આત્મવૃત્તાંત/અધ્યાપક

વિકિસ્રોતમાંથી
← ઉત્કર્ષ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
અધ્યાપક
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
કૃત્રિમ તાલુની વ્યવસ્થા →


૫. અધ્યાપક

મેં તા. ૨૨ જાનેવારી ૧૮૮૫ ને રોજ ભાવનગર કોલેજમાં ચાર્જ લીધો. અત્રેની વાત હું ૧૮૮૬ના જાનેવારી સુધીની જ લખી જઈશ. ને તે બે વર્ષમાંની બિનાઓના મુંબઈની વાત લખતાં જેવા ભાગ કર્યા છે તેવા કરી દરેક બાબતની આખી વાત આપી જઈશ.

કોલેજમાં પ્રથમ વર્ષનો ફક્ત પ્રીવીઅસ ક્લાસ જ હતો. તેનું કામ એક કલાક દરરોજ કરવાનું આવતું તે ઠીક ચાલતું; પણ મારૂં મન મુંબઈ છોડવાથી ઘણું ઉદ્વિગ્ન હતું, અને મારા પ્રતિપક્ષીઓની એવી ઘણી ગપો ચાલેલી કે મને પ્રોફેસર બનાવ્યો છે પણ મને કાંઈ આવડતું નથી, ને તે જ વિચાર મારા વિદ્યાર્થીઓના મનમાં પણ કાંઈક ઠસેલો એટલે મારે ને તેમને પુરૂં બનતું નહિ. પણ છએક માસમાં ઘણી સારી વ્યવસ્થા થઈ, તેમની મારી વચ્ચે સ્નેહ બંધાયો અને તેમને મારા કામથી પરિપૂર્ણ સંતોષ અને મને મારા કામમાં આનંદ થઈ આવ્યો. એ વર્ષ એમ વીત્યું. તેમાં આખર પરીક્ષામાં પણ મારા વિદ્યાર્થીઓ ૧૮માંથી ૧૨ પાસ થયા તેથી મને સંતોષ થયો. બીજે વર્ષે પ્રથમ બી.એ.નો વર્ગ પણ થયો. એમાં જે કામ કરવાનું હતું તે ઘણા ઉંચા પ્રકારનું હોવાથી મારા મનને અનુકૂલ હતું, ને તે વર્ગ ભણાવતાં આખી કોલેજના વિદ્યાર્થીઓને ને મારે હતો તે સ્નેહ દૃઢ થયો એટલું જ નહિ પણ સહુની મારા પર મમતા થઈ તથા મારી કીર્તિ સારી વધી. એ વર્ષે આખર પરીક્ષામાં પ્રીવીઅસમાં ૨૩ તથા ફર્સ્ટ બી.એ.માં ૫ તેમાંથી કોઈ સંસ્કૃતમાં નપાસ ન થયું. તેથી મારા સંતોષમાં ને મારી આબરૂમાં તથા ભણાવવાના સામર્થ્યની કીર્તિમાં વધારો થયો અને પરિણામે એમ કહેવાવા લાગ્યું કે એક ગણિતના પ્રોફેસર તથા સંસ્કૃતના પ્રોફેસર એ બે જ આખી કોલેજનું નાક છે.

એ પ્રમાણે મારૂં ઉદર નિમિત્ત જે કર્તવ્ય હતું તેમાં મને યશ મળેલો હતો. હું પણ તે કર્મ કેવલ ઉદર નિમિત્તનું જ માની ચલાવતો નહિ, પણ મને તેમાં નાની વયના વિદ્યાર્થીઓ પર સારી અસર કરવાનો પ્રસંગ મળેલો તેનો હું ઘણા ઉત્સાહથી ઉપયોગ કરતો. આ વાત પરથી હવે આપણે મારા ખાનગી અભ્યાસ પર આવીએ. ખાનગીમાં મુખ્ય વાત તો કોલેજમાં આપવામાં ભાષણ માટે તૈયાર થવાના અભ્યાસની રહેતી. તે સિવાયના વખતમાં મેં શાસ્ત્રી ભાનુશંકરને અભ્યાસ વધારવા માટે રાખ્યા હતા તેમની પાસે સિદ્ધાન્તકૌમુદી, પરિભાષેન્દુશેખર, મહાભાષ્ય વગેરેનું અવલોકન કરતો. ક્વચિત્ વેદાન્તના પણ ગ્રંથ વાંચતોઃ – નૈષ્કર્મ્યસિદ્ધિ, અદ્વૈતસિદ્ધિ વગેરે. મારૂં નિત્ય પ્રાતઃકર્મ (ધર્મ સંબંધી) તે તો ચાલુ જ હતું. મુંબઈથી આવતી વખતે મને ડા. પીટર્સને "તર્કકૌમુદી" નામનો ન્યાયગ્રંથ Bombay Skrt Series માટે તૈયાર કરવા આપેલો હતો તેનો પ્રાયશઃ વિચાર ચાલ્યાં જતો તે મેં લખીને તૈયાર કરી તેને મોકલાવ્યો. કાંઈ કાલે તેના તરફથી ઘણો દલગીરીનો તથા મારી પ્રણિપત કરતો પત્ર આવ્યો કે એ ગ્રંથ ખોવાયો છે, ને તે માટે હું જે કહું તે કરવાને તે તૈયાર છે. મેં તેને કહ્યું કે મારે કાંઈ કરવું કે જોયતું નથી. તમે તમારી ફરજ માની જે કૃપા છે તે રાખશો; બાકી ગ્રંથની તો બીજી નકલ છે તે પરથી હું ફરી લખી કહાડીશ. આમ થવાથી મને પણ ઠીક લાભ થયો. કેમ કે એકવાર લખેલું ફરી લખતાં ઘણા સુધારાવધારા થયા. આ ગ્રંથ પ્રસિદ્ધ તો છેક ૧૮૮૬ની આખરમાં થયો. મેં તે સંભાવિત વિદ્વાનોને યુરોપ અમેરિકા વગેરેમાં પણ મોકલાવ્યો હતો. તેમાં Viena Oriental Journalના પ્રથમ નંબરમાં તેનાં ઘણાં જ વખાણ પ્રખ્યાત પ્રોફેસર જેકોબીએ લખ્યાં છે તે તથા ડૉ. કીલ્હોર્ને ઈન્ડીઅન એન્ટીક્વરીમાં જે વખાણ કર્યાં છે તે તેમજ બીજા વિદ્વાનોના ખાનગી પત્રો વગેરે જોઈ મને મારા શ્રમની કૃતાર્થતા સમજાવાથી ઘણો સંતોષ થઈ નવો ઉત્સાહ આવ્યો.

જેવું આ કામ ચાલતું તેવું જ બીજું પણ ચાલતું. Logic of Commonsense નામનો નિબંધ લખીને વાંચ્યાની વાત મેં આગળ લખી છે; તેમ वाक्यसुधाનું ભાષાન્તર Theosophistમાં છપાવ્યાનું પણ મેં લખ્યું છે; આ ઉપરાંત अपरोक्षानुभूतिનું ભાષાન્તર મારી પાસે થયેલું હતું તથા આ વખતે વળી वाक्यसुधाનું સટીક પુસ્તક પણ એક મળી આવ્યું. આ સર્વ ઉપરાંત મારા મિત્ર તુકારામ તાત્યાએ ભગવદગીતા છપાવી તેની પ્રસ્તાવના મેં લખી હતી તે સર્વને ઘણી પસંદ પડી, તે પણ મારી પાસે હતી. સર્વે ગ્રંથો ભેગા કરીને એક "રાજયોગ" એ નામનો અંગરેજી ગ્રંથ ૧૮૮૫ની સાલમાં જ છપાવ્યો ને સંભાવિત વિદ્વાનોને હિન્દુસ્તાન તથા યુરપ અમેરિકામાં મોકલ્યો. ગુજરાતનાં છાપખાનાંવાળાને મોકલાવેલો તેમાં કોઈ તે પર "રીવ્યુ" કરી ન શક્યું; પણ "ગુજરાતી"માં ને તે ૧૨ મે ૧૮૮૭માં ઘણો સારો અભિપ્રાય આવ્યો. મદ્રાસથી પ્રસિદ્ધ થતા Theosophistમાં પણ ઘણો સારો વિચાર જણાવ્યો છે. યુરોપના ને અમેરિકાના વિદ્વાનો તરફથી તો ઘણો સત્કાર મળ્યો. એ જ ગ્રંથ વડે મારી દેશીય વિદ્વાનોમાં પ્રતિષ્ઠા બંધાઈ અને પ્રસિદ્ધ ડા. બુલરનું મારે સારૂં પીછાન થયું. પ્રસિદ્ધ વિદ્વાન્ એડવિન આર્નોલ્ડ હિંદુસ્તાનમાં ફરતાં ભાવનગર આવ્યા હતા; તેમની મારે મુલાકાત થઈ તેમાં તેઓ બહુ પ્રસન્ન થયા અને Londonના Daily Telegraph નામના પત્રમાં તથા પછીથી પોતાના India Revisited નામના ગ્રંથમાં લખે છે કે


"Nor does Poona or Bombay contain any Shastree, with clearer conclusions on Hindu Theology and Philosophy, better command of lucid language, or ideas more enlightened and profound, than Mr. Manilal Nabhubhai Dvivedi, Professor of Sansksrit in the Samaldas College here (Bhownaggar), whose book just published on the Raja yoga ought to become widely known in Europe and to converse with whom has been a real privilege."


