનલાલ લલુભાઈ જે મારા પહેલો પાસ થઈ નોકરી રહ્યો એમ લખ્યું છે, તે આ વેળે કોલેજમાં ભણવા રહેતો હતો તેને આશ્રયે આવી મેં મુકામ કર્યો. તે તથા હું સાથે રહેતા ને અમારે ધીમે ધીમે વડોદરાના જમાદાર યુસુફઅલી યાકુબઅલી નામે મુસલમાનનો સંબંધ થયો. તે મુસલમાન છતે વ્યભિચારથી કે વ્યસનથી કેવલ વિમુખ, વગર પરણેલો પણ નિયમિત અને સ્વભાવે માયાળુ તથા ઉદાર મનનો માણસ હતો. તેને ને મારે ઘણો સ્નેહ થયો. અમે સાથે વાંચતા અને છેક બી. એ. સુધી પાસ પણ સાથે થયા. હાલમાં તે મારો સાચો મિત્ર છે ને વડોદરામાં સર્વે ખાતામાં રૂ. ૪૦૦)ના પગારથી સારી નોકરી પર છે. એક ત્રીજો મિત્ર મળ્યો. જુનાગઢનો નાગર ભૂપતરાય દયાળજી કરી હતો. તે અમારા મંડળમાં આવતો જતો. તે કેવળ અવ્યવસ્થિત ચિત્તનો માણસ છતાં ઘણો સ્નેહાળ હૃદયનો છે તેથી તેની સાથેનો તે વેળાનો સ્નેહ હાલ પણ કાંઈક છે. છગનલાલ તથા ભૂપતરાય બન્ને વ્યભિચારી માણસો હતા. મારી વૃત્તિઓ તો નડીઆદમાંથી જ ઉશ્કેરાઈ રહેલી હતી તે લાગ ન મળવાથી કે કોઈ સંગત ન મળવાથી હું બેસી રહ્યો હતો. આ બન્ને જણે રસ્તે બતાવ્યો.

અભ્યાસમાં મારૂં લક્ષ ઘણું હતું. તેથી આવા કામ માટે અવકાશ ન મળેલો. છ માસ આખર પરની પરીક્ષામાં ઉપરને નંબરે પાસ ન થવાય તો મારૂં સ્કોલરશિપ જાય ને તે જાય ત્યારે મારા પિતા હાલ મને આશરે રૂ ૧૫-૨૦) દર માસ આપતા તે અદ્દલ રૂ. ૪૦) ન જ આપે ને મારો અભ્યાસ ભાંગી પડે. તેમ મેટ્રીક્યુલેશનમાં બીજે નંબરે પાસ થવા વગેરેથી જે કીર્તિ ને માન કોલેજમાં મળેલાં તે કાયમ રાખવામાં મારી મરજી પણ થોડી ન હતી. આમ હોવાથી હું કોલેજમાં રહ્યો તે ત્રણે વર્ષ દરરોજ લગભગ ૧૩-૧૪ કલાક વાંચતો. ને ટાઈમટેબલ બનાવી તે પ્રમાણે નિયમિત કામ કરી ૭-૮ કલાક ઉંઘતો બાકી ૩-૪ કલાક જમવા રમવામાં ગાળતો. છ માસની પરીક્ષામાં ત્રીજે ચોથે નંબરે પાસ થયો ને મારૂં સ્કોલરશિપ અમારી આખરની પરીક્ષા સુધી એટલે એક વર્ષ પર્યંત કાયમ થયું. સંસ્કૃત અભ્યાસ ઘરઆંગણે સારો કરેલો તેથી તેમાં મને મેહેનત ન પડતી ને બીજા વિષયો પર ને વિશેષે કરી જેમાં હું કાચો હતો તે ગણિત પર ધ્યાન આપવાનો મને ઘણો વખત મળતો. આથી કરી ગણિતમાં મારી ખામી છતાં મારૂં કામ નીભ્યાં ગયું.

અમારી ત્રિકાળ સંધ્યા અને પ્રાતઃસ્નાનનું આ સ્થળે શું થયું એ પણ જાણવા જેવું છે. લોકોએ પજવવા માંડયો તે એટલે સુધી કે અબોટીયું પહેરીને જમવા પણ ન બેસવા દે. એટલે એ બધું આપણે અશક્ય સમજી માંડી વાળ્યું. બ્રાહ્મણ માત્રની કરેલ રસોઈ ખાવા માંડી ને નિયમ એ રાખ્યો કે નાહી ધોએલું ધોતીયું પ્હેરી જમવું, કોઈને અડવું નહિ, અને નળેથી જ તરત ભરી મંગાવેલું પાણી પીવું ને તે લોટો લઈ જઈ રાખી મુકવો એ આખો દિવસ ચલવવો. મદ્યમાંસ ભક્ષણ પણ ન જ કરવું. આ નિયમ હું કોલેજમાં રહ્યો ત્યાં સુધી મેં પાળ્યા. પરંતુ ક્વચિત્ મંદવાડ દુઃસહ થઈ જવાના પ્રસંગે દાક્તરોની સલાહ પ્રમાણે મદ્યપ્રાશન, કે કોડલીવર ઓઈલ કે ક્વચિત્ ઇંડાં ખાધેલાં ખરાં, તે કેવળ ઔષધ માનીને જ લીધેલાં અને મહાકષ્ટે વાપરેલાં બાકી મને તેમાં કદાપિ આનંદ પડેલો નહિ તે નહિ જ. પ્રથમ ટર્મ પુરૂં થતાંના અરસામાં પ્રાણલાલ કહાનદાસ જોશીપરા નામના એક છોકરાને [ને] મારે ઘણો સ્નેહ બંધાયો, પણ તેની સાથે એકવાર તેના ગાયાની મેં મશ્કરી કરી ને તેના ઉત્તરમાં તેણે ગાળો દેવાથી મેં પણ દીધી એટલે કાંઈક ઉંચું મન થયું. હું તો એ વાત વીસરી ગયો અને પ્રાણલાલનો સ્નેહ તેવો ને તેવો જોઈ તેની સાથે નિર્મલ વ્યવહાર રાખવા લાગ્યો. આ વાતનો સંબંધ આગળ આવશે.

વેકેશન પુરૂં થઈ કોલેજમાં આવ્યા, પણ મન ગોઠતું નહિ. ઘર આગળ પણ મારાં માતુશ્રી પ્રથમ ટર્મમાં મરણતોલ થઈ ગયેલાં. આ વેળામાં મ્હારો નાનો ભાઈ જે એક જ મારા સગામાં (નિકટના) છે તેનો જન્મ થયેલો. આ બધાં કારણોથી મન ઘર તરફ હતું. પણ અભ્યાસમાં જીવ લાગી ગયો તેથી બીજું ટર્મ પણ નિર્વિધ્ન પાર પાડયું. પેલા બે મિત્રો છગનલાલ લલુભાઈ તથા ભુપતરાયની સોબતની અસર મેં લખેલી જ છે તેને તાબે થઈ આ ટર્મની આખરે મેં એક વેશ્યા સાથે મારી જીંદગીમાં પ્રથમ વ્યભિચાર કર્યો. આ જ ટર્મમાં કોલેજમાં અમારો સહાધ્યાયી એક ગરીબ ગુજરાતી હતો તેને બધા ગુજરાતીઓએ ખાવાનું પુરૂં પાડવું એમ ગોઠવણ મેં પ્રયત્ન કરી કરાવી આપી હતી તેના ઉપકારનો બદલો પણ પ્રાણલાલ સંબંધના વૃત્તાન્તમાં જણાશે.

