લખાણ પર જાઓ

આત્મવૃત્તાંત/વડોદરાની ખટપટ

વિકિસ્રોતમાંથી
← ખૂનનો આરોપ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
વડોદરાની ખટપટ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
પ્રેમપ્રકરણનો અંત →


૨૬. વડોદરાની ખટપટ


તા. ૧૯-૯-૯૪
વડોદરા
 

આજ મારો જન્મદિવસ છે. આજ સાડાતેર મહીને અત્ર લખવાનો આરંભ કરું છું, મારા ખાનગી ઓરડાના મારા અંતરાત્મારૂપી ઈશ્વર આગળ મારા મનને રમાડું છું. લખવાની વાતો અનેક છે, પણ અહા ! શો અકસ્માત્  ! શી અગાધ, અસીમ, એકરૂપ પરમાત્માની મારા ભાવિ ઉપર ર્દઢ છાપ ! આ દુનીયાં ઠગારી, લુચ્ચી, અન્યાયી, સ્વાર્થી છે. એને છોડી સંન્યાસ વિના અન્ય આશ્રય કે અન્ય આનંદનું સ્થાન નથી. આવી સૂચનાઓ મને વારંવાર થાય છે. એ વિષે હમણાં લખીશ. પણ આ અકસ્માત્ જ મને ચિંતામાં ગરકાવ કરે છે. ૩૧-૭-૯૩ની મારી નોંધના છેલા બેત્રણ પેરેગ્રાફ વાચું છું અને આજ ૧૯-૯-૯૪ને દિવસે મારી જે વૃત્તિ એ જ સંબંધમાં થઈ છે તે જોઉં છું તો એકની એક જ છે. જાણે એ ૩૧-૭-૯૩ને દિવસે જ આ લખતો હોઉં તેવી છે. વચમાં મારા મનને પરમ પ્રતીતિ થઈ ગયેલી તેવા પ્રસંગ અનેક આવી ગયા છે. હું પાછલી વાત બીલકુલ વીસરી જઈ, હવે આ બે વિના પ્રેમ એવી વસ્તુ જગતમાં કહીં નથી એવા મસ્ત વિચારોના તરંગમાં તણાયેલો એવા પ્રસંગ પણ આવી ગયા છે. છતાં આ લખવાનો આરંભ કરતી વખતે વૃત્તિમાં જે ભાવ છે તે ૩૧-૭-૯૩ એ જે નોંધ છેવટે કરી છે તેનો તે જ છે. સંવત્ ૧૯૪૯ના આષાઢ સુદ ૧૫નો બનાવ મેં છોટુના સંબંધે લખ્યો છે. તે પછી થોડેક દિવસે હું વડોદરે પાછો આવેલો અને મારા સ્નેહી પ્રલ્હાદજીભાઈને ઘેર ઉતરેલો. છોટુ ત્યાં આવે ન આવે એમ ચાલતું હતું. એક દિવસ અકસ્માત્ એના ખીસામાંથી એક કાગળ એના સમક્ષ મેં તાણી લીધો તો તે કાગળ મને જ લખેલો હતો. એની મતલબ એવી હતી કે “અરે પાપી, ચાંડાલ, રાક્ષસ, મારી નાંદોદવાળી પ્રાણપ્રિયાનો વિયોગ પડાવનાર ઘાતકી ચાંડાલ, તું તારી મેળે મારી આંખો આગળથી ને મારા ઘરમાંથી ટળ્યો તેથી હું બહુ ખુશી છું.” આ જાતનું લખાણ હું એના ઘરમાંથી એની બહેન આવવાને લીધે ગયો તેને ઉદ્દેશીને લખ્યું હતું. મારા મનમાં એમ થયું કે હવે આ માણસમાં કોઈ અર્થ રહ્યો નથી, છતાં રખેને હું એને અન્યાય કરૂં એમ ધારી હું કાંઈ બોલ્યો નહિ. એણે તુરત જ રડી દીધું અને એને ઘેર લઈ ગયો તથા ત્યાં એવો રોવા લાગ્યો કે “માફ કરૂં છું” એવું વચન મારી પાસેથી મળ્યું ત્યાં સુધી છાનો રહ્યો નહિ. વળી પાછું ગાડું હતું તેમને તેમ ચાલ્યું. આવવું