આત્મવૃત્તાંત/ઉત્કર્ષ
← ઉચ્ચ અભ્યાસ | મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત ઉત્કર્ષ મણિલાલ દ્વિવેદી ૧૯૭૯ |
અધ્યાપક → |
મુંબઈમાં હું આશરે વળી ચાર વર્ષ રહ્યો; ૧૮૮૧ના માર્ચથી ૧૮૮૫ જાનેવારી સુધી. આ વખત જ મેં ઘણામાં ઘણા આનંદમાં, ઘણામાં ઘણા મોજમાં, ઘણામાં ઘણું જ્ઞાન મેળવવામાં ને આબરૂ મેળવવામાં ગાળ્યો છે, ને તે જ મારા જ્ઞાન અનુભવ ધીરજ વગેરેનો મૂળ પાયો છે. જે જે વાત હું હાથ ધરીશ તેનું આ ચારે વર્ષમાંનું સામટું વર્ણન આપી જઈશ. એટલે દરેક બનાવનો કાળક્રમ સચવાશે નહિ.
તેમાં પ્રથમ વાત મારી નોકરી સંબંધેની છે તેનું વર્ણન આપવું જોઈએ. ને ભેગું મારા મિત્રમંડળનું પણ કાંઈક આવશે. નોકરી કરતાં, ચાર પાંચ માસ થતાં એકલા ગમવા માંડ્યું નહિ, તેમ મારા મિત્ર મોહનલાલને નોકરીની અપેક્ષા ઘણી છે એમ મારા જાણવામાં પણ હતું તેથી તેને પ્રથમ રૂ. ૧૨ના પગારથી હું એક મહેતાજી તરીકે લાવ્યો. પ્રારબ્ધયોગે, મારા મુંબઈ છોડવાની વખતે, તેને રૂ. ૨૭) પગાર તથા ભણાવવા વગેરે ૧૫-૨૦ મળી લગભગ ૫૦) મળતી હતા ને હાલમાં ૬૦-૭૦ પડે છે. થોડીક મુદત પછી મારા બીજા મિત્ર ચતુરભાઈની પણ એવી જ ઈચ્છા જણાયાથી તેમને પણ મૂળ રૂ. ૧૨)ના પગારથી આણ્યા. પણ તેમનું નસીબ તેવું ચાલ્યું નહિ. હું મુંબઈથી ગયો તે વેળે નોકરી મુકી દીધી ને છાપખાનાનો ધંધો નડીઆદમાં માંડ્યો. કોઈના હક ડુબાવી મેં પ્રોમોશન વગેરે કદાપિ આપ્યું નથી, ને તેથી જ ચતુરભાઈ પછાત રહી ગયેલા. ત્યાંના મહેતાજીઓનો સંબંધ થયો તેમાં દલાભાઈ નામના મહુધાના પટેલનો સંબંધ ઘણો ઉત્તમ થયો. તેના જેવો કામગરો તથા એકવચની માણસ અને ચોખા દીલવાળો મને મારા આખા મિત્રમંડળમાં અદ્યાપિ મળ્યો નથી. બીજા ઘણા ઘણા મહેતાજીઓના સંબંધ થયેલા, પણ તે ફક્ત નોકરી રહી ત્યાં સુધી જ રહ્યા ને બદલી થયા કેડે ઘસાઈ ગયા. એવો જગતનો રીવાજ છે કે સ્વાર્થ માટે માણસ ખુશામત કરે, જે કહો તે કરે, દોસ્તી બતાવે, પણ સ્વાર્થ થયે કાંઈ નહિ. આમાંના ઘણાખરા સુરતી હતા – ને એ લોકો બાબત તો મેં છેક કોલેજમાંથી નિર્ણય કરેલો હતો, ને હાલ પણ તે રૂઢ થયો છે કે તેમના જેવા ગરજમતલબી કોઈ હોતા નથી, તેઓ ભલે નર્મદાથી ઉત્તર ગુજરાતના લોકને કંજુસ, અભણ વગેરે કહે પણ, નર્મદાથી દક્ષિણ ગુજરાતના લોક સમાન મેલા દીલના ને સ્વાર્થી લોક આખા ગુજરાતમાં ભાગ્યે જ હશે – કાઠીઆવાડ એક મૂકીને વાત કરવાનું છે, કેમકે ત્યાંની હકીકત આગળ આવશે. રાંદેરનો એક માણસ તેને મેં રૂ. ૧૫) થી ધીમે ધીમે પ્રસંગે પ્રસંગે રૂ. ૩૦) સુધી ચઢાવ્યો, તથા તેનો ભાઈ ખાનગી શાળામાં હતો ત્યાંથી નીકળ્યો તે પછી મદદ કરી તેને શાળા સ્થપાવરાવી તથા વ્યવસ્થા કરી રૂ. ૪૦૦-૫૦૦ ગ્રાંટના કમાતી થાય તેવે દરજ્જે લાવી આપી પણ તે ઉભય પરિણામે મેં જે પરીક્ષા કરી છે તેમાં અપવાદ ગણવા યોગ્ય નીવડ્યા નથી.
મહેતાજીઓ વગેરેમાંના અનુભવની આ તો વાત છે; પણ મારા કામ પરત્વે આખા ખાતાવાળા મારી ધાક માનતા તથા નિયમમાં રહી કામ કર્યાં જતા તેમ મારા પર સ્નેહભાવ પણ ઠીક જણાવતા. ગુજરાતી કેળવણીની સ્થિતિ મુંબઈમાં ઘણી જ અધમ જોવામાં આવી. તેને સુધારવાં મેં વિવિધ પ્રયત્નો આદરેલા હતા પણ તેનું ફલ કાંઈ જાણવા જોગ આવ્યું નહિ. મારા અખ્ત્યાર પૈકીની વાતમાં તો મેં સુધારા કર્યાં, પણ જે જે વાત ઇન્સ્પેક્ટર યા ડાયરેક્ટરને મેં વારંવાર લખી જણાવી હશે તે પર તેમણે જરા પણ લક્ષ આપ્યું નથી; બલ્કે એકાદવાર મને ઠપકો આપેલો છે તે આગળ કહીશ.
પરીક્ષા લેવાની રૂઢિ જ મેં એવી રાખી હતી કે જેથી માસ્તરોને સારું શીખવવા ફરજ પડે. કોપી બુકોમાં સુધારો કરી નાંખ્યો હતો. તથા છોકરાનો અભ્યાસ માબાપને ખબર પડી મહેતાજીની અને તેની વચ્ચે સંબંધ થાય માટે માસિક સર્ટિફીકેટ બુકની યોજના પણ મેં દાખલ કરી હતી. એ ઉપરાંત માસ્તરોની શંકાનો નિર્ણય થાય માટે મેં તેમની એક મંડળી સ્થાપી હતી, તેનું નામ Teachers' Association હતું. એક મહેતાજી ઘણો જુનો હતો. ને admissionની ફી લેવાનો નિયમ ન છતાં લે છે, અને લઈ ખાઈ જાય છે એમ મને જાણ થવાથી તેને પકડ્યો. તેણે ઘણા કાલાવાલા કરવાથી ને તે જુનો ૩૦ વર્ષ કરતાં વિશેષ મુદતનો નોકર હોવાથી મેં તેને સીક સર્ટિફીકેટ લાવી પેન્શન લેવા કહ્યું. પણ તે દરમીયાન તેણે મને રૂ. ૧૦૦૦) લાંચ આપવાનું કહેવડાવ્યાથી મેં એ વાત સાંભળી તે જ રોજ તેના વિષે તમામ હકીકત મારા ઉપરીને લખી તેને બરતરફ કરાવ્યો.
મારા ઉપરીઓની પણ મારા પર મહેરબાની રહેતી; પણ ડાયરેક્ટર હંમેશાં ખફા રહ્યા કરતો, વાજબી કારણસર તેને હું મળવા ગયેલો ત્યારે તેણે મારૂં અપમાન કરેલું તેથી તેના વિષે મને ઘણો હલકો વિચાર ભરાયો હતો, ને તે જ "આર્ટ સ્કુલ"ની બાબતની લડાઈમાં હું નોકરીની દરકાર ન કરતાં ખરી વાતને વળગી રહ્યો તેથી ચીડાઈને પણ પરિણામે તે મને કાંઈ કહી શક્યો નહિ. એક વાર કોઈ સ્ત્રી વિષે લખાણમાં મેં 'laboursickness' એવો શબ્દ વાપર્યો હતો, તે કદાપિ ખોટો હોય તો પણ અર્થ સ્પષ્ટ સમજાય તેમ હતું છતાં તેણે મને તેનો અર્થ પુછવાની હલકાઈ કરી. મેં પણ જવાબ લખ્યો કે Webster's Dictionaryને અમુક પાને જોઈ લેવું; આથી પણ તે ચીડાઈને મુંગો રહ્યો. છેવટ મેં મારા પગાર બાબત તકરાર ઉઠાવી હતી તેમાં પણ તે આડો ને આડો રહ્યો, પણ પરિણામે એમ કબુલ કરવું પડ્યું કે ગુજરાતમાં રૂ. ૧૫૦)ની જે પ્રથમ જગો ખાલી થશે તે તમને આપીશ. પણ એ ઠરાવ પછી એકાદ બે માસમાં તો મેં મુંબઈ મુક્યું.
શાળાનાં વાચનપુસ્તકોમાં ફેરફાર કરવાની હીલચાલ થતી હશે તે સંબંધે ગુજરાતના ઇન્સ્પેક્ટરે મને લખ્યું હતું કે તમે તમારા અભિપ્રાય જણાવજો. મેં આ બાબત બે વાર ડાયરેક્ટરને લખેલું હતું પણ ફોકટ. આ વેળે મેં તેને જ આધારે એક અંગ્રેજી ચોપાનીયું રચી કાઢ્યું – "Suggestions for a revision of the Gujarati Reading Series" ને તે છપાવી તે સાથે સ્ત્રીકેળવણીના નિયમ બાબત પણ એક પત્ર છપાવ્યું, તેની એક નકલ ડાયરેક્ટરને પણ મોકલી. તેણે મને જણાવ્યું કે મારી ચાલ ઠપકાને પાત્ર છે. તે પરથી મેં તેને જવાબ વાળ્યો કે "જે વાત તમારે ધ્યાનપૂર્વક જાણવી જોઈએ તે જણાવનાર કેવળ સાદા લખાણવાળા પુસ્તક બાબત તમે વિચાર ન કરતાં ઠપકો આપવા તૈયાર થાઓ છો, એ જોઈ હું ઘણો દલગીર છું." આ વાત પણ તેણે કાંઈ લંબાવી નહિ, બાકી મારી મરજી હવે તો તેની સાથે ખુલ્લી રીતે Government સુધી લઢવાની થઈ હતી. મેં એ ચોપાનીયું ઘણાને મોકલ્યું હતું તે સર્વેના ઘણા સારા અભિપ્રાય મળ્યા હતા. ને મુંબઈના ગવર્નરને મોકલાવ્યું હતું તેના સેક્રેટરીએ પણ લખ્યું હતું કે "તમે લખો છો તેમજ કેળવણીનાં પુસ્તક હોવાં જોઈએ. તેમ ન હોતાં કેળવણીની વ્યવસ્થા ચાલે છે એ મેં આજે જ જાણ્યું. આ વિષયમાં તમે મારા તરફથી જે મદદ માગશો તે કરીશ એમ નામદાર ગવર્નર સાહેબ લખાવે છે." આ મદદ મેં માગી હતી પણ જે આકારે માગી તે રીતે નિષ્ફળ ગઈ. સ્ત્રીકેળવણી કેવી હોવી જોઈએ તે સંબંધનું પણ એક પત્ર આ ચોપાનીયા સાથે હતું; ને જો પૈસા મળે તો તે plan ઉપર શાળા કાઢી મારે મફત કામ કરવાની તેમાં મેં પ્રતિજ્ઞા કરી હતી. કાઠીયાવાડમાં રૂ. ૫૦-૬૦ હજારનું ફંડ એ જ કામ માટેનું છે એમ જાણી મેં તે બાબત પેરવી કરી, અને કેવળ મારા પંડની મહેનત કરવા વચન આપ્યું, પણ એમ જણાયું કે ફંડ તો અમુક પ્રકારની જ સ્ત્રીકેળવણીમાં વાપરવા માટે સરકાર સુધી નિર્માણ થઈ ચુક્યું છે. મુંબઈમાં રા. ગોકળદાસ કહાનદાસ વગેરેએ મને એક વર્ષની અજમાયસનું દ્રવ્ય આપવા કબુલેલું, પણ મારી ગેરહાજરીમાં એ વાત કોઈએ માથે લેવા હામ ભીડી નહિ. મુંબઈની શાળાઓમાં ગાયાનો કાંઈક શોખ પેસાડવા પણ મેં પ્રયત્ન કરવામાં બાકી રાખી ન હતી. આમ કેળવણીમાં સુધારો થવાથી જ દેશનું કલ્યાણ છે એમ - સમજી હું તન મન અને જે મળે તે યથાશક્તિ ધનથી મેહેનત કરતો, પણ જાણવા જોગ પરિણામ અત્રે નોંધવાનું મારે હાથ નથી એથી દલગીર છું. આ વખતમાં દર માસે રૂ. ૩-૪, મારા ગામની હાઈસ્કૂલમાં ગરીબ પણ ભણવે કુશળ છોકરા હોય તેમને મારૂં નામ ન જણાય એમ ગુપ્ત રીતે અપાવતો. આવા પ્રકારના શ્રમ અને વિનોદમાં તથા નવા નવા એ સંબંધી ગ્રંથો વાંચવામાં ને યોજના કરવામાં મારો કાળ જતો. ઓફીસ સંબંધનું કામકાજ એ તો જુદું.