વેકેશનમાં ઘેર આવ્યો તેવામાં મને ઇંન્દ્રિ ઉપર ચાંદી પડી. મને માલુમ નહિ કે આ રોગનું નામ ચાંદી (Syphilis) કહેવાતું હશે કે તેનાં પરિણામ ખરાબ હશે. મેં તેને સાધારણ ખસ જાણી ઉપાય ન કર્યો ને તે એની મેળે જ ૧૫-૨૦ દિવસમાં મટી ગઈ. હું મુંબઈ પાછો ગયો કે ત્રીજા ટર્મના આરંભમાં મને સખ્ત સંધિવા ઢીંચણે થયો, તે મારા મિત્રો જે મેડીકલ કોલેજમાં ભણતા તેમણે દવા કરી મટાડયો તથા ચાંદીને લીધે તે થયો એ વાત અને તેનાં અતઃપર પરિણામ પણ મને સમજાવ્યાં. છતાં મને કોઈ કુશલ દાક્તરને મળવાની સલાહ કે કશી દવા તે રોગનો પ્રતિકાર કરવાની લેવડાવવાની વાત આ મારા અનુભવ વિનાના મિત્રો બતાવી શક્યા નહિ. મેં પણ સંધિવા મટ્યો કે રોગ મટ્યો એમ સમજી વાત મેલી દીધી. ને વેશ્યાને ત્યાં કદી ન જવું એવો નિશ્ચય કર્યો. મારા મિત્ર ભૂપતરાયને સખ્ત બદ થઈ આવી ને હેરાન થયો; તથા છગનલાલ લલુભાઈને ચાંદી થઈ તે મેં મારે હાથે ધોઈ વીછળીને મટાડી.

આ સર્વ વાત છતાં મારો અભ્યાસ નિર્વિધ્ન અને નિરંતર ર્દઢ ચાલતો. આ વાત કૉલેજમાં સર્વત્ર ચર્ચાતી, તેમાં ગુજરાતીઓ બધા આળસુ અને કહ્યું તેમ રંડીબાજી દારૂબાજી ને તોફાનમાં અગ્રેસર હતા, એટલે તેમનાથી મને વિલક્ષણ વૃત્તિવાળો જોઈ સર્વે મને તોડી પાડવા મંડયા રહેતા. અમદાવાદના છોકરાઓમાં મારી નાતના કેશવલાલ હર્ષદરાય ધ્રુવ કરીને હતા. તે ગૃહસ્થ હતા; હું બ્રાહ્મણ; ને મારા મોસાળના તે યજમાન થતા હતા. આવાં કારણની અદેખાઈ તેમના મનમાં હો વા ન હો, પણ મારી હોશીઆરી ને કાબેલી તેમનાથી જરા પણ સહન ન થતી એ તો નક્કી. તેઓ પોતે ઘણા હોશીઆર તથા ચંચળ ને ભણવે અગ્રેસર હતા તેથી પણ તેમ થઈ આવવાનો સંભવ છે. એફ.ઈ.એ.ની પરીક્ષા પાસે આવેલી માત્ર ૧ માસ બાકી રહેલો; ને તમામ દક્ષણી તથા ગુજરાતીઓમાં એમજ વાત થઈ રહેલી કે મણિલાલ પહેલે નંબરે આવશે તથા રૂ. ૩OO)નું ઈનામ છે તે લેશે. મારો નિશ્ચય પણ બને તો આમ કરવાનો નહિ એમ નહિ. પણ પરિણામે ગુજરાતી છોકરાઓની અદેખાઈએ મને હરાવ્યો.

પ્રસંગ એવો થયો કે કોઈ દક્ષણી છોકરાની જાને સર્વે ગુજરાતીઓ જનારા હતા, તેમાં હું તથા છગનલાલ લલુભાઈ ન ગયા. આ વાતની ચર્ચા ખુબ થઈ ને મને બને તો પ્રથમ નંબરે ન આવવા દેવો એવો વિચાર રાજકોટનો કેવળરામ માવજી બ્રાહ્મણ હતો તેના તથા પ્રાણલાલ કહાનદાસના મનમાં ઉઠયો. તેઓ સર્વે પાછા આવ્યા તેવામાં મારા સાથી છગનલાલ ને તે પ્રાણલાલને કાંઈ બોલાબોલી થઈ; ને તે પછી બેચાર દિવસે એકાદ રાંડને ત્યાં અમે બન્ને જઈ આવ્યા, તે વાત પ્રાણલાલના જાણવામાં આવી. રાત દિવસ મથન કરી પ્રાણલાલ, કેવળરામ તથા પેલો જેને મદદ અપાવેલી તે માણસ, અને બીજા ઘણાએ મળી મારા પર રંડીબાજીનું તથા છગનલાલ પર ચાંદીનો આજાર થયાનું ને એક ઉમરેઠનો ખેડાવાળ જે છગનલાલનો મિત્ર હતો તે પ્રાણશંકર નરોત્તમ પર સૃષ્ટિ વિરૂદ્ધ કર્મ કર્યાનું તોહોમત મુકી, રેસીડન્ટ સ્ટુડન્ટમાંથી ને બને તો કોલેજમાંથી જ કઢાવી મુકવા માટે પ્રીન્સીપાલને આપવાની અરજી તૈયાર કરી. તેમાં ઘણાખરા ગુજરાતીઓએ જ સહી કરી. ભૂપતરાય, જેનું નામ મેં આગળ આપેલું છે તેણે મને આ સંબંધમાં અતુલ મદદ કરી માટે તેનો સ્નેહ હું અદ્યાપિ સાચવી રહ્યો છું. આ અરજીનું મને જાણ કરાવ્યું ને કહેવરાવ્યું કે પ્રાણલાલની માફી માંગો તો અરજી માંડી વાળીએ. મેં કહ્યું કે હું માફી માગવાનો નથી, કેમકે મેં કોઈ પ્રાણલાલનો ગુનો કર્યો નથી, જેમ ઈશ્વરેચ્છા હશે તેમ થશે. આ વાત આઠ દશ દિવસ ચુંથાઈ ને તે દરમ્યાન મારૂં ચિત્ત વ્યગ્ર હોવાથી એટલો મારો અભ્યાસ પડયો. પરિણામે મારા મિત્ર ભૂપતરાયે મારી કોલેજમાં એક ફેલો નામે ગણેશ શ્રીપંથ ખાપર્ડે હતો તેને વચમાં નાંખી સમાધાન કરાવ્યું તેમાં ફક્ત છગનલાલે માફી માંગી. સમાધાન થતાં જ પ્રાણલાલ મને મળ્યો અને કહે કે "કેમ હવે first આવી રહ્યો ને? તારા મનમાં પવન ઘણો ભરાયો હતો તે જરા નરમ પાડવા આ કર્યું હતું!" આ સાંભળતાં જ મને થયું કે આ કામ અદેખાઈથી જ થયું. પ્રાણલાલ હોળીનું નાળીએર બન્યો તેનું કારણ એટલું જ કે તેને ને મારે મૂળ પ્રથમ ટર્મમાં બોલાબોલ થઈ હતી. ને તે જાતે મૂર્ખ પણ હતો. આ પછી, ૧૦-૧૨ દિવસે F.E.A.ની પરીક્ષા થઈ, તેમાં હું પ્રથમ નંબરે આવી શક્યો નહિ. ત્રીજે નંબરે પાસ થયો, તથા લોજીકના વિષયમાં અને મારા Voluntary Subject મોરલ ફીલોસોફી તેમાં પહેલે નંબરે પાસ થયો. આમ થવાથી મને સ્કોલરશિપ રૂ. ૧૫)નું મળ્યું ને તે ૧૮૭૯ના એપ્રિલની આખર સુધી ચાલ્યું.