આ જ પુસ્તકે વળી આ ઉપરાંત બીજો મહાન્ લાભ કર્યો, ને વિદ્વાન વર્ગમાં મારી પ્રતિષ્ઠાને પરાકાષ્ઠાએ પહોંચાડી. ૧૮૮૬ની આખરે વીએના શહેરમાં Oriental Congress થવાની હતી. ડા.બુલર વગેરે તેના મંત્રી હતા. તેમાં કાઠીઆવાડ તરફથી બીરાજવાને પંડિત ભગવાનલાલને આમંત્રણ થયું હતું, પણ તેમણે કોઈ કારણસર ના કહેવાથી ડા. બુલરે કાઠીઆવાડના પોલીટીકલ એજંટને તેમ જ ભાવનગરના નાયબ દીવાનને લખી જણાવ્યું કે તમારે ત્યાંની કોલેજના પ્રોફેસર મણિલાલને મોકલવા પેરવી થાય તો સારું કેમકે શાસ્ત્ર વેદાંત વગેરેની વાત કરનાર જ કોઈ વિદ્વાનો અમારે ખપ છે. મને આ ઉપરથી બોલાવીને પુછવામાં આવ્યું અને મેં હા કહી. નાયબ દીવાન મને પોલીટીકલ એજંટને તેના કહેવાથી જ મળવા લઈ ગયા; તેની રીતભાત અને વાતચીત મને ઘણી અપમાનયુક્ત લાગી. તેણે પુછ્યું કે “આ જ મણિલાલ? કેમ એઓને વિલાયત જવું છે ?” મેં કહ્યું “હા.” ત્યારે કહે “ઠીક છે. એ બાબત વિચાર કરીશું.” આવું સાંભળી મને માઠું લાગ્યું અને મેં કહ્યું કે “હું એ કામ માટે ઉમેદવાર નથી, આપને જો મોકલવાની ઇચ્છા હોય ને મારા સિવાય બીજો વધારે સારો કોઈ જનાર ન હોય તો હું જવા ખુશી છું.” આટલી વાત થઈ. હું ઘેર આવ્યો, પોલીટીકલ એજંટના મનમાં આવી વાતચીતની અસર પણ સારી થઈ નહિ હોય, ને મારે જવાનું પણ હિંદુધર્મરીવાજ સચવાય તેમ હતું. એટલે મારા ખર્ચનો આંકડો જરા ભારે પણ હતો. છતાં એજંટની મરજી હોત તો બધું થાત. પણ મુંબઈ સરકાર તરફથી જનાર પ્રો. ભંડારકરને ઇંડીયા સરકારે આવા જ અરસામાં ના પાડી. તેને માટે મુંબઈના ગવર્નરના સેક્રેટરીએ એજંટને ખાનગીમાં લખી જણાવ્યું. ભંડારકરને હિંદુ રીતરીવાજ પ્રમાણે જવાની જરૂર ન હતી એટલે તેના ખર્ચનો આંકડો પણ નાનો હતો. આવા યોગમાંથી કાઠીયાવાડ તરફથી તેનું જવાનું બન્યું ને મારૂં ન બન્યું. પણ ન બન્યું એ જ પ્રભુએ ન બનાવ્યું કેમકે જે વખતે Vienaમાં કોન્ગ્રેસ મળવાના દિવસ તે જ વખતે બરાબર બોલી પણ ન શકાય એવો સખ્ત મારો મંદવાડ ! જે થયું તે સારું જ થયું, ને આવું આમંત્રણ મળવાથી પ્રાપ્ત થતું માન તો મને મળી ચુક્યું જ.

આ પુસ્તક ઉપરાંત વળી બીજા બે ઉદ્યોગ આદર્યા હતા. 'નારી પ્રતિષ્ઠા'ને નામે જે આર્ટિકલો "ગુજરાતી"માં આવ્યા હતા, તેનો સંગ્રહ કરી, સુધારાવધારો કરી જુદા પુસ્તક રૂપે પ્રસિદ્ધ કર્યા. આ પ્રસંગે જ તે છપાવી દેવાનું કારણ મી. મલબારીએ બાળલગ્ન સામે તથા વિધવાવિવાહ તરફ ઉઠાવેલી ગરબડ હતી. તેના જેવાને પણ આ પુસ્તક વિષે તો કબુલ કરવું પડ્યું હતું કે “એમાં લખ્યા પ્રમાણે થવા માંડે તો હું મારી તમામ તકરાર મુકી દઉં.”

એ સિવાય નવી સ્ત્રીકેળવણી બાબત મારા મનમાં જે ધુન ભરાઈ હતી ને જે મુંબઈમાં સફળ થવાની અણી પર છતાં વીખરાઈ ગઈ હતી તેની પ્રેરણા વળી ફરી થઈ આવી. ભાવનગરમાં તે વિષે કાંઈ બને એમ ન હતું. હવે શું કરવું? એમ નિશ્ચય થયો કે એક ઘણું સસ્તું માસિક કાઢવું, ને તેમાં સ્ત્રીઓ સંબંધી તો ખરૂં, પણ પ્રાયશઃ એવી રીતિનું ને એવા વિષયોનું લખાણ કરવું કે જે સ્ત્રીઓ પણ વાંચે અર્થાત્ સ્ત્રીઓને વાંચવા લાયક ન હોય તેવા વિષય એમાં ન આવે. માત્ર વર્ષનો રૂા. ૧) કીમત રાખી ‘પ્રિયંવદા' નામનું માસિક ૧૮૮પના આગસ્ટથી મેં શરૂ કર્યું. તે અદ્યાપિ ચાલુ છે ને એનો નફો આવે તે કદાપિ મારે પંડે વાપરી ન ખાવો પણ લોકહિતાર્થ વાપરવો એવી મારી પ્રતિજ્ઞા છે. હાલ તેને બે વર્ષ થવા આવ્યાં છે, પણ તે મુદ્દતમાં તો તેની વાચક વર્ગમાં અતિશય પ્રિયતા છતાં રૂ. ૧૦૦)નો ટોટો ગયેલો છે.

આ સિવાય કાંઈ 'ફીલોસોફી' વગેરે વાંચવામાં તથા મુખ્યત્વે વેદાન્તાધ્યયનમાં કાલ જતો. મારું ઘર ઘણું કરી ધર્મવિષયક વાદવિવાદ ને વિચારનું સ્થાન થઈ પડયું હતું અને ગામમાંથી તેવા જીજ્ઞાસુ લોક વારંવાર ત્યાં મળતા. “એડવોકેટ ઓફ ઇન્ડિયા” નામનું અંગ્રેજી દૈનિક પત્ર ચાલુ થયા પછી ૧૮૮૬ના માર્ચ એપ્રિલમાં મેં ત્રણ આર્ટિકલ તેમાં લખેલા છે. બે દેશસુધારણાના નિયમ સંબંધી અને એક રૂક્મિબાઈના પ્રખ્યાત કેસ સંબંધી. હું ઘણું કરીને સહી “Univesality” આવી કરતો. એવામાં વળી Theosophistમાં પણ વિચારસાગર વિષે એક નાનો આર્ટિકલ લખેલો છે. વળી Spectatorમાં પણ એકાદ આર્ટિકલ લખવાની જરૂર પડી હતી. રા. સા. મહીપતરામ રૂપરામ જેના અભિપ્રાય પ્રમાણે કેળવણી ખાતામાં પુસ્તકો લેવાય છે તેના વિચારોથી હું ઘણી રીતે વિરુદ્ધ હતો. તેથી ગ્રંથની ચુંટણી બાબતમાં તેની રીતભાત મને પુરી ઈનસાફ ભરેલી લાગતી નહિ. આખા ગુજરાતમાં વિદ્યાનો શોખ ઝાઝો મળે નહિ તેથી લખનારાઓની કદર થતી નહિ, પણ કેળવણી ખાતાવાળા જો તેવી કદર કરે તો લખનારનો શ્રમ સફલ થઈ, તેના ઉત્સાહમાં ઉમેરો થઈ લોકોમાં સદ્વિચાર અને સદ્વિદ્યાનો પ્રચાર થાય તેવો સંભવ હતો, પણ આમ થવા દેવા ન થવા દેવામાં આવા કામ પર નિમેલા માણસની વિદ્વત્તા, વિચાર અને ન્યાયબુદ્ધિ ઉપર ઘણો આધાર રહે છે. આમાંનું એકે આ મહીપતરામનામાં ન હતું એમ મને દઢ નિશ્ચય હોવાથી હું વારંવાર કેળવણી ખાતાની પુસ્તકો લેવા સંબંધી વ્યવસ્થા સામે બોલતો લખતો. "કરણઘેલો” એ ઉત્તમ પુસ્તક બાતલ કરી, મહીપતરામનો કેવલ નકામો "વનરાજ ચાવડો" દાખલ કર્યો હતો. એ 'વનરાજ' પર કોઈએ Spectatorમાં ટીકા કરી હતી; Spectatorવાળે કોઈ 'હિંદુ'ને મહીપતરામ તરફ બોલવા નોતર્યો હતો. મેં "હીંદુ" એવી સહી કરી તેમની વિરુદ્ધ તથા તેમના ગ્રંથ વિરદ્ધ જે જે કહેવું હોય તે લખેલું છે. સન ૧૮૮૬ની આખરમાં મી. મલબારીને ને મારે ખરી લડાઈ થઈ. આજ પર્યત તેને મારે કાંઈ ઓળખાણ હતું, પણ તેણે વિધવા વગેરે બાબતમાં સરકારને કાયદો કરાવવા વિનવવા માંડી ત્યારથી મારે ને તેને વિરોધ પેદા થયો. આ સંબંધે અક્ટોબર, નવમ્બરના “એડવોકેટ ઓફ ઈન્ડીયા" માં તથા તે જ અરસામાં “Spectator"માં ઘણી તકરારો થયેલી છે; ને એમાંનો “પુનર્વિવાહ” સંબંધીનો મારો છેલો પત્ર તા. ૨૦ ડીસંમ્બર ૧૮૮૬ના Indian Echo નામના કલકત્તાના પેપરમાં પણ ઉતારેલો છે. મલબારી તરફથી મને વિરુદ્ધ થયા બાબત કાંઈ ધમકી પણ બતાવવામાં આવી હતી. ભાવનગર દરબારનો માનીતો તથા ઘણો વસીલાવાળો મુંબઈનો પારસી વકીલ એમ બોલેલો કે “મણિલાલ સમજતા નથી, મલબારી કોણ છે તે જાણતા નથી. જો સાહેબ લોકોને રાજી રાખવા હોય તો તે આમ ન રહે" વગેરે, એવું મને કહેવામાં આવ્યું હતું. મેં કહેનારને જવાબ આપ્યો હતો કે “સાહેબ લોકોને ખુશ કરવા કે ગમે તેને ખુશી કરવો એ મારું કામ નથી, પારસીઓનું હોય તો ભલે હોય. મારે તો જે સત્ય હોય તે બોલવું એ મારી ફરજ છે, પછી તેમાં કોણ ખુશી કે નાખુશી થાય છે તેની મને દરકાર નથી."

