આત્મવૃત્તાંત/પાટણના જૈન ભંડારોનું સંશોધન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભાઈ અને પુત્રનાં લગ્ન મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
પાટણના જૈન ભંડારોનું સંશોધન
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ખૂનનો આરોપ →


૨૪. પાટણના જૈન ભંડારોનું સંશોધન


તા. ૬-૨-૯૩ પાટણ

છ મહીના થઈ ગયા. અધ્યાત્મ અભ્યાસમાં કાંઈ વધારો થયો નથી. ઘણી ખેદની વાત છે. વાંચવામાં તો ઘણું આવે છે ને ઘણું ચાલે છે, પણ વૃત્તિ અને યોગના અભ્યાસમાં વધારો નથી. છે તેનું તે રહેલું છે ને સારી રીતે ચાલે છે, વિષયવાસના – સ્ત્રીના પ્રેમની લાલસા, તે જ વિરોધી થઈ પડી છે. છોટુ અને રામ તેમાંથી મન નીકળી શકતું નથી. ઘણો ઘણો પ્રયાસ કરતાં હાલ જરાક નિવૃત્ત થયું છે. મેં મનને એમ દઢ રીતે સમજાવ્યું કે નાંદોદવાળી સ્ત્રીનો છોટુને જે પ્રસંગ છે તેમાં તે ખરાબખસ્ત થવાનો હતો. તેમાંથી તેને મુક્ત કરવા માટે બધો પ્રયાસ છે, અને તેની સ્ત્રી સુધીનો સંબંધ મેં સ્વીકાર્યો તેમાં પણ નિર્ણય તો એ જ છે કે એને સર્વથા ખુશી રાખી, મારે સ્વાધીન કરી, લાડીનો સંબંધ મૂકાવી દેવો. એટલું સિદ્ધ થાય તો રામ સાથે જે ભાર્યાવત્ વ્યવહાર છે તે બંધ કરવો. તે વખત કાંઈક પાસે આવે છે એમ લાગે છે. ધીમે ધીમે આજ બે ત્રણ વર્ષના પ્રયાસે લાડી ઉપરથી છોટુનું મન કાંઈક શિથિલ થયું છે. મેં કેટલું કેટલું આમાં ખમ્યું છે? મારા આધ્યાત્મિક અભ્યાસમાં વધારો ન કર્યો, વ્યવહારમાં પણ વખતે કોઈને શંકા ઉપજી હશે તેટલો અપવાદ લીધો, અને પૈસાથી પણ લગભગ રૂ. ૨૫૦-૩૦૦ સુધી આજ સુધીમાં દબાયો, ત્યારે આટલે આવ્યું !! અસ્તુ. હવે વધારે આવશે અને એક જીવને પણ એવા કુમાર્ગથી બચાવ્યાનો સંતોષ એ બધાનો બદલો વાળી શકશે; અથવા બદલો શાનો? પ્રેમધર્મનો વિષય જ છે કે જ્યાં બને ત્યાં સારું કરવું જ કરવું.

વાચનલેખન સારી પેઠે ચાલે છે. સ્કોપનહોરનું World as Idea & Will એ પુસ્તક સ્ટર્ડીએ બક્ષીસ મોકલ્યું તે વાચવામાં બહુ આનંદ આવે છે. લખવામાં જે છે તે ચાલે છે. પ્રાણવિનિમય ફરી છપાવવાનું ચાલશે, ભગવદ્ ગીતા પણ – છપાશે અને “બાલવિલાસ” એ નામથી – પેલા વડોદરામાંથી પાછા લીધેલા પાઠ પણ – છપાઈ રહેવા આવ્યા છે. તેમાંથી ધર્મ વિશેના જે પાઠ છે તે જુદા કાઢી જુદા છપાવ્યા છે તેને “પરમાર્ગદર્શન” એ નામ આપી મફત વહેંચવાનો વિચાર છે. પ્રેમજીવન જેવી બીજી ૧૧ કવિતા રચી છે તે"અભેદોર્મિ”એ નામથી પ્રસિદ્ધ કરીશ. તેનો ઉદ્દેશ તેમાં બતાવ્યો છે.