આ પરીક્ષાના સમય પછી વેકેશનમાં હું નડીઆદ આવ્યો. ત્યાં મારા મિત્રમંડળની અવસ્થા તો મેં પૂર્વે કહેલી જ છે. બાળાશંકર મોહનલાલ ચતુરભાઈ ને દોરાબજી એ મહારૂઢ મૈત્રી અનુભવતા હતા ને બને તેટલી રીતે મને દૂર રાખ્યાં જતા. હું પણ તેમનામાં બીલકુલ ભળતો નહિ. મેં મારો વખત એકાંતમાં ને અભ્યાસમાં જ ગાળવાં માંડયો હતો. આવા વખતે અકસ્માત્ દોરાબજી તથા મોહનલાલ લઢ્યા તે પણ દોરાબજીએ મોહનલાલને બાળાશંકર પાસેથી ખસેડવાનો પ્રયત્ન કર્યો તેમાંથી – એટલે મોહનલાલ બાળાશંકર ને ચતુર ત્રણેનો સ્નેહ ર્દઢ થઈ જે પાપરૂપ માણસ હતો તે દૂર થયો. આ માણસ જ ખરો પાપરૂપ છે અને એણે જ મણિલાલને પણ ફસાવ્યો છે એવી મોહનલાલને ખાત્રી થવાથી એણે બાળાશંકરને કહ્યું કે આપણે ગમે તેમ કરી મણિલાલને આપણા સંબંધમાં હતો તેવો કરી લેવો. આ વાત મને જણાવવામાં આવી ને મેં પણ ખુશીથી મારા પૂર્વના મિત્રોની વાત માન્ય કરી, બાળાશંકરને મેં ફરીથી કહ્યું કે મારાથી તારો અપરાધ થયો છે તે તને મનમાં સાલતો હશે તે ખરૂં પણ તેનું ખરૂં કારણ સમજાયા પછી તું હવે સમાધાન પર આવ્યો જાણી મને સંતોષ થાય છે. એણે પણ કહ્યું કે એમાં કાંઈ માલ નથી, મને પણ મારા મિત્રને માફી બક્ષ્યાનો આનંદ થોડો નથી. આ રીતે અમો સર્વે વળી ફરી સંબંધમાં આવ્યા. બાળાશંકરનું મન તો હતું તેવું જ રહ્યું : અર્થાત્ એને જે એકને વધતું બતાવવું બીજાને ઓછું બતાવવું વગેરે ખટપટની ટેવ તે કાયમ રહી ને તેથી મને કેવળ અણગમો થવા લાગ્યો, પણ છેક તોડી ન નાંખતાં મેં સાધારણ સંબંધ રાખ્યાં કર્યો. પછી હું ફરી કોલેજમાં ગયો. બી.એ.નો અભ્યાસ આરંભ્યો તેમાં મારે voluntary વિષય શો લેવો તે વિચાર હતો, નિર્ણય એ થયો કે History તથા Pol. Economy લેવી; ને Historyમાં પણ India & England બે જ વાંચવી. આ વિષય લેવાથી જ માણસની બુદ્ધિ અને તર્કશક્તિ ખીલે છે તથા કાંઈ નવી અક્કલ આવી બોલવા લખવાની છટા સમજાય છે એવો મને નિર્ણય થવાથી એ વિષય મેં લીધેલા. આ મારી કલ્પના મને તો સંપૂર્ણ રીતે ખરી માલુમ પડી છે. મારી વાંચવાની ઢબ જુદી જ છે; દરેક વિષય હસ્તામલકવત્ થયા વગર મુકવો મને ગમતો નથી; તેમ ગોખીને સમજ્યા વિના યાદ રાખવું મારાથી બનતું નથી એટલે વારંવાર હરકોઈ વિષય માટે મારે ઘણાં પુસ્તકો વાંચવાં પડે છે. આવો મૂલથી નિયમ મનમાં જડાયાથી મારે કરવાની મહેનતમાં ઘણો વધારો થયો હતો ને મારે ૧૪-૧૫ કલાકથી પણ કોઈ વાર વધારે કામ કરવાની જરૂર પડતી. સંસ્કૃત વિષય કરી લેવામાં તો અહીં પણ મને ઝાઝી વાર કે મુશ્કેલી લાગી નહિ. મારા સંસ્કૃત શિક્ષક ડાક્તર રામકૃષ્ણ ગોપાલ ભંડારકર તથા ઇતિહાસ, ઇકોનોમી અને કાંઈક અંગ્રેજી ભાષાનો વિષય શીખવનાર મહાસમર્થ પ્રીન્સીપાલ વર્ડસ્વર્થનું નામ આજે સંભારીને પણ મને અતિશય માન પેદા થઈ આવે છે, અને તેમની મારા પરની પ્રીતિ તથા તેમની ભણાવવાની પદ્ધતિથી જ મને જે લાભ મળ્યો છે તે મળ્યો છે એમ મને વારંવાર કલ્પના થયાં જાય છે.

આ ટર્મના આરંભમાં મારાં વડ સાસુ મરી જવાથી મને મારા સસરાએ પાછો બોલાવ્યો. હું આવ્યો પણ મારા સસરાએ રીવાજ મુજબ મને ભાડાના પૈસા પણ ન આપતાં ફક્ત રૂ. ૩-૩ǀǀની પાઘડી બંધાવી. મેં પાઘડી પાછી આપી તે પરથી મારાં સાસુસસરાએ મને ઘણી ગાળો દીધી તથા હેરાન કર્યો એટલે બે દિવસમાં કંટાળીને હું પાછો જતો રહ્યો. આ વખતથી જ કાંઈક કંકાસના બીજ રોપાયાં. મને નડીયાદથી જતાં પહેલાં બાળાશંકરની મુલાકાત થઈ, પણ એમાં જણાયું કે એનો જીવ ખસી ગયો છે તથા એ અતિશય ગાંડપણની અવસ્થામાં છે. હું ઘણો દલગીર થયો ને એણે કહ્યું કે મારે મુંબઈ આવવું છે તો તે બાબત મેં એને સર્વ રીતે મદદ કરવા કબુલાત આપી. હું મુંબઈ ગયો તે પછી થોડે દિવસે બાળાશંકર પણ ત્યાં આવ્યો. એના પિતા વગેરેએ એની સંભાળ લેવાનું મને કહેલું હતું, પણ હું તો મારાથી બને તે એને માટે કરવું એવી મારી ફરજ સમજતો હતો. બાળાશંકરે ઘર રાખ્યું તેમાં હું પણ રહેતો, ને મારા ખાધાનું ખર્ચ એ ન જાણે એમ આપ્યાં જતો. માસ બે સુધી ત્યાં એનું રહેવું થયું ને દર્દમાં ઘણો ફેર પડયો. દર્દ કોઈ રોગ ન હતો. પણ એક જાતનો Monomania હતો; તે કેશવલાલ નામનો એનો ગાયનનો ઉસ્તાદ જે મુંબઈ હતો તેની સમક્ષ શમી જતો ને એનું મન આનંદમાં રહેતું. મારી અવગણના કરવામાં અને મને ન ગણકારવામાં તથા તેવી જ રીતે પજવવામાં એણે આ બન્ને માસ બાકી રાખી નથી. મારો જરા પણ અનાદર કરે તો તેવો માણસ મોહોટો ચક્રવર્તી હોય તો પણ હું તેના સામું ન જોઉં એ મારી પ્રકૃતિ દૂર મુકી કેવળ ફરજના માર્યા મેં સર્વ સહન કર્યું. ૧૮૭૬માં બાળાશંકર સાથે જે તૂટ થઈ તે પછીના મારા ને એના સંબંધોમાં મેં કદાપિ પ્રીતિનો અનુભવ કર્યો જ નથી, છતાં હું એટલા જ માટે સહન કરી રહેતો કે ફીકર નહિ મારો જરા પણ વાંક છે એટલે એમ જ હોય પણ પરિણામે ઠીક થશે. ટર્મ પૂરૂં થવા આવ્યું. પણ બાળાશંકર કેશવલાલને મુકી નડીયાદ આવે નહિ ને એનાં માબાપ કલ્પાંત કર્યાં જાય. આખરે એને સમજાવી હું નડીયાદ આવ્યો અને વેકેશનમાં રહી હું પાછો મુંબઈ ગયો.