જવું, એની સ્ત્રી હું એ બધાં નિકટ રીતે રહેતાં તેમ રહેવા લાગ્યાં. એમ કરતાં ડીસંબર ૧૮૯૩માં હું વડોદરે જ રહેવા આવ્યો. એ વાતથી છોટુને મારા એક પરમ મિત્ર તરીકે જે ખુશી થવી જોઈએ તે થતી મેં જોઈ નહિ. મારા અહીં રહેવા આવવા પછી મને માલુમ પડ્યું કે દારૂ પીવાની જે ટેવ તેણે નાંદોદમાં હતી તે છોડેલી તે પાછી વારતહેવારે પકડેલી છે, ને તે ઉપરાંત ગાંજો સારી પેઠે પીવા માંડ્યો છે. એ ખરાબ લતમાં એને પાડનારી સોબત એણે કેટલાક હલકા ગવૈયા વગેરેની કરેલી તે જ છે એમ પણ હું સમજ્યો. એ અને એની સ્ત્રી મારે ઘેર આવવા, જવા, ખાવા પીવા લાગ્યાં. રાત રહેવા લાગ્યાં, હું એમને ઘેર જવા આવવા રાત રહેવા લાગ્યો ને ઘણો સારો સંબંધ ચાલ્યો. એમાં એકાદ મહીના પહેલાં જ પાછો આચકો લાગ્યો. અને છોટુએ ક્રોધ કરીને એક વાર રાતે મારા ઘરમાં જ મને કહ્યું કે અમે અહીં રહેવાના નથી લોક અમને ખોટું કહે છે. મેં કહ્યું ભલે જાઓ, ખોટું કહે છે તેમ તમને લાગતું હોય તો ના કરશો. એ ગયો. વળી બે ચાર આઠ દિવસ ટંટો ચાલ્યો. છોટુ આવે નહિ ને બોલાવેથી પણ આવે નહિ. છેવટ હું તેને ઘેર ગયો તો નાશી જવાના ને નીકળી જવાના વિચારોમાં તેને મેં રોકાએલો દીઠો. મને બહુ દયા આવી. પાછું સમાધાન થયું ને વળી ચાલ્યું. એવા એકાદ પ્રસંગે જ મેં “અહા હું એકલો દુનીયાં બીયાબાંમાં સુનો ભટકું" એ ગજલ લખેલી છે. એના ઘરનો આખો ખર્ચ માટે ચલાવવો પડતો, કેમકે એના પગારના પૈસા તો એ બારોબાર ગમે તેમ ઉડાવી દેતો. સારાં ભારે લુગડાં લત્તાં એને તથા એની બૈરીને જોઈએ તે પણ મારે જ લાવી આપવા પડતાં. ગાડી, રેલવે ભાડાં પણ મારે જ આપવાં પડતાં. કુલ એકંદરે એ માણસ સાથે આવો ખાનગી સંબંધ થયા પછી જે પૈસા આપવાની રીત ચાલતી થઈ તેમાં મને લગભગ રૂ ૧૦૦૦) એક હજાર જેટલો ખર્ચ થઈ ગયો છે એમ આજ તપાસ કરતાં મને જણાય છે. તેથી હું દલગીર નથી, હજી કરવો પડે તો પણ દલગીર નથી, પણ જે વાત અત્ર લખું છું તેના ખુલાસામાં આ વાત જાણવી આવશ્યક છે. આમ કરતે કરતે છેક હમણાં બે માસ ઉપર એની નાંદોદવાળી રાખેલી સ્ત્રી લાડી આવી, તેને તેણે મારી સાથે મેળવી, ને મેં એને તેની સોબત રાખવાની રજા આપી તેથી તો એ ઘણો જ ખુશી થઈ ગયો ને મને પરમેશ્વરની પેઠે પૂજવા લાગ્યો. રજા આપવા વિના છૂટકો જ ન હતો, કેમકે ખૂલ્લી રજા ન આપવાથી, એને ચોરી, જુઠ અને ઠગાઈનો રસ્તો શીખવવા જેવું થતું હતું એમ મેં સેંકડો અનુભવ કર્યા હતા. તે ગઈ; પણ વળી પાછી આવી અને હાલ લગભગ દોઢ પોણા બે માસથી અહીં જ છે. તેને તથા એની સ્ત્રીને લઈને એ મારા