લખાણ પર જાઓ

આત્મવૃત્તાંત/કૃત્રિમ તાલુની વ્યવસ્થા

વિકિસ્રોતમાંથી
← અધ્યાપક મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
કૃત્રિમ તાલુની વ્યવસ્થા
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
નડિયાદના મિત્રો →


૧. કૃત્રિમ તાલુની વ્યવસ્થા
નડીયાદ
તા.૧૭–૭–૮૭
 

તા. ૧ જુનથી તા. ૧૭ જુલાઈ સુધી

નોકરી સંબંધી ગરબડ સાહેબ સાથે ચાલતી હતી તેવામાં મુંબઈમાં કોઈ દંતવૈદ્ય મારા ગાળામાં કૃત્રિમ વ્યવસ્થાથી બોલવાની હરકત ટાળશે એમ ધારી હું મુંબઈ ગયો. ત્યાં એક તેવા વૈદ્યને મળ્યો ને તેણે ખુશીથી તેમ કરવા કબુલાત આપી તથા તેમ થશે એવું સર્ટિફીકેટ પણ લખી આપ્યું. મુંબઈમાં મારી કોલેજના પ્રોફેસર ફરદુનજી મને મળ્યા તેમણે મને તથા સાહેબ(તે વખતે મુંબઈમાં હતા)ને મેળવી સમાધાન કરવા કહ્યું. મેં મળવાની હા કહી, પણ તે પહેલાં સાહેબ તરફથી મને દીવાનના હુકમની નકલ મળી તેની મતલબ એ હતી કે સાહેબે મણિલાલને બદલે માણસ રાખવો નહિ, કેમકે મણિલાલ આવ્યા વિના અમે કાંઈ કરી શકતા નથી. દરબારીઓએ સારી હીમત વાપરી એમ મને નિશ્ચય થયો ને મારે સાહેબને હવે મળવાની જરૂર ન હતી છતાં, તેઓ મળવા ઇચ્છે છે જાણી ગયો. મળ્યા. ત્યાં ઘણી સલાહશાંતિથી વાત થઈ ને મેં સાહેબને કહ્યું કે મારે અમુક દંતવૈદ્ય સાથે વાત થઈ તે પરથી મારે હવે રજા લેવાનું મન છે. તેણે કહ્યું ભલે ભાવનગર આવીને લેજો ને નવો માણસ આવે ત્યારે જજો. આ ઉપરાંત રા. મનઃસુખરામભાઈ સાથે પણ કચ્છ સંબંધી વાત થતાં વધારે વિશ્વાસ મળ્યો, તથા મારા મિત્ર નાનાસાહેબ વિલાયત જવા મુંબઈ ગયેલા તે ન જતાં ત્યાં જ રહેલા તેમને મળાયું. પછી નડીયાદ આવી ભાવનગર ગયો. ત્યાં રજા બાબત અરજી લખતી વેળે મેં મારૂં જે ખરૂં કારણ દંતવૈદ્યની વાતનું – જે હતું તે જણાવી રજા માગી. સાહેબ તો ભાવનગરમાં મને વિલક્ષણ રૂપે જણાયા. દીવાન સાહેબનો જે હુકમ તેમની વિરૂદ્ધ ને મારી તરફેણમાં થયેલો તે તેમને આડો ને અવળો સાલતો હતો, તેનું દુઃખ તેમણે મારા પર જેટલો ગુસ્સો કરાય તેટલો કરવામાં ને હેરાન કરવામાં કાઢ્યું. ભીખારી જેવી સ્થિતિમાંથી એકદમ હુકુમત પર આવી બેસનારા પોતાની સત્તા વિષે કેવા વિચારો ધરાવે છે, ને કેવી રીતે વાપરે છે તેનો મને આબેહુબ દાખલો જણાયો – બાકી હુકુમત તો મેં પણ ચાર વર્ષ લગી આશરે ૧૦૦-૨૦૦ માણસો પર સ્વતંત્ર રીતે ચલાવેલી હતી. સાહેબે મને ઘણા અપમાનભરેલા શબ્દોથી તથા મને ધમકી આપીને મારી અરજીનું રૂપ બદલવા કહ્યું, તથા દીવાન સાહેબને મેં શા માટે પત્ર લખ્યો તે વાત વારંવાર મારા તરફ સૂચવ્યાં કરી. તેની ઈચ્છા અરજીમાં એટલું જ લખવાની હતી કે "હું માંદો છું માટે રજા આપો.” મારે તો એકબે માસનું જ કામ હતું છતાં, સાહેબે કહ્યું કે સારો માણસ એટલી મુદત માટે ન આવે ત્યારે મેં તેના કહ્યા પ્રમાણે પાંચ માસ સીકની રજા માગી. અરજીનું રૂપ બદલવા જેમ તેણે ઘણો આગ્રહ કરવા માંડ્યો ને બળાત્કાર તથા અપમાન વાપરવા માંડ્યું ને દીવાન સાહેબના હુકમને સંભારવા માંડ્યો તેમ મને નિશ્ચય થયો કે એની ઇચ્છા મારી અરજી પર એવો સેરો કરવાની છે કે “આ માણસ માંદો જ છે, એના લખવાથી તમે મને માણસ લાવવાની ના કહી પણ તે વાત ગેરવાજબી છે. એ જુઠો માણસ છે.” ને તે સેરો મારી અરજીના હાલના રૂપને લીધે બની શકે તેમ નથી. આ બાબત બહુ જ તકરાર થઈ, મેં મારો મિજાજ જરા પણ ખોયો નહિ છતાં તેના કહેવા મુજબ કાંઈ કરી ન આપ્યું. પરિણામે બોર્ડ સમક્ષ માટે અરજી કરવી પડી – રજા માટે, અપમાન માટે, સર્વ માટે, કેમકે સાહેબે મારી રજાની અરજી મોકલી આપવા ના પાડી. બોર્ડના સેક્રેટરી મને મળ્યા, સાહેબને મળ્યા, તથા જેમ તેમ કરી સમાધાન આપ્યું. મેં અરજી એવી લખી કે સાથે રજુ કરેલા (દંતવૈદ્યવાળા) સર્ટિફિકેટને આધારે મારે પાંચ માસ રજા અર્ધે પગારે જોઈએ છીએ – પણ આવું લખતાં મારી શરત હતી કે સાહેબે નીચે કાંઈ ન લખવું. ફક્ત એટલું જ કે, “forwarded for consideration' તે પ્રમાણે લખવું. મારા અપમાન બાબત મેં અરજી પાછી ખેંચવા ના પાડી ત્યારે સેક્રેટરીએ આગ્રહથી પાછી આપી અને મારી રૂબરૂ સાહેબને ઘણું કહ્યું. તેણે એવી મતલબનું કહ્યું “Mr. Gunion, you mut know Mr. Manilal was much insulted by you or he wd (=would] not have a word against you. He is an honest man, above all tricks. He is respected by all students, the whole town & he is a very good scholar in our Gujarat.” સાહેબે એવી મતલબનું કહ્યું કે “I know he is a great scholar & an honest man but he must know he has a superior" - જેના જવાબમાં સેક્રેટરીએ કહ્યું હતું કે he knows you are his superior, but you must regard your subordinates as your friends. આવી રીતે સમાધાન થયું. રજા મળી. સાહેબ અને હું બોલતા ચાલતા પણ મન કેવળ જુદાં થઈ ગયાં અને અન્યોન્યને માટે ઘણા હલકા વિચાર બંધાયા. માણસ આવતાં વાર થવાથી દિ. ૧૧ મારે કામ કરવું પડ્યું તે દરમીઆન છોકરાઓ મારી વાત બરોબર સમજતા. અને મારે જવાની વાતથી ઘણા દલગીર હતા. જે માણસ આવ્યો છે તે સારો હશે, પણ મારા છોકરાઓ એમ કહે છે કે મણિલાલ પાસે ભણેલાને બીજા કોઈથી સંતોષ થવાનો નથી એમ સાંભળું છું.

