આત્મવૃત્તાંત/ભાઈ અને પુત્રનાં લગ્ન
← લેખન અને અધ્યાત્મ મંડળ | મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત ભાઈ અને પુત્રનાં લગ્ન મણિલાલ દ્વિવેદી ૧૯૭૯ |
પાટણના જૈન ભંડારોનું સંશોધન → |
મારા ભાઈ અને પુત્રનાં લગ્ન થઈ ગયાં. નાતવાળાને વરઘોડામાં આવવા જેટલી પણ મહેરબાની કરે એવી વિનતિ કરી પણ તેનો બદલો તેમણે એમ વાળ્યો કે વહીવટ વિરુદ્ધ જઈ ઉલટા એક દિવસ આગળથી અમને નાતબહાર મૂક્યા. મિત્રોની પરીક્ષા આ સમયમાં બહુ સારી થઈ. મોહનલાલ કેવલ રદ નીકળ્યો. વિરોધી તો નથી થયો, પણ તેણે એક તૃણ પણ મને સહાય થવા હલાવ્યું નથી એવી મારી ખાતરી છે. અસ્તુ. એ માણસને હું બહુ જ સ્વાર્થી જાણતો હતો તેવો જ તે ખરેખરો જણાયો છે, અને મેં જો તેનું કાંઈ કર્યું હોય તો તેનો બદલો તેણે કશો વાળ્યો નથી. તેને સંસારમાં ઠેકાણે મેં પાડેલો એમ મારું માનવું છે માટે આમ લખું છું. છોટુએ બહુ પ્રયાસ માંડ્યો, જાતે આવવા તૈયાર થયો, પણ મેં જ ના પાડી આગ્રહ કરીને અટકાવ્યો કેમકે એના આવવાથી એને હાનિ વધારે અને મને લાભ કાંઈ ન હતો. પણ એના મનની પરીક્ષા થઈ ગઈ. નાતના મિત્રોની એ વાત; પણ બાકી મારા જે જે મિત્રો છે તે આ પ્રસંગ પર એવી મારી મદદમાં ભેગા થઈ ગયા, આખા ગામે પણ મારા ઉપર એવો સારો ભાવ બતાવ્યો કે વરઘોડો બહુ સારામાં સારો નીકળ્યો, લગભગ હજાર માણસ ભેગું થઈ ગયું અને જાનમાં પણ દોઢસોને આશરે માણસ આવ્યું. મને બધા વ્યવહારથી બહુ સંતોષ થયો. અત્ર પરણાવીને પાછા આવ્યા પછી નાતવાળાએ ઘણા ઘણા દ્વેષ ઇર્ષ્યા આદિ જે મનમાં હશે તેને પ્રદર્શિત કરી અમને હેરાન કરવાના માર્ગ રૂપે આ સાધન હાથ કર્યું. પણ અમારો ને તેમનો સંબંધ તૂટેલો અને મારી સ્થિતિ ઉપર ઈશ્વરની કૃપા તેથી કોઈ ફાવ્યું નહિ. મારા નાના દીકરાનો વિવાહ નક્કી કર્યો છે ને લગ્ન આવતે વર્ષે કરીશ. નવી નાતવાળાએ અમારી પ્રતિષ્ઠાને ખાતર દંડના રૂ. ૧OOO)માંથી ૧૭૫) ઓછા લીધા છે, તે હવે રણછોડ પાસેથી વસુલ લેવાના છે.
છોટુ સાથેના સંબંધમાં તેની સ્ત્રી રામલક્ષ્મીનો ને મારો સંબંધ પણ અતિ ગાઢ બંધાયો છે. મને વારંવાર એમ મનમાં આવે છે કે થીઓસોફીના ઈસોટેરિક સેક્શન યાને ઈસ્ટર્ન સ્કુલમાંનું પ્રથમ અને દ્વિતીય ડીગ્રીમાં ગયા પછી મારે આવું ન રાખવું જોઈએ – સ્ત્રીસંસર્ગ જ તજવો જોઈએ – જો કે એવી બાંધણી તો છે જ નહિ – પરંતુ હું ગમે તેવો યત્ન મનને ઉઠાવી લેવાનો કરું છું તો પણ મને કશું ઓછું એ બે જણ આવવા દેતા નથી; મારી ગૃહિણી જ હોય એ રીતે રામ વર્તે છે, હું પણ હાલ તુર્ત એમ સમજીને નીભાવું છું કે ગૃહિણી હોત જ તો નીભાવવી પડત જ. મારા મનની વાસના પણ છેક નિર્મૂલ થઈ નથી, જો કે તેમ કરવા પ્રતિ પ્રયત્ન છે, તે એવો કે બનતા લગી વાસના દાબવી, ને ન ચાલે ત્યારે વડોદરે રામને મળી આવવું. એમ કરતાં મન વધારે શાંત પડશે – આટલી આ જ બાબતમાં હવે આટલું પણ વિહ્વળ રહ્યું છે એટલે મૂકી દેઈશ – એ લોકોને આ સંબંધમાં સ્વાર્થ હશે કે નહિ તે પરીક્ષા કરવા મેં ઘણા પ્રયોગ કરી જોયા પણ મારે હજુ સુધી તો એમ જ કહેવું પડે છે કે કેવલ પ્રેમનો જ આ ઉપહાર છે અને એવા ઉપહારના ઉપભોગમાં હું પાપ માનતો નથી – પ્રેમનો અર્થ જ અભેદ છે. આ સંબંધમાં મને દ્રવ્યહાનિ થાય છે. આજ સુધી લગભગ બસો થયા હશે, પણ તે તે લોકો ખાસ માંગતા નથી.
વ્યવહારમાં વડોદરાનું કામ ચાલતું છે. ત્યાંથી વળી જ્ઞાનમંજુષાનું કામ મળેલું છે. કચ્છનું ચાલતું છે, અમેરિકાવાળું બંધ પડ્યું છે, તો પણ પ૦૦)ની આવક માસિક છે. માંડુક્ય થઈ રહ્યું તે છપાય છે. રૂ ૩૫૦) આવી ગયા. સોસાઈટનું લોજીક લખાય છે. સુદર્શન ચાલે છે. બીજો આધ્યાત્મિક અભ્યાસ પણ ચાલે છે. પંજાબ યુનીવર્સીટીમાં ૧૮૯૨માં પરીક્ષક હતો; વળી ૧૮૯૩ માટે નીમાયો છું. મુંબઈ યુનીવર્સીટીમાં આ વર્ષ અરજી કરી છે. મ્યુનીસીપાલીટીમાં છ માસ મેનેજીંગ કમીટી, અને સ્કુલ કમીટીનો બારમાસ ચેરમેન છું. ઉપાધિ વધી છે, પણ વૃત્તિ સારી ચાલે છે.