આત્મવૃત્તાંત/ખૂનનો આરોપ

વિકિસ્રોતમાંથી
← પાટણના જૈન ભંડારોનું સંશોધન મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ખૂનનો આરોપ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
વડોદરાની ખટપટ →


૨૫. ખૂનનો આરોપ


તા. ૩૧–૭–૯૩
 

પાંચ માસે લખવાની ઉર્મિ આવી છે ! અંતરમાં કેવા કેવા ઉર્મિ આ પાંચ માસમાં બનેલા વૃત્તાન્તોથી રમી રહ્યા છે !! વ્યવહારનું કપટજાલ મારા જેવા નિયમિત રીતે અનાચારથી દૂર રહેવામાં કાળજી રાખનારને કેવું નડે છે ! અણધાર્યા ખર્ચના બોજામાં ઘર સંબંધે ઉતરાયું છે ! ધર્મસમાજમાં જવાનો યોગ થયાની જાતને પરમ આનંદ છે ! વળી પેલી મારી ગુપ્ત-નાની-પ્રેમદુનીયાં–રામછોટુ–તેમાંથી મન કાંઈક ગ્લાનિ પામીને આવ્યું છે ! પ્રકાશ-તિમિર, સુખ-દુ:ખ, આનંદ-ક્લેષ, સંસાર બધી વિરોધિવૃત્તિઓનું કોઈક વિલક્ષણ મિશ્રણ છે ! પણ તે આખા મિશ્રણના પ્રત્યેક રંગનો પૂરો કસ જાણે આ શરીર ઉપર જ બતાવવો એવો ભાવિનો નિશ્ચય ન હોય !!

પ્રથમ ઘર સંબંધી. નવું ઘર થઈ રહેવા આવ્યું છે. ૧૦-૧૫ દિવસમા કારખાનું બીલકુલ બંધ થશે. પણ ખર્ચ મૂળ ત્રણ ધારેલા તેના પાંચ થશે એમ ધાર્યું. પરંતુ હાલ એમ સમજાય છે કે ૬ અને ૭ હજારની વચ્ચે ખર્ચ થશે. ઈશ્વરેચ્છાએ તેટલો સવડ થશે; પણ રોકડ પુંજી પાસે આ સમયે કશી રહેતી નથી એથી મનને જરા ઠીક નથી લાગતું. માત્ર લેણું, ૭ હજારને આશરે છે તે તથા દાગીના જમીનો અને ઘર એ વિના કાંઈ રહ્યું નથી. વળી પાંચ વર્ષ શરીર રહેશે ને શ્રમ થશે તો સહજ દશ હજાર બચાવી લેવાશે એમ ઉત્સાહ છે, પણ ઘર બાંધવામાં આવો ખર્ચ અણધાર્યો થઈ ગયો તેથી કાંઈક ખેદ થાય છે. મને પૈસા બચાવતાં નથી આવડતા !! એ ઘરના અંગે એક થાંભલો છે તેનો પડોશીને વેધ છે એમ તેનું માનવું છે. વેધનું શાસ્ત્ર હું જાણતો નથી, પણ વેધ હશે એમ ધારું છું. તે દૂર કરી આપવા પંચાત કરવાનું તેને કહ્યું પણ ન માનતાં તેણે દીવાનીમાં દાવો કર્યો છે કે આખો ઓટલો જ ખોટો છે. આ દાવો કરનારને તેનો મામો અને સસરો મદદ કરવામાં છે. એ દાવાની મુદત હાલ તા. ૧૦-૮-૯૩ની છે. વચમાં મે મહીનામાં પેલો મદદગાર સસરો મરી ગયો; તે પ્રસંગનો લાભ લેઈ આ પક્ષકારોએ તથા બીજાઓએ મળી એવી વાત ઉરાડી કે મેં તથા મારા મિત્ર દાક્તર રામસિંગે આ માણસને ઝેર આપીને મારી નાખ્યો ! આ વાત કેવલ જુઠી છે એમ અંતરાત્મા જાણે છે. ગામમાં પ્રથમ તો વાત ખુબ ફેલાઈ, પાંચ સાત દિવસમાં જ અજ્ઞ લોકને પણ પ્રતીતિ થઈ કે વાત જુઠી ઉરાડેલી છે. પરંતુ કોઈ વખત આ કાગળો વાચનારને આ પ્રસંગનો ખુલાસો કરવો તો તેના ઉપયોગ માટે બનેલી હકીકત નોંધી મૂકવી યોગ્ય ધારૂં છું.