નડીયાદ આવી મેં મારાં નિત્ય-ધર્મકર્મમાં વૃદ્ધિ કરી. ગાયત્રી ૧૦૦૦ તથા ગીતા આખીનો પાઠ એવો નિયમ લીધો. બધો દિવસ વાંચવા અને લખવામાં જ ગાળવા માંડ્યો. મારા મંદવાડ પછી કાંઈક વખત થયાં મને વાંચવાકરવાની શક્તિ આવી હતી પણ હવે જે પૂર્વવત્ આનંદ પડવા લાગ્યો તેથી હું સંતુષ્ટ થયો. પ્રેમજીવન નામનું પુસ્તક મે મહીનામાં લખ્યું હતું તે છપાવવા માંડ્યું. વીએના oriental journal માટે અદ્વૈત સંબંધી એક આર્ટીકલ લખ્યો. કાવ્યપદ્ધતિ વિષે તથા બ્રહ્મસૂત્રની ટિપ્પણી રૂપે ગ્રંથો લખવાના વિચારો ચાલુ હતા. તબીઅત સારી ચાલ્યાં જતી હતી, સારી એટલે ખરાબ નહિ કેમકે મારા જેવા તદ્દન ભાગેલા માણસને સારી તબીઅત એ શબ્દ સાથે ઓળખાણ જ ભાગ્યે થાય! છતાં મારા મનનો ઉત્સાહ તથા નિશ્ચય અતુલ હતાં. મને દુઃખનો લેશ પણ મનમાં ન આવતો. સંસાર, શરીર સર્વે બગડ્યાં હતાં, સ્નેહીઓ પણ ઠીક ઠીક હતા છતાં જે પરમાનંદ મને છેતે કોઈને પણ આવી અવસ્થામાં નહિ મળ્યો હોય. મારી વાચનલેખનની મેહેનત અતુલ ચાલતી, એવી કે સારામાં સારી તંદુરસ્તીવાળા માણસોમાંના પણ કોઈક જ કરતા હોય. આ બધાનું કારણ મારી બ્રહ્મનિષ્ઠા હતી, તથા તે તરફનો મારો નિશ્ચય કેવળ વિરાગ રૂપે પરિણામ પામી, નિરપેક્ષ મન કરાવી વાચન-લેખન-મનન ને બને તો શુભ કર્મનો ઉદ્યોગ તેમાં જ મનને રોકી રાખતો. Smiles Character વાંચતાં Prof. George Wilsonની શરીરસ્થિતિ તથા મનની અતુલ ચાલાકી ને ઉત્સાહપૂર્વક શ્રમ અને વિરાગ જોઈ મને મારી સ્થિતિનું ભાન થઈ આવ્યું. અને મારા જેવા પણ થઈ ગયા છે, ને મારી પેઠે જ વર્ત્યા છે એમ જોઈ મને મારા આચારમાં દુઃખ છતાં – પણ ઘણો આગ્રહ વધ્યો.

મારા સ્નેહી નાનાસાહેબ મુંબઈમાં રહેવા ગયા હતા. તેમણે પત્ર લખ્યું કે દંતવૈદ્યની વ્યવસ્થા માટે હવે આવવું તેથી આજરોજ જાઉં છું.