આત્મવૃત્તાંત/ચોરીની તપાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સંન્યાસનો વિચાર મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ચોરીની તપાસ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
પત્નીનું તોફાન →


૧૬. ચોરીની તપાસ
તા. ૬–૨–૯૦ નડિયાદ

બરોબર બે માસ થયા છે. તેમાં ચોરી સંબંધી જે ઉદ્યોગ ચાલે છે તે પર તો કાંઈ નવીન સિદ્ધ થયું નથી. પેલી રંડીને શું કરવું? એને તેડીને ઘેર લાવવા માટે રણછોડલાલને વષ્ટિ કરવા સોંપી હતી, તેમ લલુ સોની પણ માથાકુટ કરતો હતો, પણ એ રાંડ એની મા તથા એનો બાપ એવો જ જવાબ દીધાં કરતાં હતાં કે અમારે મોકલવી નથી, સાસરૂં છે જ ક્યાં ? ઈત્યાદિ. નારણ વૈદ્ય પણ વારંવાર અજમાસ કર્યા કરતો પણ વ્યર્થ. છેવટ મેં એક બીજી તદબીર કરી ને મારા સસરાને નોટીસ આપી કે મારા ઘરના તેમ મેં પોતે કરાવેલા એવા આશરે રૂ. ૧૫OO)ના દાગીના તમારી છોકરી વગે કરી ગઈ છે એમ તેને તમે નસાડી ગયા તે પછી તપાસતાં નક્કી સમજાયું છે. તમે તે તમારી છોકરીને મોકલતા નથી, તેડવા મોકલ્યા છતાં મોકલતા નથી, એટલું જ નહીં, પણ તે હાલમાં કોઈ સાથે નાસી જવાના વિચારમાં છે તો પણ તમે સંભાળતા નથી. ત્યારે કહેવાનું કે તમે એ રાંડને મોકલો કે ન મોકલો પણ અમારા દાગીનાનો જવાબ દો. નહીં તો કાયદેસર પગલા લઈશું. આનો જવાબ તે લોકોએ કોઈ વાળેલો નથી, પણ નોટિસ પોહોચ્યાની પોહોચ આવી છે. દાવો હજુ કર્યો નથી, કેમકે પાકો સાક્ષી પુરાવો તૈયાર થવો જોઈએ. બધી વાત જોવા ઉપર આધાર રાખે છે એટલે કોઈ તે બધું જોયેલા લોક મળવા જોઈએ તેની શોધ ચાલે છે. રાંડને પકડવાનો યોગ જ તે આવવા દેતી નથી, પણ હવે તો છચોક છીનાળાનો ધંધો જ ચલાવે છે. મારો એક સાઢું છે તેને કાંઈ કારણસર બોલાબોલી થઈ તો મારી સાસુએ લોક વચ્ચે કહેલું કે "અમે તો ત્રણે જણીઓએ છીનાળાની દુકાન માંડી છે. તારે ફાવે તો આવજે." આટલું જ નથી પણ પ્રત્યક્ષ ધોળે દિવસે ગામ વચ્ચે થઈ એ રાંડ એની નાની બહેન તથા એની મા ત્રણે તેના યાર મંગળીયાને ઘેર જઈ એશઆરામ કરે છે. પાનપટ્ટીઓ ખાઈને ગામમાં ફરે છે, ને સ્ટેશન પર પારસીઓને ત્યાં પણ છૂટથી જાય છે. મંગળીયાને ઘેર તો દરરોજ જાય છે, ને સાથે ખાવાની થાળ પણ લેઈને જાય છે. આ રાંડને શું કરવું ? આગળ ઉપર કાંઈક કર્યા વિના છૂટકો નથી.

ડીસેંબરમાં ક્રીસ્ટમસમાં કોંગ્રેસ ભરાઈ. દેશહિતની લાગણી કોને ન હોય ? મારા જેવા ગરીબને પણ ઇચ્છા થઈ કે તે સમારંભ જોવો તો ખરો જ. નડીયાદ પ્રતિનિધિ-રૂપે મુંબઈ ગયો અને તે સમારંભની ભવ્યતા, તે સમયે લોકોનો ઉત્સાહ, અને સર્વત્ર વ્યાપતો એકભાવ, એ જોઈ મને બહુ આનંદ થયો, અને આ ગરીબડી ભારતભૂમિ કોઈ વાર ઊભી થશે એમ આશા પેદા થતાં મારું મન બહુ પ્રસન્ન થયું. કોંગ્રેસમાં હવેથી દર પાંચ લાખે બે માણસ જ પ્રતિનિધિ મોકલવા એવી મતલબનો કાંઈ ઠરાવ થયો છે તેથી દરેક જીલ્લાવાર એક એક નાની સભા રાખવાની આવશ્યકતા છે – ખેડા અને પંચમહાલ માટે એવી સભા નિયત કરવા માટે હું એક પત્ર આ બે જીલ્લાના મુખ્ય ગૃહસ્થો તરફ મોકલવાની પેરવીમાં છું.