આવી રીતે મારે કાલ ચાલ્યો જતો. તેવામાં ૧૮૮૬ની પ્રીવીયસ, ફર્સ્ટ બી.એ. તથા બી.એ.ની પરીક્ષામાં હું Sanskrit વિષયમાં પરીક્ષક પણ નિમાયો હતો. ગુજરાતીઓમાંથી મેટ્રીક્યુલેશન સિવાયની બીજી કોઈ પરીક્ષામાં યુનિવર્સિટીએ આજ સુધી પરીક્ષક નિમેલો ન હતો, ને મેટ્રીક્યુલેશનમાં નિમે તે પણ 'ગુજરાતી’ વિષયમાં જ. મારી નિમણોક આવી રીતે ઉપરની પરીક્ષાઓમાં થઈ, ને તે પણ જે વિષયમાં દક્ષણીઓએ કોઈને ન જ પેસવા દેવાનો નિર્ણય કરેલો તેવા વિષય ઉપર, તેથી મને પરમ સંતોષ થયો તેમજ આખા ગુજરાતના વિદ્વાન્ વર્ગને પણ આનંદ થયો. આમાં ડા. પીટર્સનની મને મદદ મળેલી ને આમ થયેલું એવું મારું માનવું છે; બાકી મને વિનાવસીલાના ગુજરાતીને યુનિવર્સિટીમાં કોઈ પેસવા દેત એવું સંભવતું નથી. ૧૮૮૬ની સાલની આખર ભાવનગરમાં એક club સ્થાપ્યું હતું. તે એવા ઉદ્દેશથી કે તેમાં નાની લાઈબ્રેરી રહે ને ભાષણો, વાતચીત વગેરે થાય. આનો સ્થાપનાર હું ન હતો, પણ તેનો મેંબર હતો. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા દાખલ કરાવવા માટે આ club તરફથી મુંબઈ ઈલાકામાં લાગતીવળગતી મંડળી વગેરેને લખવામાં આવ્યું હતું. તેમાં મારો મુખ્ય હાથ હતો. મુંબઈની ગ્રેજ્યુએટસ એસોસીએશનનો પણ હું મેંબર હતો. ત્યાંથી પણ એ બાબત મને પૂછવામાં આવ્યું હતું ને મેં યથાશક્તિ સલાહ આપી હતી.

ભાવનગરમાં હું ગયો તે વખતથી એક નવી જ દુનીયાંમાં પેઠો હોઉં એવું મને લાગવા માંડયું. પ્રથમ ચારપાંચ માસ તો મેં મોહોટા માનસિક કષ્ટમાં ગાળ્યા. કોઈનું પણ ઓળખાણ નહિ, લોકોમાં નાગર જેનો ઘણો પરિચય થવાનો સંભવ, તે તો મદોન્મત્ત, બેપરવાવાળા અને છકેલા! કોને મળવું, ક્યાં જવું – એક અનંતરાય ને હું બાકી કોઈ ન મળે. મારા અનુભવથી મને જણાયું કે એ દેશમાં ને ઘણું કરી તમામ દેશી રાજ્યોમાં “પ્રેમ” એ શબ્દનો વ્યવહાર જ નથી. લોકો હૈયાના તદ્દન લુખા હોય છે, ને ગરજ પડે ત્યાં સુધી ઘણો સ્નેહ બતાવે છે. વિદ્યાનો પ્રચાર પણ એ દેશમાં ઘણો કમતી છે તેથી તે સંબંધી ગુણગ્રાહકતા પણ ત્યાં ક્યાંથી હોય ! આ પ્રમાણે કેવલ પ્રેમ, કે ગુણથી તો પાકો સ્નેહ બંધાવાની આશા નહિ, પણ જેના હાથમાં કાંઈ સત્તા હોય તેના ભયથી લોક તેનો સ્નેહ કરે અર્થાત્ તે સત્તા રહેતા સુધી બતાવે ખરા. મારે ઓળખાણ પીછાન ધીમે ધીમે થયાં, પણ તેમાં કોઈની સાથે મારે પ્રીતિ થઈ એમ હું કહી શકતો નથી. છતાં કારભારી મંડલમાં તેમ જ ગામના સાધારણ લોકોમાં મારા પર સર્વની મમતા સારી હતી અને સર્વે મારી મરજી રાખવા પ્રીતિ બતાવતા. મેં પણ એવો દઢ નિયમ રાખ્યો કે કોલેજના કામ વિના બીજા કામ તરફ ઊંચી નજરે જોવું પણ નહિ, ફક્ત મારા જ ઘરમાં બેસી રહેવું ને કામ પ્રસંગે કોઈ બોલાવે તો તેટલી જ વાર જઈને પાછા આવવું. આમ થવાથી સર્વનો મારા પર સ્નેહ વધ્યો અને સર્વે લોકો મારા તરફ માનમર્યાદાથી જ વર્તવા લાગ્યા. આવી રીતે મારો કાલ તો સારા આનંદમાં જતો, ને મારે કાંઈક સારો પરિચય મુખ્ય દીવાનના ભાઈ લલુભાઈ સાથે થયો હતો. આખા કારભારી મંડળમાં કાંઈક વિદ્યા, ગુણગ્રાહિતા ને હોશીઆરી આ માણસમાં જણાતી હતી. પણ તે સ્વભાવે ઊંડો હતો અને તેનામાં મુખ્ય ખામી moral courageની હતી. એ સિવાય મારી કોલેજના પ્રોફેસરમાં જમસેદજી તથા ફરદૂનજીની પણ સારી મુલાકાત હતી. ધીમે ધીમે નાગર વર્ગમાં સાકરલાલ સવાઈલાલ મને સાદો તથા ઉપકારી માણસ જણાવાથી તેનો પણ મને સ્નેહ હતો ને (એક બ્રાહ્મણ) એ બે મારા સ્નેહી હોઈ નિરંતર મારે ઘેર બેસવાવાળા તથા વેદાંત વગેરે ગંમત કરનારામાં હતા. મારા ઉપર સર્વેની સારી મમતા હતી એની ખાત્રી મને ૧૮૮૭ના જાનેવારીના મહામંદવાડ વખતે થઈ. ગામના સર્વ લોક ને નાગરો વિશેષે કરી મારી ઘણી કાળજી રાખતા, ને મેં જે મારા ઓળખીતાનાં નામ ગણાવ્યાં તેમણે તો મારે માટે સગા ભાઈ કરતાં પણ વિશેષ શ્રમ ઉઠાવેલો છે. – કેશવરામે તો તેમાં હદ કરી હતી. મને છેક નડીયાદ પહોંચાડી ગયા, ને સ્કુલમાં રજા પડતાં, ભાવનગરથી ઘરનાં માણસોને સુરત રવાના કરી મુંબઈમાં ૨૦ દિવસ આવી મારી સેવામાં હાજર રહ્યા. આ સર્વનો ઉપકાર મારા પર મોહોટો થયો હતો. આવી રીતિના સંબંધ સિવાય બીજા કોઈ સંબંધ ભાવનગરમાં થયા નથી.

બહારગામ મારા જે જે મિત્રો હતા તેમની પરીક્ષાઓ થવાના પ્રસંગ મારા મંદવાડને લીધે ઘણા આવતા. હું એકવાર મુંબઈ ગયો ત્યારે માંદો હતો તે, મોહનલાલ ત્યાં છે એમ સમજી ગયેલો છતાં મોહનલાલ જુજ જેવા કારણ માટે મને મુકી નડીયાદ આવતો રહ્યો. આ પરથી તેને ને મારે મૈત્રીના સ્વરૂપ બાબત તકરાર પડી હતી ને પરિણામ એ આવ્યો કે તે વ્યવહારપક્ષે પોતાને જો જરા પણ આંચ ન આવે તેવું હોય તો, મારા તરફ કાંઈ ચુક કરતો નહિ. એ વખતની તથા તે પછીના ઘણા પ્રસંગોની વાતનો વિચાર કરતાં મારો એના વિષે નિશ્ચય થઈ ચુક્યો હતો કે એ સ્વાર્થી માણસ છે - તે એટલે સુધી કે પોતાનું નજીવામાં નજીવું પણ કામ ચુકીને મિત્રનું કામ સાચવવાનો નહિ. તથાપિ એટલું ખરું કે એ એવો સ્વાર્થી ન હતો કે સ્વાર્થ માટે કોઈનું ખરાબ કરે, અથવા પોતાનો નજીવો પણ સ્વાર્થ વચમાં ન આવતો હોય તો પારકાનું કામ કર્યા વિના રહે. ટુંકામાં sacrificeનો ગુણ એનામાં લેશ પણ ન જણાવાથી મારી ને તેની મૈત્રીની વાત તો માંડી વળાઈ ને સારા ઉત્તમ પ્રકારનો કરવા-કરાવવાનો (સ્વાર્થ આડે ન હોય ત્યાં સુધીનો) વ્યવહાર બંધાયો. મારે ને તેને એકવાર વાત થતાં આવી જાતની સ્વાર્થ સંબંધી વાત તેણે માન્ય પણ કરી હતી એ બતાવે છે કે મારી ગણના અવાસ્તવિક નથી. એ જ રીતે સાંકળચંદ મગનલાલ એનું પણ બન્યું. એકવાર મારા ખરા મંદવાડમાં મેં તેને ભાવનગર બોલાવ્યો તો ઉત્તર આપ્યો કે “હું મ્યુનીસીપાલેટીમાં હમણાં જ મેંબર થયો છું. માટે તેમાં એકાદ વાર બેસી પંદરેક દિવસે આવીશ.” તે માણસ પ્રેમ શોધતો હતો એટલે તેનામાં સ્વાત્માર્પણ(sacrifice)નો કાંઈક ગુણ હશે એમ હું માનતો, પણ તે છોકરવાદ તથા ફુલણીયો હોઈ નજીવી વાતો પછવાડે દોડવામાં માન માનનારો મૂર્ખ છે એવું ધારી તેની નાની મોહોટી ખામીઓ સહન કરતો. આ વેળે આવો જવાબ જોઈ મારા મનને માઠું લાગ્યું, પણ વળી તે વાત વિસરી ગયો. મારો ખરો અનુભવ લીધેલા મારા એક બાલસ્નેહીનો એક પ્રસંગે ઘણો તિરસ્કાર કર્યો તે તેને કોઈએ સંભારી આપી મારાથી જુદા થવા ઉપદેશ કર્યો, તેના જવાબમાં તેણે કહ્યું કે “મણિલાલનો સ્વભાવ એને ખરી વાત લાગે તે પર ચીડાઈ જવાનો ભલે હો, પણ એનું દીલ એવું ઉદાર છે કે એ વાત બીજે દિવસે એના મનમાં પણ રહેવાની નહિ – એટલા માટે જ એ માણસ પ્રીતિને પાત્ર છે.” આવા મારા સ્વભાવ પ્રમાણે હું મારા મિત્રોની વાત વારંવાર માફ કર્યા કરતો, પણ જ્યારે ઉપરાઉપરી તેમનું તેમ બન્યાં કરે ત્યારે કંટાળી જતો. એ વાત તો દૂર રહી પણ ૧૮૮૭ના આરંભમાં સર્વેએ મારી આશા મુકેલી એવા મંદવાડમાં હું નડીયાદ થઈ મુંબઈ જતો હતો ને સાથે માણસ ન હતું તે વખતે પણ આ વાણીયાથી મારી સાથે અવાયું નહિ. આ જોઈ મને ઘણો જ ખેદ થયો કે અરે! મારું કોઈ નથી; તો મારે શા માટે કોઈની પાછળ તણાવું ? આ ઉપરાંત વળી તે વાણીયાએ મારા બીજા સ્નેહીઓ જેની એને ગરજ હોય તેમનો પૂર્ણ પ્યાર પોતાના પર સ્થપાવવા ને મને દૂર કરવા જેવી નાની નાની યુક્તિ પ્રયુક્તિ કરવા માંડી, તથા તેના મનમાં એમ અભિમાન પણ જણાવા માંડ્યું કે બસ હવે હું મ્યુનીસીપલ કમીશનર તથા ગામમાં જાણીતો થયો એટલે મારે કોની દરકાર છે ? આ સર્વ કારણોને લીધે તેનો મને અભાવ થઈ ગયો, છતાં તેને સમજાવવાનો પ્રયત્ન મેં ઘણો કર્યો. પણ પરિણામે એને તો ઉલટા મારા દોષ જણાવા માંડ્યા ત્યારે અમારો સ્નેહબંધ શિથિલ થઈ ગયો અને વ્યાવહારિક ઓળખાણને રૂપે પરિણામે પામ્યો.

