આત્મવૃત્તાંત/નડિયાદના મિત્રો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કૃત્રિમ તાલુની વ્યવસ્થા મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
નડિયાદના મિત્રો
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
માંદગીને કારણે નોકરીમાં મુશ્કેલી →
૨. નડિયાદના મિત્રો
તા. ૨૬-૧-૮૮
ભાવનગર
 

હું મુંબઈ જઈ મારા મિત્ર નાનાસાહેબના ઘરમાં લગભગ ત્રણ માસ રહ્યો અને દાક્તરે રૂ. ૪OO લઈ મને કૃત્રિમ તાલુ બનાવી આપ્યું જેથી મારા બોલવાના વ્યવહારની અડચણ દૂર થઈ. આ વ્યવસ્થા થયા પછી હું એક માસ નડીયાદ ગયો. અને યુનિવર્સિટીની પ્રીવીઅસ, ફર્સ્ટ બી.એ. અને બી. એ. માં સંસ્કૃત પરીક્ષક ઠરેલો હોવાથી પાછો મુંબઈ જઈ એક માસ એ જ મિત્રને ઘેર રહ્યો. આ કામથી ઘેર આવ્યા પછી મેં મારી નાણાં સંબંધી સ્થિતિ તપાસી. તેમ કરવામાં પ્રયોજન એ હતું કે મારે સ્વતંત્ર નામે કોઈ રકમ જમા થઈ ન હતી એ હું બધું મારા બાપને આપ્યાં જતો હતો તે કાંઈ તારણ બતાવતા નહિ. મને નોકરી કરતાં સાડા છ વર્ષ થયાં તે દરમીઆન મેં રૂ. ૫OOC) રોકડા મારા પિતાને આપેલા હતા, તેમાંથી નવું ઘર બંધાયેલું છે તથા જુનાને અગાશી વગેરે થયાં છે. તે સિવાય રૂ. ૬૦૦નો દસ્તાવેજ ડભાણના કણબીનો ગયે વર્ષે જ મેં મારા નામનો રૂપીઆ આપી લખાવ્યો છે. વળી રૂ. ૩૭૫નાં 100સોનાનાં સાંકળાં મારા છોકરા ઓછવને માટે મેં કરાવી આણ્યાં. આ બધા રૂપીઆ કંપની જાણવા. હાલ જે સીલક મારી પાસે આ સિવાય પરીક્ષા વગેરેથી ભેગી થયેલી તે મેળવી થોડા રૂપીઆ મારા મિત્ર સાંકળચંદ પાસેથી ઉછીના લઈ કેરીઆવીવાળા સાંકળાભાઈને મેં મારા નામનો દસ્તાવેજ કરી રૂ. ૪૦OO) બાબાશાહી સાડા સાત આનાને વ્યાજે જમીન લખાવી લઈ ધીર્યા. આમ વિચાર કરતાં મેં લગભગ રૂ. ૯000) આજ સુધીમાં બચાવ્યા એ જોઈ મને સંતોષ થયો.

મારી પ્રકૃતિ સામાન્ય રહેતી. મોં અણાવવાનો વિચાર હતો, પણ અનુકુળતા આવી નહિ. તે વિચારથી માસ ૧ રજા વધારાવી હતી તે પણ નડીયાદમાં ગાળી. મારા કુટુંબવ્યવહારમાં મારી સ્ત્રી નાસી ગઈ હતી એ મેં આગળ કહેલું છે. તેને બીજો પુત્ર થયો હતો તે હાલ વર્ષ ૧નો થયો. તેનાં માબાપ મૂલ તો તેને રાખવા બહુ રાજી હતાં, પણ હાલ હવે અમારે ઘેર મોકલવા તૈયાર થયાં. મને એ સ્ત્રી વિષે મૂલથી અનાદર થયા જેવી તેની ચાલ વારંવાર મેં જણાવેલી છે. પણ હાલ મારા સમજવામાં તેના વ્યભિચારની વાતો આવી હતી તેથી મારું મન તેના ઉપરથી તદ્દન પાછું હટી ગયેલું હતું. તેનાં માબાપ તેને મુકવા આવતાં પણ તેને પોતાને ઉંડી મરજી હોય એમ લાગતું નહિ તેમ તેનામાં જરા પણ સુધારો જણાયો નહિ તેથી મને એના પર એવો અવિશ્વાસ થયો હતો કે રખેને ઘરમાં દાખલ થઈ કોઈ યુક્તિપ્રયુક્તિથી જીવ લે કે કાંઈ સંકટ ઉભું કરે. તેનાં અપલક્ષણ લોકમાં પણ પ્રસિદ્ધ થઈ ગયાં હતાં એટલે મારી માને માથે જે વાંક લાવવા તે પ્રયત્ન કરતી તે જેને ઘટે તેને માથે જ વાજબી રીતે સ્થિર થયો હતો. તાત્પર્ય કે મારી સ્ત્રીને મારે ઘેર મુકવા આવ્યાં પણ મેં ન રાખી તેનાં કારણ આ કહ્યાં તે જ, પણ મારાં સાસુ, સસરો, સાળો વગેરેનો ગ્રામ્ય વ્યવહાર તે પણ એક કારણ જેવો ગણાય.