પાતંજલ યોગસૂત્રનું ભાષાંતર થઈ રહ્યું – હાલમાં તે છપાય છે. નાનાસાહેબને માટે જે અંગરેજી બુકનું ભાષાંતર કરવાનું તે પણ થઈ રહ્યું અને છપાઈ પણ રહ્યું. ગાયકવાડ સરકાર તરફથી કન્યાશાળાની વાચનમાળા માટે ધર્મ, નીતિ, વ્યવહાર એ ત્રણ વિષયના પાઠ લખવા મને સોપવામાં આવ્યા છે, તેના આશરે બધા મળી સાઠ પાઠ કરવાનો મેં ઠરાવ કર્યો છે, ને તે લખવાનું હાલ ચાલે છે. થીઓસોફીકલ સોસાયટીના મેનેજરનો અતિઆગ્રહ થવાથી રાજયોગની બીજી આવૃત્તિ પણ કેટલાક સુધારાવધારા સાથે છપાવા માંડી છે. કન્યાશાળા માટે જેટલું ધર્મ અને નીતિના વિષય ઉપર લખાશે તેમાંથી નીતિનો વિષય તો “સદ્ વૃત્તિ' નામે જે ગ્રંથ મારા તરફથી થાય છે તેમાંનો જ આવશે, પણ ધર્મનો વિષય સરલ અને સ્પષ્ટ સમજાય તેવી ભાષા અને તેવી દલીલથી ટૂંકામાં સારો પ્રતિપાદિત થવા લાગ્યો છે એટલે એ બાબતનું જુદું પુસ્તક “આપણો ધર્મ’’ એવા નામથી છોકરા છોકરી વગેરે માટે તથા મોટાં માણસોને માટે પણ પ્રસિદ્ધ કરવું કે જેથી શાલાઓમાં જે ધર્મશિક્ષણની મોહોટી ખોટ છે તે પૂરી પાડવાનો એક રસ્તો લીધો કહેવાય, એવો સંકલ્પ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ “ડીડક્ટીવ લોજીક” વિષે એક ગ્રંથ ઉપજાવવાનું કામ મને સોંપ્યું છે. વડોદરાની કન્યાશાળાનાં પુસ્તક તેમ આ લોજીકનો ગ્રંથ એમાંથી આશરે રૂ ૫૦૦) સુધીની પ્રાપ્તિ થવાનો પણ સંભવ છે. આ સિવાય પ્રિયંવદા ચાલતું જ છે, ને ભાવનગરથી કોઈ કોઈ વાર લેખ પણ આવે છે. આ બધા કાર્યના પ્રસંગમાં જરા ગંમત મળવા માટે નોવેલ્સ પણ વંચાયાં કરે છે.

ધર્મપ્રવૃત્તિમાં જે અભ્યાસ ચાલે છે તેમાં કેટલાક સિદ્ધાંત ર્દઢ સમજાઈ ગયા છે ને હવે ધારણાનો અતિ ઉત્તમ અભ્યાસ ચાલે છે. – જે કામ્યબુદ્ધિથી એટલે ઉપાર્જનમાં કાંઈ સિદ્ધિ થાય એવી ઈચ્છાથી સપ્તશતી આરંભી હતી બીજી શતચંડી પણ કરી, તથાપિ અવસ્થા તો સુધરવાને બદલે બગડતી જ જાય છે. એ કામ હવે પડતું મુક્યું છે. માત્ર ધારણાનો જ અભ્યાસ ચાલે છે – શરીર સારું છે. એક ધર્મસમાજ સ્થાપવાની પણ વૃત્તિ થઈ છે.