ચતુરભાઈ જે મારા ત્રણ ખરા મિત્રમાંના એક તેમના વિષે પણ કાંઈક આવું જ બન્યું. જેમ મોહનલાલની સ્વાર્થબુદ્ધિ, સાંકળચંદની મૂર્ખાઈ, લુચ્ચાઈ અને સ્વાર્થબુદ્ધિ જણાયાં તેમ ચતુરભાઈનામાં કેવળ અવ્યવસ્થા લબાડપણું અને સ્વાર્થ પ્રકટ થયાં. તેમણે નોકરી મુકી છાપખાનું કાઢ્યું હતું તેમાં મારૂં કામ ચાલતું તે સંબંધની મને આબરૂમાં પૈસામાં સર્વથા હાનિ કરે તેવી તેમની વર્તણુંકથી મને કંટાળો આવ્યો હતો. પૈસા લેવાદેવામાં એ એટલો લબાડ માણસ જણાયો કે અમારા આખા મિત્રમંડલમાં આજે પણ તેનો વિશ્વાસ કોઈને નથી. તેનામાં સ્વાર્થબુદ્ધિ વેપારને અંગે જણાવા લાગી. ૧૮૮૭ના મહાભારત મંદવાડમાં મને આંખો આગળ રીબાતો જોઈને તથા માણસ વિના એકલો મુંબઈ જતો જોઈને પણ તેનાથી મારી સાથે અવાયું નહિ. મારી ખબરઅંતર લેવા કાગળપત્ર લખે તેની તો વાત પણ ક્યાં ? આવાં કારણોથી તેનો મને ઘણો અણગમો થયો હતો. પણ વળી મારા સ્વભાવ પ્રમાણે તેને તેની ભુલ સમજાવી ને હું તેની સાથે તો મૂલ જેવો સંબંધ રાખતો રહ્યો. તેને મારા પર કાંઈક શ્રદ્ધા હોય એમ મને લાગતું, ને મેં આ સંબંધે તેનો ગમે તેટલો તિરસ્કાર કર્યો હશે તે વેઠીને પણ તે મારાથી રીસાયો નહિ. દીલ જરા ભોળું હતું તથા સ્વાત્માર્પણનો પણ કાંઈક અંશ તેનામાં હતો એટલે તેનો ને મારો સંબંધ યદ્યપિ મોહનલાલની સાથે હતો તેવો વ્યાવહારિક છતાં પણ જરા પ્રેમાંશને વળગતો રહ્યો હતો. આ મારા ત્રણે મિત્રોની વાત અત્રે લખવાની જરૂર ન હતી. કેમકે તેમનો ને મારો સંબંધ દુનીયાંની નજરમાં તો હતો તેવો ને તેવો છે એટલે અત્રે કશો ખુલાસો કરવાની જરૂર ન હતી, પણ મારાં આ મુખ્ય પ્રેમસ્થાન તેમાંના ફેરફાર જણાવવાની જરૂર એટલા માટે છે કે મારા દીલની હવે થનારી અવસ્થા વાંચનારના સમજવામાં આવે. આ સંબંધે તો આવા ફેરફાર સહિત કાયમ રહ્યા, પણ એક સંબંધ વળી તદ્દન માંડી વળાયો. મુંબઈમાં ત્રિભુવનદાસ ગજ્જરના સંબંધની વાત મેં લખી છે. તેણે મારી વ્યભિચારી ચાલ વિષે મને ભાવનગર ગયા પછી તરત લખ્યું તે બાબત ખુલાસા થતાં પણ અમારાં ઉભયનાં દીલ કાંઈક ઉંચાં રહ્યાં. એકવાર હું મુંબઈ ગયો ત્યારે તેમણે મને આગ્રહથી પોતાને ઘેર ઉતાર્યો, અને પોતે સુરત ગયા એટલું જ નહિ પણ ઘરમાં ખાવાની સામગ્રિ લાવવાના પૈસા પણ મારે આપી મંગાવી ખાવું પડયું !! આમ છતાં પણ તેણે લખેલી મારા પરના સ્નેહની વાતો વાંચીએ તો તો મન તેના પરથી પાછું ફરે જ નહિ. આ ઉપરાંત એમના મનમાં એમ ભરાવા લાગ્યું હતું હતું કે હું જ ડાહ્યો, સમજુ, વિદ્વાન્, નીતિમાન્ છું તે હવે જરા વધવા માંડ્યું હતું ને તેથી તેમની વાતચીતનો આકાર આજ સુધી મશ્કરીરૂપ હતો તે બદલાઈ પોતાનું અહંપદ અને સામાનો તિરસ્કાર એવા રૂપનો થયો હતો. વળી બીજીવાર હું ૧૮૮૬માં માંદો હતો તેમ જ પરીક્ષક નીમાયેલો હતો એટલે મુંબઈ જનાર હતો, ને બેત્રણ માસ રહેનાર હતો. આટલા માટે હું જુદું ઘર શોધાવતો હતો, પણ આ મારા મિત્રે અતિશય આગ્રહ કરી મને પોતાને ઘેર રાખ્યો. ત્યાં વ્યવહારમાં, ખાવામાં, પીવામાં, વાતમાં, ચીતમાં ડહાપણમાં એ માણસે જે મારો તિરસ્કાર કર્યો છે તે વિચારી આજ પણ મારું દીલ એમ પોકાર્યા વિના રહેતું નથી કે જાત વિના ભાત ન જ પડે – સુથાર તે સુથાર જ ! તેવામાં હું કેવળ મુંગે મહોડે સહન કરી પડી રહેતો, સુડી વચ્ચે સોપારી થયેલું – ઉપાય શો ? એમને સુરત જવાનું આવ્યું, હું ગહન તાવમાં પીડાતો હતો, છતાં પોતે ચાલી ગયા; ને મારો પણ છુટકો થયો કે મને પણ મારી મનગમતી જગોએ મુંબઈમાં જવાનું મળ્યું. આપણે પણ તે દિવસથી લાંબા થઈ નમસ્કાર કર્યો તે હવે મળીશું. આમ થવાનાં કારણે ઘણાં હતાં. જ્ઞાનમાં અમે બને ઘણા આગળ ગયેલા હતા, પણ સુધારા વિષે, દુનીયાંના વ્યવહાર વિષે, ધર્મ વિષે, કાવ્ય વાચન વગેરે વિષે મારા ને તેના અભિપ્રાય કેવળ સામસામાં હતા. હું તેની સાથે માથું ફોડતો નહિ, પણ તે તો મને મારી વાત મુકાવી પોતાની પકડાવવાને ગાળો સુધી દેતો તે પણ હું સહન કરતો પણ તેનામાં મારી વાત સાંભળી તોલન કરવાની શક્તિ જ ન મળે, એટલે પોતાનો કક્કો કર્યાં કરે, ને એ મને મૂર્ખ માને ને હું એને મૂર્ખ માનું એ પ્રથમ અણબનાવનું કારણ. બીજું એને સ્ત્રીઓમાંની મારી એક-બે ગરબડ જાણવામાં આવી તેથી એણે મને ઠપકો દેવા માંડ્યો; મેં પણ મારો વાંક કબુલ કરી એને મારી અવસ્થા સમજાવી તથા તેવો વ્યવહાર મુકવા હું પ્રયત્ન કરું છું ને પરિણામે બીલકુલ મુકી દઈશ એમ સમજાવવા મહેનત કરી. આ વાત તેણે માની પણ ધીમે ધીમે તેને એવો અવિશ્વાસ પેદા થયો કે તેણે એ સંબંધી મારી વાત જ માનવા ન માંડી અને ઉલટી મારે મોહોડે મારા તિરસ્કારની વાતો કર્યા કરવા માંડી. મારા પર આવા ખોટા આરોપ ચડાવવાની તેની વાત સામે મેં બેચાર વાર કહ્યું પણ તેણે ન માન્યું ને એમ જ કર્યા કર્યું તેથી મને જે કંટાળો થયો એ બીજું અણબનતનું કારણ. આ મહાપંડિત મને કહેતા શું ? વ્યભિચાર કરવો હોય તો કરો, પણ કોઈ જાણે નહિ તેમ કરો !! પણ હું વારંવાર કહેતો કે હું તું ધારે છે તેમ કરતો નથી. ને જે સહજ હશે તે સમૂળું મેલીશ, મારે તો લોક જાણે ન જાણે તેની વાત નથી મારા દીલની શુદ્ધતાની વાત છે, પણ કાજી થયા તે કોઈનું માને ? અધુરામાં પુરૂં વળી મારા શરીર પર વ્યાધીનું જોર થઈ આવ્યું ને તે ફિરંગ (Syphiles tertiary) એમ વૈદ્યો માનતા. જેણે આ વૃત્તાંત જોયું છે તે સમજશે કે ૧૮૮૭માં દુઃખ થવાનું કારણ જો માનીએ તો ફક્ત ૧૮૭૮માં બન્યું હતું બાકી કદાપિ પણ નહિ, પણ આ અમારા કાજી તો જેમ જેમ એવું થયું તેમ તેમ વધારે ઉપડતા ગયા ને મારો સંબંધ રાખતાં પણ જાણે શરમાવા લાગ્યા ! અરે તેની આખરની નીચતા તો કહી પણ જતી નથી. મારી ખાધેલી થાળીમાં (તે ધોવાયા પછી પણ) જમાશે તો રોગ ચઢશે, મારૂં વાપરેલું કાંઈ વાપરશે તો તેમ થશે એમ, મારા મિત્રો સગાં વગેરેને વારંવાર મારૂં ખાધેલું ખાવા છતાં પણ અનામય જોવા છતાં, આ નીચ સુતારે ધારવા માંડ્યું ને આગ્રહ કરી પોતાના ઘરમાં રાખી આવો મારી તિરસ્કાર કરવા માંડ્યો ! વળી આથી પણ અધિક નીચતા કરવા માંડી. પોતે જ ખરો નીતિમાન ને ભક્તિ કરવા યોગ્ય છે એમ બતાવવાને મારી પાસે આવનાર મારા ભક્તમિત્રોને એમ કહેવા માંડ્યું કે તેઓ મારા દલાલ છે, તેમનો મિત્ર (હું) ખરાબ, બેવકુફ, અનીતિમાન છે વગેરે વગેરે, પણ તેમાં એને ફતેહ મળી નહિ. છતાં કેવી જાત ! કેટલી નીચતા ! આ અમારી અણબનતનું ત્રીજું અને છેલ્લું કારણ.