ઘરમાં આવીને રહ્યો, વીસ દિવસ રહ્યો, અને મને પણ એણે પાછી એ લાડીની સાથે ન કરવાનો તે સંબંધ કરાવ્યો; મેં પણ એના મનની પરીક્ષા કરવા કર્યો કે જેને પોતાની પરણેલી સ્ત્રી કરતાં પણ એ અધિક માને છે તેને એ મને સાંપે છે તેમાં કેવો ભાવ છે. એની સ્ત્રી મને એમ કહ્યાં કરતી હતી કે હું જ્યારે તમારે ઘેર આવવાનું કહું છું ત્યારે મને ના કહે છે અને આજ આને લઈને અહીં જ પડ્યા છે તો તેમાં કેમ લોકલાજ નડતી નથી. એની સ્ત્રીને આ રાંડથી શું કષ્ટ છે તે બધું મેં જોયું. મારૂં હૃદય બળીને પીગળીને દુઃખી થયું કે કોઈ પણ સ્ત્રી આવું ન વેઠી શકે. આવી સ્થિતિ ચાલતી હતી તેમાં એકાએક એક દિવસ રાતે કાંઈ નિમિત્તને લઈને ત્રણે જણ એને પોતાને ઘેર ગયાં. સવારે આવ્યાં નહિ, અને મેં જ્યારે બપોરે લખીને પૂછ્યું કે કેમ આવતાં નથી ત્યારે છોટુએ જવાબ લખ્યો કે “તમારા સિવાય બધી દુનીયાં મને નામર્દ અને પૈસા માટે બાયડી તમને સાંપનાર કહે છે માટે હું જે કરું છું તે ઠીક જ કરૂં છું.” ઈત્યાદિ. આ શબ્દો વાચતાં જ મારી આંખમાંથી આંસુ નીકળી પડ્યાં, મારા હૃદયના મર્મમાં મહોટો ઘા થયો, આખી દુનીયાં મારી નજર આગળથી ઉડી ગઈ. અને મને એમ થયું કે અરે ! પ્રેમને નામે હું ઠગાયો, છેતરાયો, ફસાયો ! પશ્ચાત્તાપ પણ શો કરું ? એ જ આવેશમાં “કહી તું જાય છે દોરી દગાબાજી કરી કીસ્મત” એ ગજલ લખાઈ ગઈ. પણ આવા બેવફાઈના અનુભવ થવા આવશ્યક છે; એ વિના વૈરાગ્ય આવી, સંન્યાસ થવાનો જ નથી, એવું જ્ઞાન આવ્યું અને મનને સમાધાન મળી ગયું. તેથી જ છેવટ લખ્યું છે “મળ્યો માલીક વેચાયો, કરી લે ચાહે તે કીસ્મત.” આ ગજલની નકલ અને સાથે એક કાગળ તા. ૩-૯-૯૪ને રોજ મેં છોટુને એની ચીઠીના જવાબમાં મોકલ્યાં. કાગળની મતલબ એ હતી કે "જ્યારે આપણે તારી સ્ત્રીને વચમાં ભેળવી સંબંધ કર્યો ત્યારે પ્રેમનું અતિ દિવ્ય સ્વરૂપ કે જેમાં આવો સંબંધ પાપકર્તા નથી, તે સમજાવવા ઘણીવાર પત્રો લખ્યાં છે, અનેક કવિતાઓ “યારી મસ્તોની”, “આ જામે ઇશ્કમાં,' “જવા દે પ્યારી” “–એવું બતાવે કોઈ આજ” ઈત્યાદિ લખેલી છે. એ ધોરણ તું પકડી શક્યો નથી, આપણા પ્રેમની કસોટીના ધોરણરૂપે લોક, દુનીયાં અને તારી લાડી એ જ થયાં છે, તો હવે હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે તારી સ્ત્રી આજથી મારી બહેન છે, અને એથી આપણો સંબંધ તૂટી જશે એમ ન ધારીશ. અનુભવનો જ સર્વત્રથી ઉપયોગ લેવાનો છે, પ્રેમનો પરિપૂર્ણ અનુભવ તે કરાવ્યો છે, ને જે વાત હું મારી મેળે થોડે વખતે કરત તે તેં આજ કરાવી તેમાં