આત્મવૃત્તાંત/ઉપક્રમ

વિકિસ્રોતમાંથી
આત્મવૃત્તાંત
ઉપક્રમ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
કુટુંબ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


શ્રી
૯-૨-'૮૭ મુંબઈ
 

મારી ૨૮ વર્ષની ઉમર પુરી થતાં મારા મનમાં એમ વિચાર દ્રઢ થયો કે મારે એક ટુંકો સરખો પણ વાસ્તવિક વાત સહજમાં દ્રષ્ટિગોચર થાય એવો મારો પોતાનો અહેવાલ લખવો ને તે આજ સુધી લાવી પછી તેમાં મરણ પર્યંત જે જે મુખ્ય બીના બને તે ઉમેરતા રહેવી. આમ કરવાનાં કારણ ઘણાં હતાં. આ સમય એવો હતો કે જે વખતે મારે ઘણામાં ઘણા શત્રુઓ તો નહિ, પણ વિરુદ્ધ મતના પ્રતિપક્ષીઓ હતા; તેમની નિંદા અને ઈર્ષાજન્ય ગપો અગણિત હતી. મને તો એમ જ ભાસતું કે કોઈ માણસ ભાગ્યે જ મારા જેટલી ઇર્ષ્યા, નિંદા અને ગેરસમજુતથી થઈ આવેલી અપ્રીતિનો પાત્ર થયો હશે. કયા ન્યાયી માણસને આવે સમયે પોતાની ખરી વાત જાહેર કરવાનું મન ન થાય? પણ તે કોના આગળ કરવું? એકબે મિત્રોને કહેવાથી સંતોષ થતો નહિ, પણ આ મારાં કાગળીયાંમાં જ મને વધારે સંતોષ મળશે અને હું હવે પછી થતા નિષ્પક્ષપાત સજ્જનો આગળ મારી ફરીયાદ કરી શકીશ એમ મને વારંવાર થતું. આ કાગળો કોઈને હાથ જશે કે નહિ એ પણ શંકાની વાત છે, પણ મેં આજ સુધી જે જે લખ્યું છે તથા કર્યું છે તેની છાપ ગુજરાતમાં મને જે અંશે પડેલી લાગે છે તે અંશ પરથી વિચારતાં જરૂર આ કાગળોનો પણ કોઈ શોધક ખપ કરશે એવી આશા મારા હૃદયમાંથી મને ઉત્તેજન આપે છે. આ સમયે મારા મિત્રામિત્રની પરીક્ષા પણ મને પાકી થઈ હતી, અને મારો અભ્યુદય પણ સાધારણ પણે કોઈને પણ ઈચ્છવા યોગ્ય હતો; ઉપરાંત મારા શરીરજન્ય વ્યાધિની વ્યથા નિઃસીમ હતી. આ લખવામાં મારા ગુણનું બ્યાન કરી, દોષ ઉપર ઢાંકપીછોડો કરવાનો હેતુ નથી. મારા ગુણ વિષે કાંઈ ન બોલતાં કેટલીક હકીકત માત્ર જ આપવી અને તે પરથી વિચારવંતને અનુમાન કરવા દેવું એમ મારો વિચાર છે, પણ દોષ વિષે તો યથાર્થ વર્ણન આપી જે હોય તે જરા પણ સંકોચ વિના જાહેર કરવું એ મારો મુખ્ય ઉદ્દેશ છે. મારો દેહ છે ત્યાં સુધી મારે જગતના લોકની કાંઈ પણ દરકાર – અર્થાત્ તેમના તરફથી માન વગેરેની આશા હોઈ શકે, પણ આ વૃત્તાન્ત આમરણ કોઈને હાથ જનાર નથી એટલે લોકો મને વખોડશે એવી ધાસ્તીથી કોઈ પણ દોષ છુપાવવાનું મને કારણ નથી. જેઓને હું હાલમાં મારા ભક્તમિત્ર માનું છું તેઓના તરફના માનમાં કાંઈ ન્યૂનાધિક થવાનો સંભવ જ નથી કેમકે મારું આખું રૂપ સર્વાંશે હાલ તેમના સમજવામાં જ છે. માણસ માત્ર દોષગ્રસ્ત. છે, હું પણ માણસ છું: પણ જો મારા દોષમાંથી કોઈને તેવા દોષથી દૂર રહેવાનું બની આવે અથવા મારા દોષ છતે મારામાં કાંઈ ગ્રાહ્યાંશ ગુણનો જણાય તો મારો આ શ્રમ પૂર્ણ રીતે કૃતાર્થ છે. પણ આ લખવાનું મુખ્ય કારણ જુદું જ છે. જન્મથી માણસ પૂર્ણ હોતું નથી; ધીમે ધીમે તેનામાં રહેલા અંકુર ખીલતે તે પૂર્ણ બને છે. તેમાં પણ વિચારવંત માણસો આત્મનિરીક્ષણ અથવા પોતાના અંતરની સૂક્ષ્મ તપાસ રાખવાથી ઘણે અંશે જલદી આત્મકલ્યાણ સાધવાને યોગ્ય થાય છે. આજ સુધીનું વૃત્તાન્ત લખ્યાથી મને પણ આ લાભ મળશે ને દિન પ્રતિદિન મેં કયા ત્યાજ્યાંશ છોડી ગ્રાહ્યાંશમાં વૃદ્ધિ કરી એ મને પોતાને સંતોષકારક રીતે જણાશે. આ વિચાર મુખ્ય રહેવાનું કારણ મારો જે ધર્મસિદ્ધાંત થયો છે, તેની હકીકત આગળ આવશે.