છોટુ નામના એક છોકરાના સ્નેહનું મેં આગળ લખ્યું છે. તે બરાબર ભણતો નહિ તેથી તેના પિતાએ એકવાર તેને મારી સાથે રાખી રસ્તે પાડવા કહ્યું. આ ઉપરથી હું તેને ત્રણેક માસ સુધી ભાવનગર લઈ ગયો હતો. ત્યાં તે કાંઈ ભણ્યો તો નહિ પણ ભણવામાં લાભ છે અને વિનાકારણ ભાઈબંધ દોસ્તદારોમાં ફરી ભણવાનો અમુલ્ય વખત ગુમાવવામાં માલ નથી એ તેના ધ્યાનમાં આવ્યું ખરું. એનું વય ૨૦–૨૧ વર્ષનું હતું. એટલે તેને મારા પર ઘણો પ્રેમ છતાં, હું તે સ્વતંત્ર થયા પછી કેવો પ્રેમ રાખે છે તે જોયા વિના, એને મારો મિત્ર માનતો નહિ. પણ એના ને મારા સંબંધને દઢ કરનાર એક પ્રસંગ અત્રે નોંધી રાખ્યો છે; બાકી એ છોકરો મને વારંવાર પુછતો કે તમે મને આમને આમ ચહાશો તો પણ મેં એ જ જવાબ આપ્યાં કર્યો છે કે “તું સ્વતંત્ર થયા પછી તારી જેવી શ્રદ્ધા હશે તે પ્રમાણે બનશે.” આનાં શ્રદ્ધા ને પ્રેમ અનન્ય હતાં; પણ જેમ સર્વની વાત ૧૮૮૭ સુધી લંબાવીને કહી છે તેમ એની પણ કહીએ તો ૧૮૮૭ના મે મહીનામાં એનામાં પણ કોણ જાણે શા કારણથી ઘણી શિથિલતા ને બેદરકારી જણાવા માંડી. આથી મેં મારૂં [?]*[૧] નીવારી [?] તેની સાથે ઉપરઉપરનો સંબંધ ઠરાવ્યો.

આ સિવાય મારૂં બાકીનું મિત્રમંડળ હતું તેમ જ હતું. મારાં ઓળખાણોમાં જે હતાં તે તેમનાં તેમ જ હતાં. બલ્કે બીજાં હજારો ઉમેરાયાં હતાં. મારા મુરબી રા. મનસુખરામભાઈને ને મારો કાંઈક ગેરસમજ થયાની વાત મારા જાણવામાં આવી હતી તેનો ખુલાસો થતાં તેમની મમતા જેવી હતી તેવી ને તેવી જ મારા પર કાયમ રહી.

હવે મારા કુટુંબની વ્યવસ્થા વિષે બોલીએ. પ્રથમ મારી સ્ત્રી વિષે. તેને હું ભાવનગર ગયા પછી એકબે વાર ભાવનગર લઈ ગયો હતો. પણ તેનો તેના બાપને ઘેર જ રહેવાનો નિર્ણય નરમ પડ્યો ન હતો. જેમ વાર (? વારંવાર)* કરતી તેમ તેણે એકવાર હું નડીયાદ આવ્યો કે તરત નાસી જવું ધાર્યું ને બીજે ત્રીજે જ દિવસે છાની નાસી ગઈ. આવું વારંવાર બનવાથી એ સ્ત્રી હવે રાખવી નહિ એવો નિર્ણય કર્યો હતો, પણ મારા કેટલાક મિત્રોના વચ્ચે પડવાથી વળી મેં તેને ભાવનગર આવવા દીધી. ત્યાં આવી તેણે પુરો એક માસ અમને હેરાન હેરાન કર્યા અને જો મેં સાવચેતી ન વાપરી હોત તો આખા ગામમાં પણ અમને ફજેત ફજેત કરી બારૂ [? આબરૂ]માં ધૂળ મેળવત. તેણે ભાવનગર એક માસ પર્યત મારા ઘરમાં ભૂત છે એવું સાબીત થાય તેવા રોટલા સંતાડવા, કપડાં ફાડવાં, બગાડવું, અકસ્માત દીવા કરવા ને નરકની ડગલીઓ [? ઢગલીઓ] કરવા સુધીના ચમત્કારો કર્યાં કર્યા. મારું મન આ સર્વથી ડગ્યું નહિ ને મેં પરિણામે એ વાતમાંનો એકાદ બનાવ બનાવતાં તેને હાથોહાથ પકડી આપી. અમે તો કેવળ કંટાળો ખાઈ તેને ન ઠપકો દીધો કે ન મારી કે કાંઈ કર્યું નહિ. પણ વાત ખાઈ ગયાં. નડીઆદ આવી જાતરાએ


  1. * મૂળ લખાણ અસ્પષ્ટ છે. –સં
જઈ આવ્યાં, ને હું એકલો પાછો ગયો. મારા ગયા પહેલાંનાએ સ્ત્રીનાં માબાપ કાશીએ ગયાં હતાં, ને ઘેર એનો એકલો વહી ગયેલો ભાઈ હતો. આ પ્રસંગે તેને ઘેર ભવાઈઆઓની મંડળી આવેલી તેમાં એકબે આ સ્ત્રીના યાર હતા એવું મને પછીથી સમજાયું છે. છાનો લાગ સાધી મારી સ્ત્રી નાઠી. મારાં માતુશ્રી તેને તેડવા ગયાં, પણ તેના ભાઈએ કહ્યું કે નહિ મોકલું. મારા માતુશ્રીએ કહ્યું જોજે ભાઈ મણિલાલ જાણશે તો સમાધાન થવું મુશ્કેલ પડશે, તો તેણે જવાબ આપ્યો કે ભલે જીવતા સુધી પાળીશ. આ દિવસે મારી પરણેલી સ્થિતિનો છેડો આવ્યો હું ગણું છું. હું પાછો નડીયાદ આવ્યો, એ સ્ત્રીનાં માબાપ કાશીએથી આવ્યાં, પણ મેં તેને પાછી બોલાવી નહિ તેમ તેનાં માબાપે મોકલી નહિ. આ અરસામાં તેનો વ્યભિચાર વગેરે સાફ*[૧] ... થવા લાગ્યો ને તેની ચાલનાં કારણ પણ સમજાતાં ગયાં. મેં નિર્ણય કર્યો કે હવે કદાપિ એ સ્ત્રીને બોલાવવી નહિ. પણ નાસી ગઈ ત્યારે એ સ્ત્રી ગર્ભિણી હતી તેથી તેને બીજો પુત્ર થયો તેથી મારાં માતુશ્રી વારંવાર મારા આગળ રડી રડીને કહેતાં કે તું એ સ્ત્રીને લાવવા દે પણ મેં દઢ નિશ્ચય એ પાપમાંથી મુક્ત થવા આદર્યો હતો.

