આત્મવૃત્તાંત/પત્નીનું તોફાન

વિકિસ્રોતમાંથી
← ચોરીની તપાસ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
પત્નીનું તોફાન
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ધર્મ સંબંધી પાઠો →


૧૭.પત્નીનું તોફાન


તા. ૨૧-૨-૯૦
નડીઆદ
 

તા. ૭મી શુક્રવારે સાંજે હું અને સાંકળાભાઈ ફરવા જતા હતા એવામાં અમે મારી સ્ત્રીને બે કોળણો સાથે તોફાન કરતી ભાડભુંજાની દુકાને સેવો મમરા લઈને ફાકતી ઉભેલી દીઠી. મનમાં ઘણા વખતનો સંકલ્પ હતો તે અમલમાં મુકવાનો લાગ જોઈ મેં તેને પકડી પાડી અને મારે ઘેર આણી. આણીને જરા, કબજાથી રાખી, પણ તેને એક ટપલી સરખી તે જેટલા દિવસ રહી તેટલામાં મારી નથી, કે જરા પણ સખ્તાઈ તેના પર કરી નથી. ખાવા પીવા સારી રીતે આપી, તેને મેં, મારી માએ તથા સર્વેએ એમ અસર કરવા પ્રયત્ન કર્યો કે તારો અમારે બહુ ખપ છે, તું જ બધાની માલીક છે, ને તારે હવેથી અહીં રહેવું, અમે તારી બધી વાત ભુલી ગયાં છીએ. આમ કરવામાં અમારી મતલબ બે હતી. એક તો એ કે રાંડ જો અહીંયાં પગ વાળીને રહે તો અમારે માણસની બહુ જરૂર છે તેમાં નીરાંત થાય, ને ગામમાં તેની બદચાલથી જે ફજેતી થાય છે તે માટે ને બીજી એ કે ધીમે ધીમે રાજી થઈ જે ચોરીનો માલ એ રાંડને કબજે છે તે બતાવે. પણ એ રાંડે અમને ઉલટાં છેતર્યાં. મેં પોતે તો એ રાંડને ખુશી રાખવાનો પ્રયત્ન કરવામાં બાકી રાખી નથી. રાતે સુવા માટે મારા જુદા મકાનમાં એને લેઈ જતો અને હું તથા મારો નોકર ત્યાં એ રાંડને સુવાડી સુતાં. રાંડને એકાંતમાં હું બહુ બહુ રીતે રાજી કરવા પ્રયત્ન કરતો અને તેની જોડે મને અતિ અપ્રિય એવો સંબંધ પણ મેં કરવો વાજબી ધાર્યો. રાંડે હજારો વાતો મને કહી, અને અનેક સોગન ખાઈ પ્રતિજ્ઞા કરી કે “મારાથી આજ લગી બહુ બદચાલ ચલાઈ છે. મેં મારી જવાની રખડવામાં બગાડી છે. મંગળીએ મને રાખી છે. હું હવે એ બધું ભુલી જઈશ, ને તમને જ રાજી રાખવામાં મારો વખત કાઢીશ – બધું ઘરેણું એ મંગળીઆ પાસે છે, મને એના સગા હરીભાઈએ ખબર કહેલી છે, ને એ વાત કહેશો તો હું ગમે તે ઠેકાણે પણ કહીશ. તમારી ઘુઘરીએ ઘુઘરી ગમે તેમ કરીને હું લાવીશ. મારી જોડે એ મંગળીઆને નાસી જવું છે, તેથી ઘરેણું એણે સાચવી રાખ્યું છે, માટે હું એને છેતરીને ઘરેણું લાવીશ – મારાં માબાપ તો મારે વશ છે. મેં તેમને ઘોડ[? ડા]ની જીભ ખવરાવેલી છે. હવે હું બહુ પાકી થઈ છું. મારી બેનને કલ્યાણીઆ પોલીસે રાખેલી છે ને કલ્યાણીઆની બાયડીને મારા ભાઈએ રાખી છે. એ બધાં મારે વશ છે.” આવી આવી હકીકત રાંડે બેત્રણ દિવસ રાતે રાતે મને કહી એટલું જ નહિ પણ ઘરમાં મારાં માતુશ્રીને, રા. રણછોડલાલ મનસુખરામને, મારા ગુમાસ્તાને, ડાહીબાઈને, ઘણાંકને કહી. મારે ઘેર આવી વ્યવસ્થા ચાલતી હતી. પણ એ રાંડને ઘેર જુદી જ ગરબડ મચી હતી. એની મા, એનો બાપ, એનો ભાઈ, અને મંગળીઓ જેણે એ રાંડના ભાઈ ઉપર લહેણાનો દાવો કરેલો છે છતાં જેને આ પ્રસંગે એ લુચ્ચાઓએ મદદમાં બોલાવ્યો હતો, એ સર્વએ અનેક ગરબડો કરવા માંડી – તેમને મોહોટી ચિંતા એ હતી કે જો એ રાંડ ચોરીની વાત કબુલ કરશે તો આપણે મરી જઈશું. આ ઉપરથી તેમણે રવિવાર તા. ૯ની સવારમાં અંબાલાલ વૈદ તથા કોર્ટના કારકુન મગનલાલને મારી પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે “તમે એ સ્ત્રીને જરાવાર મળવા માટે પણ અમારે ઘેર મોકલો. નહિ તો ભારે તોફાન થશે.” આ વગેરે બાબત તેવી જ મતલબની સાંભળી મેં સાફ ના પાડી. પછી સાંજે આશરે આઠ વાગતે મારો સાળો, સસરો તથા ચારપાંચ લુચ્ચાઓ અને બદમાશો (અમથો વૈદ, છોટો ચોર, માધવા રણછોડ, માધવા કેશવ લાવણીવાળો વગેરે) ટોળું થઈને મારા ઘર આગળ આવ્યા - મને પ્રથમથી ચેતવણી મળેલી હતી એટલે હું અને ચતુરભાઈ મારી બેઠકમાં બેઠા હતા, પણ એ લોકો તો ગુપચુપ મારા જુના ઘર આગળનાં બારણાં ઠોકવા લાગ્યા ને કહે કે “ઉઘાડો”. અંદર સાંકળ હતી, એટલે અંદરથી “કોણ છે” એમ પૂછવામાં આવ્યું, પણ એ લોકોએ તો બહુ ઠોકાઠોક માંડી ને કહે કે કોણ છે તેનું શું કામ છે, બારણું એકદમ ઉઘાડો. ગરબડાટ અમે સાંભળ્યો કે તુરત નીચે ગયા, એટલે એ બદમાશો અમારી સામા આવ્યા ને હોકારા ટુંકારા કરવા લાગ્યા, તથા હાથમાં લાકડીઓ લાવેલા તે સંભાળવા લાગ્યા. પણ મારા પડોશી તથા રસ્તાના લોક ભેગા થઈ ગયા. હું માત્ર એટલું જ બોલ્યો કે આમ કરવાથી કાંઈ વળવાનું નથી, તમારી બહેન તમને મળવાની નથી, તમારે ફાવે તે કરી લો. ને એમ કહીને ઘરમાં ગયો. તથા એ લોકો ઘણુંક તોફાન બે કલાક સુધી કરી થાકીને ઘેર ગયા. સોમવારે સવારે તે લોકોએ માજીસ્ત્રેટ રાવસાહેબ માધવરામ હરિનારાયણને અરજી આપી કે અમારી દીકરીને બળાત્કારથી તેનો ધણી પકડી ગયો છે ને ગેરકાયદેસર કેદ રાખે છે, તથા મારીને ગુનો કબુલ કરાવે છે. એ વાત મારા જાણવામાં ન હતી, પણ મેં પોતે પણ માજીસ્ત્રેટને એક ચીઠી લખી હતી કે આવું આવું તોફાન બદમાશોએ મારા ઘર આગળ કર્યું હતું તેવું હવેથી ન થાય તે માટે આપ પોલીસને ચેતવણી આપશો. માજીસ્ત્રેટ આ ચીઠીને લીધે વાકેફ થયેલા હતા એટલે તેમણે અરજી આવતાંની સાથે જ અરજદારોને બહુ બહુ રીતે સમજુત આપી અને તેમની છોકરી જેને કદી સાસરે જવાની આશા ન હતી તેને જવાવારો આવ્યો છે તે બહુ સારી વાત છે એમ સમજાવી અરજી કાઢી નાખી. આ હકીકત મને માજીસ્ત્રેટે પોતે જ તા. ૨૦મીની સવારમાં કહી હતી. એ રાંડને કેદ કરી નથી, તથા મારી કે મારતા નથી, એ વાતની સાબીતી માટે તા. ૭-૮-૯-૧૦ બધા દિવસ મારે ઘેર હરદમ માણસો આવતાં હતાં તે સાક્ષી છે, એટલું જ નહિ પણ એવામાં જ મારા પિતાનો માશિયો હતો તે વખતે પણ આશરે ત્રીસેક માણસ પ્રત્યક્ષ કે રાંડની સ્થિતિ જોનારા હતા. ગામના સરકારી દાક્તર રામસિંગને બોલાવી ચાર આબરૂદાર ગૃહસ્થોની રૂબરૂ પણ મેં રાંડને ખડી કરી હતી કે તેઓ માર્યાનું કે ભુખે માર્યાનું નક્કી કરી શકે. વળી એ રાંડને અમે બીજું પણ કહ્યું હતું કે તને અહીં જો તારી સાસુની અડચણ હોય તો નવા ઘરમાં જુદી રહે, ત્યાં રોટલો ખા, પણ તોફાન જવા દે – આવા ઈરાદાથી રણછોડલાલવાળી ઓરડી રસોડું કરવા માટે ખાલી પણ કરાવી, ને ડાહી, રણછોડલાલ, હું, મારાં માતુશ્રી સર્વે એ વાત કહેતાં હતાં પણ રાંડ સ્પષ્ટ ના પાડતી હતી.

