લખાણ પર જાઓ

આત્મવૃત્તાંત/ધર્મોન્નતિ માટે પ્રયત્નો

વિકિસ્રોતમાંથી
← ધર્મવિચારનો પ્રભાવ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ધર્મોન્નતિ માટે પ્રયત્નો
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
લેખનવાચનનો વિશેષ ક્રમ →


૧૦. ધર્મોન્નતિ માટે પ્રયત્નો
તા. ૩–૧–૮૯
 

લગભગ બે મહીના થઈ ગયા. તેમાં શું થયું? શરીરની વાત પ્રથમ કહું. શરીર તદ્દન પાયમાલ થવા બેઠું. ઉલટી, તાવ, ગળે ન ઉતરવું, અશક્તિ અને ગળામાંનું નવું વ્રણ તે સર્વથી બહુ ગરબડ ચાલી. હવે જામનગરવાળા વૈદ પાસે મુંબઈ જવું જ જોઈએ એમ સમજી તરત મુંબઈ આવ્યો. હાલ ત્યાં જ છું. લગભગ દોઢ પોણાબે માસથી તેની દવા કરું [છું] – તેથી મને ઘણો સારો આરામ છે, ને મટવાની હવે આશા સંપૂર્ણ રીતે બંધાઈ છે.

રજા સંબંધી અરજી કરેલી તેનું ઉત્તર એમ આવ્યું છે કે વર્ષ ૧ વગર પગારે રજા લો કે રાજીનામું આપો ને કાંઈ રકમ લો. મેં લખ્યું છે કે મારો હક ૧/૪ પગારથી રજા મળે તેવો છે, છતાં વગર પગારે આપવા ધારો તો ભલે તે કબુલ છે, પણ રાજીનામું આપી શકાય તેમ નથી. નવી નોકરીનો બંદોબસ્ત થાય તે વિના રાજીનામું કેમ અપાય? નવી વ્યવસ્થા સંબંધે કચ્છથી રા. મનઃસુખરામભાઈ પર પત્ર આવ્યું છે કે નોકરી તૈયાર છે, પણ પોલી. એજન્ટ ગુજરાતનાં માણસ લાવવાની વિરુદ્ધ છે. તેથી સરકાર મારફત માંગતાં અડચણ નડે છે. તેનું શું થાય છે તે બાબત પ્રયત્ન ચાલે છે. દરમીઆન વડોદરેથી રા.રા. મણિભાઈ સાહેબ રા. મનસુખરામભાઈ પાસે આવેલા, ત્યાં વાત થતાં, તેમણે મને વડોદરે લઈ જવા વચન આપ્યું છે, ને ગાયકવાડ સરકાર મારફત તો ન લે, પણ સરકારમાં ભરેલાં વર્ષ પોતાની નોકરીમાં ગણી પેન્શન આપે એવી વ્યવસ્થા કરવા કહ્યું છે. શું થાય છે તે હવે જોવાનું છે. ગુજરાન તો પગારના પૈસા ભેગા કરી રાખ્યા છે તેમાંથી ચાલે છે. વળી ભાવનગર જુના શોધ ખાતાના લેખ તપાસવાનું કામ ઘણો વખત થયાં મારા હાથમાં છે ને તે દ્વારા મને ઠીક પ્રાપ્તિ થાય છે. આજ સુધી લગભગ રૂ. પ૦૦) ને સુમારે તેમાંથી મળ્યા છે, તેમ હાલ પણ ૫૦–૧૦૦ દર મહીને મળે તેટલું કામ આવે છે. નોકરી પરની આવક તે તો તા. ૧૧ ડીસંબરથી બંધ છે. રજા વિષે જે નીકાલ આવે તે ઉપર આધાર રાખે છે.