મારાં માબાપ સાથેનો સંબંધ તો હતો તેવો જ હતો. મારો ભાઈ ભણવા લાગ્યો હતો ને મારા પર ઘણી મમતા રાખતો. મારો મોહોટો છોકરો નિરંતર મારે ઘેર જ રહેતો. મારાં માતુશ્રીનો સ્વભાવ આકળો ને તેથી ગમે તેમ બોલે તેવો હતો એ મેં વારંવાર લખ્યું છે. મારા પિતાનો સ્વભાવ અતિશય લોભિષ્ઠ હોવાથી તેને અમારી ખાવાપીવા સુધીની વાત પણ રૂચતી નહિ. આ કારણથી વારંવાર કંકાસ થયાં જતો. મારાં માતુશ્રીએ વળી ભાવનગરમાં હું મારા ભાઈને ભણાવતો હતો તેવામાં કાંઈ કુવચન મુંબઈમાં કહેલાં હતાં તેવાં જ કહ્યાં. એથી મને એટલો વિરાગ થયો કે તે જ વખત હું નીકળી જવાના વિચાર પર આવ્યો, પણ વળી મન શમાવીને રહ્યો. ૧૮૮૭ના મંદવાડમાં હું મુંબઈ ગયો. ત્યાં પણ મારી સાથે મારાં માતુશ્રી હતાં, ત્યાં વળી એવો જ કાંઈ બનાવ બનતાં એટલો કંટાળો આવ્યો કે હું બહુ દુઃખી થયો. “અમે વૈરાગી વૈરાગી જનમના વૈરાગી વૈરાગી” એ પદ તે જ વખતે બનાવેલું છે. મારા પિતાના લોભની પણ સીમા ન રહી. મારો ૧૮૮૭નો દુઃસહ મંદવાડ તેની તેને ખબર કરીને અમે ભાવનગરથી નીકળ્યાં. તે અમદાવાદ હતા ત્યાં અમને મળવા આવ્યા પણ સાથે નડીયાદ ન આવ્યા!


  1. * મૂળ લખાણ અહીં અસ્પષ્ટ છે. –સં.
મૂળે એક અમારા પડોશી સાથે જમીનની તકરાર હતી તેના પર કાયદેસર અરજી કરવાનું મેં કહ્યા છતાં, પોતાથી કાંઈ ન બને તેમ છતાં, ને બીજો ઉપાય ન છતાં, તેમણે ખર્ચના લોભથી અર્જી ન કરેલી ને જમીન ગુમાવેલી એ બાબત મને તેમનો ઘણો તિરસ્કાર થયો હતો ને આ રાક્ષસી વર્તન જોઈને તો મારું કાળજું છેક ચૂરેચૂરા થઈ ગયું. નડીયાદથી હું મુંબઈ ગયો ત્યાં પણ એવા કાગળ લખે કે પૈસા ઘણા મળ્યા તો ઘણા ઉરાડડ્યા એમ વહી ગયા વગેરે પણ મારા શરીરનો હિસાબ ન લે! ! મારી માબાપ પર પરમ આસ્તા હતી, ને હું ક્યારનો સંસાર તજી ગયો હોત, પણ તેમને લીધે જ હું બેશી રહ્યો હતો. આ બનાવો બન્યા પછી મારા મનને સંસાર સાથે સંબંધ રાખવાનું એક પણ આલંબન રહ્યું નહિ. મારા બાપની આવી બુદ્ધિ જોઈ તથા મારી માના મનમાંના કુતર્ક જોઈ મેં નિર્ણય કર્યો કે મારે હવે દ્રવ્ય ઘરમાં દેવું નહિ. મેં આજ સુધી પાઈ પણ ભેગી કરી ન હતી. તેમાં તમામ મારા પિતાને આપેલું તે ક્યાં ગયું તે પણ હું જાણતો ન હતો. આ વર્ષથી મેં જુદા રૂપિયા રાખવા માંડ્યા ને મારી પાસે આશરે ૧૦૦૦-૧૫૦૦ની [રકમ] જમા થઈ. મારા ભાઈનું વય ૧૧ વર્ષનું હતું તેથી હવે તેને ૨૦-૨૫ વર્ષ થવાની વાટ જોવી રહી.

હવે સ્ત્રીસમાજમાંના મારા સંબંધોની વાત કહું. પણ તેમાંથીએ મારા હૃદયને સંસારમાંથી વિરક્ત કરવા કરતાં બીજું પરિણામ આવ્યું જણાશે નહિ. વાંચનાર ! એમ ન સમજતો કે મેં વિષયવૃત્તિ ડબાવવા કદાપિ વિચાર જ નહિ કર્યો હોય. વારંવાર તેનો તે જ વિચાર ચાલુ રહેતો, પણ પ્રસંગ મળે તો ઘણા દિવસની અકળામણ પર કબજો રહી ન શકતો. તેમ જ એક વારના બંધાયેલા સંબંધ સંબંધીનો સ્નેહ હોય ત્યાં સુધી તુટવા પણ મુશ્કેલ જ. ભાવનગરમાં તો એવો દઢ નિર્ણય કર્યો હતો કે એ ગામમાં કોઈ પણ સ્ત્રીના સામું સરખું જોવું નહિ; અને આ નિયમ મેં અદ્યાપિ અવિચ્છિન્ન પાળ્યો છે. મુંબઈમાં ...ની વહુનો જે સંબંધ હતો તે તો મનમાંથી ખસતો નહિ; તે સ્ત્રીનું કોઈક વાર પત્ર ન આવ્યું તેમાં ઘેલા થઈ જઈ “આવી ન આજ તક પતીયાં એ યારની" એ કવિતા લખી મોકલેલી. પછી તો પત્રો આવતાં જતાં ને મઝો ચાલતી. તેના પર કેવળ નિમગ્ન થઈ ગયાના આવેશમાં “રંગ રસભર મોરે દીલ છાઈ રહી” એ પણ રચાયેલું. રજા પડતાં હું વારંવાર મુંબઈ જતો તે ઘણું કરી એને જ માટે; પણ ભાવનગર ગયા પછી જે પહેલી રજા પડી અર્થાત્ ૧૮૮૫ના મે માસની તેમાં જ મારી ને તેનો હીસાબ માંડી વળાયો. હું મુંબઈ ગયો; ને આ સ્ત્રીને મળ્યો. તેનો પ્રેમ હતો તેવો અનન્ય હતો, પણ પેલા બે ગૃહસ્થોની પણ તેવી જ અભિરૂચિ જણાતી હતી. તે સિવાય વળી જે વાતની મારે ને તે સ્ત્રીને તકરાર હતી તેમાં તો તે કેવળ હઠ જ પકડી રહી; તે છેક મેં તેને કહ્યું કે હું તને મુકી જઈશ તો પણ ન માન્યું આટલું જ નહિ પણ તેણે એક દિવસ મને કહ્યું કે "આવતી કાલથી પરસોતમ માસ બેસે છે માટે હું મારા શરીરને પણ અડવા નહિ દઉં માટે આજનો દિવસ ગંમત કરી લો." આ સાંભળી મને અતિશય તર્કવિતર્ક થયા. મને વિચાર આવ્યો કે પ્રેમ ને તેમાં પણ આખર સંબંધ ન થાય એટલો નિયમ! પ્રેમ અને તે એક પર હોઈ બીજા બે પર પણ તેવો જ હોય! ધિક્કાર પડો એ પ્રેમમાં ને એ સંબંધમાં તથા મારી ગાંડાઈમાં; એક છીનાળ રાંડ પરસોતમ મહીનામાં ધર્મ પાળનાર છે તેથી અમુક વાત નહિ કરે, પણ હું ભણ્યોગણ્યો બ્રાહ્મણ થઈ તેની પાછળ કુતરાની માફક બારે માસ ભમું છું?! આ વિચાર આવવાથી મેં તેની વાત મુકી દેવા નિશ્ચય કર્યો, ને તેને આમાંની કાંઈક વાત કહી પણ એ ઉપરથી એણે તો પરસોતમ મહીનો દૂર કરી આખર સંબંધ વિનાનો જે સંબંધ રાખતી હતી તે રાખવા માંડ્યો, પણ મારું મન તેના પરથી દિનપ્રતિદિન ઉઠી જવા લાગ્યું ને એ જ વખતે મેં તેનો સંબંધ તદ્દન માંડી વાળ્યો. હું તેને પછી ઘણી વાર મળ્યો હોઈશ, મેં વાત કરી હશે, વખતે તેનો સ્પર્શ કર્યો હશે. પણ તેના પરની આસક્તિ અથવા તેને ઘેર તે એકલી હોય ત્યારે જઈ બેસવું કે તેને માટે મુંબઈ જવું કે કાંઈ પણ કરવું કે કાગળ લખવો કે તેનો વિચાર પણ આણવો એ વાત તો માંડી જ વળાઈ. મેં મારી વિષયવાસનાના બળમાં તેના પર સહજમાં બળાત્કાર કર્યો હોત, પણ તે વાત જો તેનો પતિ જાણે તો વિરોધ થાય તે કરવાની મારી મરજી ન હતી કેમકે તેના પતિને ને મારે આ સંબંધ થયા પછી સારો સ્નેહ બંધાયો હતો તે અદ્યાપિ છે. આ સ્ત્રીના સંબંધમાં તિરસ્કારમાં જ "પ્રેમમાં નેમ ધર્યો" અને "આંખ ભર્યે શું થાય હઠીલી આંખ ભર્યે શું થાય" એ કવિતા રચેલી છે. આ વાત થયા પછી વળી બીજી વિલક્ષણ વાત બની. મુંબઈની કન્યાશાળામાં દીવાળીબાઈ નામની વિસનગરા નાગરની સ્ત્રી મહેતાજીની જગો પર મેં જ રાખેલી હતી. તે ઠીક ભણેલી હતી, ને કવિતા વગેરે પણ રચતી ને સમજતી. મને તેણે કવિતા વગેરે વંચાવેલી પણ ખરી. સાધારણ કે હાલમાંની ભણેલી સ્ત્રીમાં ન હોય તેવા ગુણ આ સ્ત્રીનાં કાવ્યમાં જણાતા પણ તે કૃતિ એ સ્ત્રીની જ હશે એમ હું માનતો નહિ. મને આ સ્ત્રી વિષે કાંઈ વિશેષ વિચાર પણ ન હતો, તેવામાં તેણે મારા ભાવનગર ગયા પછી સામાન્ય વ્યાવહારિક પત્રો લખવાં શરૂ કર્યા. પણ ૧૮૮૫ના જુન પછી તેના પત્રનો આકાર બદલાયો. એ સ્ત્રીની પત્રોમાં જણાવેલી ચતુરાઈ તથા તેની સમજશક્તિ, તેનો પ્રેમ અને તેની ભક્તિ જોઈ યોગીનું પણ મન ડગી જાય એવું થયું. મારે અત્રે વિશેષ લખવાની જરૂર નથી, પણ તેનાં પત્રો મારી પાસે છે તે જે જુવે તેને આપોઆપ સમજ પડે તેમ છે. મને નિર્ણય થયો કે આ બાઈ જાતે વિદ્વત્તાવાળી તે તો નક્કી; પણ મારા મનમાં એમ નિર્ણય સાથે જ થયો કે આવી સ્ત્રીને નીતિથી ચળાવવી ને તેની સાથે મારે પણ એક સ્ત્રીથી છુટી બીજીના બ્રહ્મસંકટમાં પડવું એ ઠીક નહિ. વિશેષમાં વળી મારાં નિત્ય ધર્મકર્મમાં કાંઈક યોગનો ભાગ મિશ્રિત હતો તે વધારવા તરફ મારું લક્ષ લાગ્યું હતું એટલે પણ મને આ વિક્ષેપ ઈષ્ટ ન હતો. તેને મેં ઘણી ઘણી રીતે નીતિમાં રહેવા સમજાવ્યું, ને આખરે તેણે ન માન્યું ત્યારે વિષયવાસના વિનાની પ્રીતિ રાખવા મેં કબૂલ કર્યું. પણ તેણે છેવટ મને લખ્યું કે મારે વિષયવાસનાની દરકાર નથી પણ તમારા જેવા મારા પ્રેમનો પુરો બદલો નહિ વાળે તો તેનું ફરી મોં જોવા કરતાં દેહત્યાગ કરીશ. આ વાંચી મને માઠું લાગ્યું ને મેં તેને દિલાસો આપ્યો, પણ તેથી એ સંતુષ્ટ ન થઈ. આઠદશ માસ વીતતાં અરે દેવ! મને ખબર મળી કે તેણે ક્ષયના આજારથી પ્રાણત્યાગ કર્યો!! મારી દલગીરીની સીમા ન રહી. મને એમ તિરસ્કાર મારી જાત ને અક્કલ પર આવ્યો કે હે બેવકુફ તેં જે પ્રેમની શોધમાં વગોણું અને દુઃખ વેઠ્યું તે જ પ્રેમ તને ઘેર બેઠે મળ્યો પણ ભોગવાયો નહિ! ખેર, ખરા પ્રેમ એવા રંગના ચટકા જેવા જ હોય, પણ આ જખમ એવો થયો ને તેની અસર એવી થઈ કે અતઃપર કોઈ સ્ત્રી સાથે સ્નેહ ન બાંધવો એટલો તો આ બાઈના પ્રેમ પાછળ નિશ્ચય કરી સંકલ્પ કર્યો. આ વાત બન્યા પછી મુંબઈમાં એકાદ વાર પેલી પારસણ સાથે હું મલ્યો હોઈશ, નડીયાદમાં મારી માશીજીને પણ એકબે વાર મલ્યો હોઈશ, પણ એ ન ચાલતાની વ્યવસ્થા હતી. કોઈ સ્ત્રીનો પ્રેમ શોધવાની જે વાત મનમાં ઠસી હતી તે ઉડી ગઈ ! વળી ૧૮૮૬ની આખરમાં ને ૧૮૮૭માં મારો મંદવાડ મટવા આવ્યો હતો તેવામાં બાળાશંકરની સ્ત્રી પણ મળી હતી. એ બાઈ કાંઈક વિલક્ષણ સ્વભાવની જણાઈ. તે ૧૮૭૬માં આવેલી. વળી ડુબકી ખાઈ ગઈ ને ૧૮૮૨ લગભગ જણાઈ, વળી ગેબ થઈ ગઈ તે પાછી સ્વતઃ જ ૧૮૮૬માં આવી! તેની સાથે અમથી વાતચીત ગંમત થતી પણ બીજું કાંઈ નહિ. પણ આ વેળે તેની ઇચ્છા તીવ્ર હતી. એકબે વાર રાતનો સમય સાધી તે છેવટના હેતુથી આવેલી, પણ દૈવયોગે કાંઈ બન્યું નથી. વળી તે ન જણાવા લાગી તો આપણે પણ ક્યાં દરકાર હતી! આમ થઈ ગયું, મન ઘણી રીતે મુકામ પર આવી ગયું. પણ હવે કેવળ વિષયવાસના તૃપ્ત કરવા માટે કદાપિ કદાપિ મન આકુલ થતું. તેનો પણ ઈશ્વર કબજે કરવાનો વખત આણશે.