એ સિવાયના વખતમાં મારો ખાનગી અભ્યાસ અને લખવાનું ચાલતું. અભ્યાસ પરત્વે મેં જે સંસ્કૃત તથા અંગ્રેજી વાચનનો આરંભ કર્યો હતો તે દ્વારા મનને પુષ્કળ વિચારવાનું મળતું. હું મુંબઈમાં જ્યાં રહેતો હતો તે સ્થળ પાસે જ મારી કોલેજના મારા પરિચિત વિદ્વાન્ શાસ્ત્રી ભીમાચાર્ય રહેતા હતા. તે ન્યાય વગેરેમાં એક રત્ન છે. તેમની પાસે 'સર્વદર્શનસંગ્રહ' વાંચવાનો આરંભ કર્યો. હું મારી મેળે ભગવદગીતા ને તે પરનાં ભાષ્ય ટીકા વગેરે તથા બ્રહ્મસૂત્ર અને શારીરક તથા પંચદશી વગેરે વેદાન્તનાં પુસ્તકો વાંચતો. અંગ્રેજીમાં પણ ફીલોસોફી વગેરે ચાલુ જ હતું. આ પ્રમાણે થોડી મુદત ચાલ્યા પછી મને એમ નિર્ણય થયો કે હિંદુધર્મના નિયમોમાં જ કાંઈ પણ તત્ત્વ છે. આ ઉપરથી મેં ૧૮૮૨થી કોલેજમાં રહેવાથી થયેલું મારૂં નાસ્તિકપણું તજી, પૂર્વની પેઠે સંધ્યાવંદન વગેરે પ્રાતઃકાલમાં ઉઠીને તરત કરવાનો રીવાજ રાખ્યો તે અદ્યાપિ ચાલુ છે. આ રીતિએ જેમ જેમ હું વાંચતો ગયો ને જોતો તથા વિચારતો ગયો તેમ મારા મનમાં 'વેદાન્ત'- (શંકરનું)-ના નિશ્ચય દ્રઢ થતા ગયા અને તેને અનુસરીને હું સુધારા વગેરે તમામ બાબતોના નિયમોની મારા મનમાં યોજનાઓ કરવા લાગ્યો. આવી બુદ્ધિપૂર્વક યોજનાઓનું પરિણામ એ આવ્યું કે મારા દરેક વિષયના નિર્ણયની યોજના તપાસી જોતાં જુના કોઈ સ્મૃતિકાર કે શ્રુતિકારનામાંથી ન નીકળે એમ નથી બનતું. મારા વિચારો આમ હિંદુધર્મમય થઈ જવાથી સુધારવાળાને તે વેહેમ જેવા લાગે છે, પણ મને તો બુદ્ધિથી વિચારતાં એ વિના બીજો શ્રેયસ્કર માર્ગ જ સુજતો નથી. આ નિર્ણય થયા પછીનાં મારાં તમામ લખાણોમાં મેં આવા વિચાર પ્રતિપાદન કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો છે; ને ઘણાએક વિચારવંત માણસોનાં મન પણ હું ફેરવી શક્યો છું. આવી રીતે વાચનના ને વિચારના વખતમાં પણ મારી પરમપ્રિય "કવિતા"ને હું વીસરી ગયો ન હતો. તે સંબંધી પણ વાંચવા યોગ્ય સાહિત્યાદિકનાં પુસ્તકો વંચાતાં ને કાવ્યો નાનાંમહોટાં બન્યાં જતાં. મુંબઈમાં ફરી આવ્યો ત્યારથી મેં "કાન્તા" નામનું નાટક લખવાનો પ્રારંભ કર્યો હતો તે હાલ પુરૂં થયું ને તેને છપાવ્યું. એના પર ઘણા પત્રાદિકમાં ટીકા થઈ છે. તેમાં કોઈએ પ્રશંસા સિવાય બીજો અભિપ્રાય આપ્યો નથી. "સ્પેક્ટેકર"માં મી. મલબારીએ ઘણી જ સ્તુતિ કરી છે. પણ કારણ વિનાની સ્તુતિ કે કારણ વિનાની નિંદાથી મને હર્ષ શોક થતાં નહિ; એટલે રા. સા. નવલરામ લક્ષ્મીરામ જેને હું ગુજરાતમાં પ્રથમ વર્ગના ટીકાકાર તરીકે માનું છું, તેમણે "ગુજરાત શાળાપત્ર"માં મારે માટે લગભગ ૪૦ પાનાં લખ્યાં તે વાંચી મને મારી કદર થઈ જણાઈ. તેમણે મને પ્રથમ વર્ગના લખનારમાં ગણી "કવિ" નામ આપી નાટકને ઘણું વખાણ્યું (જો કે તેના Plot બાબત મારો ને તેમનો મતભેદ રહ્યો) અને એમાંનાં કાવ્ય જે મારા મનમાં હું બહુ જ સારાં માનતો હતો ને માનું છું, તેનું તો તેમણે યથાર્થ તત્ત્વ પકડી જાહેર કર્યું તેથી મને પરમ સંતોષ પેદા થયો. આ ગ્રંથની આવી ચર્ચા ચાલતી હતી તેવામાં મારા મિત્રો મોહનલાલ તથા ચતુરભાઈની વારવાર માગણી થવા પરથી ભવભૂતિપ્રણીત "ઉત્તરરામચરિત"નું ભાષાન્તર પણ, મેં કરવા માંડ્યું હતું તે થોડા કાલમાં પુરૂં થયું. હું જે જે લખાણ કરતો તે એક જ વાર લખતો; મને ફરી નકલ કરવાનો ઘણો કંટાળો હોવાથી એકવાર લખીને તેમાં જ કાંઈ સુધારા કરવાના હોય તે કરી છાપવા મોકલતો, એમ થયાથી મારાં લખાણ ખોવાવાની મને બહુ ધાસ્તી રહેતી, ને એમ એકબે વાર બન્યું પણ છે. છતાં આ મારી ટેવ ગઈ નથી ને જેમ જેમ વધારે લખવાનું આવતું જાય છે તેમ તેમ લખીને ફરી વાંચવાનો પણ અવકાશ મળતો નથી. છાપેલાં પ્રુફ જોતાં ફરી જોવાય છે. તેમાં આ "ઉત્તરરામચરિત" માટેની ઉતાવળને લીધે તેને તો હું ભાષાન્તર બનાવતો જતો ને બનેલું છપાવતો જતો એમ ઝટ એકાદ બે માસમાં તમામનો નીકાલ આણ્યો. એ ભાષાન્તરને પણ ઘણાએ વખાણ્યું. રા. નવલરામે એ ભાષાન્તરની ઢબને એવી રીતે વખાણી કે આજ સુધીમાં ગુજરાતીમાં થયેલાં સંસ્કૃત ભાષાન્તરમાં આ શ્રેષ્ઠ છે, અને હવે કરનાર આમાંના નિયમે ચાલે તો બહુ સારું છે. રા. રા. નરસિંગરાવ ભોળાનાથ બી.એ. મારા સહાધ્યાયીએ આ ભાષાન્તર પર ઘણું વિદ્વતાભરેલું વિવેચન કર્યું છે, તેમાં તેમને જણાયેલા ગુણદોષનું તેમણે વિવેચન કરેલું છે ને આખરે એટલે સુધી જણાવ્યું છે કે ભાષાન્તરમાં કોઈ કોઈ સ્થલે તો મૂળ કવિ કરતાં પણ વધારે ખુબી આવી છે. આ ગ્રંથની ખપત બહુ સારી થઈ હતી ને તેમાં મને બે પૈસા મળ્યા હતા. આવા પ્રસંગે હું મુંબઈ ગુજરાતી ગ્રેજ્યુએટોની એક મંડળી "Gujarati Social Union" એ નામની હતી તેનો મેંબર થયો ત્યાં બોલવા ચાલવા તથા તકરાર વગેરે કરવાની ઘણી મઝા પડતી. એક પ્રસંગ મને યાદ છે જે વેળે પુનર્લગ્નની વાત એક કલાક ચર્ચવા માટે ઉઠાવવામાં આવી હતી, ને સર્વના સમજવામાં એમ હતું કે બધા એકમત જ હશે. હું તેમાં સામો થયો. ને તકરારે એવું સ્વરૂપ પકડ્યું કે એક કલાકને બદલે એક માસ સુધી ચાલી અને બંને પક્ષમાંથી કોઈ હાર્યું નહિ તેથી પરિણામે માંડી વાળીને એક બે ગૃહસ્થો પરિણામમાં ઉલટા મારા મતને મળતા થયા. આ પ્રસંગે વિષયનો જે વિચાર કરવો પડેલો તે બીજમાંથી જ આખરે મેં "નારીપ્રતિષ્ઠા"નું પુસ્તક લખ્યું છે તે પેદા થયું છે. પણ આ મંડળનો મારા ઉપર ખરો ઉપકાર બીજી રીતિનો છે. એક મેમ્બરને પ્રસિદ્ધ 'મેસ્મેરિઝમ' પ્રયોગ માલુમ હોવાથી તેણે કાંઈ ઓષધાદિક વિના ફક્ત હાથના ફેરવવાથી એક માણસને અમારી સમક્ષ બેશુદ્ધ બનાવી દીધો. આ બે માણસોની કાંઈ મસલહત હોવી જોઈએ એવો તર્ક બાંધીને મેં એ વાત ઉડાવી નાંખવાની મેહેનત કરી. પણ મારા મનમાં એ વિષે વિચાર ઘણો થતાં મેં એમ કરનારને પુછવા માંડ્યું. તેણે મને એ જ વિદ્યા શીખવી. મેં મારી મેળે પણ એ સંબંધના ઘણા ગ્રંથ વાંચવા માંડ્યા ને સારી માહીતી મેળવી. આ વિદ્યાની અજમાયસમાં ખરાં પરિણામ જોવા માટે અજમાવનારની યોગ્યતા કરતાં પણ જેના પર અજમાવવાનું હોય તે વધારે યોગ્યતાવાળું હોવું જોઈએ છીએ. કાકતાલીય એવું બન્યું કે આવી સર્વ યોગ્યતાયુક્ત મને તો મારા ચતુરભાઈ જ માલુમ પડ્યા, ને મેં તેમના પ[ર] પ્રયોગ ચલાવવા માંડ્યા. તેની પૂર્ણ બેશુદ્ધિ, તેણે કરેલી ગુપ્ત વાતો, તે ન જાણતો હોય તેવા લખેલા કાગળીયાની બીના પણ કહેવી, મુઠીમાં ઘાલેલી જણસો ઓળખવી, દૂર દેશનાં તેમ જ ભવિષ્યનાં પણ વૃત્તાન્ત કહેવાં વગેરે વિવિધ ચમત્કાર મેં મુંબઈમાં હજારો મિત્રસંબંધીઓને વારેવારે બતાવ્યા છે. તથા, પંડે તો ઘણું બારીક અવલોકન કરી એ બાબતોના ઘણા નિર્ણય કર્યા છે. રા. રા. મનસુખરામભાઈને ઘેર અમારા ગામના દેસાઈ હરિદાસ વિહારીદાસ જેઓ હાલ જુનાગઢના દિવાન છે તે આવ્યા હતા તેમને પણ મેં મારા ઘર આગળ આ બનાવ બતાવ્યો હતો અને એ આ વાતને માનતા નહિ, છતાં તેમના ઘર સંબંધની પુછેલી વાત તમામ કહ્યા પ્રમાણે જ મળતી નીકળવાથી તેમણે પૂર્ણ શ્રદ્ધાથી આ વાત માનવા માંડી. મારા ભવિષ્ય સંબંધમાં ૧૮૮૨ની લગભગ આખરમાં કહ્યું હતું કે "બે વર્ષ અને અમુક માસ વગેરે પછી ઉત્તર દિશાના કોઈ દેશી રાજ્યમાં રૂ. ૨૦૦)ના પગારથી તારે જવાનું છે." ભાવનગરમાં કોલેજ નીકળશે ને ત્યાં પણ હું જઈશ એ વાત આ વખત કોઈના સ્વપ્નમાં આખી દુનીયાંમાં પણ ન હતી, છતાં આ ભવિષ્ય કેટલું ને કેવું ખરું પડ્યું છે તે વાંચનાર જોઈ શકશે. આ ભવિષ્યની વાત મેં પંડ્યા હરિલાલ કીરપારામને તે જ સમયે કરી હતી, ને તેણે મને ભાવનગર નોકરી મળી ત્યારે કાગળ લખેલો છે કે "મેસ્મેરીઝમની વિદ્યા હું કોઈ વાર ખરી માનું તો આ જ વાત માનું છું, કે બે વર્ષ આગળ કહેલી વાત આજે અક્ષરે અક્ષર નીવડી આવી." આવી જ રીતિની શોધમાં મને વિશેષમાં પણ કહેવામાં આવેલું પણ તે કાંઈ નિશ્ચિત જેવું નથી. મને એમ જણાવેલું છે કે "I see a very bright future before you. You will be a great and good man, Oh! how I love you." એ વાત થઈ ન થઈ મારાથી સમજાય તેવી નથી, પણ આવું કહેલું માત્ર મને યાદ છે. મારા નાનાભાઈના પરણવા સંબંધી પણ તેણે એવી મુદત મારી હતી કે સોળ વર્ષને વયે કે કોણ જાણે ૧૮૮૨ પછી સોળ વર્ષે (હાલ મને નક્કી યાદ નથી) પરણશે, આ વાત પણ હજુ જોવાની છે. મારા મિત્ર ગોપાળદાસ તે વેળે સ્ટેટ્યુટરી સીવીલ સર્વીસમાં ઉમેદવાર હતા ને તેમને માટે નિર્ણય લગભગ થયો હતો પણ મારી આ મેસ્મેરીઝમની ગણનામાં તે ફત્તેહ નહિ પામે એમ આવેલું હતું, ને તેમજ થયું. આ સર્વ બાબતો જોતાં ને વિશેષ વાંચતાં નિર્ણય થયો કે :
(૧) જગત્ જડમાત્રનું બનેલું છે એમ હાલના પાશ્ચાત્ય Scientists માને છે તે ખરૂં નથી. કેવળ ચૈતન્યમય જગત્ હશે કે કેમ તે નિર્ણય મારાથી બને તેમ નથી, પણ જડમય નથી એનો નિર્ણય ડાર્વિન જેવાની Evolution Theoryમાં પણ Protoaplasm આગળથી જીવ માનવા માંડ્યો છે તે જડવાદ પ્રમાણે બને નહિ; ને બને એમ હોય તો તેમણે ચૈતન્યવાદ માનવો જોઈએ.
(૨) માણસનામાં જડથી અતિરિક્ત કોઈ શક્તિ છે. ને તેને ખીલવવાનું પરિણામ પ્રસિદ્ધ યોગશાસ્ત્ર તથા સમાધિ વગેરે છે. માણસની 'ઈચ્છા' ને 'નિશ્ચય' બે જ ઈશ્વરતુલ્ય તેને કરી મુકવા સમર્થ છે.
(૩) મોક્ષ પામવાની ઇચ્છા તે જ ધર્મ; ને મોક્ષ તે માણસના સનાતન જીવિતમાં પરમાનંદની પરાકાષ્ઠા; પણ જીવિતનો જડભાગ તપાસ્યાથી તે મળવાની નહિ. તેનો ચૈતન્ય અંશ વિશેષે અવલોકાવો જોઈએ. માટે હિંદુધર્મશાસ્ત્રો ને દર્શનોનો નિર્ણય તે જ મનન કરવા ને પાળવા યોગ્ય છે; પણ તે સંસારવ્યવસ્થા ધર્મવ્યવસ્થા લક્ષમાં રાખી રચાવો જોઈએ.
N. B. આ મેસ્મેરીઝમ સંબંધે એટલું કહેવાનું રહી ગયું છે કે તેને લગતી Phrenologyની વિદ્યા છે તે પણ અજમાવી મેં તેનો પાકો નિર્ણય કર્યો હતો.