મરનાર બાબર એક દિવસ સાંજે પાંચ વાગતાને સુમારે દવાખાનામાં આવ્યો. દવાખાનામાં સાંજે બધા મિત્રો અમે ભેગા થઈ બેશીએ છીએ એ વહીવટ ઘણા વખતનો પ્રસિદ્ધ છે. હું, દાક્તર રામસિંગ, ભલાભાઈ, રામેશ્વર, ભાઈલાલ ઈન્સ્પેક્ટર, દાક્તર મનીઆર, માસ્તર અગરવાળા, એટલા ત્યાં બેઠા હતા. મરનારે દાક્તરને કહ્યું કે આજ તો છાતીમાં બહુ દરદ થાય છે. દાક્તરે કંપાઉન્ડરને કહ્યું કે Dover's powderનાં બે પડીકાં આપો. કંપાઉન્ડરે આપ્યાં તે તેણે ખીસામાં કે પાઘડીમાં મૂક્યાં કેમકે દાક્તરે કહ્યું હતું કે રાતે સુતી વખતે ખાજો. પડીકાં લઈને જતે જતે તે માણસને ભલાભાઈએ કહ્યું કે મણિલાલના કેસનું સમાધાન કરો, એટલે તે મારી પાસે બેઠો. તે માણસ મને ઘણી વાર મળતો અને કહેતો કે મારો જમાઈ (દાવો કરનાર) મારી દીકરીને રાખતો નથી તેનું સમાધાન કરી લેવાનો મને આ લાગ મળ્યો છે માટે તે સમાધાન થયેથી હું જરૂર દાવાનું સમાધાન કરાવીશ. એની એ જ વાત તેણે પુનઃ મને કહી બતાવી, અને ગયો. જતો હતો તેવામાં ભાઈલાલ ઈસ્પેક્ટર કે જે તેનો સ્નેહી હોવાનું કહેતો હતો ને કહે છે તેણે મશ્કરી કરી કે બાબર દવા શું કરવા લે છે તારી નવી રાંડવાની છે. બાબરે તેની મશ્કરી કરી કે મરી જઈશ તો પણ તને મૂકવાનો નથી, ભૂત થઈને વળગીશ. આ રીતે ગંમત થયા પછી તે માણસ ગયો અને અમે બધા અર્ધો પોણો કલાક વાતચીત કરી રોજના પેઠે આઠ વાગે ઘેર ગયા. ઘેર ગયો ત્યારે મેં સાંભળ્યું કે બાબર રસ્તામાં મરી ગયો; એ સાંભળીને મને દલગીરી થઈ કે હવણાં સારો સાજો આવેલો માણસ મરી ગયો ! બીજો દિવસ થયો, બપોર થયા, ત્રણ વાગ્યા. તે વખતે મને મારા મિત્ર કેશવલાલે કહ્યું કે ગામમાં એમ વાત ચાલી છે કે બાબરને મણિલાલે દાક્તર પાસે ઝેર અપાવીને મારી નાખ્યો. આનો પણ મેં હીસાબ ન લેખ્યો કેમકે મારા જે પ્રતિપક્ષીઓ છે તે ગમે તેવી વાત કરે તેને સારા લોક પ્રમાણ કરે જ નહિ; તેમ બાબરની લાશ પણ હવે હાથ આવે તેમ ન હતું; કેમકે બાળી નાખી હતી. પરંતુ સાંજ પડતામાં તો મને ખબર થઈ કે આખા ગામમાં વાત ચર્ચાઈ છે, તેને સારા લોક માનતા નથી, પણ હલકા લોક તેને દશગણી કરી બતાવે છે ને પોલીસમાં અરજીઓ પણ થઈ છે, ખેડાવાળ(મરનારની નાત)નાં બૈરાં અમારા નામથી કૂટે છે, ઇત્યાદિ.