કાંઈ હાનિ થઈ નથી. મને આ પ્રેમાનુભવથી અન્ય પ્રેમની રુચિ નહિ રહે ને પરમાત્મામાં ચિત્ત ઠરાવવાનો માર્ગ મળશે તો તું પણ એટલે અંશે ગુરુ છે. અર્થાત્ આપણો સંબંધ છે તે છે, જવાનો નથી, તારું સ્મરણ પ્રેમ અને ઉપકાર વિના બીજી કોઈ વૃત્તિથી મને થવાનું નથી” ઈત્યાદિ. આ પત્ર ગયા પછી તો ઉલટી તેની વૃત્તિ મને વધારે ઉદાસીન લાગી. રૂબરૂ ખુલાસો કર્યો તો કહે કે રામ મને બહુ સતાવે છે, લોક આમ કહે છે તેમ કહે છે, નાત બહાર મૂકે, ઇત્યાદિ વાતો મને હેરાન કરે છે, માટે એને પડતી મૂકવી સારી વાત છે. મેં કહ્યું એ વાત મને કબુલ છે, પણ તું શા માટે આવતો જતો નથી ? તો તેનો કંઈ ખુલાસો એ કરી શકતો નથી, એ પોતે પણ લાડીની પાસે સેવા કર્યાં કરે છે, આવતો જતો નથી જ. આ પ્રેમનો આવો અંત આવ્યો છે ! દુનીયાં બેવફાઈ અને સ્વાર્થની જ બનેલી છે !

જગતના મહાતંત્રમાં જેને જ્ઞાનનો સ્પર્શ થયો છે તેને કેવા કેવા અનુભવ થાય છે ! આ અનુભવથી મારું મન ઐહિક પ્રેમપાત્ર ઉપરથી તદન વિરક્ત થઈ ગયું છે – છતાં જાણે એક યંત્રને ચાલવાની ટેવ પડી હોય ને હાલ્યાં જ કરતું હોય તેમ મન કોઈ કોઈ વાર સ્ત્રીસંગ ભણી આકર્ષાય છે, આમતેમ શોધ કરવા દોડે છે, – જો કે હજી કાંઈ કર્યું નથી – છોટુની વહુ ના હોય ત્યારે વચમાં એકબે કામ કરનારીઓ ઘરમાં આવતી તેમને પણ મેં મૂકી ન હતી એમ અધમતામાંએ પડી જવાય છે.

મી. આઠલે સાહેબે મને વડોદરામાં આણવાની ધારણા કરેલી તે અનુસાર વ્યવસ્થા કરી પાંચ માસ માટે આણ્યો. તે મુદત આખરે રિપોર્ટ કરી કામ જોઈ આગળ વધારવાની વ્યવસ્થા થવાની, પણ તે પૂર્વે તો તેમનું મરણ થઈ ગયું. દી. સાહેબે મારા સંબંધનું કામ હરગોવદાસને વિરુદ્ધ જાણી પંડિત જડજને સાંપ્યું. તેમણે સર્વ રીતની અનુકૂલતા દર્શાવી ત્રણ માસ વળી વધાર્યા અને ફરીથી બધા કાગળ જોઈ વધારે મુદત માટે લખીશ એમ ઠરાવ્યું. એવામાં સુદર્શનમાં મેં “ગૂજરાતના લેખકો” એ આર્ટિકલ લખ્યો. હરગોવનદાસને તેથી માઠું લાગો, અગર અને વડોદરામાં રહેવા દેવાને જ તે ખુશી ન હો કે ગમે તેમ હો, પણ તેમણે મહારાજ સાહેબને મારી વિરુદ્ધ કાંઈક ખાનગી રીતે લખ્યું તથા પંડિતને આડુઅવળું સમજાવી કાગળો લઈ લીધા અને તે ઉપર મારી વિરુદ્ધ અભિપ્રાય લખ્યો. દીવાને રૂબરૂ ના કહ્યા છતાં, આઠલે જીવતા હતા ત્યારે તેવી ને તેવી અડચણ તેમણે ઉઠાવેલી તેનો તેમણે રદીઓ કરી મને અત્ર નીમ્યા છતાં, હાલ તેમણે આવું કર્યું. એ ઉપર દિવાને બધા કાગળો જોઈ છેવટ નીકાલ કરતા સુધી બે માસની વળી મુદત આપી – જે સપ્ટેમ્બર આખરે પૂરી થનાર છે.