આવા આવા સિદ્ધાન્તો ઘણા કાળથી ચાલતા હતા તે આ લેખે રૂઢ થયા એ માટે પણ એક સંસ્કાર જ માનું છું, કેમકે તે વેળે આ સર્વ વાતનું મારી સાથે રહી અવલોકન કરનાર તથા phenomenaને જોનાર ને માનનાર મારા મિત્ર મોહનલાલને કંઈ વધારે વિચાર જ ઉદય પામ્યો નથી. મને યોગશાસ્ત્ર ભણવાનો પણ શોખ વધ્યો ને સમાધિ પર્યંતના નિશ્ચય મેસ્મેરીઝમ દ્વારા કાઢવાને મેં નિશ્ચય કરી એકાંતમાં ચતુરભાઈને લઈ અભ્યાસ અજમાયસ કરવા ધાર્યા. પણ ચતુરભાઈને મેસ્મેરીઝમ ચઢાવતાની જ સાથે વિલક્ષણ અવસ્થાઓ થવા લાગી. તે કોઈ ભૂત પ્રેત કે મહાત્મા સાથે વાતો કરતા હોય તેમ કરવા લાગ્યા. તેને પુછી પુછીને મારા પ્રશ્નોના જવાબ દેવા લાગ્યા તેમાં માનું, નહિ માનું નહિ કહું વગેરે આડાઈ પણ થવા લાગી કે આખર "ઓરે ! મને ખાઈ જશે હાય હાય જગાડો" એવી બુમો મારવા માંડી ને છેક મને જેમ મારી નાંખવા આવતા હોય તેમ સામા થવા માંડયું. એકવાર મેં એમ કહ્યું કે જેની સાથે તમે વાતચીત કરો છો તે મને પ્રત્યક્ષ દર્શન આપે એમ કહો, તો તેમાં તેનો મિજાજ ઘણી બગડ્યો. મેં વળી કહ્યું: એમ નહિ તો બજારમાંથી એક ફળ અહીં બેઠાં તેની પાસે મગાવી આપો. તેણે કહ્યું ફળ મગાવી આપવા જેટલા તમે લાયક નથી. મેં પૂછ્યું, લાયક ક્યારે થઈશ તે પર જીગર થતાં તેણે ક્રોધમાં બહુ તોફાન કર્યું ને હું ગભરાયો. આ બનાવ પછી મેં મેસ્મેરીઝમ કરવું બંધ રાખ્યું. વિશેષ અભ્યાસ કરવા માંડ્યો. ને આ બનાવો શું હતા તથા કેમ બન્યા તે સમજવા પ્રયત્ન કર્યો. એ સમજ્યા પછી, હવે ફરી ચલાવવાનું મને મન હતું, પણ મારૂં શરીર કેવળ પાયમાલ થઈ જવાથી એ વાત બની નથી. આ પ્રસંગને લીધે અમેરિકાથી આવેલી મેડેમ બ્લૅવેટ્સકી ને કર્નલ ઑલકોટે ચલાવેલી Theosophical Society વિષે મને વિચારવાનું મન થયું હતું. તેમણે ૧૮૮૨ સુધી કાઢેલાં 'Theosophist' હું વાંચી ગયો, અને મને મેસ્મેરીઝમમાં જે અડચણ આવી હતી તે બાબત મેં કર્નલ આલકોટને લખ્યું. મારો તે પત્ર 'Theosophist'માં 'Dabbling in Mesmerism' એવા નામથી છપાએલો છે ને તે બાબત મને કાંઈ ખુલાસો પણ મળેલો છે. આ પહેલાં કે એ પછી મેં એક બીજું પત્ર લખ્યું હતું, તે મેડેમ બ્લૅવેટ્સકીને હતું; ને તે જે મહાત્માઓની વાતો કરતી હતી તેમાંના કોઈનો મને ચેલો બનાવે તો હું સંસાર છોડી જવા તૈયાર છું, એમ મેં તેને જણાવ્યું હતું. તેમાં મેં મારા મનના ધર્મ સંબંધી ફેરફારોનું વર્ણન આપ્યું હતું. આ પત્રનો થોડોએક ભાગ 'Theosohist'માં "Saving of a Hindu soul" એવા ગર્વભર્યા શબ્દોથી તેણે છાપ્યો છે. આનો જવાબ સંતોષકારક રીતે ન મળતાં કર્નલ આલકોટ મુંબાઈ આવે ત્યારે તેને મળવાની મને ભલામણ થઈ. 'મેસ્મેરીઝમ' સંબંધે કર્નલને ને મારે પત્ર દ્વારા ઓળખાણ થયું હતું. એટલે તે મુંબઈ આવ્યા ત્યારે હું તેમને મળ્યો. તેઓ મારી મેસ્મેરીઝમમાં કુશળતા જોઈ ઘણા પ્રસન્ન થયા; અને મને એક બે તે સંબંધના દુર્લભ ગ્રંથ પોતાની પાસેથી વાંચવા આપ્યા. મારૂં મન વગર Theosophy એ એવે રસ્તે આવ્યું હતું કે તે Theosophy માં જ પડ્યું હતું. થીઓસોફીના ઉદ્દેશ: –
(૧) માણસમાત્ર સમાન છે, માટે ભાઈતુલ્ય માનવા.
(૨) ધર્મમાત્રમાં સત્વ રહેલું છે તે નિર્ણય કરવો કેમકે સર્વ ધર્મમાં કાંઈ ને કાંઈ હોય છે ને તેમ કરી ખરી વાતનો સર્વતંત્રસિદ્ધાંત સમજવો.
(૩) આધ્યાત્મિક વિદ્યા યોગાદિક સર્વેનો શોધ કરવો.
આ ત્રણે વાત Theosophist થયા વિના પણ મને માન્ય હતી એટલું જ નહિ પણ મારા નિત્ય અભ્યાસના વિષયોમાં મુખ્ય હતી. મારા જેવી જ શોધ કરનારા બીજા વિદ્વાનો Theosophical societyમાં હશે, ને તેમના અનુભવની મને મદદ મળશે એમ સમજી હું પણ ૧૮૮રના ચોમાસામાં મેંબર થયો. અમુક યોગશક્તિવાળા 'મહાત્મા' એ નામથી વ્યવહારમાં જાણીતા સિદ્ધ લોક ટીબેટ વગેરેમાં છે, ને તેમને બ્લૅવેટ્સકી, ઓલ્કોટ, વગેરે સાથે સંબંધ છે તથા તેઓ વિવિધ ચમત્કાર કરે છે. આવી વાતો ઘણી મનાતી અને અમારા મંડલમાંના ઘણા એ જ બાબત પાછળ ને 'મહાત્મા'ને મળવા પાછળ મંડેલા હતા. હું આ વિષે આતુર ન હતો; હું એમ માનતો ને હાલ પણ માનું છું કે આવા 'મહાત્મા' સિદ્ધ વગેરે હોય છે, માણસ પોતે મેહેનત ઉઠાવે તો તેવું થાય, પણ કહેવામાં આવે છે તે મહાત્માઓ હયાતીમાં હશે કે નહિ, અથવા તેમને જણાવવામાં આવે છે તેવા ચમત્કાર કરવાના સંબંધ જણાવેલાં માણસો સાથે હશે કે નહિ એ વિષે મારા મનમાં કશો નિર્ણય ન હતો ને હાલ પણ નથી. આ પ્રમાણે મારો સંબંધ ચમત્કાર માટે Theosophy સાથે થયેલો ન હતો. નહિ કે મેડેમ કોલાં વગેરેએ જે તોફાન કર્યું તે માટે હું આમ બોલું છું, કેમકે મને તે તોફાનથી કશી અસર થઈ નથી. ઉલટું સદયોગે એ તોફાન સબબ મને મારા આવા વિચાર જાહેર કરવાનો પ્રસંગ પણ મળ્યો હતો. એ તોફાન લગભગ ૧૮૮૪ની આખરમાં બન્યું. પણ મેં ૧૮૮૪ના અગસ્ટમાં ભાષણ આપ્યું હતું ("Logic of commonsense") અને તે મુંબઈની Theosophical Societyને પસંદ પડવાથી છપાયું હતું. તેની પ્રસ્તાવનામાં મેં મહાત્મા વગેરે સંબંધી મારા આવા જ અભિપ્રાય દર્શાવ્યા છે. આખા ભાષણની મતલબ પણ કોઈ ગુપ્ત વિદ્યા કે મહાત્મા કે સિદ્ધનું નામ દીધા વિના જ કેવળ યુક્તિવાદથી અધ્યાત્મજ્ઞાન અને મુખ્ય કરી વેદાન્ત સિદ્ધાન્ત સાબીત કરવા ઉપર છે. આ ભાષણની રચના થઈ આવવાનો પ્રસંગ જુદો જ છે. સુરતના ગુજ્જર સુતાર ત્રિભોવનદાસ કલ્યાણદાસ M.A.ને માટે અભ્યાસ કરતા હતા ને B.A. તથા B.Sc.માં પાસ થયા હતા તે આ વેળે મારી પડોસમાં રહેતા ને મારા ઉપર ઠીક મમતા રાખતા. તે કેવળ નાસ્તિક તથા European Science માત્રને જ માનનાર હતા. તેની સાથે નિરંતર ઘણો વાદવિવાદ થતો. ભોગજોગે mesmerism આ વેળે મેં મુકેલું હતું એટલે તે તો તેને બતાવાય તેમ ન હતું. પણ યુક્તિ પ્રયુક્તિ ઘણી થયાં જતી તેમાં એનો પૂર્વપક્ષ સમજવા માટે Science સંબંધી પણ થોડા ગ્રંથ વાંચવામાં આવ્યા. આ સર્વ પરથી મેં કહ્યું તે ભાષણ લખી કાઢ્યું હતું. એ જ ત્રિભોવનદાસ સાથેના વિચારોમાંથી આગળ જેનું નામ આપી ગયો છું, તે ગુજરાતી વાચનમાળા સુધારવાનું ચોપાનીયું પણ નીકળેલું. वाकयसुधा અથવા 'દગદૃશ્યવિવેક' નામના સંસ્કૃત પુસ્તકનું ભાષાન્તર કર્યું. ને તે Theosophistમાં છપાવ્યું. આ પ્રમાણે અધ્યયન ચાલ્યું જતું. તે સબંધમાં એક પરભુ દક્ષણી નામે વિઠ્ઠલરામ પાંડુરંગ મ્હાત્રે જે L.M.S. હતો તે મારો સારો સ્નેહી થયો. તે અને હું સાથે ઘણી બાબતોની શોધ તથા અભ્યાસ કરતા. તેવી રીતિનો અંગરેજી સંસ્કૃત વગેરે અભ્યાસ ચલાવી કાંઈ કાંઈ યોગનાં ચબરકાંની પણ અજમાસો કરી વખત ગાળતા. આવા જ પ્રસંગોમાં મેં "ગુજરાતી" માં ઘણા આર્ટિકલ આપેલા છે. થીઓસોફી વિષે એક લંબાણથી વિવેચન લખેલું છે. એકવાર પ્રસિદ્ધ રમાબાઈ વિલાયત જઈ ક્રીશ્ચીઅન થઈ ગઈ તે સંબંધે હિંદુઓને કેળવણી બાબત સૂચનાઓ આપવા લખેલું છે. ગુજરાતી વાચનમાળાનું મારૂં ચોપાનીયું છે તેને અનુસરતા અભિપ્રાય સમાવીને ચારપાંચ આર્ટિકલ તે બાબત લખેલા છે. સ્ત્રીઓનો સ્વભાવ, તેને અનુકૂલ કેળવણી, તથા લગ્નસંબંધ એ પુનર્વિવાહનો પ્રસંગ એ ચારે બાબતનો તેમાં વિચાર આવે એવું 'નારીપ્રતિષ્ઠા' નામનું નાનું પુસ્તક મેં "ગુજરાતી યુનીઅન"માંની તકરારમાંથી ઉઠેલા વિચારમાં કોમટીની "પોઝીટીવ પોલીટી"માં જણાવેલા સ્ત્રી સંબંધી વિચારો વાંચતે વાંચતે મળવાથી 'નારીપ્રતિષ્ઠા' એ નામ આપી લખી રાખ્યું હતું. તે જ વિચારોમાં કાંઈ ફેરફાર ન જણાતાં વધારે દૃઢ થયા છે એમ જાણી મેં તે જ લખાણ "ગુજરાતી"માં આઠ નવ કડકે થઈને આપી દીધું – એમ જોવા માટે કે એ ઉપર કોઈ ચર્ચા ઉઠાવે છે? રાસ્તે ગોફતારવાળાએ મારા સ્ત્રીકેળવણી બાબતના જાહેર પત્ર પર કાંઈ ટીકા (વિરૂદ્ધ) લખી હતી તેનો ઉત્તર પણ "રાતે ગોફતાર"માં જ લખ્યો હતો.
આમ લખવા વાંચવાની ગમ્મત ચાલતી હતી તેવામાં એક બીજું પણ કામ મને મળી આવ્યું. 'સ્પેક્ટેટર'ના તંત્રી શેઠ બેરામજી મલબારીએ મેક્ષમ્યૂલરનાં Hibbert Lecturesનું ગુજરાતી ભાષાન્તર કરેલું હતું તે મારી પાસે સુધારવા આવતા, તેમાંથી મારે ને તેને ઓળખાણ થયું હતું. આ વેળે તેણે એ જ ભાષણોનું સંસ્કૃત ભાષાન્તર કરવાનું મને સોપ્યું. દાક્તર ભાંડારકરે તેને બીજા કોઈનું નામ સૂચવ્યું હતું તેને પણ મારામાંથી થોડોક ભાગ કાઢી આપ્યો હતો. મને તેણે રૂ. ૨૦૦) મારા ભાગના કામના આપવા ઠરાવ્યા હતા. મેં તે બધા ખર્ચીને પણ નામ મળે તો સારૂં એમ સમજી સખ્ત મેહેનત ઉઠાવવા માંડી. જાતે ભાષાન્તર કરી જતો ને પછી ભીમાચાર્ય શાસ્ત્રીને ગુજરાતી કે મરાઠીમાં મૂલ લખાણની વાત સમજાવી મારૂં ભાષાન્તર બતાવી સુધરાવી જતો. આમ કરવા માટે હું તેમને દર માસે રૂ. ૩૦)નો પગાર આપતો. ભાષાન્તર થઈ રહેથી પ્રસિદ્ધ શાસ્ત્રી રાજારામ પાસે તપાસાવ્યું. તેમણે ઘણો સારો અભિપ્રાય આપ્યો. આ ભાષાન્તર મેક્ષમ્યૂલરને મોકલાવ્યું, તેમજ પેલા બીજા માણસનુંએ મોકલાવ્યું. આ બન્ને દાક્તર મેક્ષમ્યૂલરને પસંદ ન પડ્યાં તેથી પ્રસિદ્ધિમાં આવ્યાં નથી. આમ થવામાં ધારેલો લાભ ન મળ્યો પણ મારા જ્ઞાનમાં સારો ઉમેરો થયો. ભીમાચાર્ય શાસ્ત્રીને હંમેશાં ઘેર બોલાવી 'તર્કસંગ્રહ દીપિકા સહિત' બબે કલાક ભણવા માંડ્યો. તેઓ બીજી ઘણી ટીકાઓ વાંચતા વંચાવતા. તે સર્વ પરથી હું અંગ્રેજીમાં નોટ લખતો જતો. આ ગ્રંથ શુદ્ધ કરી નોટ સહિત છપાવવાનો મેં નિર્ણય કર્યો. એ વાત ભીમાચાર્યે દાક્તર પીટર્સનને કહેવાથી તેણે મને બોલાવી પુછયું કે Bombay Seriesમાં તમે છપાવા આપો તો શી હરકત છે? મારે તો એવી જ જાતની પ્રસિદ્ધિ જોઈતી હતી; દક્ષણીઓ ગુજરાતીને સંસ્કૃતમાં પથરા જેવા ગણે છે તે માટે જ એ જ દક્ષણીઓએ રોકી લીધેલા Bombay seriesના કિલ્લામાં મને પેસવાનું ઘણું મન હતું; એટલે ડા. પીટર્સનની વાત મેં માન્ય કરી. પુસ્તક તૈયાર થયેથી મેં ખબર કરી, પણ આ વેળે પ્રસંગ એવો બન્યો કે પીટર્સનના સાથી ભંડારકરે એ જ પુસ્તક ઘણો વખત થયાં કોઈ યશવંત વાસુદેવ આઠલે એમ.એ. એલએલ.બી. દક્ષણીને તૈયાર કરવા સોંપેલું તેથી હવે મારો શ્રમ નકામો ઠર્યો! પીટર્સન ગભરાયો ને તેણે પેલા દક્ષણી ગૃહસ્થ, જેણે કાંઈ આરંભ પણ નહિ કરેલો, તેને મુકાવી દેવા ઘણી મહેનત કરી પણ ફોકટ. આ પ્રમાણે મારી આ ઉમેદ પણ નિષ્ફલ ગઈ.