બી.એ. માટેના બીજા ટર્મમાં જાણવાજોગ કાંઈ બન્યું નથી. એ ટર્મ આખર સ્કોલરશિપ માટે પરીક્ષા થઈ તેમાં મને રૂ. ૨૦)ની સ્કોલરશિપ મળી. વેકેશનમાં ઘેર રહી ત્રીજા ટર્મ માટે મુંબઈ ગયો. બીજા ટર્મમાંથી જ મારી સાથે તુળશીદાસ લક્ષ્મીદાસ કોલેજમાં રહેતો. એ એફ. ઈ.એ. માટે આવ્યો હતો. છગનલાલ લલુભાઈ તો એફ.ઈ.એ.માં નપાસ થઈ ઘેર ગયા હતા; ને ભૂપતરાય બી.એ.નો અભ્યાસ કરતો. આ ટર્મની આખર વખતે વળી મને જરા આડું અવળું કરવાનો ચસકો થઈ આવ્યો. વચમાં જે એકાદ વર્ષ ખાલી ગયું તે કોઈ સહાય કરનાર નહિ માટે જ. હાલમાં નડિયાદનો એક ઝવેરભાઈ એ કામમાં પ્રવીણ સાબિત થયો એટલે બે ત્રણ વાર એક તેની રાખેલી વેશ્યાને ઘેર જવું થયું. તેમાં બીજી કે ત્રીજી વાર ગયો તેમાંથી મને ચાંદી લાગુ થઈ. પણ આ વેળે રોગનું રૂપ જાણીતું હોવાથી પુરેપુરો ઉપાય લેવાથી આરામ થઈ ગયો ને કાંઈ ભય પણ રહ્યું નહિ. આ ટર્મમાં મારી નાતના... જેનું નામ મેં આગળ મારા પ્રતિસ્પર્ધિમાં ગણાવ્યું છે તે સારા મિત્ર થયા. તેમને સખ્ત ઉપદંશ થયેલો તે તેણે લાજના માર્યા કોઈને કહેલું નહિ તેથી તેની ઇંદ્રિય છેક તુટી જવા પર આવેલી. તેના ગામના અમદાવાદીઓ એની મશ્કરી કરી પીડા કરતા. આ ઉપદંશ તેને તેની સ્ત્રીમાંથી મળેલો હતો. એ માણસે આવી મને હકીકત કહી તે પરથી મેં તેને મારાથી થઈ તેટલી તનમનથી મદદ કરી આરામ પર આણ્યો. પણ પરીક્ષા તો એ બીચારા જુવાનની બગડી ને તેને મેં અધવચે અમદાવાદ પહોંચડાવ્યો. આ વખતથી તે ગૃહસ્થ મારો સારો મિત્ર છે. આ ટર્મની આખરે હું ઘેર આવ્યો.