લખવાવાંચવા સંબંધે મુંબઈમાં આવ્યા પછી બહુ સારો ક્રમ ચાલ્યો છે. ઘણાં પુસ્તકો વગેરેની અપેક્ષા હતી તે પણ મળી આવ્યાં છે. પ્રાણવિનિમય બહાર પડી ચુક્યું છે, તે લોકોમાં બહુ શ્રદ્ધા પેદા કરે છે. સિદ્ધાંતસાર છપાવા માંડ્યો છે, તે લખાય પણ છે. હાલમાં પ્રકરણ ૪થું છપાય છે ને ૬ઠ્ઠું લખાય છે. આ કામ ચાલતું હતું તેની વચમાં જ અદ્વૈતવેદાંતને અંગરેજી સાયંસને મુકાબલે નાંખી ગ્રંથ રચવાનો વિચાર સ્ફુર્યો. રાજયોગ ફરી છપાવવાની ઇચ્છા હતી. પણ તેમાં બહુ ફેરફારોની અપેક્ષા જણાઈ હતી; તેથી તેને છપાવવો પડતો મુકી આ નવું પુસ્તક બનાવવાનો સંકલ્પ દ્ર્ધ થયો. આશરે પંદરેક દિવસની અંદર લગભગ ૧૦૦ અર્ધા શીટનું એ પુસ્તક લખી નાખ્યું છે. તેનું નામ Monism or Advaitism? એવું છે, ને હાલમાં છપાય છે. આ બે પુસ્તક ઉપરાંત પ્રિયંવદા માટે, ગીતા, ગુલાબસિંહ, સદ્દવૃત્તિ, રિવ્યુ. વગેરે તથા કોઈ આર્ટીકલો પણ એ લખવાનું તો ચાલુ જ છે. આ બધો પ્રયત્ન લોકોને બહુ રુચિકર થઈ પડ્યો છે, ને સર્વ તરફથી બહુ પ્રશંસાભરેલા તથા ધર્મ સ્થાપનાર તરીકે જ મને માનનારના પૂજ્યભાવથી ભરેલાં પત્રો મળ્યાં કરે છે. મેં આ બધો શ્રમ આર્ય ધર્મની ઉન્નતિ માટે ઉઠાવેલો છે, તેને સફલ થવાનાં આવાં ચિન્હ જોઈ મને સંતોષ થાય છે. પ્રાણવિનિયમ થયો, સિદ્ધાંતસાર થાય છે ને પછી ગીતા પુરી કરી નાંખીશ, ને પછી એક નાનું પુસ્તક ધર્માચારના નિયમો કેવા પાળવા તે જણાવવા એ ત્રણેને આધારે તથા આપણાં તંત્રમંત્રાદિ શાસ્ત્રના આધારે, હાલની સાયંસ સાથે સરખાવીને ટૂંકામાં લખીશ. ગુજરાતી વર્ગને આવી રીતે પ્રેરીશ, પણ આખા હિન્દુસ્તાનને તથા યુરોપ અમેરિકાને પણ મારા વિચાર દર્શાવવા સમર્થ થઈશ – Monism or Advaitism એ ગ્રંથ દ્વારા, આ બધું થયા પછી ગુજરાતમાં ધર્મવ્યવસ્થા માટે મંડલીઓ સ્થાપવા મથીશ ને તે પછી – એટલે આજથી લગભગ ૫-૧૦ વર્ષે - નોકરી ચાકરી મૂકી દઈ, એક આશ્રમ સ્થાપવાની વ્યવસ્થાને માટે દ્રવ્ય ભેગું કરવા મથીશ. તે આશ્રમમાં એક લાઈબ્રેરી તમામ પ્રકારનાં પુસ્તકની રાખવી, તેમાં જેને રહેવું હોય તે નિરંતર રહે પણ શરત એટલી કે દાખલ થતી વેળે કાંઈ દ્રવ્ય આપે, સંસારમાં ફરી જાય નહિ, ને આત્મોન્નતિ સાધતાં, ધર્માદિ સંબંધે ગ્રંથો રચવા પણ બંધાય. એ લોક તે કહેલી ધર્મસભાના પ્રથમ વર્ગમાં ગણાય. એથી બીજા જે બેત્રણ માસ આશ્રમમાં રહે ને બીજો વખત સંસારમાં રહે તથા ઉપદેશાદિ કામ કરે તે બીજા વર્ગમાં; ને માત્ર ઉપદેશાદિ ગ્રહણ કરી કેવલ સંસારી રહી મંડળમાં ભાગ લે તે ત્રીજા વર્ગમાં. મારા મનમાં જે વિચાર છે, તે આવો છે; એને સફલ કરનાર તો ઈશ્વર છે !! મારા મંદવાડને લીધે આ એક ચકર મારા મગજને આવેલું એમ વાંચનારને કદાપિ લાગશે, પણ તેમ ન સમજવું. મારી બુદ્ધિ ને મારું મગજ બને ઠેકાણે છે, બલ્કે વધારે પ્રદીપ્ત છે. લોકમાં પણ એ જ આશ્ચર્યકારક થઈ પડ્યું છે, કે અન્નપાણી વિના પડી રહે છે, ઉભા થવા જેટલી પણ શક્તિ નથી, રોગ છેક તાળવામાં છે, છતાં માથું ચોખું છે ને લખવાનું કામ કરી પોતે જીવ્યાં કરે છે એ શું! આ પ્રશ્નનું ઉત્તર કાંઈક આપું. મારામાં ધર્મવાસના થયેલી છે, તેણે મને બહુ ભણાવ્યું છે. પરબ્રહ્મરૂપ અનાદિ વિશ્વ ઉપર મારી દ્ર્ધ આસ્તા છે, હું તેરૂપ જ છું, અનંત શ્રેણીનો એક અંકોડો છું, ને મને મારા સહજરૂપે જે થનાર હશે તે થશે એમાં મારે કષ્ટ પામવાની જરૂર નથી એવો મને નિશ્ચય થયો છે; વળી કાંઈક યોગાભ્યાસે પણ મને મદદ કરી છે. શરીરમાં સૂર્યચંદ્રની ગતિને યથાર્થ નિયમવા પર મારો શ્રમ છે, ને તે બહુ રીતે સફલ છે, કેમકે મારું મન ઠેકાણે છે, એટલે પ્રાણ યથાર્થ જ પ્રવર્તે છે – હાલ મરણ દૂર છે એમ તે ઉપરથી હું સમજી શકું છું, ને પ્રવૃત્તિમાં નિમગ્ન થઈ શકું છું, આનંદ પામું છું. વળી રોગથી સ્થૂલ દેહ નરમ પડી ગયો છે, ભોજનમાં પણ કેવલ દુધનો જ આહાર છે. આ બે કારણથી લિંગદેહ – બુદ્ધિ આત્મા - વધારે કે બહુ જ તીક્ષ્ણ રીતે જાગ્રત છે. આ ત્રણે કારણોથી મને મારા રોગનું ભાન રહેતું નથી, કેવલ મારાં મનોરાજ્યને તે સાધવા માટે વાચન તથા લેખન તેમાં જ નિમગ્ન રહેવાય છે. મને વ્યાધિ છે એ વાત જ મને યાદ આવતી નથી. જો કે લોકો તો મારો રોગ જોઈને જ પ્રત્યક્ષ રોઈ પડે છે, ને બહુ ખેદિત થાય છે. હું જીવું છું એ જ એક ચમત્કાર છે. પણ મારે મન તેમ નથી. ઇચ્છા, ઇચ્છા ને ઇચ્છા. તથા તત્ત્વનિર્ણયરૂપ જ્ઞાનથી થયેલો દઢ સંકલ્પ એ જ સર્વનું નિદાન છે !