મંબઈ છોડવાના છેક આખરના પ્રસંગમાં મને પ્રસિદ્ધ પંડિત ગટુલાલજીનો ઘણો સમાગમ થયો હતો તે હાલ પણ છે; પણ તેમની અવ્યવસ્થાને લીધે મારાથી તેમની પાસે કાંઈ ભણી શકાયું નથી. પ્રસંગોપાત્ત વિવિધ વાતની ચર્ચા કરતા ને તેમાં મને સારૂં જ્ઞાન મળતું, તથા કાવ્યવિનોદ પણ અચ્છો ચાલતો; પણ એવા સરસ્વતીના અવતારરૂપ પુરૂષ પાસે તેની અવ્યવસ્થાના કારણથી જ હું કાંઈ ચોક્કસ જાણી શક્યો નથી જ. બાકી મારી ઉમેદ તો એટલી બધી હતી કે શરીર સામું ન જોતાં રાતના બે બે વાગ્યા સુધી એમની પાસે બેસી રહેતો.
હું મુંબઈમાં હતો તેવામાં આશરે ૧૮૮રમાં મેં 'પૂર્વદર્શન' એ નામની નાની ચોપડી છપાવી હતી. નિશાળોમાં ઇતિહાસ માટે વપરાતાં પુસ્તકો નઠારાં જોઈ મેં હિંદુસ્તાનનો ૧૭૬૧ સુધીનો નાનો બાળકોને ફાવે તેવો ઇતિહાસ લખ્યો હતો. કાંઈક પૈસા પણ તેમાં મળે એમ જાણી ૧૦૦૦ નકલ કઢાવી હતી. એવામાં કોઈએ એ જ નામ રાખી, બીનામાં જરા આડું અવળું બનાવી, બીજી બુક છપાવી. તે માણસે મારા ગ્રંથનું નામ લઈ લીધા બાબતની તકરાર થઈ તેમાં તેણે રૂ. ૫૦) આપી સમાધાન કર્યું. પછી મારા મનમાં એમ આવ્યું કે વખતે હું નિશાળોનો ઉપરી છું તેથી લોકો મારી ચોપડી લેવાના સમજીને મેં ચોપડી છપાવી છે એવું હવે મારું નામ બહાર આવ્યાથી (મૂલ ચોપડી પર મેં મારૂં નામ આપ્યું ન હતું, તેમ કોઈ જાણતું પણ ન હતું) લોક ધારવાના એમ સમજી મેં એ ચોપડી ફરી છપાવી નહિ.
આ રીતે ઓફીસનું કામ તથા અભ્યાસમાંથી વધેલો વખત હું બીજાં સાર્વજનિક કામોમાં ભાગ લેવામાં ગાળતો. Teachers' Association, Theosophecal Society અને Gujarati Social Union આ ત્રણ કામમાં ભળ્યાની વાત તો આગળ આવી ગઈ છે. મુંબઈમાં અસલ 'બુદ્ધિવર્ધક સભા' હતી તેનાં ભવ્ય કામોની વાત સર્વના જાણ્યામાં છે. આ સભા હાલ સુઈ ગયેલી હતી. એના મંત્રીનું કામ કરવા હું બંધાઉં તો એને પુનરુજ્જીવન કરવા રા. રા. મનઃસુખરામભાઈએ મને આગ્રહ કર્યો. મેં સ્વીકાર કર્યાથી સભા ચાલી ને તેમાં ભાષણો વગેરે થતાં. ત્યાં લોક પણ સંભાવિત તથા ઘણા મળતા. એ મુજબ એક વર્ષ ચાલ્યું તેમાં મને બોલવા કરવાના પ્રસંગો સારા મળતા અને તે દ્વારા મારા વિષે લોકોને જાણ પાડવાનો પણ લાભ મળતો. કવિ નર્મદાશંકરનું મને એ સભામાંથી ઓળખાણ થયું. તેમને અને એક કલ્યાણજી નારણજી નામના માણસને સભામાં જાહેર લડાઈ થઈ તે દિવસથી વળી સભા નરમ થઈ. મેં જ્યાં ત્યાં ચલાવ્યું પણ વ્યર્થ. ફક્ત સભાની જે પુંજી હતી તે સચવાઈ રહી. મેં મુંબઈ મુક્યું ત્યારે તે રૂપૈયા તથા સભા ગુજરાતીના એડિટર ઇચ્છારામને મંત્રી બનાવી સોંપ્યાં. એ સિવાય મારો રા. ગોકળદાસ કહાનદાસ, ભીમભાઈ કીરપારામ, તથા રા. ઝવેરલાલ ઉમયાશંકર, ભાઈશંકર નાનાભાઈ વગેરે ઘણા ગૃહસ્થોનો પરિચય થયો. રા. રા. રણછોડભાઈ તો રા. રા. મનઃસુખરામભાઈને લીધે મારા પાકા સ્નેહી રહ્યા હતા ને તેમનો ને મારો સંબંધ સારો હતો. આ સર્વ ગૃહસ્થો ગોકળદાસ તેજપાળ ધર્મખાતાની કમીટીમાં હતા તેમાં હું પણ ઉપયોગી થઈ પડીશ એમ સમજી તેમણે મને લીધો; ને થોડે વખતે મને માલુમ ન હતું પણ તેમણે મને મેનેજીંગ કમીટીમાં પણ નાંખ્યો. મેં તે સ્વીકાર્યું. એ ફંડ તરફથી Boarding School તથા બીજી બાબતો બરાબર સ્થપાઈ ચાલવા માંડી તે તે જ વખતથી. અમે સર્વે મળી કાયદા બનાવ્યા તથા વ્યવસ્થા કરી ખાતાં નિશાળો ચાલતાં કર્યાં. એક દિવસે ત્યાં બનેલો પ્રસંગ નોંધવા લાયક છે. આ ખાતાના સેક્રેટરી નર્મદાશંકર કવિ હતા. એમનો પગાર રૂ. ૨૦૦)નો કરવાની દરખાસ્ત આવવાની હતી. તે દિવસે મળેલી મેનેજીંગ કમીટીમાં પ્રમુખ ઓનરેબલ મી. કાશીનાથ તેલંગે ગઈ મીટીંગની મીનીટ વાંચી સંભળાવી તેમાં એક નોકર રાખવાની બાબત લખેલી હતી. તે બાબત રા. સા. વિરપ્રસાદ તાપીપ્રસાદે વાંધો લીધો કે એ વાત થઈ નથી ને સેક્રેટરીએ કપોલકલ્પનાથી ગોઠવી દીધી છે. સેક્રેટરી પર આવું તોહોમત આવ્યાથી સર્વના મત લેવા માંડ્યા. સર્વેએ કાને હાથ દેવા માંડ્યા; હું દરેક મીટીંગે જે કામ થાય તેની નોંધ મારી નોટબુકમાં રાખતો. તે નોટબુકમાં જોયું તો જે વાત સેક્રેટરીએ જેમ લખી હતી તેમજ થયેલી હતી એમ માલુમ પડ્યું. મેં તે વાત પ્રમુખને જણાવી, ને મેં જણાવી એટલે સર્વેએ એમ કહ્યું કે જો મણિલાલની નોટબુકમાં હોય તો એ વાત ખરી અમે પણ માનીએ કેમ કે એની પાસે ઘણી સંભાળથી લીધેલી નોટ છે. એક વીરપ્રસાદ મારા પર ઘુરકવા લાગ્યા, પણ મેં શાંત વૃત્તિ રાખી નોટબુક રજુ કરી. સેક્રેટરી ગુનામાંથી મુક્ત થયા ને તે પછી એમના પગાર સંબંધી તે જ દિવસે આવવાની હતી તે દરખાસ્ત આવી ને પસાર થઈ. મારા જેવો સાધારણ માણસ, જેને તેમણે મનસુખરામની પક્ષનો ધારી કેવળ અપ્રમાણિકમાં ગણેલો ને તેથી તેની સલામ પણ આજ સુધી ઝીલેલી નહિ, તે જ આવી શાન્ત વૃત્તિથી ને હીંમતથી વીરપ્રસાદ જેવા મોહોટા માણસની અમે થઈ સાચી વાત ટકાવી રહ્યો એ જોઈ રા. ઝવેરલાલભાઈને કાંઈ નવાઈ લાગી ને તેમણે મને તે જ દિવસે કહી બતાવી. તે દિવસથી તેમને ને મારે સામાન્ય સંબંધ બંધાયો; જો કે મૂલથી તેવો બંધાવામાં કાંઈ હરકત ન હતી, પણ માણસ પોતે જેવા હોય તેવા જ સામાને ધારે છે એટલે રહી ગયેલો. આ કામ ચાલતું હતું તેવામાં સરકારે Local Self Governmentની Scheme કાઢી. તે બાબત મુંબઈમાં ગુજરાતીઓની મંડળી બંધાઈ; એવા ઉદ્દેશથી કે ગુજરાતમાં લોકોને એ વિષે સમજુત આપવી. આ મંડળમાં પણ ઉપર કહ્યા તેના તે જ ગુજરાતી હતા ને હું પણ હતો. એ મંડળીએ થોડું કામ કર્યું પણ જાહેર ઉદ્દેશ કહ્યો તેવો છતાં ફક્ત ઝવેરલાલને બહાર પાડવા તથા તેમનાં લખાણ સરકાર સુધી ફેલાવી તેમની કીર્તિ વધરાવવી એવો આ મંડળના મુખ્ય લોકનો ખાનગી ઉદ્દેશ મુખ્ય રીતે માલુમ પડવાથી સર્વનું એ કામમાં મન રહ્યું નહિ; તેમ એ મંડળના મુખીઓએ પણ તેમના ખાનગી ઉદ્દેશની વાત પાર પાડતાં એ મંડળ વીખેરી પણ નાંખ્યું. આ સિવાય બીજી નાની મોહોટી સભા, મંડળી બેઠક વગેરેમાં હું ભળતો. મારા ઓફીશીયલ કામ પ્રસંગે, મારા લખવા કરવાથી તથા આવી સભા વગેરેમાં મળતા રહેવાથી મુંબઈમાં મારી ખ્યાતિ સારી થઈ હતી. ને બહારગામમાં પણ મારું નામ પ્રસિદ્ધિને પામ્યું હતું. મારાં ઓળખાણ વગેરેમાં ઘણો વધારો થયો હતો. નહિ કે આ વાતથી મને ગર્વ આવીને તે હું આજે પણ યાદ રાખી લખી મુકું છું. તે પણ એમ જણાવવાને કે આમ મારી પ્રતિષ્ઠા થવાથી મારા વિચારો ને લખાણો લોકોને ધીમે ધીમે અસર કરવા લાગ્યા. કવિ નર્મદાશંકર જે જુના જમાનામાં સુધારાના મહારથી તે આ વખતે બદલાઈને મારા જેવા જ વિચાર જણાવતા લખતા હતા. અરે, મારી તેમની એટલી બધી એકતા હતી કે તેમણે તેમના મરવાના પ્રસંગે હું તેમને મળેલો તેવામાં મને જે શબ્દો કહેલા તે પરથી જ તે એટલી વધી છે એમ મેં જાણેલું. તેમણે એવી મતલબનું કહ્યું કે "હવે આ દેહનો અંત આવે તો ઠીક કે ઘરનાં માણસ હેરાન થતાં અટકે. અમે તો હવે એકલા પડ્યા. અમારા ભક્તો, અમારા મિત્રો, અમારા સ્નેહીઓ અમને બગડેલા, વહેમી ઠરાવી વેગળા થયા. પણ ખરી વાત હું હાલ કહું છું તે જ છે એ મારું હૃદય જાણે છે. જવાનીઆ સુધારાવાળા મારી ઉપર કરડી નજર કરતા હશે પણ હું કહું છું કે તેમના જ મંડલમાં એક જવાન ઉછરે છે જે પરિણામે મારા જ વિચારો તમારે [? તેમને] ગળે ઉતારશે – એ માણસ તમે જ. તમારા સર્વે લખાણ મેં લક્ષપૂર્વક વાંચ્યાં છે. તમારી વાતો સાંભળી છે, ને એમ જ માનું છું કે તમે જે રસ્તે છો તે જ રસ્તે ચાલ્યા જજો. એ જ ખરી વાત છે," ગુજરાતમાં જુના કે નવા બીજા કોઈ સુધારકોનું બળ હતું નહિ, આવા સમયમાં મારી મહેનતની અસર થાય પણ તે મારા પર લોકને વિશ્વાસ હોય તો જ. મારા લખવાની અસર થઈ એમ હું માનતો નથી, પણ હાલનો જમાનો જુના સુધારાને મુકી કાંઈક હિન્દુ ધર્મની છાયા હોય એવા સુધારા તરફ વળે છે એ તો હું સ્પષ્ટ જોઈ શકું છું. આ ક્રમમાં હજારમેં હીસ્સે પણ મારાથી મદદ બને તો કરવી એ આગ્રહથી જ હું મથ્યા કરું છું કેમકે એમ ખરે રૂપે થાય એમાં જ દેશનું કલ્યાણ માનું છું.
આ સર્વ કર્મોથી બચેલો વખત મિત્રમંડળમાં ને ગંમતરમતમાં ગાળવામાં આવતો. નડીઆદથી આણેલા મારા બે મિત્રો જેઓ ને હું ઘણું કરી સાથે જ રહેતા તે તથા જેટલા ભાઈનું નામ મેં આગળ લખેલું છે તે નિરંતર મારી પાસે રહેતા. તેમાં હરકિસન, મોતીરામ, જગન્નાથ એટલા વારંવાર મળતા. અમારી મુખ્ય ગંમત કવિતાઓ વાંચવી ગાવી એ હતી. માસમાં એકાદવાર એક મીજબાની સર્વે વારાફરતી કરતા, ને તેવા પ્રસંગે ઘણો આનંદ થઈ રહેતો. એમ કહેવું જોઈએ કે આવા પ્રકારનો મિત્રમંડળનો આનંદ મુંબઈમાં બે ચાર વર્ષમાં મને ખુબ મળ્યો. આ સર્વેમાં ખરા મિત્ર તરીકેનો મારો હક તો મોહનલાલ ને ચતુરભાઈ ઉપર જ હતો. દલાભાઈ મારી પૂર્ણ મરજી સંપાદન કરી મારા હૃદયમાં દઢ થયા હતા; બાકીના તો સાધારણ સંબંધી માત્ર જ હતા. મોહનલાલ અને ચતુરભાઈને પૂર્ણ સ્વરૂપે મેં આ ચાર વર્ષમાં ઓળખ્યા. મોહનલાલની પ્રકૃતિ સહજ હુંપદવાળી તથા ઘણી કંજુસ અને દરેક બાબતમાં સંકોચથી વર્તવાવાળી હતી. તેના મનમાં ખરો પ્રેમભાવ કોઈને માટે પ્રકટ થાય એમ દીસતું જ ન હતું; સબબ ખરા પ્રેમમાં જે (sacrifice) આત્મત્યાગ કરવાની જરૂર પડે છે તે કરવામાં તેની સ્વાર્થબુદ્ધિ નિરંતર આડે આવતી. ચતુરભાઈનું ચિત્ત પ્રેમની લાગણીને પ્રવેશ આપી શકે તેવું ખરું, પણ તેનો વ્યવહાર ઘણો અનિયમિત અને લેવડદેવડની બાબતમાં ઘણા જ લોચા વાળનારો તે માણસ ઠર્યો. વળી કાંઈ પણ કામ કરવામાં તરહવાર સંકલનાઓ મનમાં બેસાડી તે માર્ગે મહેનત કર્યા કરે ને આપણને પણ ભુલાવામાં પાડી દે તેવી ટેવનો પણ અંશ તેનામાં ખરો. આમ છતાં મુંબઈમાં તો તેમની મારા પર આસક્તિ ઠીક રહી ને હું આટલે બધે અંશે તેમને કળી શક્યો ન હતો. જો કે મને સખ્ત મંદવાડ વર્ષ દોઢ વર્ષ રહ્યો તે દરમ્યાન તેઓ ટગરટગર જોયા કરતા ને એક તૃણ ભાંગવા સરખી પણ મદદ ન કરતા – અરે, હું ચુંક કે તાવ આવીને તરફડતો હોઉં, પાસે કોઈ બીજું હોય નહિ – તો પણ આ બે ગૃહસ્થો એમના સ્વાર્થની તુચ્છ જેવી વાત (કોઈને ત્યાં ભણાવવાનું રાખ્યું હોય ત્યાં જવું તે) સંપાદન કરવા મને મુકી ચાલ્યા જતા ! આવા પ્રસંગોમાંથી જ મને તેમની સ્વાર્થ-બુદ્ધિની કીમત થયેલી. એ બન્ને સામાન્ય રીતે પ્રમાણિક વિચારવાળા તથા વ્યવહાર-પક્ષે ઠીક નીવડે તેવા માણસો હતા, પણ મારું જે આ તેમને વિષે લખાણ થાય છે તે તેમના ને મારા પ્રેમસંબંધને ઉદેશીને. એમના વિષે મને આવો વિચાર થવા માંડેલો તેવામાં દલાભાઈ — જેને ને મારે કાંઈ ઓળખાણ નહિ, માત્ર તે મોહનલાલ ચતુરભાઈ ભેગો રહે એટલું જ – એણે મારી ખરો મારો મિત્ર બજાવે તેવી, સેવા બજાવી. તે ઘણો ગરીબ અને દેવાદાર તથા પૈસાની પુરી ગરજવાળો માણસ છતાં પણ તેણે કદાપિ મારું કામ કરતાં દિલ ચોર્યું નથી કે પોતાના સ્વાર્થની સો વાત બગડતી હશે તો તે તરફ લક્ષ આપ્યું નથી. તે માણસ વચનનો એક હતો, વ્યવહારે ચોખો અને મળ્યાને માથું આપે તેવો હતો. મારા સખ્ત મંદવાડમાં જો તે ન હોત તો હું કોણ જાણે કેવીએ વિટંબણામાં પડ્યો હોત તે ઈશ્વર જાણે. મારે તેને બીજો કાંઈ સ્નેહ નહિ છતાં આ માણસ તેના ગુણથી મને હંમેશને માટે પરમપ્રિય થઈ પડેલો છે.