આ પ્રમાણે હકીકત ચાલતી હતી. એવામાં ઘણું કરીને તા. ૧૧મીએ - બપોરે એ રાંડ મારા જુના ઘરના પાછળના બારણા તરફ ગઈ, અને ત્યાં જે તાળુ, એ રાંડ હોય ત્યારે અથવા ન હોય ત્યારે પણ હંમેશાં રહે છે તેને તોડી નાખી નાશી ગઈ. ગામમાં હાહાકાર થઈ ગયો, ને છીનાળ કોઈ દિવસ ઘર ન માંડે એ વાતની સર્વને ખાતરી થઈ. હવેથી એ રાંડને કોઈ દિવસ મારો સ્પર્શ થવાનો નથી, એ રાંડનો પડછાયો પણ મારા ઉપર જોયતો નથી. મારૂં જે છેલ્લામાં છેલ્લું કર્તવ્ય હતું તે મેં કર્યું: તે કરવામાં મને કેટલો ખેદ થયો હશે, મારે કેટલી અમર્યાદા કરવી પડશે, મારા મનને શું થયું હશે, તે જુદી વાત છે, પણ મેં એક ઉખડી ગયેલી છીનાળ વેશ્યા ખુલ્લી રીતે પોતાનો વ્યભિચાર અને વટલાઈ જવું કબુલ કરે છે તેને ચોટલો પકડી મારે ઘેર આણી, જરા પણ દુઃખ ન દેતાં માફી બક્ષી રાખી, બલ્કે જુદું રહેઠાણ અને અન્નવસ્ત્ર આપવા પણ કહ્યું – છતાં નાશી ગઈ; તો તે વેશ્યાને હવે કોઈ પણ – ઈશ્વર, સરકાર, કે લોક મારી સ્ત્રી તરીકેનો હક અપાવી શકનાર નથી. તેને મારા અનેક શાપ, તેના જન્મોજન્મ તેની પાછળ લાગુ રહેજો ને તેનો પક્ષ કરનાર પણ સુખી ન થશો.

એ વાત થઈ ગઈ. શિવરાત્રી ઉપર વડોદરે જવું થયું હતું. બાવાભાઈ વૈદ્ય ત્યાં હતા. તે શ્રીઉપાસક છે. એટલે તેમની પાસેથી શ્રીનો ઉપદેશ લેવો તથા શ્રીયંત્રની પ્રતિષ્ઠા કરાવવી એમ હેતુ હતો. ત્યાં જઈ તેમને મળ્યો પણ તેમની નજરમાં એમ આવ્યું કે હાલમાં બાલાનો ઉપદેશ આપવો. પછી શ્રીનો. બાલાનો ઉપદેશ લઈ ઘેર આવ્યો. એમની પ્રતિષ્ઠા પણ શ્રીના ઉપદેશ વખતે થવા ઉપર મુલતવી રહી.

નડીયાદ આવી કોંગ્રેસ બાબતની તાલુકા અને ઝીલા કમિટિઓ સ્થાપવાનો પ્રયત્ન આરંભ્યો, તેમ ધર્મ માટે એક સમાજ સ્થાપવાનો પણ સંકલ્પ કરવા માંડ્યો. પંજાબ યુનિવર્સીટી તરફથી એવું પત્ર આવ્યું કે આ વર્ષ સંસ્કૃત પરીક્ષક થશો ? તે સ્વીકાર્યું. નડીયાદમાં પ્રદર્શન હતું. તે ઉપર રા. મનઃસુખરામભાઈ આવ્યા હતા તેમણે કહ્યું કે કચ્છથી રા. મોતીલાલનું પત્ર આવ્યું છે કે મણિલાલને માટે બીજો કશો યોગ થઈ શકતો નથી, પણ ખાનગી ખાતેથી તમે કહો તે પગાર આપી મુંબઈમાં ફુટકળ કામ ખાતે રાખીએ. – આ વાત મને પસંદ પડી નહિ, તેમ મને ખેદ પણ અતુલ થયો, જોઉં છું શું થાય છે? બાકી પૈસાના ગેરૂમાં કાંઈ લેવા જવું પડવાનું નથી.