આ વખતે મારી સ્ત્રીને મારે ઘેર સુવા રાખવાની હતી. મારી ઉમરમાં ૨૧ વીતીને બાવીસમું વર્ષ ચાલતું હતું; મારી સ્ત્રી ૧૧-૧૨ વર્ષની હતી. ઘેર સુવા રાખવાનો દિવસ દસેરાનો તહેવાર હતો. ઘરમાં સર્વ સગાંને જમવા નોતર્યા હતાં; કંસાર રંધાયો હતો. જમવાના કલાકેક આગળ હું બારી પર બેઠો હતો ને સામે કોઈ માણસ બેઠેલો તેની સાથે વાત કરતો હતો. એવામાં બાજુ પરનાં લાકડાંમાંથી નીકળી એક કાળો સાપ દોડતો મારા પગની લગભગ આવ્યો. મારી સામે બેઠેલા માણસની નજર તે પર પડી ને તેણે બુમ મારી તેથી મ્હેં પગ ઉંચા લઈ લીધા ને સાપ પાછો ફરી ભીંતની એક ફાટમાં ભરાયો. એક બે સ્નેહીઓ તેવામાં આવી પડયા. તેમણે લાકડી વતે છંછેડી સાપને બહાર કાઢવા પ્રયત્ન કરવા માંડયો. હું તો આ બધું મુકી જમવા વખત થવાથી જઈને જમવા બેઠો. કંસારનો કોળીઓ વાળીને મોંમાં મુકવા હાથ ઉપાડયો કે તરત પેલા લોકોએ બુમ મારી કે "મણિલાલ! સાપ નીકળ્યો." મેં કોળીઓ નીચે મુકી સાપને પકડયો અને નંખાવી દીધો. આ બનાવથી મારૂં દીલ ખાટું થઈ ગયું ને ખરેખર તે જ દિવસથી મારી સ્ત્રી એવી તો દુઃખદાયક નીવડી કે એ થનાર વ્યથામાંથી મને મુક્ત કરવા કાલરૂપ શ્રી હરિએ મોકલલો આ સર્પ અને ડસ્યો હોત તો બેહેતર હતું. આ વાત મારા મનમાંથી વેહેમરૂપ મનાઈ ઘસાઈ ગઈ હોત પણ પાછળનાં પરિણામે આ શકુનનો આવો જ અર્થ મારા મનમાં ર્દઢ કર્યો છે. વળી આશ્ચર્ય એ છે કે આ દસરા પછી બીજાં બે વર્ષની દસરા આવી જ જાતિના બનાવ વિના વીતી નથી. બીજે વર્ષ દસરાના પ્રાતઃકાલમાં જ મારા પર છાપરામાંથી સર્પ પડયો ને મને માલુમ ન છતાં હું કેવળ પ્રભુકૃપાથી બચી ગયો. ત્રીજે વર્ષ હું મુંબઈ હતો ત્યાં સર્પનો ભય ન હતો. પણ મેં મારા મિત્રોને કહ્યું હતું કે કાંઈક થવું તો જોઈએ. સાંજે અમે સર્વે જમવા બેઠા ત્યારે એકદમ મારા પાટલા નીચેથી એક ગજનો કાનખજુરો નીકળ્યો!!! અસ્તુ. આ દેહ કોણ જાણે શા પરિણામ માટે નિમિત્ત હશે ! અમારાં પત્ની તો સુવા આવ્યાં – પણ આવ્યાં તે જ રોજ અત્તરની શીશી લાવેલાં – મેં પુછ્યું ક્યાંથી આણી તો કહે કે મારા ભાઈની ઉઠાવી આણી છે. આ પરથી જ મને બાઈશ્રીનામાં ચોરીનાં અંકુર જણાયાથી મનમાં ખેદ થયો. મને કોઈ રીતે સંતોષ કે આનંદ પેદા કરે તેવો ગુણ આ સ્ત્રીમાં ન હતો. હાલ મારા મનમાં એટલું જ હતું કે એ અભણ છે. પણ હું ભણાવી કુશળ કરીશ. પણ આજ સુધીના અનુભવમાં, અભણ, ચોર, કાવતરાંખોર, લુચ્ચી, જુઠી, ગળાં કાપતાં ન ડરે તેવી ને વ્યભિચારી એ સ્ત્રી મને પૂર્ણ રીતે જણાઈ છે. એ આ દરેક બાબતની સાબીતીનાં પ્રમાણ આપવા બેસું તો જુદો ગ્રંથ થાય એમ છે, પણ અત્રે એટલું જ જણાવવું બસ છે કે એ દરેક વાત ઘણા દાખલા જાતે જોઈ જોઈને મેં મારી પોતાની મેળે સાબીત કરેલી છે; ને તેમાં મેં કાંઈ પણ સાંભળ્યું હોય તે હીસાબમાં લીધું નથી. હાલ સુવા રહેલી તેમાં જ મારા પહેલાં ઉંઘી જવું, ખાટલો કદાપિ ન ઉથામતાં માકણભર્યો રાખવો ને પાથરવો નહિ, ખાટલામાં સુતે સુતે રાતમાં "બા, બા" એમ વદવું, કોઈ કોઈ વાર રાતે મુતરીને ખાટલો ભરી દેવો વગેરે અંતરની વાતોથી અને ખુણે ખાચરે ચોરીને ખાધાં જવું, જુઠ સાચાં કરવાં ખોટી વાતો સાસરા પીએર વચ્ચે ચલાવવી વગેરે બાહ્ય આચારથી મૂલમાંથી જ આ સ્ત્રી પર મને કેવી પ્રીતિ થઈ હશે તે વાંચનારે વિચારી લેવું. મારૂં ચિત્ત આમ છતાં પણ એ વાતમાં ન પરોવાતાં મારા માથે આવી રહેલી પરીક્ષામાં ગુંથાઈ ગયું હતું. મારા છેવટના જયનો વખત હાથવેંતમાં હતો, ને મેહેનત કરવામાં પાછી પાની કાઢતો નહિ. હું મુંબઈ ગયો ને પરીક્ષા સંતોષકારક રીતે આપી આવ્યો. મને મારા કામનો જે સંતોષ થયેલો તે સંબંધી એક વાત જણાવવા જેવી છે. મારા મિત્રે મને પુછેલું કે તું પાસ થાય તો તાર મુકીએ? મેં જવાબ દીધેલો કે પાસ તો હું થવાનો જ છું, પણ ક્લાસ લખી જણાવજો ને English વિષયનું કે History & Political Economy વિષયનું એક Prize મને મળશે તે પણ જણાવજો. તેણે પણ મારૂં કહેવું માન્યું ને પરીક્ષાનું પરિણામ જોવા જતાં ઘેરથી જ કાગળ લખી ક્લાસ અને ઈનામની જગો ખાલી રાખી ગયો. તેમાં પેન્સીલથી બીજો ક્લાસ તથા History & Political Economyના વિષયનું ઈનામ એમ લખી તેણે કાગળ મને મોકલ્યો તે વાંચી મને પરમ સંતોષ થયો કે મારી એક મેહેનતનું તો પરિણામ શુભ રીતિએ આવ્યું. આશા રાખું છું કે વાંચનાર વિદ્યાભિલાષી જનો આવા સંતોષથી કાર્ય સંપાદન કરી આનંદિત નીવડે. હું આખી પરીક્ષામાં બીજે નંબર પાસ થયો હતો, અને મારી ૩૦ માર્ક ઓછી હોવાથી પહેલા ક્લાસમાં ન જઈ શક્યો એમ ખબર થતાં અમારી કોલેજમાં Fellow તરીકે રહેવા મેં અરજી કરી. પ્રીન્સીપાલ વર્ડસ્વર્થની કૃપાથી મને Fellow નીમવામાં આવ્યો પણ પગારદાર જગો ખાલી ન હોવાથી Honorary નીમ્યો ને આવતા વર્ષથી પગાર મળવાનો ઠર્યો. મને મળેલી. રૂ. ૨૦)ની સ્કોલરશીપ હજુ ચાર માસ ચાલે તેમ હતી એટલે આવી રીતે મળેલા માનનો ઉપભોગ કરવા હું મુંબઈ જઈ Fellow તરીકે કામ કરવા લાગ્યો.

મારી સ્ત્રી તથા મારા મિત્રમંડળ સંબંધી સહજ હકીકત આ વખતમાંની આપવી ઉચિત છે. બાળાશંકરને મેં નડીયાદ પાછો આણ્યો તે પછી મારે ને એને કાંઈ સંબંધ રહ્યો નહિ તે વળી પૂર્વવત્ થઈ રહ્યું. મોહનલાલ, ચતુરભાઈ એ એના પરમ મિત્ર હતા. આ વખતે એ ઉભયને કાંઈ કારણસર બાળાશંકરના સ્નેહમાં ન્યૂનાધિક જણાવા માંડયું, તેથી તેઓ એને મુકી દૂર થયા. હું નડીયાદ આવ્યો ત્યારે મને મળ્યા અને અમે ત્રણે, મારા બી.એ. થયા પછી, કાંઈક મિત્ર સંબંધમાં સંકળાયા. મારી અને આ બે માણસોની મૈત્રી જે હાલ પણ કાયમ છે તે તે કાલથી શરૂ થઈ. મારી સ્ત્રીને હું નડીયાદ આવ્યો ત્યારે બીજી વાર સુવા મોકલવામાં આવી. આવી તેને બીજે જ દિવસે તેની મા તેને પાછી લઈ જવા આવી. તે દારૂ પીને આવી હોવાથી ન કહેવાય તેવી ગાળો દઈ લઢાઈ કરી ગઈ. આનું પરિણામ, મારા મનને મારા સાસરાના માણસ પરથી કેવળ ફેરવી નાંખવાવાળું થઈ પડયું. મેં મારી સ્ત્રીને મારે ઘેર કબજે કરી, અને મારે સાસરે જમવા ખાવાનો વ્યવહાર મુકી દીધો. બેત્રણ માસ મારી સ્ત્રી મારા ઘેર રહી, પણ દરમીઆન તેની કાવતરાં, ચોરી તથા છુપા સંદેશ વગેરે કરવાની ટેવ મટી નહિ. હું નડીયાદમાં જ હતો તેવામાં મારા પિતાને કેટલાક લોકોએ શરમાવવાથી મારી સ્ત્રીને તેને પીએર જવા દીધી. મારા સાસરાવાળાં હવે તેને પોતાને ત્યાં રાખી બેઠાં, એમ કહીને કે અમારે તો મોકલવી જ નથી – અને તેના કારણમાં મારી મા મારી સ્ત્રીને મારે છે એવી નિરાધાર ગપ લોકમાં ચાલતી કરી.