આ સિવાય નડીયાદમાં છોટુ તથા સાંકળચંદ બે સ્નેહસ્થાન હતાં, એ મેં કહેલું છે. છોટુ બાલક હોવાથી તેના પર મેં કશો વિચાર આજ પર્યત પણ કર્યો નથી, એટલે તેના વિષે હજુ કાંઈ કહેવાનું નથી. સાંકળચંદ પ્રેમનો વિચાર ઠીક સમજતો એમ હું માનું છું. પણ તેનામાં નાના પ્રકારની સ્વાર્થવૃત્તિઓ પેદા થવા માંડી હતી ને તેને અંગે તે જરા ખટપટમાં સપડાવા લાગ્યો હતો. મારી કીર્તિ તથા પ્રતિષ્ઠા વગેરે જોઈ તેને પણ ઇચ્છા થયેલી કે તેણે પણ કાંઈક મોહોટા થવું ને તે માટે તે નડીયાદમાં પુજાવાની મેહેનત કરવા લાગ્યો. એ મેહેનત વગેરેમાં એમ જણાઈ આવ્યું કે એ માણસે ફુલણીઓ અને હલકા પેટનો છે. તથા એને ગુપ્ત ઈર્ષ્યા જેવો ભાવ પોતાના મિત્રો તરફ પણ છે. આવાં થોડાં અંકુર લક્ષમાં ઉતરવાથી મારે ને તેને કાંઈ કાંઈ અણબનત થવા લાગી હતી. પણ તેનો પ્રેમભાવ મારા મનમાં દૃઢ હતો, તેમ તેના મનમાં મારે માટે તેવું જ હતું એટલે સંબંધ છુટ્યો નહિ, ઉલટો કાંઈક વિનોદનો પ્રસંગ આવ્યાં ગયો. "ઉભરાય ઉમંગ તરંગ", "ભાનુ તપ્યો નભમાં", "ઉઠ ઉઠ અમલ સૂર", "આનંદ રેલ" વગેરે કાવ્યો આ સંબંધમાં જ બનેલાં છે.
મુંબઈમાં નવા મિત્રો થયા તેમાં પ્રથમ નામ અમારા ગામના દેસાઈના દીકરા નાનાસાહેબ અથવા ગોપાળદાસ તેનું આપવું જોઈએ. મેં એક વાર લખેલું છે કે મારા પ્રતિપક્ષી વર્ગમાં હોવાથી હું તેના તરફ લક્ષ આપતો નહિ. એ આ વખતે ભણતા હતા ને વળી મુંબઈમાં ભણવા આવી રહ્યા. મને મળી તેમણે મારી મરજી ઉપરાંત થઈ મારા ઘર પાસે ઘર રાખ્યું ને મારી સાથે ઘણો સંબંધ રાખવા માંડ્યો, પણ મારૂં દિલ તેમની તરફ વળતું નહિ. વખત વીતતે તેને જ માલુમ પડ્યું કે મણિલાલના પ્રતિપક્ષીઓ જે જે નિંદા કરે છે તે પાયા વિનાની છે અને મણિલાલને મેં ધાર્યો હતો તે કરતાં જુદો માણસ છે એટલે તેણે જ મને કહ્યું, મણિલાલ ! તું મને તારા મિત્ર તરીકે માન. હું તારે માટે ભુલાવામાં પડેલો હતો પણ હવે હું મારી ભુલ સમજ્યો છું. આમ થવાથી કાંઈક સંબંધ થવા માંડ્યો. આ માણસમાં મોહોટાં અપલક્ષણ બે હતાં: ચિત્ત સ્થિર નહિ અને પેટમાં વાત ટકે નહિ બલ્કે સામે[? મા]ને સાંભળવામાં રસ પડવા નવી પણ ઉમેરી લે. આ બે અપલક્ષણ હજુ પણ હોય તો મારે તેને બનવાનું નહિ એટલો મને ડર હતો; પણ થોડા વખતમાં મને માલુમ પડ્યું કે બન્ને ઘણે દરજે કમી થયાં છે બલ્કે નહિ જેવાં છે. આમ જણાયા પછી મારો ને તેનો દ્ર્ધ સ્નેહ બંધાયો છે.
મુંબઈમાં બીજો સંબંધ મારા પડોશી સનમુખરામ નરસઈદાસ ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણ હતા તેમનો થયો હતો. તે વયોવૃદ્ધ હતા ને પોલીસમાં શિરસ્તેદારી કરતા. તેમની સ્ત્રી રૂક્ષ્મિણી રૂપવતી તથા ગુણવતી હતી. તેને લીધે આ સંબંધ બંધાયો હતો, પણ તેણે મૈત્રીનું રૂપ કદાપિ પકડ્યું નથી. સનમુખરામ ગુજરી ગયેલા છે, પણ તેના કુટુંબીઓ આજે સારા સંબંધ રાખે છે.
એવા જ પ્રકારનો સંબંધ વ્રજવલ્લભ મનસુખરામ નામે અમદાવાદના વાણીયા પોર્ટ ટ્રસ્ટમાં નોકર હતા તેમનો થયો. તે મૂલ વડોદરે નિશાલમાં ક્લાર્ક હતા ત્યારે તેમણે મને આફીસીઅલ એકાદ પત્ર લખેલું તે યાદ લાવી અમે બને "ગુજરાતી સોશીઅલ યુનીયન"માં મળ્યા તેવામાં તેણે મારૂં ઓળખાણ કર્યું. તે મુંબઈમાં બીજીવાર પરણ્યો હતો અને સાસરામાં રહેતો હતો. તેની સ્ત્રીના રૂપ વગેરેની તથા ચાલ વગેરેની વાત એક મુસલમાન તેને ઘેર વારંવાર આવતો રહેતો તે અમને પણ મળતો તે દ્વારા જાણેલી, તેથી તેનું ઓળખાણ કરવાનું મને પણ મન હતું. અમે સહજ સંબંધમાં આવ્યા અને વારંવાર જયકૃષ્ણ વ્યાસના વેદાન્તવ્યાખ્યાનમાં સાથે શ્રવણ કરવા જતા.
આથી ચોથો સંબંધ સુરતના ત્રીભુવનદાસ કલ્યાણદાસનો થયો. તેઓ કોલેજમાં હું fellow હતો ત્યારે મારી પાસે ભણેલા અને હાલમાં પોતે એમ.એ. થઈ fellow હતા. અમે સહજ સ્નેહમાં, પૂર્વના ઓળખાણથી બંધાયા. તે માણસની વૃત્તિ કેવળ નાસ્તિક હતી, અને ચિત્ત પ્રેમ સંબંધમાં ખરૂં ર્દઢ ન હતું, છતાં આ માણસને ને મારે ઘણો સારો મૈત્રીસંબંધ થયો. કાંઈક કાળ તે સારો ચાલ્યો, પણ મુંબઈ છોડતાના વખતમાં તેને મેં તાજા કરેલા એકબે સંબંધના દાખલા માલુમ પડતાં તેના મનમાં મારે માટે જે માન હશે તે કમી થઈ ગયું. પ્રેમ તો તેને ને મારે હો વા ન હો, પણ તેણે તો મારા જ્ઞાન વગેરેને લીધે સંબંધ કરેલો, તેમાં આવું જાણ્યાથી ફેરફાર થઈ પડે એ ખુલી વાત છે. તે મારી કોઈ પણ સ્થિતિ વિચારતો નહિ. મારી સ્ત્રીને હું કેમ રાખતો નથી એ બાબત વાસ્તવિક વિચાર ન કરતાં, અંગરેજોની પેઠે સ્ત્રીને નામે જ તમામ સદગુણ સમજી, મને વારંવાર નડતો. મારે સ્ત્રી નહિ વગેરે અડચણોમાં હું એકાદવાર વ્યભિચાર કરી લઉં તે તે સહન ન કરી શક્યો અને તેના મનમાંથી મારે માટેનું માન ઓછું થયું. તેના અને મારા અભિપ્રાય તો ધર્મમાં, સંસારમાં, વ્યવહારમાં, ભણવામાં બરોબર ઉલટા જ રહેતા. Theosophy અને વેદાંત જે મારાં પ્રાણતુલ્ય મને હતાં તેનો તેને તિરસ્કાર હતો. આવા સંબંધોને લીધે તેના મનમાં મારૂં માન ઘટ્યું હશે તો તેને માટે મને કેટલું માન રહ્યું હશે તે વાંચનારે વિચારી લેવું. મેં ઘણીવાર તેની સાથે વિદ્યાવિનોદ કર્યો હશે, પણ વાજબી તકરારનો ઉત્તર નથી અપાતો છતાં પણ પોતાની વાત ઝાલી રાખે છે એમ જોઈ મને તેના દુરાગ્રહનો તિરસ્કાર થવા લાગ્યો હતો. આ સર્વ વાતનાં પરિણામ આગળ જણાશે.
છેવટે એક દાક્તર વિઠ્ઠલરાવ પાંડુરંગનું નામ પણ ગણાવવું જોઈએ. તેને મારે સંબંધ કેમ થયો તે મેં લખેલું છે. માણસ ઘણો સારા સ્વભાવનો વૃત્તિનો ઉદાર તથા મૈત્રીમાં ર્દઢ મનવાળો નીવડ્યો ને તેને ને મારે અદ્યાપિ સારો સ્નેહ છે. અમે ધર્મ સંબંધી બાબતોનો સાથે અભ્યાસ કરતા તેમાં યોગ વગેરે પર બહુ લક્ષ આપતા ને તેવી બાબતોમાં ઘણા સંન્યાસી, બાવા, યોગીની વાત સાંભળવામાં આવે તે તરફ દોડતા ને વખત ગુમાવતા. ઘણા સંન્યાસી, બાવા વગેરે મળેલા પણ તે સર્વે ધુતારા માલુમ પડેલા.
બહારગામ મારા મિત્રોમાં કેશવલાલ હર્ષદરાય, યુસુફઅલી યાકુબઅલી અને ભૂપતરાય દયાળજીનાં નામો આમાં નથી આવતાં, પણ તેમનો સંબંધ હતો તેવો હતો જ; ને મારા મૂલના સહાધ્યાયી છગનલાલ હરિલાલ, તથા છગનલાલ લલ્લુભાઈ, તુળશીદાસ લક્ષ્મીદાસ વગેરેનો સંબંધ પણ હતો તેવો હતો. જેમ વિઠ્ઠલરાવનો ધર્મપ્રસંગે સંબંધ થયો તેમ ભાવનગરના નાગર અનંતરાય નાથજીનો પણ તેવી જ રીતે થયો. કેમકે તે પણ Theosophist હતા. ગોપાળદાસ તેમના મિત્ર હતા એટલે ગોપાળદાસને ને મારે જે સ્નેહસંબંધ બંધાયો તે દ્વારા અનંતરાયનો ને મારો સ્નેહ દૃઢ થયો.
હવે એક બે સંબંધ કેવળ મુકાયા તેની પણ ટુંકી હકીકત જણાવવી જોઈએ. કેશવલાલ હર્ષદરાયના વડા ભાઈ હરિલાલ ધ્રુવને ને મારે ઠીક સ્નેહ હતો. તે હાલ એલએલ બી થઈ અમદાવાદ સ્કુલમાં રૂ. ૬O) ના પગારથી કામ કરતા હતા. આવા અરસામાં રા. રા. મનસુખરામભાઈએ મને કહ્યું કે કોઈ તમારો મિત્ર એલ્ એલ્ બી હોય ને કચ્છ જવા ખુશી હોય તો કહેજો. તેણે કચ્છમાં એજન્સીની વકીલાત કરવી, અને અમને કાંઈ ખબર અંતર આપવી તે બદલ રૂ. ૪OO)નો પગાર લેવો. હાલ જે કાંઈ ગરબડ છે તે પતી ગયેથી તેને માટે દરબારમાં સારો બંદોબસ્ત પણ થશે. આ વાત મેં હરિલાલને જણાવી અને સ્પષ્ટ જણાવ્યું કે કામ જોખમનું છે. માટે ધ્યાનમાં આવે તો લેજો, લાગ સારો છે. આ ઉપરથી તેણે મને ઘણો અપમાન ભરેલો જવાબ લખ્યો તે એવી મતલબનો કે તમે મને ફસાવી હેરાન કરવા માંગો છો, પણ હું તો પ્રમાણિક ડાહ્યો ને પંડિત વગેરે છું ને તમે તેથી ઉલટા ને ફાંસીયા છો વગેરે વગેરે. આમ ઉપકારનો અપકારથી પણ અધિક બદલો જોઈ મને આશ્ચર્ય લાગ્યું ને કાંઈક ક્રોધ પણ આવ્યો જેના આવેશમાં મેં હરિલાલને સામું તેવું જ પત્ર લખી વાળ્યું. આ વખતથી તેને ને મારે કાંઈ સંબંધ હતો તે તુટી ગયો. અદ્યાપિ પણ તે માણસ ઘણી રીતે મારી અદેખાઈ અને નિંદા કરતો ચાલે છે એમ મેં સાંભળ્યું છે.