આ દશ માસમાં એવું બન્યું કે એક બાપટ કેસ રાજ્યમાં પેદા થયો. એ સંબંધે અમદાવાદ ટાઈમ્સ નામના પેપરમાં મારો જૂનો મિત્ર રા. બાળાશંકર ઉલ્લાસરામ કે જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં આ. સેક્રેટરી તરીકે નોકર રહ્યો હતો તે લખતો હતો અને દીવાનની વિરુદ્ધ લખતો હતો. તે અટકાવવા દીવાને ઘણા પ્રયાસ કર્યા પણ કાંઈ ન મળ્યું ત્યારે કોઈએ મારું નામ આપવાથી મને બોલાવ્યો. દીવાને મારા ઉપર જે ઉપકાર કરેલા તે લક્ષમાં લેઈ મેં એ કામ કરી આપવા માથે લીધું. વિરુદ્ધ લખાણ અટકાવ્યું. દીવાને પેપરના માલીકને રૂ. ૧૨૦૦) આપ્યા, અને બાળાશંકરને વધારે રકમ આપવાની હતી, પણ મારા મિત્ર રા. રા. ગજ્જરને એના જેવો એક હોશીઆર માણસ જોયતો હતો, તેથી ત્યાં એને રખાવી દીવાને એને જે આપવાનું તે બંધ રખાવ્યું. ઘણી નબળી સ્થિતિમાં આવી પડેલા આ જૂના મિત્રને હું આ પ્રમાણે પણ કાંઈક મદદ કરી શક્યો તેથી મારા અંતરાત્માને સંતોષ થયો, અને પ્રાચીન મૈત્રી તાજી થવાથી ખુશી થઈ. આ મિત્રે વડોદરામાં નિવાસ કર્યો, અને મારે ને હરગોવનદાસને આવો અણબનાવ થયો જોઈ તેણે બારોબાર અમદાવાદ ટાઈમ્સમાં હરગોવનદાસના વિરુદ્ધ ઘણું જ લખાણ ચલાવવા માંડ્યું જે હજી ચાલે છે. એથી ઘણી ચર્ચા થઈ છે, દીવાન તથા અનેક મિત્રો મને તે અટકાવવા કહે છે. મેં તો એક અક્ષર પણ લખ્યો નથી, બાળાશંકરે પણ લખ્યો નથી, લખનાર બીજા છે પણ અમારા કબજાના છે, ને હવે એ અટકાવવું એવી મારી પણ ઈચ્છા થઈ છે. એમાં કાંઈ અર્થ નથી, આપણે એમ સારા દેખાતા નથી; ને દીવાન કે જેણે આટલો ઉપકાર કરેલો તે નારાજ થાય એવું કરવું નહિ. હરગોવનદાસે મારાં ભાષાન્તરો તપાસવાની માગણી કરેલી તે ઉપરથી મેં તેમના વિરુદ્ધ એક આફીશીયલ લખાણ હજુરમાં મોકલ્યું છે એમ માગણી કરીને કે હરગોવનદાસ મારા ઉપરી થઈ શકે નહિ ને થાય એવો શ્રીમન્મહારાજાના પાછલા હુકમોનો ઉદ્દેશ પણ નથી. એની સાથે બાલવિલાસ વિષેનું મારૂં લખાણ, તથા અહીંની શાળા કમીટીના રિપોર્ટમાં હરગોવનદાસે મારાં ભાષાન્તરો વિરુદ્ધ લખાવેલું તેનો પૂછવાથી આઠલેને મેં લખેલો ખુલાસો, વગેરે કાગળો પણ સામીલ રાખ્યા. આ કાગળો દીવાનને