આ સ્થલે કહેવાની જરૂર છે કે મારી જીંદગીની મુખ્ય શોધ કોઈ શુદ્ધ પ્રેમસ્થાન મેળવવા તરફ હતી. તેવું સ્થાન સ્ત્રી મળે, ને તે વળી પોતાની પરણેલી હોય તો ઘણું શ્રેષ્ઠ એમ હું માનતો. પણ વ્યર્થ! સ્ત્રીના અભાવે કોઈ પુરુષની સાથે ખરો પ્રેમ બંધાય તો તે પણ મને ઈષ્ટ હતો. આ જ કારણથી હું મિત્રોની વ્યવસ્થા વારંવાર કર્યાં જતો ને બને તેટલી રીતે મારા મિત્રો મારા પર એકપ્રેમ રાખે તેવો પ્રયત્ન આચરતો. પ્રેમનું સ્વરૂપ હું એક પ્રકારનો આનંદમય તથા પોતાપણું ભુલી પારકામાં તન્મય થવાય એવો અભેદ માનતો. મારૂં વય સમજવાળું થયા પછી હું કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધમાં આવ્યો હોઈશ, તે પણ આવી શોધના ઇરાદાથી, વિષયવાસનાથી નહિ. પણ સ્ત્રી પુરૂષ ઉભય પક્ષે મને મારી ઇચ્છા મુજબ ફલ મળ્યું નહિ, ને એ પ્રેમ અંતે વિરાગરૂપે પરિણામ પામ્યો એ આગળ જણાશે. આવા પ્રેમના આવેશમાં જ તે પ્રેમનું સ્વરૂપ બતાવવા માટે મેં મારા નવા મિત્ર મોહનલાલને ૧૮૮૦માં "પ્રીતિ પ્રેમ વદું જય જય જય વાણી" એ દિંડી લખેલી.

કોલેજમાં હું Fellow થયો. હવે મારે શું કરવું? લૉ ક્લાસમાં હું ૧૮૭૭નું વર્ષ ગયેલો, પણ Juisprudenceની પરીક્ષામાં નપાસ થયા પછી મેં એ અભ્યાસ મારા કોલેજના અભ્યાસમાં વિધ્નરૂપ માની મુકી દીધો. આ પરીક્ષામાં હું કેમ નપાસ થયો એ પ્રસંગ જાણવાજોગ છે. મેં આખા વર્ષમાં એ સંબંધી કાંઈ પણ વાંચ્યું ન હતું. ફક્ત ઈદરઉદર કાંઈ જાણતો હતો. મારો મિત્ર યુસુફઅલી મને આગ્રહ કરીને પરીક્ષામાં બેસવા લઈ ગયો. પરીક્ષાના સ્થલમાં કોઈ દેખરેખ રાખનાર ન હોવાથી ઘણાખરા ચોપડીઓ ઉઘાડી રાખી જવાબ લખી કાઢતા હતા, ને કેટલાક પડોશીનામાંથી "કોપી" કરી લેતા હતા. મને કાંઈ આવડે તેમ ન હતું એટલે હું ઊઠી જવા લાગ્યો. મારા મિત્ર યુસુફે કહ્યું કે મારામાંથી ઉતારી લે, પણ તે વાતની ના પાડી હું ચાલી ગયો. એ વખતથી મારી lawના અભ્યાસ સંબંધી કથા પુરી થઈ. Fellow થયા પછી એમ થયું કે હવે એ અભ્યાસ જારી કરૂં, પણ મને એમ લાગ્યું કે મારું મુંબઈમાં રહેવું મારી Scholarship બેચાર માસ ચાલે તેટલી જ મુદતનું છે. એટલે જેમાં ત્રણ વર્ષ જોઈએ એવા અભ્યાસમાં જરા આંગળી કરવાથી કાંઈ નફો નથી. M.A.ની પરીક્ષામાં જવાનો વિચાર થયો પણ તેએ આવા જ વિચારથી માંડી વાળ્યો. આમ છતાં એમ નિશ્ચય કર્યો કે M.A.માં History Philosophyનો વિષય ઘણો કઠિન મનાય છે, તે આખો વાંચી જ્ઞાન તો જરૂર મેળવવું. એ વિષયનો મને શોખ પણ ઘણો હતો, એટલે અમારા વિદ્વાન પ્રીન્સીપાલ પાસેથી ચોપડીઓની યાદી કરી આંણી વાંચવાનો આરંભ કર્યો. કવિતા બનાવવા વગેરેનો શોખ પણ ઘટ્યો ન હતો. સાહિત્યનાં સસ્કૃત પુસ્તકો, તથા બીજા નાટકાદિ કાવ્યના ગ્રંથ મારા વાંચવામાં આવ્યાથી મને એ વિષયનો ર્દઢ પ્રેમ થઈ રહ્યો હતો. ભવભૂતિપ્રણીત માલતીમાધવનું ભાષાંતર કરવું એમ બીજો વિચાર પણ કર્યો ને કામ શુરૂ કર્યું. કોલેજમાં ભણાવવા માટે તો મને કેવળ અણગમો આપનારા અને પુરા ન આવડે તેવા વિષય Trigonometry & Euclid મળ્યા. છતાં હું મેહેનત કરી જતો ને મારા વિદ્યાર્થીઓ મારાથી સંતોષ પામતા એમ હું જાણું છું. આ વ્યવસ્થાથી એપ્રિલ માસ સુધી ટર્મ પુરૂં કર્યું. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં Convocation થઈ Diploma પણ મળ્યું હતું.

રજામાં ઘેર આવ્યો, પણ હવે નોકરી ખોળવી જોઈએ. અમદાવાદમાં Educational Inspectorને જઈ મળ્યો ને તેણે કેળવણી ખાતામાં ૫૦–૬૦ની નોકરી અક્ટોબરમાં આપવા કહ્યું. હવે જુનથી સપ્ટેંબર સુધી Fellow થઈ રહેવું કે નહિ એ વિચાર પડ્યો. પણ મનમાં એમ આવ્યું કે કદાપિ આક્ટોબરમાં નોકરી ન મળી તો જાનેવારીથી કોલેજમાં રૂ. ૬૦)નો મહીનો મળશે. માટે ખર્ચ વેઠીને પણ મુંબઈ રહેવું, એમ ધારી ગયો.