વળી એક સ્નેહીને મુકવાની ફરજ પડી તે મગનલાલ... જે મેડીકલ કોલેજમાં ભણતા હતા અને જે હાલમાં L.M.S.માં પસાર થઈ દાક્તરની દુકાન માંડી રહ્યા હતા. આ માણસની સ્ત્રી સારા સ્વભાવની હતી ને તેને મનમાનતી હતી છતાં તે અનુમાનમાં પણ ન ઉતરે એવો વ્યભિચારી હતો - એટલામાં જ ખ્યાલ કરવો બહુ થશે કે ગમે તે જાતિની, ગમે તે સંબંધની, ગમે તે વયની, પણ સ્ત્રી હોય તો તેની સાથે વ્યવહાર પાડવા ચુકે નહિ તેવો આ માણસ હતો. તેની સ્ત્રી ભલી હતી, પણ ગર્વિષ્ઠ ઘણી હતી. તેને ને મારે પણ સારો સ્નેહ હતો. પણ તેનો ધણી જેમ જેમ દાક્તર થતો ગયો તેમ તેમ તેને વધારે અભિમાન આવતું ગયું તેથી મેં ધીમે ધીમે તેની પાસે જવાનું ત્યજ્યું. મગનલાલ પોતે છીનાળવો છતાં, ઘણો ઢોંગી હતો ને દુનીયાંને છેતરવા માટે થાય તેટલા પ્રયત્ન કરી ફત્તેહ મેળવતો. મને તે વારંવાર મારી છીનાળાની વાતો પુછતો, પણ મારી પાસે તે બાબતનો ભંડોળ જ ન મળે અર્થાત્ મુંબઈમાં ચાર વર્ષ આ વખતે રહ્યો તેમાં બે કે ત્રણ વાર અને તે પણ એક જ સ્ત્રી સાથે વ્યભિચાર કરેલો એટલે હું તેને શું કહું? મારો...ની વહુ સાથેનો સંબંધ તે મગનલાલની ખરી ઈર્ષ્યાનું પાત્ર થઈ પડ્યો. ને તેણે મારી પાસે પણ ધીમે ધીમે ઢોંગ આદરવા માંડ્યો. તેની દુકાનમાં પણ તેની વિષયવાસના પુરી પાડનારા માણસો જમા રહેતા તે તથા પોતે મારી ટીકા કર્યાં કરતા. આ સર્વના પરિણામ તરીકે મારી ને તેની મૈત્રી ઠંડી પડી ગઈ.
મનઃસુખરામ સૂર્યરામ, રણછોડભાઈ ઉદયરામ વગેરેને મારા મિત્ર મારાથી કહેવાય નહિ, પણ તે મારા મુરબી હતા. એમના સિવાય મારા મિત્રમંડળના ને મુરબી વગેરેમાં પણ ઘણા ઘણાના સંબંધ થયા હશે ને છુટ્યા હશે પણ તેમાંનો કોઈ અત્રે પાકી નોંધમાં રાખવા લાયક નથી. મન:સુખરામભાઈનો મારા પર ઘણો સ્નેહ હતો ને તેઓ મારી વિદ્વત્તાથી પ્રસન્ન હતા. તેમણે મારા શ્રેયમાં વારંવાર લક્ષ આપ્યું છે. મારી સંભાળ પણ વારંવાર રાખતા. મને એક પ્રસંગે જુનાગઢ દરબારની અરજી લખવા અપાવી હતી. ને રૂ.૨૦૦) અપાવ્યા હતા. એમના પ્રસંગે મને જુનાગઢના દીવાન બાપાલાલનું, અમારા ગામના દેસાઈના વડા પુત્ર હરિદાસ વિહારીદાસનું, દીવાન બહાદુર મણિભાઈ જસભાઈનું, રાવબહાદુર મોતીલાલ લાલભાઈનું વગેરે ઘણા સંભાવિત ગૃહસ્થોનાં ઓળખાણ પીછાન થયાં હતાં. મનઃસુખરામભાઈને હું વારંવાર મળવા જતો પણ તેમની વાતચીત અનુત્સાહક જણાતી તેથી હું ઘણીવાર જતો નહિ અને વળી જેમ જેમ મુંબઈમાં મારો પગ જામતો ગયો, કામકાજ લખવું વાંચવું તથા મિત્રમંડળ વધતાં ગયાં તેમ તેમ મને અવકાશ પણ થોડો રહેવા લાગ્યો. છતાં હું સાત આઠ દિવસે જવા ચુકતો નહિ. પણ નાના મોહોટા વ્યાવહારિક સંબંધોમાં મનઃસુખરામભાઈ તરફથી મારી જરા પણ ગણના થવા માંડી નહિ એટલે હું ઘણો થોડો જતો આવતો. આવા વખતમાં મેં મુંબઈ મુક્યું હતું. કોઈએ મને એમ કહ્યું હતું કે ગોકળદાસ તેજપાળ ખાતામાં થતાં તેવાં બીજાં કામોમાં તમે પ્રખ્યાતિ પામવા લાગ્યા છો તે મનઃસુખરામભાઈ વગેરેને પસંદ નથી પણ આ વાત મેં જરા પણ માની ન હતી અને હાલ પણ માનતો નથી.
મિત્રોની વ્યવસ્થા થઈ રહી. હવે શત્રુની પણ કાંઈક જણાવવી જોઈએ. નડીઆદમાં સગાં, નાતવાળા વગેરે કેમ ને કેવા શત્રુ હોય તે મેં લખેલું છે. વળી મારી સ્ત્રીનાં તોફાન પરત્વે તેને ને મારે અણબનત ચાલતી તેમાં મારાં માતુશ્રીને વગોવી અમારા દુશ્મનો લાભ લેતા. મુંબઈ રહે રહે મને એવો વિચાર થયેલો કે આપણી નાતના લોક સુધરે તો ઠીક. મારે નોકરી ન હતી તેવામાં નાનાં નાનાં બાળકને ઈનામ વગેરે અપાવી ઉત્તેજન આપવા નાત તરફનું ફંડ કરાવવા મેં મેહેનત કરી હતી પણ ફલ કાંઈ થયું ન હતું. તેની તે ધુન મનમાં રાખી મેં નાતીલાઓને ઉપદેશ મળે તેવા ચાબકા લખવાનો નિશ્ચય કરી "નાગરબંધુ" એ નામનો પ્રથમ અંક છપાવી મફત વેંહેચ્યો. મારૂં નામ છુપાવવા મેં ઘણી મહેનત કરી હતી પણ તે બહાર પડી ગયું અને બધી નાતવાળા મારા દુમન જેવા થઈ પડ્યા. મેં પણ એ કામ આગળ ચલાવ્યું નહિ અને નાતને નામે કંટાળી તેને સુધારવાની વાત તો મેં તે પછી તદ્દન માંડી વાળી. આમ દુશ્મનાવટ તો થતી હતી તેમાં વળી મારા સહાધ્યાયીઓ મારી ખ્યાતિ વગેરેથી પ્રસન્ન ન હતા, તેમ તેમના હાથમાં મારી વિષયવાસનાની નાની મોહોટી વાત હાથ આવતી તે લઈ તેઓ મને ગમે તેમ વગોવવામાં ખામી ન રાખતા. આમ છતાં અમારૂં ગાડું ધીમે ધીમે ગબડ્યાં જતું હતું.
જે હેતુથી મુંબઈ આવવું થયું હતું તે હેતુ બર આવ્યો નહિ. મુંબઈ આવવાના વખત પર મને વડોદરા સ્કુલમાં રૂ. 100) કંપનીના પગારથી નોકરી મળતી હતી તે મેં ન લીધી ને મુંબઈ આવ્યો છે એમ માનીને કે કાયદાનો અભ્યાસ કરી LL. B. થઈશ. મુંબઈ આવ્યા પછી અભ્યાસ પણ કરવા માંડયો અને જુરીસ્પ્રુડંસમાં પાસ થયો પણ તે પછી એક વર્ષ આગળ ટર્મ ભરવાનું મન ના થયું. જેમ આ અભ્યાસનું મેં વર્ણન કર્યું છે ને તેમાં વિશેષ ધર્મ સંબંધી જે મેં મારા નિશ્ચયો બતાવ્યા છે તેમાં તેમજ જેટલું બને તેટલું કરી દુનીયામાં પરોપકાર કરવા ઉપયોગી થવામાં મારું મન ઘણું રોકાઈ ગયું હતું. ધર્મ અને પ્રેમ બે મારાં મુખ્ય માનસિક ચિંતવન હતાં ને તેની પાછળ હું ભમતો. મારા વિચારોની પરંપરામાં મેં પરિણામે પ્રેમ અને મોક્ષ (ધર્મ) એકરૂપ ગોઠવી કાઢ્યા હતા તે પરમપ્રેમ – સર્વ જગત્ એક પ્રેમાધિષ્ઠાન – એ જ મોક્ષ એમ માનતો હતો. મારા આમ માન્યા પછીનાં અર્થાત્ ૧૮૮૨ પછીનાં લખાણ પણ એવા જ રંગથી ભરપુર છે. હું શંકરવેદાન્તનો ભક્ત છતાં પ્રેમ બ્રહ્મ ઉભયનું મહદૈક્ય માનતો. આવા હેતુ મનમાં ભરાયા. માણસના જીવતરનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ છે, અને તે જીવતરમાં ગંમત મોજમઝા પ્રેમાનુભવ તથા ઉંચા પ્રકારના વાંચન ને વિચારશ્રેણિમાં છે, તથા આવું આંતરસુખ મળ્યા સાથે બાહ્યથી સર્વને ઉપકાર કરતા જવો એ પરમધર્મ છે આવું મારા મનમાં ઉતર્યું હતું. આ કામમાં કાયદાનો અભ્યાસ અને તે અભ્યાસ કરી રહ્યા પછી પણ તેમાં નિપુણતા મેળવવા માટે જરૂરનું નિત્ય વાચન તથા મન એ મને મહાવિધ્નરૂપ દીસવા માંડ્યાં, ને મેં કાયદાનો અભ્યાસ માંડી વાળવાનું મન કરી એક વર્ષ ગુમાવ્યું. એવામાં વડોદરામાં કોલેજ નીકળવાની હતી તેના સંસ્કૃત અધ્યાપકની જગો મને આપવા પત્ર આવ્યું, પણ તેનો પગાર ફક્ત કંપની ૧૦૦) હોવાથી મેં તે જગો ન લીધી. તે પછી થોડે કાળે રેવન્યુ ખાતામાં રૂ. ૩૦)ની તીજોરરની જગો મને મળી; પણ તેમાં મામલતદાર થતાં પહેલાં બે કાયદાની પરીક્ષા આપવી પડશે; એ વિચાર મનમાં આવ્યો. જ્યારે કાયદાની બે પરીક્ષા આપવા સાથે લઉં ત્યારે તો એક LL B જ ના કરૂં કે સ્વતંત્રતાની સ્વતંત્રતા રહે ને કમાણી તથા પ્રતિષ્ઠા પણ થાય એવો વિચાર કરીને મેં તે નોકરીની પણ ના કહી.
આમ થયા પછી મને મારા સ્નેહી રા. ગોકળદાસ કહાનદાસ વારંવાર કહેતા કે તારી તર્કશક્તિ અને લખાવટ તને કોઈ સારા વકીલ કે જડજને માટે લાયક કરે તેવી છે તો તું કાયદા કેમ વાંચતો નથી? આ બાબતની તકરાર થતાં મેં તેને મારાં ઉપર કહેલાં કારણ અને સિદ્ધાન્ત જણાવ્યાં હતાં, તથા વિશેષમાં કહ્યું હતું કે કાયદો કેમ હોવો જોઈએ વગેરે જનસ્વભાવના નિયમ પરત્વેનું જ્ઞાન તો પ્રાપ્ત કરવા લાયક છે, પણ અમુક રાજ્યકર્તાના તરંગો પ્રમાણે ગોઠવેલા, તથા તે પણ દર અઠવાડીએ બદલાતા નિયમો ગોખી રાખવાથી માણસને તેના જીવિતનો કયો હેતુ સંપાદન થવાનો છે? કેવળ દ્રવ્યનો જે પૂજક હોય તેને તો એ સારો ધંધો છે, પણ દ્રવ્ય સંપાદન કરવું ને એ જ માણસનો મુખ્ય ઉદ્દેશ તથા વળી વકીલાત જેવા ધંધામાં મળતર નિશ્ચિત ન હોવાથી મનમાં જ્યારે લાગ આવે ત્યારે દ્રવ્ય ઉપાર્જન કરવાની ઉત્કંઠા તીવ્ર રહે છે ને તેથી કબજામાં રાખવા લાયક જે લોકવૃત્તિ તે બેહેકી જઈ માણસને પરિણામે સ્વાર્થી બનાવી દે છે. આ મારી દલીલો તેમને પસંદ પડી ને તેમણે કહ્યું કે ભલે તારા મનમાં એમ જ હોય તો તારાથી એ વાત નહિ બને. મને પણ અનુભવ છે કે આ ધંધામાં પડ્યા પછી મારે મારી હજારો ધારણાઓ – લોકહિતની – માંડી વાળવી પડી છે. આ પ્રમાણે મારૂં મન આનંદ માનતું પણ વળી વિચાર આવતો કે આ નોકરીમાં પગાર વધવાનો નથી, બદલી પણ થાય તો થાય ને તે થાય તો પણ પગાર વધવાનો સંભવ થોડો જ છે. મને ઉત્તર વિભાગના ઇન્સ્પેક્ટરે જગો આપવા લખ્યું પણ તે સરખા પગારની ને આસીસ્ટંટ ડેપ્યુટીની હતી એ અનુભવ પણ તાજો હતો. હવે વધારે દ્રવ્યની તો જરૂર ખુલી જ છે. મુંબઈની કમાણી તો મુંબઈ જ ખાય છે, ત્યારે શું કરવું? કાયદાના અભ્યાસની વાત અભ્યાસે છે પણ ટર્મ તો ભરવાં એમ સમજી વળી ૧ વર્ષ ભર્યું, અને બાકી એક રહ્યું હતું તે ભરવા માંડ્યું હતું અને કાયદા વાંચવા માંડ્યા હતા પણ મનમાં વારંવાર એમ આવતું કે અરે! ઈશ્વર! આ સંકટમાંથી કોઈ નહિ છોડવે? એવામાં છુટકારો આવ્યો !
મારી ઓફીસના કાર્ય ઉપરાંત આટલો વાંચવાનો, વિચારવાનો, લખવાનો, લોકોમાં મળવાનો ને મિત્રમંડળમાં ગંમત તથા ધાર્મિક નિત્યકર્મ કરવાનો મારો ઇતિહાસ સાંભળી વાંચનારને એમ લાગશે કે મારી શરીરસંપત્તિ તો ખરેખરી ર્દઢ દોવી જોઈએ. પણ ખરી વાત એથી ઉલટી જ હતી. સન ૧૮૮૨ના આરંભથી મારે શરીરે ગાંઠા થવા માંડ્યા ને તે પગ પર ઘણા હતા. તેમાંના પગ ઉપર ત્રણ અને ડાબા હાથની વચલી આંગળીએ એક એટલા ફાટ્યા ને તે સર્વની અવસ્થા સામું પણ ન જોવાય એવી ભયંકર થઈ. દાક્તરોની વૈદોની હજારો દવા થયાં ગઈ પણ આરામ ન થયો. આખરે કોઈ દાક્તરે એમ પણ કહ્યું કે પગ કાપી નાખીએ. આમ દોઢ વર્ષ હું પીડાયો, આખરે થાકીને રસકપુરની માત્રા એક દેશી વૈદ પાસેથી ખાધી ત્યારે આરામ થયો. તે સન ૧૮૮૪ના આરંભમાં થયો એમ યાદ છે. તે વેળે લેવડાવેલું એ મારું Bust છે તે તે વખતની મારી તબીઅતનો ચીતાર આપી શકશે. પણ બાકીના સમયમાં મારું શરીર ઘણું સારૂં થયું ને ૧૮૮૫ના આરંભમાં હું ગયો તે વેળાનો ફોટોગ્રાફ મારી જે શુભ શરીરસંપત્તિ બતાવે છે તેવી મારા આખા જન્મારામાં થવાની નથી.