આ બધા વખતમાં શરીરે હું બહુ હેરાન હતો. મુંબઈ મુકી ભાવનગર ગયા પછી ત્રણ માસની અંદર નાકમાં છોડ બાઝવાનો વ્યાધિ શરૂ થયો તે કાયમ જ રહ્યો ને મુંબઈના દાક્તરો તથા બીજા નવાનગર સુધીના પ્રખ્યાત વૈદ્યોના ઉપાય કરતાં પણ શમ્યો નહિ. પરિણામ એ થયું કે ૧૮૮૬ના મે, જુન માસમાં નાકની વચ્ચેનો પડદો ખવાઈને ચોખો થઈ ગયો તથા, નાક વચમાંથી બેશી ગયું.અહીંયાં પણ વળી એક ચમત્કારિક વાત કહું. મારી પાસે બે દોરાચીઠ્ઠીનાં માદળીયાં હતાં. બન્ને મારા શરીરરક્ષણ તથા ઉન્નતિ માટેનાં હતાં ને તેના કરનારાઓએ વગર માગ્યે 93ઉમંગમાં કરેલાં હતાં ને તેના કહ્યા મુજબ આજ સુધી બન્યું હતું. આમાંનું એક જે જુનું હતું તે એક વાર કદાપિ હાથ ન આવે તેમ ખોવાયું છતાં જડ્યું હતું. આ વખતે રેલવેની ગાડીમાં ભાવનગર જતાં તે બન્ને જુન મહીનામાં ખોવાયાં ને ભાવનગર પહોંચતાં મને તે વાત માલુમ પડી. આ બનાવ પછી મારું નાક બેશી ગયું. તે પછી વળી અક્ટોબર ડીસેંબરમાં એમ થયું કે નાકમાંનાં ત્રણ ગળામાં ઉતર્યા ને બોલાતું બંધ થયું. ઔષધોપચારમાં તે જરા નરમ થતાં હું ૧૮૮૭ના જાનેવારીમાં ભાવનગર ગયો. પણ આ વખતે ગળામાં કેવળ ખદખદાટ જ થઈ આવ્યો. વચમાંનો કાકડો તુટી પડ્યો ને તેની પાસેનો તાળવાનો થોડો ભાગ પણ ખવાઈ ગયો. ખવાય પણ નહિ, ને બોલાય પણ નહિ. લગભગ દસ દિવસના અપવાસ થયા. તાવ પર તાવ લાગુ થયો. સર્વેએ આશા મુકી કેવળ આખર ઘડી માટે મને મારા સ્વદેશ નડીયાદમાં પહોચાડ્યો. ભાવનગરના લોકોએ તથા ત્યાંના મારા મિત્રો અનંતરાય, લલ્લુભાઈ, સાકરલાલ, દુલેરાય, કેશવરામ વગેરેએ મારી બરદાસ્ત ઘણી અચ્છી કર્યાનું મેં આગળ લખ્યું છે જ. કેશવરામ મને નડીયાદ પહોંચાડી ગયા. મારાં માતુશ્રી સાથે હતાં. તેમની તો આંખ પણ સુકાતી નહિ. આટલું છતાં મેં કદાપિ અરે કે ઉં કર્યું નથી, ને જાતે હીમત રાખી સર્વને હીમત આપવામાં પાછો પડ્યો નથી. નડીયાદ આવી વળી હીમત પકડીને મારાં માતુશ્રી તથા ભાઈને લઈ મુંબઈ ગયો. આ વેળે નડીયાદના મારા મિત્રોની વર્તણુંક પણ મેં આગળ આપેલી છે. મુંબઈમાં મારાં માતુશ્રી, મોહનલાલ તથા પરોપકારી દલાભાઈ ને પાછળથી કેશવરામ ૨૦ દિવસ રહેવા આવી પહોચ્યા તે મારી ચાકરી કરતાં ને એટલાં જો ના હોત તો મારી શી અવસ્થા થાત તે હું જાણતો નથી. દાક્તરો વગેરેની દવા કરતાં ૬-૭ દિવસે જરા ખીચડી ખવાતી થઈ, પણ એક માસ ગાળ્યા છતાં સારો આરામ ન થયો. વળી નડીયાદ તરફ એક વૈદની ભાળ લાગતાં હું નડીયાદ ગયો ને ત્યાં માર્ચ મહીનામાં મને આરામ પડ્યો; પણ નાકમાં જરા છોડ બાજતું રહ્યું, તથા બોલવાની વાત ઘણી બગડી ગઈ. આ અરસામાં મારા મિત્ર ગોપાળદાસની મદદ ઘણી અમુલ્ય હતી. તે ઘણો પરાધીન હોવાથી યથેચ્છ આવી જઈ શકતો નહિ પણ તેણે મને જે દીલાસો ને મદદ આપી તે અમુલ્ય હતી. તેણે મારો મંદવાડ સાંભળતાં જ ઘણી ધીરજ આપી તથા મારાં માતુશ્રી વગેરેને ધીરજ આપવા મારા ને તેના જે સમાન મિત્ર હતા. તેમને લખ્યું. મારામાં તો કાંઈક અલૌકિક ધીરજ આવ્યું હતું ને હું કશાથી ડરતો ન હતો; મને ગોપાળદાસે પુછ્યું કે તને દલગીરી થાય છે તેનો મેં એ જ જવાબ આપ્યો કે "અરે જો હું જીવ્યો તો બરાબર બોલાય નહિ તેવી અવસ્થામાં પ્રોફેસરની નોકરી કરી શકવાનો નહિ, ને મારે જેની પાસે ન માગવું એવો ટેક હતો તેની પાસે માગવા જવું પડવાનું. મુવો તો અરે, મારો નાનો ભાઈ, મારાં માબાપ જેની સર્વ આશા મારા પર છે તે શું કરશે! પણ હરિ ઈચ્છા." તેમણે આના ઉત્તરમાં મારાં માબાપને કદાપિ દુઃખી ન થવા દેવા વચન આપ્યું અને મારે માટે તરત જ રા. મનઃસુખરામભાઈ તરફ કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગો ખાલી હતી, તેમાં ઝાઝું બોલવાની જરૂર ન હતી તે ન પુરવાની ભલામણ કરી. રા. મનઃસુખરામભાઈએ પણ તેમનું મુરબીપણું બજાવી મને વારંવાર દીલાસો આપવામાં, વૈદ્ય વગેરે શોધી લાવવામાં, તથા હું મુંબઈ ગયો ત્યારે જાતે મારી નોકરીમાં અડચણ નહિ થાય વગેરે દીલાસો આપવામાં કાંઈ કસર રાખી નથી. મને આ અરસામાં લગભગ રૂ. ૫૦૦) ખર્ચ થઈ ગયો, ને આ મંદવાડ પેટે મૂળથી ગણું તો લગભગ ૨૦૦૦) રૂપૈયા નીકળી ગયા હશે. બોલો વાંચનાર ! ભાવનગર આવતાં ખાંડ ભરેલી બરણી ફુટી ગઈ તે શકુનનો કાંઈ ભાવ થયો? માદળીયાં ખોવાયાનું કાંઈ સમજાયું? મારી સ્ત્રી પક્ષે પણ પેલા સર્પદર્શનનો કાંઈ નિર્ણય થયો? આ વાત એટલા માટે યાદ દેવરાવું છું કે મારી જન્મકુંડલીમાં પણ ૨૨ વર્ષ શુક્રની દશા હતી તે બાવીશમેં વર્ષે નોકરી આપવતા સુધી આનંદ કરાવી ગઈ. પછી સૂર્યની ૭ વર્ષની હતી તે પૈસે લાભ કરી ખર્ચાવનારી તથા મહાવિકટ ને શરીરને કષ્ટ કરાવનારી હતી તેમાં છેલ્લા વર્ષમાં એટલે ૧૯૪૩ના જેઠ સુધીમાં તો મારું મૃત્યુ થવા જેવો મંદવાડ થાય તેવો યોગ હતો એ બધાનો પણ કાંઈ ભાવ ભજવાયો ! મૂલમાં મારી આ ભાવનગર તરફની ઉન્નતિ પછી મારા દ્વેષી ઘણા થયા હતા, ને ...ની વહુ સાથેના વ્યવહારની વાત ફેલાવાથી મારી નિંદા તે લોકો પેટ ભરીને કરતા. આવા પ્રસંગમાં આ પ્રકારનો વ્યાધિ થયો એટલે તેવા દ્વેષી લોકને અતિહર્ષ થઈ મને પાયમાલ થયેલો જોવા સર્વ તૈયાર હતું. મારા કુટુંબમાં, મિત્રમંડલમાં કે કોઈ સ્થલે એવું કોઈ ન હતું કે જેના પર મારી શ્રદ્ધા બંધાઈ રહે. આવા વખતમાં મને મારૂં વેદાન્ત અને બ્રહ્મ જેવાં કામ આવ્યાં છે એવું બીજું કાંઈ આવ્યું નથી. ટુંકામાં મેં આપઘાત ન કર્યો કે હું છેક કંટાળીને ઝુરી ન મુઓ એ મારા પરમ જ્ઞાનથી પેદા થયેલા વિશ્વાસ અને હીમતનું જ ફલ છે. આવા કષ્ટદાયક પ્રસંગે શરીર તો સારૂં થયું, પણ બોલવામાં ખામી રહી ને તેને પકડી પાડી મારા ઉપરી સાહેબે મને સતાવવા માંડ્યો. તેણે પ્રથમ મને રજા લેવા સલાહ આપી. પણ મારે તેની જરૂર ન હતી. એટલે મેં ના કહી અને જણાવ્યું કે મારા બોલવામાં સહજ ખામી છે ખરી, પણ તે મારા કામમાં અડચણરૂપ નથી. નાના નાના વર્ગને તો હું મોઢેથી જ વાત કરી શકીશ, પણ એક જે મોહોટો વર્ગ છે તેને વંચાવીશ વગેરે તો હંમેશની પેઠે કરાવીશ, પણ મારો અભિપ્રાય માત્ર લખાવીશ અને છતાં કોઈને પુછવાનું રહેશે તો મુખથી સમજાવીશ. આ વાત તેણે કોણ જાણે શા રૂપે સમજી લીધી. તેથી તેણે તો મેનેજીંગ બોર્ડના પ્રમુખ મુખ્ય દીવાન વિઠ્ઠલભાઈ તરફ મારી વિરૂદ્ધ લખાણ કર્યું, તે જાણી મેં મારો બચાવ કર્યો, તેના જવાબમાં તેના ભાઈ લલ્લુભાઈએ લખ્યું કે તમારી વાત વાજબી છે ને મેં સાહેબને ફરી વિચાર કરવા લખ્યું છે. આ પરથી મેં તેને લખ્યું કે જો કે હું મારી દરખાસ્તમાં કશી નવાઈ જોતો નથી, ને તેથી તે માટે રજા લેવા રાજી નથી પણ તમને રાજી રાખવા ખાતર રજા લેવી હોય તો લઉં. આથી તેણે જરા મિજાજ કરી જવાબ આપ્યો કે તમારે એકદમ તમારી એવી દરખાસ્ત બાબત બોર્ડની રજા લેવાનો રીપોર્ટ મારી મારફત મોકલવો; મેં પણ લાચારીથી આવા પત્રનું ઉત્તર એ જ આપ્યું કે જે વાત મારા હકની બહાર નથી તેવી વાત માટે હું રજા માગવા શી બાબત નીકળું? માટે હું રીપોર્ટ કરતો નથી. આનું પરિણામ જે આવનાર હોય તે આવો. પણ આવી ગરબડ થયેલી જોઈ મારા મનમાં બે વિચાર આવ્યાઃ દરબારી લોકો સાહેબને દેખીને ડરવાના ને આ વખતે ઈનસાફ આપતાં પાછા હઠવાના : મારી તરફેણમાં વાજબી ઈનસાફ આપવાની તે લોક હીમત કરે તો પણ જેને ને મારે અણબનત થઈ તેના હાથ નીચે રહેવામાં માલ નહિ. આ ઉપરથી મેં રા. મુ. મનઃસુખરામભાઈને જણાવ્યું કે કચ્છના એજયુકેશનલ ઈન્સ્પેક્ટરની જગો જે મારી માંદગી થતાં જ સમયસૂચકતા વાપરી આપે ખાલી રખાવી છે તે માટે મારો બંદોબસ્ત કરવા કૃપા કરવી. તેમણે આ વાત સ્વીકારી ત્યાંના મુખ્ય દીવાન તરફ લખેલું છે તેમાં પણ જે બને તે હરિ ઇચ્છા.

