આત્મવૃત્તાંત/પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પંદર રૂપિયે કંકાસ ગયો મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ધર્મવિચારનો પ્રભાવ →


૮. પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર

૨૪-૯-૮૮

આજ મારો જન્મદિવસ છે. પ્રાતઃકાળમાં ચાહા પીને બેઠો હતો તેવો જ અકસ્માત્ કોઈ માળી આવી કેવડાનું એક ભારે બંડલ, તથા કેટલાંક ફુલ મૂકી ગયો. તેને યોગ્ય પારિતોષિક આપી મારું મન પ્રસન્ન થયું. ટપાલ આવી તેમાં ખબર મળી કે ભાવનગર કોલેજનો પ્રિન્સીપાલ જે મારા શત્રુ જેવો છે, તેણે હાલમાં વળી બીજા એક પ્રોફેસર સાથે લડત ચલાવી છે ને તેની સામા થતાં મારે માટે એવા મતલબનું લખાણ કર્યું છે કે એ માણસનો પગાર વધારવો is just eclipsing Mr. Manilal of continental fame. પુષ્પપ્રાપ્તિથી તથા આ શત્રુવત્ માણસે પણ મારા પર ભાવ જણાવ્યાની ખબર મળવાથી મને સંતોષ થયો કે આ વર્ષારંભ બહુ ઠીક થયો. આખું વર્ષ સારું જ જશે એમ આશા બંધાઈ, અને આખો દિવસ પણ, મારૂં ઘર જ્યાં ઘડી પણ કંકાસ વિના ગુજરતી નથી, ત્યાં આનંદમાં ગયો. ઈશ્વરેચ્છાએ હવે જેમ નીપજે તેમ ખરું.

પ્રકૃતિ જરા ઠીક છે. દવા સંબંધે બેવાર અમદાવાદ જઈ આવ્યો; એકવાર ચાણોદ જઈ આવ્યો; ને નગર તરફ જવાનો વિચાર ચાલે છે. ચાંણોદવાળાની લગભગ ૧ માસ થયાં ચાલી છે, તેથી જરા ઠીક છે. પણ તદન મટતું નથી.

નોકરીની તો રજા હજુ અર્ધપગારે ચાલે છે. કચ્છ તરફ નવો બંદોબસ્ત થવાનો તેની આશા દૃઢ રીતે થઈ છે, પણ કાંઈ નિશ્ચય જણાયો નથી. રા. રા. મુ. મનઃસુખરામભાઈ તથા રા. નાનાસાહેબ એ સંબંધે પ્રયત્નપરાયણ જ છે. યુનિવર્સિટીમાં પરીક્ષક થવા અરજી કરી હતી. પણ તે મોડી પહોચવાથી, કે ગમે તે કારણથી આ વર્ષ મારી નિમણોક થઈ શકી નહિ.

લખવાવાંચવાનો ક્રમ સારો ચાલે છે એથી મને બહુ આનંદ છે. સંબંધી મિત્રો વગેરે અહોનિશ પાસે ક્યાંથી હોય, એટલે પુસ્તક એ જ મારાં ખરાં સુખસ્થાન છે. આગસ્ટની ત્રીજીચોથી તારીખથી એક પુસ્તક લખવા માંડયું હતું તે સપ્ટંબરની ૭મીએ પૂરું કર્યું. હાલ છપાય છે. 'સુધારા'ની સામે કાંઈ લેખ રચવો એ કલ્પના થયેલી મેં આગળ કહી છે, તે જ સંકલ્પે એવું રૂપ લીધું કે બે પુસ્તક રચવાં; એક આર્યધર્મના આચારભાગનો ખુલાસો થઈ જાય ને બીજું આર્યધર્મના વિચારભાગનો ખુલાસો થાય તેવું. 'મેસ્મરીઝમ'ને ઉદ્દેશીને પ્રથમ પુસ્તક 'પ્રાણવિનિમય' નામે લખી, છપાવા માંડ્યું છે. વિચારભાગ વિષે બધી દુનીયાંના ધર્મનું અવલોકન કરી પછી તે સર્વને સરખાવી, આર્યધર્મ વિષે ખુલાસો કરવો ને અદ્વૈત સિદ્ધાંત બતાવવો એ ઉદ્દેશ રાખ્યો છે, ને 'સિદ્ધાંતસાર' નામે ગ્રંથ રચવાનો સંકલ્પ છે. આ સંબંધે કેટલુંક વાચન હાલ ચાલે છે; પણ પ-૭ દિવસમાં હવે એ ગ્રંથ લખવાનો આરંભ કરીશ.