મોકલી આપતાં મેં ખાનગી ચીઠીમાં લખ્યું કે આપે મને આજ પર્યંત ઉપકાર વિના બીજું કાંઈ કર્યું નથી, હવે આપની પોતાની સ્થિતિ અહીં બારીક થઈ ગઈ છે, તે વખતે આપને મારે માટે કાંઈ કરવું અડચણભરેલું લાગે તો મારા આ કાગળો ઉપર મારી વિરુદ્ધ ઠરાવ કરવો જેને આધારે રાજીનામું આપી હું ચાલ્યો જઈશ. આની આ વાત મેં અનેક મિત્રો મારફત તેમને કહેવરાવી, તેમના ને મારા સામાન્ય મિત્રો રા. રા. હરિદાસભાઈ, મનઃસુખરામભાઈ વગેરે પાસે કહેવરાવી, પણ તેમણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે જોઈએ છીએ વાણીઓ શું કરી શકે છે, તમને જવા દેવાના નથી. આ ઉપરથી જ હું રહ્યો છું, આજકાલ હવે મારી મુદત વિષેનો નીકાલ થવાનો છે, પણ મને આ રાજ્યની રીતભાતથી, તથા ઉપરનો પેપરોના લખાણનો પ્રસંગ બનવાથી, બહુ કંટાળો આવી ગયો છે. આ રાજ્યમાં અન્યાય, સીફારસ, ને ખુશામત વિના બીજું કાંઈ ચાલતું નથી. ખરી વાત કોઈ જોતું કે તપાસતું નથી, અને મહારાજ પોતે મોટા મહોટા વિચારવાળા પણ અતિશય નબળા મનનો, કાચા કાનનો, અને હું જ ડાહ્યો છું એવી અક્કલની બડાઈમાં ગાંડો થઈ ગયેલો માણસ છે. આ કાજળની કોટડી છે, એમાં હું આવીને ફસાયાથી પસ્તાઉં છું, વગર ડાધે જવાય તો સારૂં. રા. ગજ્જરને ને મારે હતો તેવો સારો સ્નેહ પાછો સંધાયો છે, તેમનાં અનેક કામમાં હું તેમને દરરોજ સવારે જઈને મદદ કરું છું. એમનો વિચાર મને સ્વતંત્ર ધંધો સોંપી તેમાંથી મારા હાલના પગાર જેટલી પેદાશ થાય એમ કરી આપવાનો છે ને તે વિચાર મને પણ અનુકૂલ છે. તેની જ વાટ જોઉં છું.

અન્ય મિત્રોમાં રા. પ્રલ્હાદજીભાઈને ને મારે બહુ સારો સ્નેહ જોડાયો છે. બીજા જે જે મિત્રો છે તે ઘણી સારી રીતે સ્નેહ ચલાવે છે. લાઠીના ઠાકોર પણ દિવસે દિવસે બહુ સ્નેહ બતાવે છે, અને એમને હવે ગાદી મળવાનો સમય પાસે છે, તેમાં મને તે પોતાની પાસે રાખી લે તો ઠીક એમ મારા મનમાં ઈચ્છા છે કેમકે તે પોતે મને એવા ગુણી જણાયા છે કે હું એમની પાસે હોઉં તો એમનામાંથી કાંઈ નવો જ ચમત્કાર ઉપજી આવે. પણ મારે મારી ઇચ્છા જણાવવાનો માર્ગ નથી, એટલે એ તરફ મારો પ્રયાસ પણ નથી, એની મેળે જે થાય તે ખરૂં.

