આત્મવૃત્તાંત/સંન્યાસનો વિચાર

વિકિસ્રોતમાંથી
← દાગીનાની ચોરી મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
સંન્યાસનો વિચાર
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ચોરીની તપાસ →


તા. ૬-૧૨-૮૯

આજે દિલ બહુ ભરાઈ ગયું છે. કોને કહું ? મનની મુઝવણ મનમાં જ શમાવ્યા વિના રસ્તો નથી. જ્ઞાનર્દષ્ટિથી વિચાર કરું છું ત્યારે મને બધું કેવલ નાટક જેવું લાગે છે. કાંઈ ક્લેષ થતો નથી; પણ તે જ વખતે નિંદાના સંબંધનું દુઃખ, પરિતાપ ઈત્યાદિ નજરે પડી જીવને માયામાં પાડી દે છે, ને જે થયું છે તે માટે અતિ ક્લેષ પેદા કરાવે છે. સંન્યાસી થઈને ચાલી જાઉં તો ક્લેષ ટળે, ને મને જે જ્ઞાનથી સમ્યગ્ ર્દષ્ટિ થાય છે તે સ્થિર થાય; પણ તેમાંએ મન એકદમ વળતું નથી: પુત્ર કેવલ નાના છે, માતા બેઠી છે, ભાઈ પણ કેવલ ઋજુબુદ્ધિ છે. તેમનો નીસાસો નડે એમાં મારું શું કલ્યાણ ? વળી જે કુટિલ વેશ્યા મારી સ્ત્રીના નામે ગણાય છે તે પણ એમ થવાથી તો મારાં મા તથા ભાઈને નડવા તૈયાર જ થાય – ત્યારે વીલ કરૂં ? – હા, તેમ કરીશ – તેમ જ, તેમ જ, પણ તે વીલ પ્રમાણે અમલ કરનાર કોઈ ઠર્યા પછી તથા બધાં બાલક જરા હોશમાં આવ્યા પછી જ.

આટલો બધો ખેદ શા માટે ? નોકરીમાં વિઘ્ન પડ્યું છે, પિતા જે નિરંતર ભાર વહી મને કાંઈ જણાવા ન દેતા તે સ્વર્ગે ગયા છે. ઘરમાંથી બે હજારનું નકસાન થયું છે – પત્તો મળ્યા છતાં હાથ લેવાયું નથી ! આશા છે એ વડી વસ્તુ છે, પેલી રંડી પાસે બધું છે એમ નિશ્ચય થયો છે – તો તેને પકડવી, પકડીને સમજાવી કરી માજીસ્ત્રેટ આગળ ખડી કરી કેસ ચલવવો, કે કાંઈ માલ હાથ આવે, આજ પકડાય – કાલ પકડાય – કેમ પકડાય – શી યુક્તિ - ઈત્યાદિ તર્કવિતર્કમાં ને પૂર્વાપર હસ્તે પરહસ્તે પ્રયત્નોમાં વાત તે રંડાએ જાણી. એમ થવાથી તેના બાપ પાસે સુણાવ નાસી ગઈ. હવે કેમ કરવું? પ્રસંગ એવો આવ્યો કે નાતનો કોઈ માણસ આશાપુરી બાધા મુકવા ગયો તેણે એમને નોતર્યાં..એ વાત તેણે અમને જણાવી તેથી તેની સલાહ કરી અમે સુણાવ ગાડી મોકલી કે તે માણસ બાપ તથા છોકરીને માતાએ તેડે – અમે ત્રણ માણસ રસ્તે રહ્યા ને ગાડી આવે તો એ રાંડને પકડવા તૈયાર થયા – પણ બાપ એકલો જ આવ્યો. એથી યુક્તિ વડે બાપને ઉતારાવી કાઢી અમે પાછા આવતા રહ્યા. ચતુરભાઈ તથા સાંકળાભાઈ ઉભા હતા ને હું આડો થઈ ગયો હતો. ચતુરભાઈ પેટલાદ ગયા. અમે ઘેર આવ્યા. બીજે જ દિવસ બાપે છોકરીને નડીઆદ મોકલી દીધી ને ઘરમાં કહાવ્યું હશે કે છોકરીને નસાડી જવા કોઈ એના લુચ્ચા આશકોએ ઠાગો કરેલો માટે અહીંથી મોકલી દીધી છે. – આમ વાત ગામમાં ફેલાઈ; એટલે અમારી વાત દબાઈ ગઈ, જો કે મારા સાસરાવાળાએ આવી વાત ચાલ્યા પછી એમ કહેવા માંડ્યું કે એ તો મણિલાલે કર્યું હતું. અત્યારે સાંભળ્યું છે કે એ રંડા તો પાછી જવાની છે, હવે એને શી રીતે પકડાય? આ વિચાર નજીવો જેવો છતાં, અત્યારે મારા મનના દુઃખનું નિદાન છે. ઉપર કહી ગયો તે બધાં કારણ તો છે જ. તેમાં વળી મારો ભાઈ સ્કુલમાં પણ નપાસ થઈ વર્ગ ચઢ્યો નથી તેમ હવે અભ્યાસમાં પણ મંડતો નથી એ પીડા પણ છે, ને આ આશામાં ફરવાની વાત પણ ભાગી જવા બેઠી છે – શું કરવું? પ્રારબ્ધ.