મારે સ્ત્રી સંબંધી જે મહાવ્યથા હતી તેની આ વેળે શી અવસ્થા થઈ તે સમજવા જેવી છે. તેનાં લક્ષણ તથા તે પરથી થયેલો મારા મનનો ઉદાસીન ભાવ તો મેં આગળ જણાવેલો છે. એટલે તેની તેવી ને તેવી ચાલ વધારે સ્પષ્ટ થઈ એ સિવાય અને બીજું કહેવાનું નથી. તેને બધું મળી ત્રણચાર વાર હું મુંબઈ લઈ ગયો હતો ને તે દરેક વખત એમ આશાથી કે એક કરતાં બીજી વાર વધારે સુધરશે. તેનાં લક્ષણ ખરાબ હોવાથી તેને એકલી કદાપિ લઈ જવામાં ન આવતી પણ મારા ઘરના સર્વે સાથે આવતાં. પ્રથમવાર તેણે ભૂતપ્રેતના એવા ખેલ કર્યા કે તેથી કંટાળીને મેં નડીયાદ આવી તેના બાપને સોંપી– વળી તેણે મોકલી – મુંબઈ ગયા – પણ ત્યાં ચોરી ને તોફાન બહુ જ માંડયું. આ વેળે જ એ સ્ત્રીને મારવાથી સુધરશે એમ જાણી મેં બેત્રણ વાર સખ્ત માર મારેલો. બાકી પછી આશા મુકીને કદાપિ એ ઉપાય મેં હાથ લીધો નથી. સર્વના મનમાં એમ આશા હતી કે એકાદ પ્રજા થાય તો આ સ્ત્રીને અમારા ઘર પર મમતા લાવી સુધરે; મારી બા એને સુધારવા ઘણો શ્રમ કરતી, તે એનાં અપલક્ષણ મારાથી બનતી મેહેનતે છુપાવતી પણ બાઈ પોતે જ તેવાં ત્યાં કોઈનો શો ઉપાય? સ્ત્રીને ગર્ભ રહ્યો; ને પુત્રનો પ્રસવ થયો તે હાલ હયાત છે.
વળી નડીયાદથી થોડે દિવસે તેમને મુંબઈ આણવામાં આવ્યાં હતાં પણ એનાં એ જ. એનાં માબાપ પણ એને વારંવાર લલચાવી પાછી બોલાવી લેતાં તથા કદાપિ માબાપને ઘેર જઈ બેસે તો તેઓ તેને ખુશીથી ગમે ત્યાં સુધી રાખતા. મારી સાળીના પરણવાને પ્રસંગે મારા સસરાએ ઘણી મેહેનત કરી સમાધાન કર્યું અને અમને સર્વેને મનાવ્યા. પણ આ નઠારી છોકરી તથા તેની માએ તે લાંબું ચાલવા દીધું નહિ. ૧૮૮૩ કે ૧૮૮૪ના મે મહીનામાં મારા ભાઈને જનોઈ દીધું તે પ્રસંગે હું નડીયાદ ગયો ત્યારે મહા વિપરીત વાત માલુમ પડી. મારી સ્ત્રી તેનાં માબાપને ત્યાં નાસી ગઈ ગઈ હતી. ને ત્યાં ત્રણેક દિવસ રહી મા સાથે લઢીને અફીણ પહેર્યું છે એમ તેની માને એક દિવસ કહેવા લાગી. તેની મા તેને મારે ઘેર મુકવા આવીને કહી ગઈ કે અફીણ ખાધું કર્યું નથી પણ એવું કહે છે તેથી આ તમને સોંપી. મારાં માબાપે તેને રાખી પણ રાતમાં તેણે અફીણ ખાધું હોય એવો ઢોંગ માંડ્યો. આ ઉપરથી દાક્તર વગેરેને બોલાવાતાં નિર્ણય થયો કે અફીણનો તો સ્પર્શ પણ થયો નથી. કેવળ ઢોંગ છે. આ વાત મેં નડીયાદ આવી જાણી ત્યારે તેવા આચારના પરિણામ તરફ વિચાર કરતાં મને બહુ ક્રોધ આવ્યો અને મેં તેને કાઢી મુકવા આગ્રહ માંડ્યો. પણ મારા ભાઈના જનોઈનું કામ માથા પર હોવાથી સર્વેએ જોરજુલમથી તેને રખાવી. મારા ભાઈને જનોઈ દેવાયું, તેમાં મારા ઘણા મિત્રો વગેરે આવ્યા હતા. તે સર્વથી પરવારી હું તો મુંબઈ ગયો પણ બાઈને નડીયાદમાં જ નાંખતો ગયો. છતાં તેમનામાં કાંઈ સુધારો ન થતાં જે હતાં તે અપલક્ષણો વધતાં ગયાં અને કહેવું જોઈએ કે મારા ભાઈના જનોઈ માટે નડીયાદ આવતાં પહેલાં આશરે એક માસ આગળ મેં મારા પિતાને લખ્યું હતું કે તમે મારી સ્ત્રીને અહીં મોકલો – એવા ઈરાદાથી કે જોઈએ એકલી રહેવામાં તે કેવા ગુણ બતાવે છે. પણ નડીયાદમાં તો તેમણે અફીણ વગેરે તોફાન માંડેલું એટલે કોને મોકલે? મને ગમે તેવો જવાબ લખી વાળી ચલાવ્યું. એ સ્ત્રી ઘણી જ નઠારી હતી એનો નિર્ણય એકવાર – આ બનાવ બનતાં પહેલાં વર્ષેક આગળ તેણે મારા સાઠ વર્ષના વૃદ્ધ પિતા પર ગમે તેવો આરોપ ચડાવવા પ્રયત્ન કર્યો હતો!! [ત્યારથી થઈ ચૂક્યો હતો] અરે કેવી દુષ્ટ!!
મારી માતુશ્રીનો આ સંબંધમાં વાંક નીકળે છે, તેનું કારણ એ સ્ત્રીએ ચલાવેલી જુઠી વાતો છે. તેનો તો પ્રયાસ નિરંતર મારી સાથે મારી સ્ત્રી રહે તેવી યુક્તિ તરફ જ હતો; આમ છતાં મારી માનો સ્વભાવ ઘણો ક્રોધી હતો, તે મારે કબુલ કર્યા વિના ચાલતું નથી; જેમ જેમ મારા તરફથી કમાઈ થઈ ને સુખશાન્તિ મળતી ગઈ તેમ તેમ તેના મનમાં જરા જરા આરામની ઇચ્છા વધતી ગઈ ને સર્વ પર હુકમ ચલાવવાની ટેવ પડતી ગઈ. આવા સ્વભાવના પરિણામ તરીકે એક વાર એવું બન્યું કે મારા નાના ભાઈને હું ભણાવતો હતો તેવામાં તેને કાંઈ ન આવડવાથી મારે મારવો પડ્યો, તો મારા પર ક્રોધ કરી એવું કુવચન કહ્યું કે તારે તો એ મરી જાય એવી મરજી છે. પણ કાંઈ રસ્તામાં પડ્યો નથી. આ વાત સાંભળી મને ઘણું માઠું લાગ્યું. મારા ભાઈ પર મારો અનન્ય પ્રેમ હતો, ને તેને જ મેં મારી માલમતા જે કાંઈ થાય તેની મારા મનથી માલીક કલ્પ્યો હતો. વળી મારા પાસે એવી કાંઈ દોલત પણ ન હતી (બલકે કાંઈ દેવું હતું) કે જેમાં કોઈ ભાગ પડાવે તો મને હાનિ થવાનો સંભવ હોય. મેં મારી આજ પર્યંતની તમામ કમાઈ પણ પાઈએ પાઈ મારા પિતાને સ્વાધીન કરેલી હતી. આમ છતાં પણ જ્યારે આવું કુવચન મેં સાંભળ્યું ત્યારે મારા મનને બહુ ઉદ્વેગ થયો ને એકાંતમાં મારી આંખમાંથી અશ્રુ જવા લાગ્યાં. મને એમ લાગવા માંડ્યું કે અહો! સંસાર માત્ર મિથ્યા છે, માબાપ પણ સ્વાર્થ સુધી જ છે! મારે સંસારમાં પડી રહેવાનું કાંઈ પણ કારણ મેં મારા મનમાં માનેલું તે એ જ હતું કે વૃદ્ધ માબાપની હયાતીમાં મારે કાંઈ ન કરવું. બાકી મેં સંન્યાસ લેવાનો ઘણા કાળથી નિર્ણય કર્યો હતો. આવા ઘણા તર્ક વળી મનમાં આવ્યા, પણ મારી માની મૂર્ખાઈ તથા મારા પિતાની ઘણી જ લોભી પ્રકૃતિ છતાં પણ કાંઈક નરમાશ ને સત્યપણું વિચારી હું ગમ ખાઈ ગયો.
હવે મારે સ્ત્રીમંડલમાંની મારી મૈત્રીઓનું વર્ણન કરવાનું જ બાકી છે. પ્રથમથી કહેવું જોઈએ કે મુંબઈમાં રહ્યા સંબંધ મેં કોઈ વેશ્યાની સાથે વ્યવહાર કર્યો નથી. એમ કરવાનું તો મેં ઘણા કાળથી પાણી જ મુક્યું હતું... સાથે જે ઓળખાણ થયું તે તેની સ્ત્રીને ઉદ્દેશીને જ હતું એ મેં કહ્યું છે. તેની સ્ત્રી રૂપવતી, જવાન તથા ઘણું કરી પ્રજા પેદા ન કરે તેવી હતી. તે વ્યભિચારિણી હશે એમ તો તેની સર્વ સાથે છુટથી મળી જવાની ચંચળતા તથા તેની મુખમુદ્રા ને ચાળા વગેરે પરથી મેં સહજ નિર્ણય કર્યો હતો. મારે ને તેને ધીમે ધીમે સ્નેહ બંધાયો. 'અચાનક આવડી આ શી લાગી કાળજડામાં લાહ્ય' એ કવિતા તેના મોહમાં જ મેં બનાવેલી. આ સ્ત્રી સાથે એવો સ્નેહ થયો કે આખા દિવસમાં બે ત્રણ કલાક અમે એને જોઈએ નહિ તો નિરાંત ન વળે. આવો સંબંધ ઘણો વખત આશરે દોઢેક વર્ષ રહ્યો. વચમાં વચમાં મને મારા જ્ઞાનના ઉભરા પણ આવી જતા, અને તે સ્ત્રી તરફનું કાંઈક નરમ મન દેખાય કે મારૂં મન જ્ઞાનમાં ડુબવા માંડતું ને આવી વાતોનો પાકો તિરસ્કાર કરતું. આવા જ કોઈ પ્રસંગે "ભજન કર અકલ અચલ ગુરૂ ઘરકા" એ કવિતા રચેલી છે. આવો સંબંધ ચાલતો તે લોકોમાં ખુબ ચવાયો, પણ તેમાં અમે અદ્યાપિ માનસિક સિવાય બીજું કાંઈ પાપ કર્યું ન હતું. મુંબઈ છોડવાના આખરના ત્રણ માસમાં આ સંબંધ ઘણો આનંદજનક થઈ રહ્યો – મને એ સ્ત્રીને અન્યોન્યને મળવાનો એવો છંદ પડ્યો કે હું ઘણુંખરૂં દરરોજ ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી તેને ઘેર જ પડી રહેતો – પણ વાતચીત વિના બીજું કાંઈ થતું નહિ. મારી આ અરસામાં ઘણામાં ઘણી નિંદા થઈ છે; પણ મને તો એમ જ ભાસવા માંડ્યું હતું કે જે પ્રેમસ્થાનની અર્થાત્ જેની મારા પર એકનિષ્ઠ ભક્તિ હોય એવા જીવની શોધમાં હું હતો તે જ આ રૂપાળી પુતળી–મારા વિના ધૂળ નાખીને ખાનારી, મને જોઈ આનંદમાં મઝા કરાવનારી, મારૂં નામ સાંભળીને પણ એ નામ દેવાવાળાને બે ઘડી ખોટી કરનારી, મીઠા મીઠા શબ્દોથી વાત કરનારી, ભણેલી ગણેલી, વારંવાર પ્રેમવિનોદમાં આંખમાં આંસુ સાથે "મને નિત્ય આમ સંભારશો" એમ દીન વદને પુછનારી–માં મને મળી આવ્યું છે!! વિષયવાસનાની મને બિલકુલ પરવા ન હતી. મૂળથી મારામાં તે ઈચ્છા ઘણી નથી, પણ મારૂં મન જે વાતે હમેશાં બળતું તે વાત આવા કોઈ પ્રેમસંબંધની હતી; એવા સંબંધમાં વિષય થાઓ કે ન થાઓ એ કાંઈ વજન મુકવા યોગ્ય વાત નથી. આમ હોવાથી મેં તો લોકની, મિત્રોની, દુનીયાંની તમામની લાજ તજી ત્રણેક માસ પર્યંત આ મૂર્તિનું મોં જોઈને બેસી રહેવામાં જ વખત ગાળ્યો. મારે જવાનું પાસે છે તે જાણી કલ્પાંત કરતી આ સ્ત્રીને હવે ક્યારે મલાશે એવી ઇચ્છાથી ધીમે ધીમે મને પોતાનું અંગ અર્પવા માંડ્યું, પણ તેમાં એ ફક્ત બાહ્યોપચાર સિવાય કાંઈ થતું નહિ. મને સ્વાભાવિક પ્રશ્ન ઉઠ્યો કે આવા અનન્ય પ્રેમભાવમાં આવી હદ બાંધવાનું કારણ શું? આ ઉપરથી મેં તેને આખર સંબંધ માટે આગ્રહ કરવા માંડ્યો ને તેણે ના કહી ખેંચવા માંડ્યું, બલ્કે તેવા પ્રયત્નો થાય તો પણ ક્રોધ કરવા માંડ્યો. મેં એ વાત તો માંડી વાળી કેમ કે મારે તેમાં કાંઈ મુખ્ય આનંદ ન હતો, પણ મારા મનમાં એમ ખટકો પડ્યો કે આ સ્ત્રી મારા પર જેવો ભાવ બતાવે છે તેવો ખરેખર માનતી નહિ હોય. આવો વહેમ પડતાના પ્રસંગમાં વળી મેં બે બીજા ગૃહસ્થોને તેને ઘેર આવતા અને મારા જેવા જ કાંઈ સંબંધમાં મઝા કરતા જોયા. તેમાંના એકને તો છેક મને હતા તેટલે સુધી બલકે વધારે હક હશે એમ મને જોતાં વિચારતાં નિર્ણય થવા માંડ્યો. આ ઉપરથી મને એ સ્ત્રી પર તિરસ્કાર આવવા માંડ્યો કે તેં મને છેતરી, આવા સંબંધ તો ઘેર ઘેર બાંધ્યા જણાય છે! અરે ! હું ઠગાયો ! હવે પાછો તો સહજ ફરૂં. પણ ગયેલી આબરૂ વગેરે પાછી ક્યાં મળે? તેમ આટલા કાળ અનુભવેલો આવો પ્રેમાનંદ – ના ના વિષયાનંદ જ તે પણ કેમ વિસરે. એ બાઈને ઠપકો દઈશ એમ નિર્ણય કરી "શા રસ પર ગુલતાન" એ કવિતા તેને લખીને સમજાવી. તેણે તેની હંમેશની રીતિ પ્રમાણે વળી સોગન શપથ વડે મારૂં દિલ હાથ કર્યું ને તેના મુખની છબીનું ધ્યાન ધરતા અમે ભાવનગર ગયા.