બાલવિલાસ, પ્રાણવિનિમય બીજી આવૃત્તિ, માંડુક્ય વગેરે પ્રસિદ્ધ થઈ ગયાં છે. સુદર્શન ચાલે છે. અક્ટોબરથી એક ફાર્મ તેમાં વધારવું છે. ગીતા બંધાય છે. જીવન્મુક્તિવિવેક અને સમાધિશતક બે અંગરેજી કરવા માથે લીધાં છે એમ શરતે કે પ્રથમ આવૃત્તિનો હક તેના છપાવનારનો એટલે તુકારામ તાત્યા તથા ગીરધરલાલ હીરાભાઈનો અને બીજી આવૃત્તિથી હક મારો; તથા પ્રથમ આવૃત્તિની ૫૦ નકલ દરેકે મને મફત આપવી. માંડુક્ય માટે પણ આ જ પ્રકારની શરત થયેલી છે ને તે ઉપરાંત રૂ ૩૦૦ મળેલા છે. લોજીકનો અર્ધો ભાગ સોસાયટીને મોકલી દીધો છે. કચ્છનાં બે પુસ્તક “વાક્પાટવ,” “શિક્ષણ અને સ્વશિક્ષણ” રા. મન:સુખરામભાઈને સોંપ્યા છે પણ રૂ. ૧૨૦૦) તેના લહેણા તે હજી આવ્યા નથી, તેમ નવાં પુસ્તકો આપવાનો છે તેનો પણ કચ્છવાળા નીકાલ લાવતા નથી. તે ઘણા આળસુ છે એમ મનસુખરામ કહે છે. બાકી તેમને અરુચિ છે એમ નથી. રા. ગજ્જરને “ચેતનશાસ્ત્ર” આપી દીધું છે. પૈસા આપ્યા નથી. વેદાન્તોપયોગી વચનમાત્ર ભેગાં કરી અંગરેજી કરી છપાવવું એ પ્રયાસ ચાલે છે, એને Imitation of Shanker એ નામ આપવું છે. નોકરીને અંગે ગ્રંથો થાય છે તે તો ચાલતા જ છે. તેનું લીસ્ટ મારા ગ્રંથોના લીસ્ટ ભેગું થયું છે. ચીકાગો કોંગ્રેસના રીપોર્ટમાં મારો નિબંધ “હિંદુઈઝમ” અને તેમના દશ પ્રશ્નના મારા જવાબ, તથા મારી છબી છપાયાં છે.

ઘર આગળ બધી શાંતિ ચાલે છે. મારો ભાઈ સારો અભ્યાસ કરે છે ને ઘણો સારો સુધર્યો છે એ જોઈ મને શાંતિ થાય છે. ખેડાવાળે થાંભલાવાળો જે દાવો કરેલો તેમાં નડીઆદમાં તે હાર્યો છે. તેણે અમદાવાદ અપીલ કરી છે. હાઈકોર્ટમાં મંગળીએ અપીલ કરી હતી તેમાં તે હાર્યો છે. આ કેસોમાં મારા મિત્ર રા. ગોવર્ધનરામ તથા રા. કેશવલાલ બન્ને વકીલોએ વગર ખર્ચે સારી મદદ કરી છે. નડીયાદમાં પણ રા. છોટાલાલ ઝવેરલાલ તથા છોટાલાલ હીરાલાલે વગર ફીએ સારી મદદ કરી છે. મારા ગુમાસ્તા જમનાદાસને પરણાવવાની ખટપટ કરીને પણ પાર પાડી આપ્યું છે. ગામમાં થોડાક બ્રાહ્મણોનો વ્યવહાર જોઈએ જેથી હમણાં ખડાયતાની નાત સાથે વ્યવહાર કર્યો છે.

અધ્યાત્માભ્યાસમાં દિનપ્રતિદિન સારો લાભ થાય છે. સપ્તશતીના પાઠ ૧૦૦૦ થઈ જવાથી હવે બંધ કર્યા છે. બાકીનો જે ધ્યાનાદિક્રમ તે ચાલે છે. અનેક પ્રસંગ એવા થાય છે કે મને તે વખતે કોઈ અવાચ્ય આનંદમાં લીન થઈ જાય છે. એ આનંદ બહુ ક્ષણિક રહે છે, પણ એવા પ્રસંગ વારંવાર બને છે એ સંતોષકારક વૃદ્ધિનું ચિહ્ન છે. એ આનંદ કાયમ રહે તો જગત્ માત્ર લય થઈ જાય. નાના પ્રસંગો પણ કોઈ વિલક્ષણ મઝા કરાવી દે છે. એક વાર બાળાશંકરના તેડવાથી અમદાવાદ ગયો. ઘણા હતા. જમવા બેઠા ત્યાં અમદાવાદ ટાઈમ્સના માલીકને કારભાર કરતો જોઈ, તથા વાણીઆની પ્રકૃતિ પ્રમાણે રસોઈમાં થયેલી ખરાબી જોઈ, મનમાં એમ ક્ષોભ થયો કે વડોદરાના દીવાન અને અમદાવાદ ટાઈમ્સનું સમાધાન કરી આપ્યું તે સંબંધથી તેની પાસે તો બાળાશંકરે આ જ્યાફત નહિ કરાવી હોય ! ને એમ હોય તો આપણે જમવા આવ્યા તે ખોટું કર્યું. મન આવી શંકામાં બહુ ક્લેષ પામ્યું એવામાં જમતી વખતે જે કવિતા બોલવાનો રીવાજ, તે પ્રમાણે સાંકળચંદ શેઠ બોલ્યો कश्र्चिद्भूमौशायी ઈત્યાદિ. એ સાંભળતાં જ સમાધાન થઈ ગયું ને પરમાત્માની ખુબીના આનંદમાં મસ્ત થઈ જવાયું; જે શાન્તિ વ્યાપી તે કહી શકાતી નથી. હવણાં વડોદરામાં બાળાશંકરને ઘેર શ્રાદ્ધ હતું. જમવા ગયો હતો. જમતે જમતે મનમાં જ વિચાર આવ્યો કે “હરગોવનદાસ સાથે આ વિરોધ અને આ પેપરોની મારામારી ને આ ફજેતી બધું શા માટે જોઈએ?” વળી એમ સમાધાન થયું કે શું સત્ય માર્યું જવા દેવું ? દુનીયાંમાં સત્ય તો માર્યું જ જાય છે; છોટુએ તારા સત્યની કેવી પરીક્ષા કરી તે જોઈ કે નહિ ? વળી પ્રશ્ન થયો કે ત્યારે એમાં આપણો વાંક હશે તો ? દુનીયાંને માટે આપણે નાલાયક હોઈશું તો ? સમાધાન થયું કે ના, ના, દુનીયાં જ આપણે માટે નાલાયક છે. પરમાત્માની પીછાન કરનારને દુનીયાં જ નકામી છે, ને તે જ્ઞાન જ એને ખાવા ખુબ સખ્ત માર મારી કંટાળો ઉપજાવી દુનીયાંથી છોડવે છે. માટે જે થાય છે [તે] ઠીક જ છે, સંન્યાસને માટે પાકી તૈયારી છે. આવા વિચારમાં મન આનંદ પામી ગયું, અને “બેવફાઈ” જ સર્વથા ગુરુ છે એમ નિશ્ચય થયો. જમી ઊઠ્યા, બીજી વાતચીતો કરતા હતા, એવામાં એકાએક બાળાશંકર બોલી ઊઠ્યો, “મણિલાલ ! તારો સંસ્કાર બહુ ઓર છે, હજી તારે માટે કોઈ ભવ્ય ભવિષ્ય બાકી છે, અને આ બધું જે થાય છે, ને આજ પર્યંત થયું છે તે તે માટેની તને તૈયારી છે એમ માનજે.” મારૂં મન ચમકી ઉઠ્યું, અહો ! મારા મનની વાત આણે શાથી કહી ? એ વાત મેં એને કહી બતાવી, એટલે બહુ આનંદ થયો, તેમાં એણે મેક્ષમ્યૂલરે આ વર્ષના માર્ચમાં વેદાંત વિષે કરેલાં ભાષણો યાદ કર્યા, ને ચોપડી પડી હતી તે લઈ એકબે ફકરા વાંચી બતાવ્યા. મેં ચોપડી લેઈને પાનાં ફેરવવા માંડ્યાં તો નીચે પ્રમાણે શબ્દો ઉપર નજર ઠરી “The divine origin of man is continually inculcated to stimulate his efforts to return, to animate him in the struggle, and incite him to consider a re-union and re-incorporation with divinity as the one primary object of every action and exertion.” ત્રણ જુદા જુદા અકસ્માત્ અને ત્રણેમાંથી એકની એક જ વાત ! શું ઈશ્વર જાતે આવીને કહે કે હવે દુનીયામાં સાર નથી, પરમાનંદમાં નિમગ્ન થઈ સંન્યાસી થઈ જા !!! આ આનંદ વિલક્ષણ છે, મારૂં મન કહી શકતું નથી, વેદાન્તે જ ઊભો રાખ્યો છે. વેદાન્ત જ પાર પહોચાડશે. આજ વર્ષગાંઠને દિવસે આ વિચારથી જ આ નોંધનો છેડો આવ્યો એ પણ એક એની જ ખુબી છે !