મારા પરમ હિતચિંતક હરિદાસ વિહારીદાસ જૂનાગઢની દીવાનગીરીથી ઘેર આવવાના હોવાથી આ સંધિમાં મારે જૂનાગઢ જવાની યોજના હતી, તે મારે મૂકી દેવી પડી. મિત્રો સ્નેહીઓ બધા ભેગા મળ્યા. સારા લોકોએ પોતાની મેળે નીચે મુજબનાં અમારા બચાવનાં પ્રમાણો આણી આણીને અમને આપ્યાં. ઘણું ભય તો દાક્તર રામસિંહને હતું કેમકે તે સાક્ષાત્ ગુનો કરનાર ઠરે, ને તેની હીંમત પણ આવા આરોપથી બહુ ભાગી ગઈ હતી એથી મને વધારે દલગીરી હતી:

(૧) બાબરને હાર્ટ ડીસીઝ હતો તે માટે દાક્તર રામસિંગ પાસે તે આઠ દિવસથી દવા કરતો હતો.

(૨) ગામમાં ખાનગી L. M. & S. દાક્તર છે તેણે તેને મરવાના દિવસની સવારે તપાસી કહીં પણ જવાની મના કરી હતી.

(૩) ભીખા ઈશ્વર નામનો માણસ વૈદ્યનું કામ કરે છે, તેની દુકાન બાબરની દુકાનની પાસે છે. તેને બાબરે દવાખાનામાં આવતા પહલાં નાડ બતાવેલી તેને તાબડતોબ ઘેર જવા કહેલું કેમકે તે તૂટી ગયેલી, તેને, માલુમ પડેલી.

(૪) બાબરે પોતાની દુકાન ઉપર બેશીને મરવાના ત્રણેક દિવસ આગળ છાતી તથા બરડાના વાળ મુડાવી નાખેલા (શરીરે બહુ વાળવાળો માણસ હતો) એવા હેતુથી કે છાતીનો દુખાવો મટવા સોમલનું તેલ લગાડવું. એ સોમલનું તેલ લગાડ્યું હશે જ, કેમકે મુવા પછી તે ભાગ બહુ કાળો પડી ગયો હતો એમ લોકો કહે છે.

(૫) મડદાને ચીરાવ્યું નહિ, પણ બાળી નાખ્યા પછી વાત કરી.

(૬) દાવાને આ માણસના મરવાથી લાભ નહિ, પણ ઉલટી હાનિ કેમકે સમાધાન કરવા બાબતની તેની વષ્ટિના મારી પાસે દાખલા છે.

(૭) તેના મુવાની સવારમાં બજારમાં એવી વાત કેટલાક તેના સગા કરવા આવ્યા હતા કે સરેનો જે કેસ ચાલે છે તેમાં એ આગેવાન હોવાથી મુસલમાનોએ એને મૂઠ મારી માટે હડતાળ પાડો.

(૮) એવો એક શક ઘણાકે બતાવ્યો કે જે જગન્નાથ સોનીના ઘર આગળ તે મરી ગયો તે સોની તેનો દોસ્ત હતો, ને તેને ઘેર તે નિરંતર ગાંજો પીતો હતો. એ સોની પાસે એનું લેણું છે, તેથી તેણે ગાંજામાં કાંઈક પાયું હોય – વધારે યોગ્ય તો એમ લાગે છે કે heart disease વધી પડેલો અને ગાંજાની દમ મારી તેથી તે સોનીના ઘર આગળ તુરત મરી ગયો.

આવાં કારણો છતાં આવી જુઠી અફવા ઉરાડવામાં શો હેતુ હશે તે પણ મારે અહીં જણાવવો જોઈએ.

(૧) મ્યુનીસીપાલીટીમાં બે પક્ષ છે. જેમાં હું છું તેની સામાવાળા લોકોએ આ વાત ઉપજાવી અને મરનારનાં સગાંના મનમાં મૂકી એમ માનવાનાં કારણ મળ્યાં છે. તેમાં મુખ્ય હેતુ દા. રામસિંગ જે અમારા પક્ષમાં, તેની આ ગામમાંથી બદલી કરાવી એ પક્ષનો એક માણસ ઓછો કરવો.