આ સંબંધે નિંદા થઈ તો ભલે, આ સંબંધે આબરૂ ગઈ તો ભલે, પણ એ સંબંધ મનમાં મુખ્ય રહેવાથી જ બીજા તેવા સંબંધ અથવા સાધારણ વિષયવાસનાના સંબંધ પણ મુંબઈ જેવા સુલભ પ્રસંગવાળા ગામમાં પણ બન્યા નહિ. પ્રિય વાંચનાર ! શું આ વાત જ નથી બતાવતી કે મનગમતી સ્ત્રી જો કોઈને પણ મળી હોય તો તે કદાપિ લંપટ વ્યભિચારી વ્યસની ન જ બને ! અરે ! તેના જીવિતમાં કોઈ અપ્રતિમ આનંદ આવે, તેની નસોમાં કોઈ નવું લોહી વહે – કેમકે કોઈ મારે માટે જ જીવ આપી રહ્યું છે, ને હું તેને માટે આપી રહ્યો છું એ જ્ઞાન, એ ભાન કેવું છે! પરમાનંદ પરમાનંદ ને પરમાનંદ !! અસ્તુ. મનને અનુકૂલ નહિ એટલું જ નહિ, પણ મનને પ્રતિકૂલ તથા કેવલ વિઘ્નસંતોષી સ્ત્રી મળવાને લીધે મારૂં પ્રેમમય દિલ સંસારમાં બેચાર સ્થલે આવા હીંચકા ખાતું માલુમ પડે તો તેમાં હું કાંઈ દોષ દેખતો નથી. પણ વાંચનાર! તું તેમ ન માને તો દોષ માનીને પણ જરૂર મને ક્ષમા કરશે જ!
આગળ... નું નામ લખેલું છે તેની સ્ત્રી પાસે હું ઘણીવાર બેશી રહેતો. પણ તેમાં આવો કાંઈ સંબંધ ન હતો. માત્ર પુરૂષે પુરૂષને ઉત્તમમાં ઉત્તમ સ્નેહ હોય તેવી મમતા ઉભય તરફ હતી. તેની નાની દીકરી મારા પર ઘણો સ્નેહ રાખતી ને મારે ઘેર આવતી. તેની સાથે કાંઈક તેવો સંબંધ થયો હતો અને તેને એકાદવાર વાપરી પણ હતી. આ સિવાય હું મારા ભાઈને જનોઈ દેવા નડીયાદ આવ્યો હતો ત્યાં એક ભરૂચની ખત્રેણ મળી. તે નિશાળમાં મહેતી હતી ને નોકરી લેવાને પ્રસંગે મારી પાસે આવી. મેં તેની ચાલચલગતની તપાસ કરવા પરથી તેને નોકરી નહિ આપી શકાય એમ જણાવેલું હતું. છતાં તેણે ધીમે ધીમે મને પોતાની સાથે એકબે વાર કુકર્મ કરાવ્યું. આ સંબંધમાંથી મને માલુમ પડ્યું કે તે ગોકળદાસ કહાનદાસ પારેખની હંમેશની રાખેલી છે કેમકે તેણે મને ફસાવવા માટે ગોકળદાસના હાથના પત્રો બતાવ્યા હતા. પણ મારો ને તેનો સંબંધ રહ્યો નહિ. એ સિવાય મારી માસીજી જોડે પણ એકાદ વાર મળવું થયું. તે ઘણી વ્યભિચારિણી હતી. હું એકવાર તેને ઘેર જમવા ગયો હતો ત્યાં તેણે બારણાં અડકાવી, મારા પર બળાત્કાર કરવા માંડ્યો. મેં તેનો તિરસ્કાર સહજમાં કર્યો હોત કેમકે હું તેને બહુ જ નઠારી, ચાલની જાણતો હતો, પણ મને એમ વિચાર આવ્યો કે હું મારી સ્ત્રીને રાખતો નથી માટે તે સંબંધી પરીક્ષા માટે તો આ કાવતરૂં નહિ હોય, એટલે હું ફસાયો. મૂળ તો આવો સંબંધ થયા પછી મેં તેનું નામ પણ ના દીધેલું. આ વેળે વળી તે ફરી મળવા લાગી અને હું પણ ભુખ્યો હતો એટલે એકાદ વાર સ્વીકારી, પણ આ નડીયાદના બે સંબંધમાંથી મને પ્રમેહ લાગુ પડ્યો તે ત્રણ માસ સુધી મહા કષ્ટ દઈને મટ્યો. છેલો સંબંધ મુંબઈમાં એક પારસણનો થયો. ભાવનગર જવાનો નિર્ણય થઈ ગયો હતો ને પંદરવીસ દિવસમાં જવાનું હતું તેવામાં એક પારસણ શોધતી આવી. તેના ચાળાચસકા જ કાંઈ ઓર હતા. તેને નોકરી આપી ને તે પછી રૂ. ૫-૧૦ આપીને એકાદ-બે વાર બોલાવી હતી. આ સિવાય ફરી મુંબઈ રહેવાના આ ચાર વર્ષમાં મેં કાંઈ કર્યું નથી.
એકાદ વર્ષ હું નડીયાદમાં હતો તેવામાં એક બીજો પણ પ્રસંગ આ ચાર વર્ષમાં બનેલો છે. બાળાશંકરને ને મારે તથા તેના ઘર સાથે કેવળ ટુટ પડેલી હું કહી ગયો છું. તેની સ્ત્રી મારૂં ઓળખાણ રાખી રહી હતી. તેની સાથે જે આગળ બનાવ થયેલો તેની મારા મનમાં ઘણી ખટક હતી. ને મેં 'કાન્તા' નાટકમાં પણ તે વાત ઉતારી હતી. પણ કાન્તાની કસોટી કાઢવાનું જેમ હરદાસને મન થયું તેમ મને પણ હતું. કેમકે આ સ્ત્રીએ પોતે મને ફસાવ્યો હોય એ વાત હું માનતો નહિ ને તેને વ્યભિચારિણી તો ગણતો જ. છતાં મેં કાંઈ પ્રયત્ન કર્યો ન હતો. પણ એક દિવસ તે મને મળવા માટે ઘેર આવી. હું ને તે એકલાં જ હતાં. ઘણી તેના ધણીના મારા સંબંધની વાતો થયા પછી હું ઉઠ્યો. પણ તે તો હાલે જ શાની? તેણે ગમે તેવી સંજ્ઞા, વાકચાતુરી વગેરે માંડ્યું. ને અમથો બાહ્યોપચાર થયો. પણ તે પછી મેં કશો પ્રયત્ન કર્યો નહિ ને એ સંબંધ વળી પડ્યો રહ્યો.
મારા હૃદયની ને મનની સ્થિતિ કહેવાની જરૂર છે? ધર્મ સંબંધી જે જ્ઞાન મેળવ્યું હતું તે જ મારૂં જીવન હતું. ગમે તેવા શરીરસંકટમાં ગમે તેવા પરાજયમાં, ગમે તેવી સાંસારિક વિટંબનામાં, પણ यदभावि न तदभावि। भावि चेन्न तदन्यथा॥ ! એ નિશ્ચયથી કરીને કદાપિ મન સંતપ્ત થતું નહિ. જે કાળે જે પ્રાપ્ત થાય તેનો નિર્વાહ કરી આનંદ માનવાનો નિશ્ચય થયો હતો. આમ થવાથી મારામાં ધૈર્ય પણ કાંઈ લોકોત્તર જ પ્રાપ્ત થયું હતું. પણ તેવા ઘેર્યની સાથે મારા શ્રમ કરવાના ઉત્સાહમાં ને મેહેનત ઉઠાવવાના મનમાં કાંઈ ન્યૂનતા જણાતી ન હતી. આ ધર્મ સર્વને સમજાવવો એટલું જ નહિ પણ મારી સ્ત્રી ખરાબ નીવડવાથી જે દુઃખ થયું તેવું સર્વને હશે માટે સ્ત્રીવર્ગની સ્થિતિ સુધારવા પ્રયત્નો કરવો એ નિર્ણય થયો. આવા હેતુથી કરેલાં કેટલાંક કામનું વર્ણન આગળ આવી ગયું છે. પરમ કરૂણામય સર્વનિયંતા ઈશ્વર વિના કોણ મારા હૃદયને આવું જ્ઞાન અને આવી પ્રેરણાઓ કરી સંસારમાં નિભાવે ? લોકમાત્ર દુશમન – અદેખાઈથી, દ્વેષથી – થયા હતા; બાકી મેં કોઈનું મનસા વાચા કર્મણા નુકસાન કર્યું નથી – ફક્ત જનસ્વભાવને અનુસરી કોઈનો દ્વેષ જાણ્યા પછી કંટાળીને કાંઈ બોલાયું હશે એ જ, ને તે પણ વાજબી જ ને ખરૂં. આમ થવાથી લોક મારા પર ચોખો ગેરઇનસાફ ગુજારે છે એમ જાણી હું મારા જ્ઞાનબળથી તેમના સંબંધે કેવળ અસક્ત થઈ ગયો હતો પણ મને જે સત્ય જણાય તે કરવા ચુકતો નહિ. ને મારા દોષ પણ મનમાં સમજી તેમને દબાવવાના પ્રયત્નમાં ખામી રાખતો નહિ – છતાં प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति. ગમે તેમ હો પણ પ્રય વાંચનાર! મારૂં જ્ઞાન એ જ મારો જીવ, ને એ વડે હું આ લખવા સુધી જીવતો રહ્યો છું એ મારૂં કહેવું હાલ તારા માનવામાં નહિ આવ્યું હોય તો ધીમે ધીમે અક્ષરે અક્ષર મનાશે.
આ પ્રમાણે મુંબઈમાં રહી પરમજ્ઞાન સુધીની વાત સમજી, ભોગ મોજ ભોગવી, ઘણોક અનુભવ લઈ, પ્રતિષ્ઠામાં સારો વધારો કરી ભાવનગર જવાનું કેમ બની આવ્યું તે કહું છું. ભાવનગરના દીવાન શામળદાસ પરમાનંદદાસ મરી જવાથી ત્યાં તેમનું નામ રાખવા કોલેજ નીકળી. તેમાં સંસ્કૃત ભણાવવાની કે History Philosophy ભણાવવાની જગો લેવા માટે મેં લખ્યું. આ બાબતમાં મારા મિત્રો ગોપાળદાસ વિહારીદાસ અને અનંતરાય નાથજી ઘણો શ્રમ કરતા હતા; ને પરિણામે મને સંસ્કૃત પ્રોફેસરની જગો મળી તે ઉભયની મદદથી મળી એમ હું માનું છું. પણ એ જગોનો નિર્ણય થતાં પહેલાં વડોદરાના ડાયરેક્ટર ઓફ વર્નાક્યુલર ઇન્સ્ટ્રક્શનની જગો ખાલી થઈ તે બાબત મેં ગાયકવાડને લખ્યું; તેમણે મને મળવા બોલાવ્યો; હું તેમને મળ્યો ને તેથી મારા મન પર તેમના વિષે, તેમ તેમના મન પર મારા વિષે સારી અસર થઈ. તેમણે મને પત્રથી પુછાવ્યું કે પગાર શો લેશો, કેળવણી સિવાય બીજા ખાતામાં પણ જશો કે નહિ, વગેરે વગેરે. આના જવાબમાં નોકરી તો ગમે ત્યાં કરીશ, પણ પગાર ભાવનગર સાથે જે બંદોબસ્ત ચાલે છે તે ધ્યાનમાં રાખી આપો તો આવીશ એમ લખ્યું. આ પગાર તેમને ભારે લાગવાથી મને જવાબ મળ્યો કે હાલ તમે ભાવનગર જાઓ; જો આગળ જરૂર હશે તો બોલાવીશું. આ ઉપરથી ભાવનગર સાથે મારો ઠરાવ થયો. દર માસે રૂ. ૨૦૦)નો પગાર ઠર્યો, તે દર વર્ષે રૂ. ૨૫ પ્રમાણે ૪૦૦) થતા સુધી વધે એવો ઠરાવ થયો. અંગ્રેજ સરકારની મારફત તેમણે મારી નોકરી લીધી એટલે પેનશીનનો હક સરકારમાં રહ્યો તે સાચવવા દર માસે કાંઈ ભરવાનું તે મારે સીર રહ્યું. મારા સિવાયના એક પ્રોફેસર સાથે વધારે સારી ગોઠવણ દરબારવાળાએ કરી છે એમ મને ઘણું મોડું માલુમ પડ્યું. પણ અત્રે એટલું જ લખવું છે કે દરબારવાળાઓ આ નિમણુકોના બંદોબસ્તની બાબતમાં ઘણી નાલાયક લુચ્ચાઈથી રમેલા છે.
હું ૧૮૮૫ના જાનેવારીની ૨૦મી તારીખ લગભગ મુંબઈથી નીકળ્યો એમ મને યાદ છે. મારા હાથ નીચેના કેળવણી ખાતાના માસ્તરોએ ફંડ કરી મારો ઘણો સત્કાર કર્યો, માનપત્ર તો સરકારી નિયમ પ્રમાણે અપાય નહિ, પણ એક મોટી સભા ભરી– ગામના ઘણા વિદ્વાન તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોને બોલાવી તેમણે મેવો ફલફલાદિ દુધ ચા વગેરેનું ખાણું આપ્યું તથા બીજો આનંદ કર્યો, અને પોતાને માટે મારા Photograph દરેકને એકેક નકલ આવે એટલા પડાવી લીધા. મને સ્ટેશન પર વળાવવા તથા ફુલનો વરસાદ વરસાવવા પણ મોહોટું ટોળું આવ્યું હતું. આ સર્વ વાતનું વૃત્તાંત ફેબ્રુઆરી કે જાનેવારીના મુંબઈ ગેઝેટમાં છે. હું મુંબઈથી નીકળ્યો તે વેળે મારી વૃત્તિ કેવળ શૂન્ય થઈ ગઈ હતી. અરે, આ મુંબઈ મારો જીવ, મારો પ્રાણ, મારા જ્ઞાનનું, મિત્રોનું, કીર્તિનું, મારી અખંડ પ્રિયાનું સ્થાન તે જ તજવું! એ વૃત્તિમાં હું કોઈ સાથે બોલ્યો નથી, ચાલ્યો નથી, કેવળ મુગે મોઢે ગાડીમાં ચઢી ચાલતો થયો. મારાં માતપિતા સાથે હતાં. મારા પિતાના હાથમાં ખાંડ ભરેલી બરણી હતી, તે જેવા ગાડીમાં બેસવા અમે ઊઠ્યા તેવી જ ફડાક દઈને પડીને ફૂટી ગઈ તથા ખાંડ વેરાઈ ગઈ. આ શકુન યાદ રાખજે વાંચનાર, આગળ કાંઈક સમજાશે. મને તો તેની અસર તે વખતથી મનમાં આવી હતી, પણ મારા સ્વભાવ મુજબ यदभावि વગેરે યાદ લાવી વાત વિસરી ગયો. આ સ્થળે મારા વૃત્તાન્તનું ત્રીજું પ્રકરણ પુરૂં થયું ગણાય.