આત્મવૃત્તાંત/લેખન અને અધ્યાત્મ મંડળ

વિકિસ્રોતમાંથી
← પ્રેમ અને પ્રવૃત્તિ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
લેખન અને અધ્યાત્મ મંડળ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ભાઈ અને પુત્રનાં લગ્ન →


૨૨. લેખન અને અધ્યાત્મ મંડળ


તા. ૧૦-૪-૯૨
 

આશરે છ માસ પછી કલમ ચલાવું છું. નવું કાંઈ નથી. વડોદરા, કચ્છ અમેરિકા અને વડોદરામાં ગજ્જરવાળી ગોઠવણ, બધાં હવે સામટાં ચાલે છે. વિક્રમચરિત અને વસ્તુપાલ–તેજપાલ એ ભાષાંતર વડોદરાનાં ચાલે છે. અમેરિકાનું ચાલે છે, છપાઈને અત્ર આવે છે તે સંગ્રહેલું છે. કચ્છ તરફથી વ્હેટલીઝ રહેટરીક અને ઈન્ડક્ટીવ લોજીક આ સાલ તૈયાર કરવા માંડ્યાં છે – છેવટે એ દરબારથી મારી મરજી પ્રમાણે ગ્રંથો લેવા ઠર્યા–રા. ગજ્જરે આઠનવ વર્ષ ચાલે તેટલું લખવાનું આપ્યું છે, હાલ સાઈકોલોજી ચાલે છે, ડીડક્ટીવ લોજીક ગુ. વ. સોસાઈટી માટે ચાલે છે. એ ઉપરાંત સુદર્શન તથા પરચુરણ વાચન બધું ચાલે છે. વખત બીલકુલ મળતો નથી. અગીઆરથી પાંચ સુધી અને રાત્રે એક કલાક એમ કામ કરવું પડે છે. પરચુરણને માટે તે જુદું. લંડનમાં એશિયાટિક ક્વાર્ટરલી દા. લીટનર કાઢે છે તેણે મને આર્ટિકલો લખી મોકલવા નિમંત્રણ કર્યું છે – પૈસા આપવા કહ્યું છે. વડોદરા કન્યાશાળા માટેના પાઠ હરગોવનદાસ તથા મણિભાઈએ આગ્રહ કરી પાછા ફરી લખાવ્યા, મેં ફરી સહજ ફેરફાર કરી આપ્યો, છતાં પાછા તેમને ગોઠતા થયા નહિ. મેં પાછા માગ્યા તો હરગોવનદાસે કહ્યું કે એમાં હું ફેરફાર કરી ચલાવું તો કેમ ? તે વાતની મેં ના પાડી ને પાઠો પાછા આપ્યા છે. જુદા છપાવવા છે. હરગોવનદાસે લખ્યું છે કે જુદા છપાશે તો અત્રથી સારૂં ઉત્તેજન આપીશું.

વ્યવહારમાં છોકરાંના લગ્નનો નિશ્ચય હવે તા. ૩૦ વૈશાખ શુ ૪ શનિનો રાખ્યો છે. ભાઈ તથા એક દીકરાનું થશે. નાના છોકરા માટે મોઢાનો બંદોબસ્ત થઈ ગયો છે – આ બે લગ્નમાં શરત મુજબ ખરચ ૧OO)નું પલ્લું પ૦૦) દંડ ને ૫૦૦) માંડવા ખરચ એમ ચાર હજાર છે – આપણી તરફ થાય તે જુદું. આ લગન થયા પછી નાતથી જુદા થઈશું પણ તેમાં કાંઈ ચિંતા નથી. મ્યુનીસીપાલીટી ફરી નીમાઈ ત્રણ વર્ષ માટે તેમાં સરકાર તરફથી નીમાયો છું, બેન્ચમાં પણ ફરી નીમાયો છું. કશો પ્રયત્ન કર્યો નથી કે કરવો પડ્યો નથી.

અધ્યાત્મમંડલ ઠીક ચાલે છે. ધર્મની ચર્ચા અસલની પેઠે ચાલતી છે. અને દેશમાં અસર સારી જણાય છે. લંડનથી સ્ટર્ડી કરીને એક થીઓસોફિસ્ટ હિંદુસ્તાનમાં આવેલો તે મને મળવા આવ્યો હતો. ત્રણ દિવસ રહ્યો-અહા ! શી તેની સાદાઈ અને શ્રદ્ધા ! આજનો શુદ્ધ બ્રાહ્મણ પણ તેવું નહિ પાળતો હોય ! તેના પછી થીઓસોફીકલ સોસાઈટીના જનરલ સેક્રેટરી મિ. કીટલી અત્ર આવ્યા હતા. ત્રણ દિવસ રહ્યા હતા અને મુલાકાતનો લાભ લેઈ આપી ગયા હતા. પૂજા ધ્યાન આદિ ક્રમ છે તે છે. વૃત્તિમાં સારો ફેરફાર લાગે છે. ક્રોધ ગયો – ઈર્ષ્યા કે દ્વેષનો તો લવલેશ જણાતો નથી. થીઓસોફીની જે ઈસોટેરિક સ્કુલ છે તેનું નામ ઈસ્ટર્ન સ્કુલ પાડ્યું છે તેની બીજી પાયરીમાં હું દાખલ થયો છું એમાં જાણવા જેવું ઘણું છે.

પેલા મંગળીઆ ઉપર દાવો કરેલો તેમાં હાર્યા-મુનસફને કેટલાક ઇર્ષ્યાલુ લોકોએ ભરાવ્યાથી જ તેણે અવળો માર્ગ લીધો એમ મારી ખાતરી છે. અપીલ કરી છે. છોટુને વડોદરે ટંકશાળમાં રૂ. ૨૦ થી રાખ્યો છે. પ્રહલાદજીભાઈને સાંપ્યો છે. એની સ્ત્રી સાથે એણે મારો સંબંધ બહુ વધારી નાખ્યો છે. સ્ત્રી પણ બહુ પ્રેમવાળી છે. અમો ત્રણેની એકતા બહુ સારી ચાલે છે. છોટુને જે નાંદોદનું લફરું હતું તે હવે લગભગ છૂટી ગયું છે. છોટુ તથા તેની સ્ત્રીને આજ પર્યંત બધા મળી રૂ ૧૭૫) પોણા બસેને આશરે જરૂરીઆત પ્રસંગે મારે આપવા પડ્યા છે. પણ તે પાછા લેવાની ઈચ્છાથી આપ્યા નથી.

પાલીતાણાના દીવાન ચુનીલાલ જૂનાગઢ હરિદાસભાઈની જગોએ જવાના એમ થયું તે ઉપરથી પાલીતાણા માટે પ્રયાસ કર્યો છે. મુંબઈવાળા હાજી લાલજીની કુંપનીવાળા મિત્રોએ બહુ સારી સહાય કરી કામ રસ્તે આણી આપ્યું છે. મનઃસુખરામભાઈ તથા હરિદાસભાઈએ પણ ટેકો કર્યો છે: પરંતુ હાલમાં તે વાત બનવા જેવું થયું એટલામાં જૂનાગઢના નવાબ મરી જવાથી હરિદાસભાઈ ઘેર આવી ન શક્યા તેથી બધી વાત ટાઢી પડી ગઈ છે.