(૨) નવો મુનસફ આ ગામમાં કોઈ દક્ષણી આવ્યો તે દા. રામસિંગનો સ્નેહી નીકળ્યો. વળી તેણે મારી સ્તુતિ પુનામાં સાંભળેલી તેથી તે એકાએક મારે ઘેર આવ્યો, તે ઉપરથી તેના મનને ભ્રષ્ટ કરવા આ વાત વધારી ફેલાવી કે દાવાના કામમાં તે મારી વિરુદ્ધ જ ઉતરે. તેના ઉપર એક નનામો કાગળ પણ લખ્યો કે જેની તમે સોબત કરો છો તે તો આવા નઠારા છે. આ ગામમાં સારા માણસ તો નીશાળના માસ્તરો છે !! (નીશાળના માસ્તરોમાં બેત્રણ આ વખતે ઘણા જ લુચ્ચા અને ખટપટીઆ હતા તેમનું જ આ કૃત્ય કેમ ના હોય ?)

(૩) મારી નાતવાળા પણ મને “બાયડ”ને પજવવામાં ખુશી તેથી તેમાંના પણ કેટલાક નીચ લોક આમાં સામીલ થયા.

(૪) દાક્તર તથા બીજા દશેક મિત્રોની અમારી મંડલી નિત્ય ભેગી થઈ રમતગંમત કરે અને મીજબાનીઓ વગેરે વખતે વખત કરે તેને તોડી પાડવાનો ઘણાનો ઉદ્દેશ અમને સમજાયલો હતો તે પણ એક કારણ છે.

આવા હેતુથી આવી જુઠી વાત ચલાવી; પોલીસે લક્ષ આપ્યું નહિ; પણ વારંવાર અરજીઓ નનામી, થયાં ગઈ. અમે મરનારને ઘેર સ્પષ્ટ કહેવરાવ્યું કે તમે કાયદેસર ફરીઆદ કરો પણ તેમણે તેમ કર્યું નહિ. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મરનારને ઘેર જઈ તેની વિધવાની તથા દીકરીની તપાસ કરી પણ તેમણે કાંઈ કહ્યું નહિ; જે દાક્તરો (ખાનગી L. M. & S) તે લાશમાં જીવ છે કે નહિ તે જોવા બોલાવેલા તેમને તપાસ્યા તો તેમણે પણ કહ્યું કે ઝેરથી મોત નીપજ્યું લાગતું ન હતું; ને એક જેણે તેની દવા કરી હતી તેણે સ્પષ્ટ કહ્યું ને લખી આપ્યું કે તેને heart disease હતો અને મરવાને દિવસે જ તેને મેં તપાસીને ચેતવણી આપી હતી. આમ થવાથી વાત શાંત થઈ ગઈ. લોકોએ તો પાંચછ દિવસમાં જ પોતાનો વિચાર બદલી વાતને જુઠી માની હતી.

આ પ્રસંગ શોચનીય બન્યો. ઘણાક મને એમ કહેવા લાગ્યા કે દાક્તરને ત્યાં બેશીને ગંમત કરવાથી આ અકસ્માતમાં તમારે લપટાવું પડ્યું, માટે એ વાત મૂકી દો; પણ મારા મનને એ વાત બહુ નીચી લાગી કે આવી ક્ષુદ્ર વાતને લીધે મારે એક સ્નેહી તજવો. મેં તેમ કર્યું નહિ જ. પરંતુ આ પ્રસંગમાંથી મારા મિત્રામિત્રની સારી પરીક્ષા મને થઈ, તેમ જ મારામાં આવે સંકટને સમયે કેટલું ધીરજ રાખવાની શક્તિ છે તેનું અનુમાન કરવાનો પ્રસંગ મળ્યો – એ બે વાતમાં મને સંતોષ થયો કે જે મારા મિત્રો છે તે મિત્રો જ છે, અને દુ:ખ ન પામતાં ગભરાટ ન લાવતાં ધીરજથી ટકવાનું પણ સામર્થ્ય મને ઠીક છે. માત્ર એટલી જ રુચિ વારંવાર થયાં જાય છે કે ક્યારે સંન્યાસ કરી શકાય ! છોકરાં નાનાં છે, ભાઈ છે, માતુશ્રી છે, તેમને નિરાધાર મૂકવાં એ પણ પાપ છે એમ સમજીને જ વિટંબનામાં પડી રહેવું પડે છે.