વડોદરાનું કામ ચાલે છે તે દરમીઆનમાં એમ ઠર્યું કે મારે પાટણ જૈન ભંડારો તપાસી તેની યાદી કરી કેટલોગ અને રીપોર્ટ કરવો અને પુસ્તકો પસંદ કરી મહારાજ સાહેબ તરફથી લખાવવાં. એ કામ ઉપર હું અહીં પડેલો છું. લોકો બહુ જ નીચ, સંકુચિત મનના છે. તેનું કારણ કેવળ અજ્ઞાન બીજું કાંઈ નથી. ગાયકવાડ સરકાર મહોટી મહોટી વાતો કરે છે ને compulsory education અને મહોટી મહોટી scheme ઘડે છે, પણ લોક બહુ પછાત છે, અધિકારીઓનો અમલ આંધળો છે – હજી ગાયકવાડી ગઈ નથી – ભંડારો બધા જોવાની પેરવી કરવામાં બહુ પ્રયાસ પડે છે. પણ આજ સુધી એ કામ સંપૂર્ણ રીતે કોઈએ કર્યું નથી, તે મારાથી બની આવે તો ઠીક એમ ઉમેદ છે. હવે એ કામ ૧૫-૨૦ દિવસે સમાપ્ત થશે. એક અંગરેજી રીપોર્ટ તૈયાર કરીને ખાનગી છપાવી વિલાયત વિગેરે મોકલ્યો હોય તો વિદ્વાનોને બહુ લાભ થાય.

નડીઆદમાં ઘર કરાવા માંડેલું છે. રૂ. ત્રણ હજાર ધાર્યા હતા પણ પાંચ થશે ત્યારે પતશે એમ લાગે છે. તેટલાની સવડ છે. હવે ત્રણ જણ માટે ઘર થયા એટલું નચિંત થવાયું – વચલી બારી બંધ કરે એટલે બે ઘર એ અને એક નવું બહારનું છે તે – એ ઘર બાબત ઓટલો મોટો છે એવો દાવો પડોશીએ કર્યો છે – જોઈએ શું નીકળે છે. મંગળીઆએ હાઈકોર્ટમાં અપીલ કરી છે, તે સામે ક્રોસ ઓબજેક્શન નોંધાવા મુંબઈ પણ જઈ આવવું પડ્યું છે – ઘરમાં સાંગો બરાબર ભણતો નથી, હજી બીડી પીવા વગેરે વ્યસન મૂકતો નથી એથી મારા જીવને બહુ ઉત્તાપ રહે છે. બે છોકરામાંથી મહોટો અંગરેજીમાં ગયો ને નાને હાલ ગુજરાતીમાં આરંભ કર્યો એથી સંતોષ છે, પણ મારા ભાઈને કાળજી નથી એ વાત મને જરા પણ ગમતી નથી. મહોટા બાળકને હવે કેટલુંક કહેવાય પણ ? એની વહુ બહુ સારી નીકળે એમ લાગે છે. નવા તડમાં ગયા તેથી જો કે આપણો સ્વાર્થ સુધર્યો તથાપિ એ લોકો ઘણા નાદાન જણાય છે. તેમની સાથે ઝાઝો સંસર્ગ રહી શકતો નથી, તેમ નાતના મહોટા તડમાંથી બાતલ થયાને લીધે કશું વિઘ્ન લાગતું નથી. જેને આવવું જવું હોય તે સુખે આવે છે જાય છે. છોટાની ને રામની હીંમત તેમાં બહુ ઉત્તમ કહેવાય. તે બન્ને મારી સાથે પાટણ આવી ૧૫ દિવસ રહ્યાં હતાં. બાયડની ઉત્પત્તિ શી હશે તે તપાસતાં તે લોક બહુ પ્રાચીન સમજાયા એથી મનને ઘણો સંતોષ થયો અને તેમને જુદા થવાનું કારણ પણ કશું હીનતાભરેલું નથી એમ જાણી સારૂં લાગ્યું. બાહ્મણ માત્ર એક હોવા જોઈએ એ વિચાર તો બહુ દિવસથી મનમાં હતો જ એટલે આ બાયડોની ઉત્પત્તિ તથા બ્રાહ્મણ માત્ર એક છે એ વાત જણાવવાને એક નાનું ચોપાનીયું મફત વહેંચવા “ગુજરાતના બ્રાહ્મણો” એ નામથી છપાવ્યું છે.