મારા ગામના રા. રા. મનઃસુખરામ સૂર્યરામ મુંબઈમાં જ રહેતા. તેઓ સારી નોકરીવાળા સમૃદ્ધ, પ્રતિષ્ઠિત, તથા પ્રથમ વર્ગના વિદ્વાનોમાં મુખ્ય હતા. એક રીતે તેમની ને મારા પિતાની મૈત્રી હોવાથી તેમની સંભાળ મારા પર ઘણી હતી કે તેઓ મારા કલ્યાણમાં ઉત્સુક રહેતા. મારૂં માલતીમાધવનું ભાષાંતર તૈયાર થયેથી કચ્છના દિવાન પ્રસિદ્ધ દિવાન બહાદુર મણિભાઈ જસભાઈને અર્પણ કરાવી મને ખર્ચમાંનો મોહોટો ભાગ અપાવવા તેમણે ધીરજ આપી. મારે નોકરીની અપેક્ષા છે એમ તેમના સમજવામાં આવેલું હોવાથી તેમણે ભાવનગરના નાયબ દીવાન રા. રા. વજલભાઈ ગગાભાઈને ઘેર તેમના દીકરાઓને ભણાવવા તથા સેક્રેટરી તરીકે કામ કરવા રૂ.૭૫)ની ખાનગી જગોની વેતરણ કરી. આ વાત મને માલુમ ન હતી, પણ ભાવનગરથી મનઃસુખરામભાઈના કોઈ સગાએ મને પુછાવ્યું ત્યારે હું એમને મળવા ગયો ત્યાં મને ખબર પડી. મારે ભાવનગર જવું એમ સલાહ મળવાથી હું તૈયાર થઈ નડીઆદ આવ્યો. આ વાત જુન માસની આખરમાં બની. પણ મને દેશી રાજ્યમાં ને તે પણ કોઈ ગૃહસ્થની ખાનગી નોકરીમાં જવાનો ઘણો અનાદર હતો, એ બે મેં સહજ અમદાવાદમાં Educational Inspectorને લખી જણાવ્યું કે અક્ટોબરમાં નોકરી આપવી, એવું તમે વચન આપતા હો તો મારા વિષે હાલ જે ગોઠવણ થઈ છે, તેની હું ના પાડું આ વાતનો ઉત્તર મને મળ્યો નહિ ને હું તો ભાવનગર જવા તૈયાર થયો. જે દિવસે સાંજે હું નીકળનાર તે દિવસ બપોરે કોઈએ મને કહ્યું કે તમને અહીંની (નડીઆદની) હાઈસ્કૂલમાં રૂ. ૬૦)ની જગો મળી છે એમ મેં અમદાવાદમાં સાંભળ્યું છે ને તમે ભાવનગર કેમ જાઓ છો? આ વાત સાંભળી ગાડીનો સવડ હોવાથી હું અમદાવાદ ગયો ને વાત ખરી ઠરવાથી (નોકરીનો હુકમ મુંબઈ જવાથી મને મળેલો નહિ) મેં ભાવનગરની નોકરી બાબત રાજીનામું લખી મોકલ્યું. પછી સ. ૧૮૮૦ના જુલાઈ માસની ૩૧મી તારીખે, લગભગ ૨૨ વર્ષની વયે, નડિઆદ હાઈસ્કુલ સબ પ્રોટેમ બીજા આસીસ્ટંટની જગો પર હું દાખલ થયો. મને પગાર દર માસે રૂ. ૬૦) મળતો હતો.

મુંબઈમાં મેં જે અભ્યાસ આરંભેલો હતો તેમાં મને ઘણી વાતો નજરે આવી હતી. યુરોપીઅન સુધારો, નીતિ, રીતિ, તથા ઈશ્વર, મોક્ષ ઈત્યાદિકના વિવિધ તર્ક મારી નજરે રમી રહ્યા હતા. મને એમ પણ નિર્ણય થયો હતો કે માણસના જીવિતનું મુખ્ય અને છેવટનું કર્તવ્ય એ જ છે કે આ તમામ વાતો વિષે નિર્ણય કરવો; નહિ તો તેની જિંદગીનો વખત કેવળ નિરર્થક જવાનો. હું કોલેજમાં રહ્યો તે દરમીઆન કેવલ નાસ્તિક બની ગયો હોઈશ એમ કોઈ અનુમાન કરે તો ખોટું નથી, કેમકે તેમ થઈ શકવાની સહજ સામગ્રિ મેં આગળ બતાવેલી છે. પણ આ બધું વાચનમાં આવ્યા પછી મનમાં ભારે ગરબડ ઉઠવા લાગી અને ધર્મ, નીતિ તથા સુધારાના તત્ત્વ વિષેનો નિર્ણય કર્યા વિના મારી જીંદગી સુખમાં કે નિશ્ચિત માર્ગે જવાની નથી એમ મને દ્રઢાગ્રહ થયો. નડીઆદમાં પણ એવો ને એવો અભ્યાસ કાયમ રાખ્યો. પણ કહેવું જોઈએ કે યુરોપીઅન ફીલસુફોનાં લખાણથી મને પુરો સંતોષ થયો નહિ. મારા મનમાં એમ તર્ક ઉઠ્યો કે મને સંસ્કૃત તો આવડે છે ને પંડિતો – યુરોપના ને અહીંના – સંસ્કૃતમાં ફીલોસોફીની બાબતોનાં ઘણાં વખાણ કરે છે તો તેમાં શા ખુલાસા છે તે જાતે મૂળ સંસ્કૃત ગ્રંથ વાંચી સમજવા. આ ઉપરથી મેં પ્રથમ તો મહાભારત, રામાયણ, ગીતા વગેરેના કોઈ કોઈ અંશ વાંચવા માંડ્યા, તેમ કોઈ સ્મૃતિ વાંચવા માંડી, ને યુરોપીઅન સ્કોલરોનાં એ સંબંધનાં લખાણ પણ ધ્યાનમાં લેવા માંડ્યાં. નડીઆદમાં પુસ્તકો મળવાં કઠિન પડતાં, પણ ધીમે ધીમે અભ્યાસ ચાલતો. આ વાતની સાથે જ માલતીમાધવનું ભાષાંતર પણ ચાલ્યાં જતું. તે પુરૂં થયું ને તેની એટલી નકલ ખપી કે જેમાંથી ખર્ચ માત્ર આવી રહ્યું. એ ગ્રંથ પ્રસિદ્ધ થતામાં કોઈએ એના પર અભિપ્રાય જણાવ્યો નથી. પણ તે પછી બે વર્ષે "ગુજરાતી"માં કાંઈ આવ્યું હતું તે કેવળ સ્તુતિમય હતું. શાળામાં જે પગાર મળતો હતો તેમાં કદાપિ વૃદ્ધિ થશે કે નહિ એવા સંશય આગળપાછળનો વિચાર કરતાં આવવા લાગ્યા ને ગરજના માર્યા વળી કાયદાને શરણ થવું એમ ઈચ્છા થઈ. મુનસફની પરીક્ષામાં જવા માટે કાંઈ કાંઈ વાંચવા પણ માંડ્યું. આ ઉપરાંત શાળાનું કામ તો ચાલતું જ હતું, તેમાં જે જે વિષય જેને જેને મેં ભણાવ્યો છે તે સર્વની મારા પર અનન્ય પ્રીતિ છે એમ મને અદ્યાપિ માલુમ છે.