આ પ્રમાણે મેં મૂળ કરેલી પ્રતિજ્ઞા પર્યત આ હેવાલ આણ્યો છે ને આજે તા. ૧લી જુન ૧૮૮૭ને રોજ તે બંધ કરૂં છું; તે દિવસ સુધીની બીના ઉપરના હેવાલમાં આવી ગઈ છે. આજ પછી હંમેશાં એક નોંધની ચોપડી રાખી તેમાં મુખ્ય વાતો લખવામાં આવશે. ધર્મનાં નિત્યકર્મ, દેહકર્મ, તથા નોકરીચાકરીનાં ને ખાનગી અભ્યાસનાં નિત્યકર્મની વાત સર્વ કોઈ કલ્પી શકે તેવી છે ને તેમાં નોંધવા જેવું કાંઈ નથી તેથી તે નોંધવામાં આવશે નહિ, પણ જે તારીખે જે કાંઈ સાધારણ વાત કરતાં વિશેષ નવાઈવાળો કે જાણવા જેવો બનાવ બનશે તે નોંધી રાખવામાં આવશે. મારી રીતભાત, ચાલચલગત, વાતવિચાર, કે સ્વભાવ વિષે મારે લખવાનું કાંઈ નથી, જે જે વાતો છે તે અત્રે લખી છે, જેને જે ફાવે તે વિચાર બાંધો, પણ આ લખવાનો મુખ્ય હેતુ મારા મનમાં તો સ્વાત્મનિરીક્ષણ વિના બીજો નથી – એમ નિરીક્ષા કરતાં હું ઘણે દરજજે આગળ આવ્યો છું એમ મને જણાય છે; ને તેના પ્રથમ ફલ તરીકે થોડા વખતથી મનમાં ઠસેલો ઠરાવ આજે જ નક્કી કરી અને અત્રે લખી રાખું છું. મારે કોઈ પ્રેમાશ્રય નથી એ96 હું એક કરતાં વધારે વાર કહી ગયો છું. તેવું શોધવાની પણ ઈચ્છા નકામી છે કેમકે મળવાનું નથી. વિષયવાસના માત્રની વાત ત્યારે રહી. તે તૃપ્ત કરવાને પણ મારી સ્ત્રી હું રાખી શકતો નથી. ઈતર સ્ત્રીઓ ખોળવાથી મળે તેમ નથી. આટલું છતાં, હજારો રીતે જ્ઞાનથી વિચાર્યા છતાં મારે હવે એક નાનો સરખો મનોનિગ્રહ, માત્ર એટલો જ કે સ્ત્રીનો વિચાર પણ ન આવવા દેવો એટલો કાં ન બનાવવો? નહિ કે અશક્તિમાનુ ભવેત્ સાધુ તેવી વાત છે. એ જ ...ની વહુ જેવી છે તેવી મને પસંદ હોય તો તે મારે માટે અદ્યાપિ રડ્યા કરે છે, મુંબઈમાં એ વિના પૂર્વે સંબંધ થયેલો તે પારસણ હંમેશાં બોલાવે છે, અત્રે મારી માસીજી તૈયાર જ છે. બાળાશંકરની વહુ પણ મળે તેમ છે, તેમ પ્રયત્ન કરતાં બીજી કોઈ સ્ત્રી પણ અત્રે સહજ પ્રાપ્ત થાય તેવાં સાધન છે. પણ મુખ્ય વાતે પ્રેમ છે, વિષયવાસના ગૌણ છે. મુખ્ય વાત ન મળે તો ગૌણ વાત મળે. જખ મારવાનું બીલકુલ મન નથી. માટે આ નિશ્ચય ઠરાવ્યો છે. આવા નિશ્ચય આગળ ઘણી વાર કરેલા છે, પણ મળ્યા નથી છતાં આ વખતના નિશ્ચયનું શું થાય છે તે હવે જણાશે.