મારા મિત્રમંડલમાં નાનાસાહેબની મારા ઉપર પુરી ભક્તિ મેં કહી છે જ. તેણે મારા ઉપર બહુ સારો સ્નેહ રાખ્યો છે. સર્વદા તે મારી તરફ દૃષ્ટિ રાખે જ છે. મારી નિંદા થાય છે, મને કોઈ લોક કાંઈ કાંઈ કારણથી નિંદે છે, પણ તે મારા સંબંધમાં દૃઢ છે. ચતુરભાઈ સાહેબને માટે તો મેં આગળ જે અંકુર વર્ણવ્યા છે તે હાલ વૃક્ષરૂપ થયા જણાય છે. તેઓ એક સ્વાર્થનું પુતળું જ છે. દુનીયામાં સ્વાર્થ સર્વને છે, પણ આ માણસની સ્વાર્થવૃત્તિ કેવલ અધમ છે. તેનો બાપ તેના મોંમાં થુંકે તેવો છે. એ બાપદીકરો જ્યાં સુધી ચતુર મારી પાસે નોકર હતો ત્યાં સુધી દિવસમાં દશ દશ ધક્કા મારે ઘેર ખાતા. તે સંબંધ મટ્યા પછી દશને બદલે બેત્રણ થયા હતા, પણ તેનો બાપ સ્પષ્ટ કહેતો કે શા માટે મણિલાલને ઘેર જઈ જઈને બેસી રહે છે, એમાં શું મળવાનું છે. આમાં પણ હું કહીંક નોકરી અપાવું એ આકાંક્ષા હતી, પણ તે સફળ થવાનો સંભવ જ્યારે આ સ્વાર્થી જોડાને ન લાગ્યો ત્યારે તેમણે મને હાલ તદ્દન મુકી દીધો. નોકરી અપાવી શકાય કે રૂપીઆ આપી અપાવી શકાય તો જ અમુક માણસ મિત્ર થાય એ કરતાં મિત્ર ન હોય એ લાખ દરજ્જે સારૂં છે. ચતુરભાઈએ હવે સાંકળચંદને ઘેર તેવા જ ધક્કા દેવા માંડ્યા કેમકે તેમના બાપે તેમ ફરજ પાડી હશે. સાંકળચંદે તેના બાપને રૂ. ૮000) આઠ આને ધીરી દશ આનામાં નંખાવી આપ્યા હતા એ તેનું મુખ્ય કારણ હતું, બાકી બાપદીકરાની નિંદાનો વિષય બીચારો સાંકળચંદ એકદમ તેમની ગુલામગીરીને લાયક ક્યાંથી થઈ જાય? નાનાસાહેબની સાથે પણ ચતુરભાઈને મૂલથી મારે લીધે સંબંધ હતો જ. તે પણ હાલમાં ઠીક કેળવવા માંડ્યો છે. કેમકે તેમાંથી છાપખાનાને માટે કામ મળે છે. ગામમાં આબરૂ મળે છે અને વખતે નોકરી-ચાકરીનો પ્રસંગ સંભવિત છે. તેમના પિતા આમાં પણ રાજી છે. અરે ઈશ્વર ! મારે ઘેર જ એવું દ્રવ્ય નથી આપ્યું કે બધા ચતુરભાઈ ભેગા થાય !! ભલે કદાપિ એવું દ્રવ્ય પણ ન આપીશ ને તેવા ચતુરભાઈ પણ ન આપીશ. મને છે તેથી જ સંતોષ છે. સાંકળચંદ શેઠ અલબત્ત સ્વભાવે વિલક્ષણ, તથા તેનો કલ્પિત સ્વાર્થ જે જુઠી મોહોટાઈને મેં બગાડવામાં કાંઈ મદદ કરી નહિ હોય તો તે સાધવામાં તો મદદ નથી જ કરી એમ માની મારા પર જરા ગુસ્સે હતો, તે તેમ જ ચાલતો, પણ તેનું હૃદય એકંદર સારૂં છે એમ જે મારો નિશ્ચય છે તે કાયમ છે. છોટુએ આ પ્રસંગમાં નાંદોદ તરફ નોકરી લઈ લીધી. ત્રીભુવનદાસ ગજ્જર જોડે ગરબડ થયાનું મેં કહેલું છે. તે મને મુંબઈમાં મળ્યો ને તેણે માફી માગી તથા બીજી રીતે વાતચીત કરી. એમ સમાધાન થયું, પણ મને તરત જ નડીયાદથી જણાયું કે એણે મારી પાછળ નીંદા કરવામાં ને તે જ્યાં ફાવે તે સ્થળે અને જુઠી બાકી મુકી નથી. આ ઉપરથી મેં તેને લખી વાળ્યું કે આવો ખરાબ રીતિનો સંબંધ આપણે ચાલશે નહિ. તે પરથી વળી તેણે સમાધાન કરવા તેના મિત્રને મોકલ્યો પણ તેને અમે કહ્યું કે એ માણસની નીચતા ઘણી છે તે તેણે બંધ પાડવી જોઈએ ને તેમ નહિ થાય ત્યાં સુધી અમારે ને તેને સંબંધ નહિ બને. રજા પુરી થઈ. એટલે તા. ૩જી જાનેવારી ૧૮૮૮ ને રોજ ભાવનગર આવી મેં મારા કામનો ચાર્જ લીધો. હાલ ત્યાં રહીને જ આ લખું છું.