અત્યાર સુધી મેં મારાં સગાંસંબંધી બાબત કાંઈ લખ્યું નથી. એક વાર એમ જણાવવામાં આવ્યું છે કે તેઓ દાદાના કાળથી જ અમારા અહિતમાં રાજી હતાં. મારું વય ઘણું નાનું તેવામાં મારા પિતાએ એક સગાને રૂ. ૧૫૦૦ ધીરેલા તે રૂપિયા તેણે ઘાલ્યા, ને તે ઘલાવવામાં અમારાં સર્વ સગાંએ તનમનથી મદદ કરી. તેમાં મારા એક સગા કાકાએ ને માની માશી તથા મામાના દીકરાઓએ તો ઘણી જ. આમ થવાથી ચારે તરફ વૈર વધી ગયું હતું. સગાંમાં આવી રીતે ઉઘાડું વૈર હતું. બ્રાહ્મણમાત્ર હું ભણીને નોકરી કરતો થયો તેથી તેજોદ્વેષમાં બળી રહ્યા હતા, ને ગૃહસ્થોમાં પણ ઘણાને હું જેવા બ્રાહ્મણના આવા નજીવા અભ્યુદયની વાત પણ પસંદ ન હતી. નાતના સંબંધમાં આ પ્રમાણે વ્યવસ્થા હતી. હું ગામમાં નોકરી પર આવ્યો તે વખતે આ સર્વમાંના કોઈ કોઈ લોક જ ખુલ્લું વૈર કરતા તે ઠંડા પડી ગયા ને સર્વે ગુપ્ત વૈરી બની રહ્યા. આ સંખ્યામાં તો આજે દશવીશ ઘણો ઉમેરો છે, પણ સઘળું ગુપ્ત છે. મારા મિત્રમંડળ સંબંધે હું મોહનલાલ ને ચતુરભાઈ ત્રણ વારંવાર મળતા ને અમારો સ્નેહ ચાલ્યાં જતો. યોગ એવો બનેલો કે ચતુરભાઈ સ્કૂલમાં મારા હાથ નીચે ભણતા છતાં સ્નેહમાં કાંઈ વ્યગ્રતા થઈ નહિ. બાળાશંકર મેટ્રીક્યુલેશનમાં પાસ થઈ અમદાવાદ કોલેજમાં ભણવા રહેતો ને ત્યાંથી પણ નિષ્ફલ વખત ગુમાવી દુર્વ્યસન માત્ર શીખી નાની નાની નોકરીઓ કરતો. સાંભળ્યા પ્રમાણે ને વારંવાર પ્રત્યક્ષ જોયા પ્રમાણે દારૂ, ગાંજો, તંબાકુ, ભાંગ વગેરે તમામ નીશાની જણશોમાં તે રાતદિવસ બેભાન રહેતો; વ્રજ તથા ફારસીનો સારો અભ્યાસ કરેલો હતો. કવિતાનો ઉત્તમ હાથ બેઠો હતો ને ગાવા બજાવવામાં સારી ઉસ્તાદી મેળવી હતી. એટલે તે સર્વમાંથી મન શોખમાં પડ્યું. તે માણસ કેવળ અવ્યવસ્થિત ચિત્તનો તથા તરંગી હોવાથી જેમ ધ્યાનમાં આવે તેમ કરવા લાગ્યો. રંડીબાજીની પણ સીમા રહી નહિ. પગાર મળતો તે ઉપરાંત આવાં કામમાં સર્વ મળી ૪-૫ હજાર રૂપિયા દેવા કર્યાની વાત અમને ખબર પડી છે. આમ થવાથી એને ને અમારે બોલવા ચાલવા માત્રની મૈત્રી રહી હતી તે પણ બંધ થઈ ગઈ; ને એક રીતે એક તરફ બાળાશંકર ને બીજી તરફ હું, મોહનલાલ ને ચતુરભાઈ એ વચ્ચેની મૈત્રીની કથા આ ઠેકાણે સમાપ્ત થઈ કહીએ તો ચાલે. આમ થવાથી મારા ને તેના ઘરનાં માણસો વચ્ચે પણ ઉંચાં મન થઈ ગયાં. ને એના પિતાથી તો મારી ઉન્નતિ ન ખમાઈ એટલું જ નહિ, પણ તેના મનમાં સખ્ત દ્વેષ પ્રદીપ્ત થયો. મારી સ્ત્રીના સંબંધમાં હતો તેવો રડાકુટો ચાલુ જ હતો. મારી માસીજી તથા માસાજીએ મને આગ્રહ કરી સાસરે જમવા આણ્યો, ને પાઘડી અપાવી વગેરે પ્રણિપત કરાવી. મારી સ્ત્રી વળી મારે ઘેર આવતી જતી થઈ, પણ તેમાં મને કાંઈ આનંદ પડ્યો નહિ. તેણે તેની જુદી જુદી ટેવો મૂકી નહિ. એ કહેવાનું રહી ગયું કે મારા આપ્ત મંડળમાં આ વેળે બે માણસ ભળ્યાં. આ ગામના વાણીયા સાંકળચંદ મગનલાલ બાળાશંકરને ત્યાં જતા ને તેના પાકા પ્રેમમાં પડેલા હતા, તેમને મારો સ્નેહ કરવાનું મન થવાથી તે મને આ પ્રસંગે મળ્યા. મારું દિલ પ્રેમ સંબંધમાં કેવલ ઉદાસીન થઈ ગયેલું હોવાથી તે જેવો ને જેવી રીતે સ્નેહ મને બતાવતો તેવો ને તેવી રીતનો સ્નેહ મને તુચ્છ લાગતો. એટલે પૂર્ણ વિશ્વાસયુક્ત સંબંધ થતાં એકાદ વર્ષ વાર લાગી પણ પરિણામે તે મારા મિત્રમંડળમાં ગણાયો. મારી નાતનો છોટાલાલ વજુભાઈ નામનો વર્ષ ૧૯-૨૦ની વયનો છોકરો શાળામાં ભણતો તે પહેલાં કોઈ કોઈવાર બાળાશંકર, મોહનલાલ વગેરેની સાથે મારે ઘેર આવતો તેનો પણ પણ કાંઈ અવર જવર આ પ્રસંગે વિશેષ થયો ને પરિણામ તે (નાની વયનો હોવાના કારણથી) મારા મિત્રમાં તો નહિ પણ મારા એક રીતિના પ્રિય ભક્તમાં ગણાયો.

૧૮૮૦ના નવેમ્બર ડિસંબર ને જાનેવારીમાં મને એવો સખ્ત તાવ આવેલો કે આશા પણ ન હતી. એ મટવાના વખતમાં ખબર મળી કે મુંબઈની ગુજરાતી નિશાળોના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરની જગો ખાલી પડી છે. મેં તે માટે ડાયરેક્ટરને અરજી કરી તેનો જવાબ મને કાંઈક આશા ભરેલો મળ્યો. પણ તે પછી બે ત્રણ માસ મેં કાંઈ સાંભળ્યું નહિ, ને વિવિધ ગપો સાંભળવા માંડી. એવામાં જેણે મને જગો આપેલી તે ઈન્સ્પેક્ટરને બદલે નવા આવેલ ઇન્સ્પેક્ટરે, અમદાવાદની હાઈસ્કૂલમાં કોઈ નવા જ ગ્રેજ્યુએટને રૂ. ૮૦-ની કાયમ જગો આપવા ધાર્યું છે એમ મેં સાંભળ્યું. હું હજુ એક્ટીંગ હતો તેને કાયમ કર્યો નથી તો પગાર વધારવાની તો વાત ક્યાં, છતાં નવા માણસને કાયમ જગો આપવી એ ગેરવાજબી ધારી મેં ડાયરેક્ટરને ફરીયાદ કરી. એના જવાબમાં મને કાંઈક ઠપકો મળ્યો. પણ એમ જણાવવામાં આવ્યું કે મુંબઈની જગો માટે તમારી ભલામણ હું સરકારમાં કરી ચૂક્યો છું એ જાણી તમે સંતોષ માનશો. આમ થયા પછી ૧૮૮૧ના માર્ચ માસની આશરે ૨૦મી તારીખ પછી મેં મુંબઈ જઈ ત્યાંના ડેપ્યુટી ઇન્સ્પેકટરની જગો (રૂ. ૭૫ પગાર + ૨૫ કાયમ ભાથું)નો ચાર્જ લીધો. આ સ્થળે મારા વૃત્તાન્તનું બીજું પ્રકરણ પુરૂં થયું મનાય. આ વખતે નડીઆદમાં મારૂં નવું ઘર બાંધવા માંડેલું તે પુરૂં થવા આવ્યું હતું.