મુંબઈથી એક મિત્રે પેલી જૂની પ્રિયતમા–ચોકસણ–ની વકીલાતનું પત્ર અહીં લખ્યું હતું પરંતુ તેને તો ર્દઢ ઉત્તર આપી શકાયો! લખ્યું કે મારા મનમાં તેને માટે કશો વૈરભાવ નથી, સ્નેહ તેવો ને તેવો છે પણ મારા સ્થાનમાં ફેર પડ્યો છે, હું હવે એ સ્ત્રી જે સ્થાન પર છે તે ઉપર એક વાર હતો ત્યાં નથી, એટલે મારી પ્રિય સખી રૂપે તેને માટે મારું હૃદય સર્વદા ઉઘાડું છતાં, એથી પાર હું કાંઈ હવે કહી શકતો નથી. આ સંબંધે એક બીજો પ્રસંગ પણ નોંધવો યોગ્ય છે. એક બીજી બાલા પણ મારા ઉપર બહુ જ પ્રેમ રાખતી જણાય છે. ગમે તે કારણથી હો - પણ તેમ જણાય છે. મારા મનને અનેક કારણોથી હું કબજે રાખું છું પણ જોઈએ તેવું રહેતું નથી, પરંતુ એમાં છેવટે મારૂં મન કે તેનો પ્રેમ કોણ વિજય પામે છે એ નક્કી થયા વિના તેનું નામ અત્ર નોંધવું ઉચિત નથી.

ચીકાગોમાં પ્રદર્શન થાય છે ! ને વળી તેની સાથે જ આખી દુનીયાંના ધર્મની પાર્લામેન્ટ મળવાની છે – જેની advisory councilમાં મને તે લોકે સ્વતંત્ર ખુશીથી એકાએક મેંબર નીમ્યો છે. ત્યાં શી રીતે જવાય ? Exhibition જોવાય તે લાભ તો છે જ, પણ ઘાંટો ન છતાં એ લખીને સમજાવીને, ધર્મની પાલમેન્ટમાં ધર્મ માટે કેટલું કહી શકાય ? હિન્દુ ધર્મ એ નામે કેવી કેવી જુઠી વાતો ક્રીશ્ચીઅનો ચલાવે છે, તેનો ખુલાસો થવાનો પ્રસંગ ! વિલાયત જવામાં કશું પ્રાયશ્ચિત્ત નથી. મદ્ય માંસ ખાય તો તેથી પતિત થવાય, પ્રાયશ્ચિત્તાહૅ ન રહેવાય, પણ તેટલું સાચવીને જઈ આવવામાં કશું મહાપાતક થતું નથી. જાહેર રીતે એ વાત મેં લખી છે કે મને જૂના મતનો જાણી મારા મતથી કોઈને એ વાતનો ફેંસલો કરવાની ઇચ્છા થાય તો સારૂં છે. રા. મનઃસુખરામભાઈને લખ્યું છે કે કોઈ રાજારજવાડા ખર્ચ આપે તો હું જાઉં, પણ તેમનું ઉત્તર કાંઈ ઉત્તેજક નથી. ખેર–એક paper Hinduism એ નામનો મોકલવો છે, સૂચનાઓ પણ લખી મોકલી છે કે Universal religionના principles enunciate કરો. પેપર તથા મારા ચરિતનો સાર તેમણે માગ્યો તે અને તેમણે માગેલો મારો ફોટોગ્રાફ બધું તેમના રીપોર્ટમાં છપાશે એમ સમજાય છે. પણ જોઈએ હવે આ paperની દશા પાછી Purana વિષેના Oriental Congress (Stockholm)માં લખેલા પેપર જેવી થાય છે કે નહિ.

પાટણ આવવાથી નિયમિત લખવાનું જે ચાલતું હતું તેમાં ખલલ પડ્યું છે. એટલે આ ચારછ માસનો આવક ત્રણસોથી વધારે નહિ થાય. સરકારે તો ઇન્કમટેક્ષ ચગદી ઘાલ્યો છે રૂ ૫૭ ઉપરાંત કાંઈક છે. જૂનાગઢ જવાની રૂચિ છે. સિદ્ધપુર સોમયજ્ઞ થાય છે ત્યાં જોવા જવું છે, જૂનાગઢ જતાં લાઠી ઠાકોરને મળાય તો ઠીક. તેનો આગ્રહ છે, મારી ઇચ્છા છે. એ કુમાર! કેવો પ્રેમાલ હૃદયનો, કેવો શુદ્ધ ચરિતવાળો, કેવો વિદ્યાવિલાસી – એને પ્રત્યક્ષ જોયો નથી, એણે પોતે પત્ર દ્વારા ઓળખાણ કર્યું છે, પણ પછી તેના પત્રોમાંથી તે એવો સમજાયો છે. એક રાજા તરીકે એનું એ ચારિત્ર વધારે ખીલવીને અનુકરણીય થાય એમ મારી ઇચ્છા એને લખવાનો ઉદ્દેશ છે.