પાટણ જૈન ભંડારની તપાસનું કામ પૂર્ણ થઈ રીપોર્ટ થઈ ગયો છે તેનો આઠ માસનો પગાર રૂ ૨૮૦૦) આવી ગયો તે ઘર કરવામાં ગયો. એ પ્રસંગમાંથી રા. બ. આઠલે સાહેબને મારા કામથી બહુ સંતોષ થયો છે તેથી તે હવે (પ્રથમ પ્રતિકૂળ હતા તે) અનુકૂલ થયા છે અને વડોદરામાં કાંઈક કાયમે ગોઠવણ થવાનો સંભવ છે. કચ્છના દીવાન રા. મોતીલાલભાઈ તે - પણ હવે (પ્રથમ મને કચ્છ લેઈ જવામાં પ્રતિકૂલ હતા તે) અનુકૂલ થયા છે. તેમણે ૫૧ વર્ષની વયે મૂર્ખાઈ કરી – પરણ્યા – તેમાં યતકિંચિત્ હું સહાય થઈ શક્યો એમ લગાવાથી તે અનુકૂલ થઈ ગયા છે. દુનીયાં શી સ્વાર્થમય છે !! પોતાના સ્વાર્થને આધારે અનુકૂલતા-પ્રતિકૂલતા ચાલે છે. વડોદરાનું કામ ચાલે છે. પુસ્તકો સાત છપાય છે. તૈયાર થશે ત્યારે જોઈ આપીશ. ચીકાગોમાં જે ધર્મસમાજ ભરાવાનો તેમાં Hinduismનો પેપર મોકલ્યો હતો તે એટલો બધો પસંદ પડ્યો કે પ્રસન્નતા દર્શાવી ચેરમેને બીજા દસ પ્રશ્ન મોકલ્યા, તે પ્રશ્નોનાં ઉત્તર મોકલ્યાં અને પત્રમાં લખ્યું કે તમે મને ત્યાં આવવાનું લખો છો (ચેરમેને લખ્યું હતું) પણ દ્રવ્યના અભાવે તે બને તેવું નથી. આનું ઉત્તર આવ્યું કે જવાઆવવાનો ખર્ચ અને ત્યાં રહેવાનો ખર્ચ અમે આપીશું તમે આવો. આ ઉત્તર આઠ દિવસ થયાં આવ્યું છે. એ સિવાય વધારે દ્રવ્યની અપેક્ષા છે કેમકે સાથે માણસ જોઈએ અને વાપરવા પૈસા જોઈએ તથા હિંદુ રીતે રહેતાં વધારે ખર્ચ થાય તે જોઈએ. તે માટે રા. રા. હરિદાસભાઈ તથા રા. રા. મનઃસુખરામભાઈને કહ્યું છે. તેમણે અંતઃકરણથી પ્રયાસ આરંભ્યો છે. જો કાંઈ બની આવશે તો તા. ૧૧મી કે ૧૮મીની મેલમાં જવું એમ નિશ્ચય રાખ્યો છે. કેવો આનંદ ! આપણા વેદાન્તના સિદ્ધાન્તો આખી દુનીયાં આગળ મુકવાનો કેવો સંધિ ! પણ પૈસા- પૈસા–એ જ અડચણ નડે છે ! અરે ભાવિ ! પૈસા લાવ, ઉપજાવ, આર્યભૂમિ ! સમય જાય છે.