ઉપાર્જનમાં આવક કશી નથી. સરકારી નોકરી મુકી દેવાનો પ્રસંગ આવવાનો હતો જ તે આવ્યો છે ને રાજીનામું આપી ચુક્યો છું – પણ તેમાંથી એક યોગ થયો છે કે મારી સાત વર્ષની નોકરી છે તે માટે ગ્રેજ્યુઈટી મળશે. વડોદરામાં મારો નિયોગ થવાનો પ્રસંગ હજુ આવ્યો નથી – રા. મણિભાઈએ પત્ર લખી પગાર શું લેવો છે, પૂછાવ્યું હતું તેનું ઉત્તર લખ્યું છે કે આપ અને મહારાજાશ્રી નક્કી કરશો તે માટે ગ્રાહ્ય છે, પણ કાંઈ નિશ્ચય જણાયો નથી. કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગોનું પણ હજુ કાંઈ નિશ્ચયપૂર્વક જણાયું નથી. તપાસ કરતાં એમ લાગે છે કે હજુ ત્યાં જે માણસ છે તેને જવા માટે બેત્રણ માસ જેટલી વાર છે. રા. મુ. મનઃસુખરામનો પ્રયત્ન ચાલુ જ છે. જે ચોરીની બાબતમાં બાળાશંકરે ભાગ આપવાનું વચન આપેલું છે તે બાબતમાં જ્યારે હું કોંગ્રેસ માટે ગયેલો તેવામાં બાળાશંકર અત્રે આવેલો, તેને રણછોડલાલે સારી પેઠે પૂછવા માંડ્યું ત્યારે તેણે કહ્યું કે મારો બોલ મિથ્યા જવાનો નથી, ને મણિલાલને બોલાવો તો હું વાતચીત કરૂં. મને મુંબઈ કાગળ આવ્યો તેથી હું ઘણું કરી તા. ૨જી જાનેવારીએ અહીં આવ્યો. બાળાશંકર મારી પાસે આવીને જે તેણે રણછોડલાલને કહ્યું હતું તે જ કહેવા લાગ્યો; તથા વિશેષમાં બોલ્યો કે મેં મારા બનવેલી દેવશંકરને વાત કહેલી છે, ને તેમની ને મારી વચ્ચે કાંઈ વાંધો છે તે પતાવીને તારીખ પહેલી ફેબ્રુવારી પહેલાં હું તને જે પોહોચાડવું છે તે પોહોચાડીશ એમાં એણે એમ પણ વિશેષ ચર્ચા કરી કે ચોપડીમાં મારે ઉધારવા ને તારે જમે કરવા તેનું કેમ કરીશું ? એનો પણ નિકાલ આણી આપ્યો; તે પછી એણે કેટલીક મિત્રભાવની વાતો કરી, ને મને કહ્યું કે 'તારે હજાર પાંચસો જે કાંઈ જોયતું હોય તે તું માગીશ કે તુરત હાજર થશે. એમ કરવું એ મારી ફરજ છે ને હવે જ હું તને મારો સ્નેહ બતાવી શકીશ. જે ચોરી સંબંધની વાત છે તે જુદી છે, પણ આ તો મિત્રભાવે કહું છું.’ આમ વાત થઈ અમે જુદા પડ્યા હતા. પછી ફેબ્રુઆરીમાં તે અત્રે આવ્યો છે એમ મેં જાણ્યું, ને તપાસ કરી તો સલુણ રહેતો જણાયો - મને નવાઈ લાગી કે મળવા કેમ ન આવ્યો, તેથી હું મારો માણસ મોકલવાનો હતો, એટલામાં તા. ૪ ને દિવસ તે મને મળવા આવ્યો, પણ ચતુરભાઈ બેઠો હતો એટલે કહે કે હું પરમ દિવસે, એટલે આજ, ફરી આવીશ. હવે જોઈએ શું થાય છે.

તા. ક. ઉપરની હકીકત લખ્યા પછી મને કેટલીક ખબર મળી જેથી ઘણા દિવસથી ચાલતી તપાસ કાંઈ અંશે સકારણ લાગવાથી અત્રે નોંધવા યોગ્ય લાગી. પેલી રાંડ અતિ વ્યભિચારિણી થઈ છે એ તો છે જ, પણ એણે તેના પાપનું ફલ પણ પેદા કર્યું હશે તેથી તેમાંથી મુક્ત થવા અતિ મહા પાપ કર્યું, ગર્ભ રહેલો હતો તે પાડ્યો. રહેમત નામની એક તરકડી જે તે લોકોની અતિ જૂના વખતથી મિત્ર છે તેણે તે કર્યું અને તાવ આવે છે એવા મંદવાડનો ઢોંગ કરી રાંડ પાંચ સાત દિવસ પડી રહી. ખારી પોળમાં એક કણબણ રહે છે તેની તપાસ કરતાં એ વાત ખરી હોવાનો ઘણો સંભવ લાગ્યો. અને આખી નાતમાં તથા એ રાંડના પડોશીમાં તો એ વાત નિશ્ચયપૂર્વક ચર્ચાય જ છે.