ખાનગી પ્રેમ સંબંધી જે છોટુ અને તેની સ્ત્રીનો તેમાં બહુ સંતોષકારક વૃદ્ધિ છે. રામ તો મારા ઉપર બહુ જ પ્રેમ રાખતી થઈ છે, પણ તેમાં તેના સંસારનો નિર્વાહક હું છું એ બુદ્ધિ જ પ્રેમનું બીજ સમજાય છે. શુદ્ધ પ્રેમ નથી. છોટુને પણ તેવું જ હોય એમ લાગે છે, આજથી પાંચ દિવસ ઉપર જે પૂર્ણિમા ગઈ તે દિવસે આ બુદ્ધિ સ્પષ્ટ જણાઈ ગઈ; અને આ સંબંધ કેમ કરીને મટે ? મૈત્રી રહ્યાં કરે પણ જે આ અન્ય સંબંધ છે તે જાય એવું શી રીતે થાય ? એવી મારી ચિંતાનું દ્વાર જ મળ્યું ! હું વડોદરે હતો – છોટુને ઘેર જ ઉતર્યો હતો – ગુરુપૂર્ણિમા હોવાથી છોટુની બહેન અને તેનો વર તેમના ગુરુ પેલા નરસિંહાચાર્ય નામના છે તેને માટે આવ્યાં. રામના મનને મહાચિંતા થઈ, છોટુને પણ વ્યગ્રતા થઈ, એ લોકો મારે ઘેર ઉતરશે, તમે અહીં છો, બાયડ ભેગાં અમે ખાઈએ તે દેખશે, શું થશે, આવી વ્યગ્રતા મને તેમની વાણીમાં, આકૃતિમાં સમજાવા લાગી. તેની ખરીખોટી પરીક્ષા કરવા માટે મેં કહ્યું કે હું બીજે ઠેકાણે જઈશ એટલે તમે કશી ફીકર ના કરશો. ત્યારે કહે કે ઠીક છે. એમ કરતાં તેની બહેન આવી ને તેને ઘેર ઉતરી. તેનો બનેવી તો કહીંક ઉતર્યો. પરંતુ હું તો મારા એક મિત્રને ત્યાં જ જમતો હતો ત્યાં મેં મારો સામાન મગાવી લીધો ને તેમણે મોકલ્યો ! અહો ! શી પ્રેમપરિસીમા!

સંવત્ ૧૯૪૮ના આષાઢ સુદ ૧૫ની રાતે બાર વાગે એ બન્ને વડોદરેથી નડીયાદ આવી મને ભેટ્યાં હતાં. સાથે કમલ લાવ્યાં હતાં, ને કહેતાં હતાં કે ગુરુપૂર્ણિમા છે તેથી ગુરુપૂજા કરવા આવ્યાં છીએ.

સંવત્ ૧૯૪૯ના આષાઢ સુદ ૧૫ ઉપર હું વડોદરે જઈ તેમને ઘેર રહેલો ત્યાં રાતે આઠ વાગે તેમના ઘરમાંથી મારો મુકામ ઉઠાવવો એ સૂચના મળવાથી સામાન મેં મગાવી લીધો તો તેમણે મોકલી દીધો ! વાહ પ્રેમ! આનું નામ પ્રેમ કે સ્વાર્થ ! એ બહેનની પરોણાગત તો મારી પાસેથી લીધેલા પૈસા વડે જ થઈ ! તેને નડીયાદ પાછાં જવાનું ભાડું પણ મારી પાસેથી જ અપાયું ! પણ મને ઘરમાંથી કાઢવો પડ્યો ! રામને મંદવાડ હતો એ વાત ખરી, પણ તેથી આ કૃત્યનો કાંઈ ખુલાસો થતો નથી; તેમ જ કેવલ બાલકબુદ્ધિથી જ આવું કર્યું હશે એમ પણ ન કહેવાય કેમકે જે લોકો ખુલી રીતે પાટણ આવતાં ન ડર્યાં તેને આમાં શું ? અથવા શું એવી મારી ફરજ હતી કે મારે એમને આવી અનુકૂળતા કરી આપવી ? હું નથી ધારતો કે હોય, પણ હોય તોએ તેમણે આવી સૂચના કેમ થાય ? ત્યારે શું ? સ્વાર્થ જ ! જોઈએ; એકાએક કોઈને અન્યાય કરી નાખવો નહિ.