આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૧. શરીર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રાસ્તાવિક આરોગ્યની ચાવી
૧. શરીર
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. હવા →


આરોગ્યની ચાવી

ભાગ પહેલો

૧. શરીર

૨૮-૮-'૪૨

શરીરનો પરિચય કરીએ તે પહેલાં આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્યાધિરહિત છે, જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે રોજદશ-બાર માઈલ ચાલી શકે છે, સામાન્ય મજૂરી થાક વિના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઈન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્લ શરીરનો કે અતિશય દોડનાર કૂદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધારણ બળ બતાવનરાં રોગગ્રસ્ત હોઈ શકે છે. એવા શરીરનો વિકાસ એકાંગી કહેવાય.

ઉપરોક્ત આરોગ્ય જે શરીરને સાધવું છે તે શરીરનો અમુક અંશે પરિચય આવશ્યક છે.

પૂર્વે કેવી તાલીમ લેવાતી હશે એ દૈવ જાણે; સંશોધકો કઈંક જાણે. આજની તાલીમનું જ્ઞાન આપણને બધાંને થોડુંઘણું છે જ. આ તાલીમને આપણા રોજના જીવન સાથે કંઈ જ સંબંધ નથી હોતો. શરીર જેનો આપણને સદાય ઉપયોગ છે, તેનું જ્ઞાન આપણને એ તાલીમ વાટે નહીં જેવું જ મળે છે. તેમજ આપણા ગામનું, આપણાં ખેતરનું જ્ઞાન પણ દુનિયાની ભૂગોળનું જ્ઞાન આપણે પોપટની જેમ પામીએ છીએ. એનો ઉપયોગ નથી એમ કહેવાનો અહીં આશય નથી. પણ બધી વસ્તુ પોતાને સ્થાને શોભે. શરીરનું, ઘરનું, ગામનું ગામના સીમાડાનું, ગામના ખેતરોની વનસ્પતિનું, તેના ઈતિહાસનું જ્ઞાન સારું હોવું જોઈએ. તેના પાયા ઉપર રચાયેલું બીજું જ્ઞાન આપણને કામ આપી શકે છે.

શરીર પંચ-મહાભૂતોનું બનેલું છે, તેથી જ એક કવિતામાં ગાયું છે:

૨૯-૮-'૪૨

પૃથ્વી, પાણી, આકાશ તેજ ને વાયુ,
એ પંચ તત્ત્વોનો ખેલ જગત કહેવાયું

શરીરનો વ્યવહાર દશ ઈન્દ્રિયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઈંદ્રિયોમાં પાંચ કર્મેન્દ્રિય છે ને પાંચ જ્ઞાનેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિ તે હાથ, પગ, મોં, જનનેન્દ્રિય અને ગુદા. જ્ઞાનેન્દ્રિય તે સ્પર્શ કરનારી ત્વચા, જોનારી આંખ, આંભળનારા કાન, વાસ ઓળખનારું નાક, અને સ્વાદ કે રસ ઓળખનારી જીભ. મન વડે આપણે વિચાર કરીએ છીએ. કોઈ મનને અગિયારમી ઈન્દ્રિય તરીકે ઓળખાવે છે. આ ઈન્દ્રિયોનો વ્યવહાર સંપૂર્ણ ચાલતો હોય ત્યારે મનુષ્ય આરોગ્ય ભોગવે છે એમ કહેવાય. એવું આરોગ્ય કોઈકને જ સાંપડતું જોવામાં આવે છે. શરીરની અંદર રહેલા વિભાગો આપણને આશ્ચર્યચકિત કરે છે. શરીર જગતનો એક નાનકડો પણ આબાદ નમૂનો છે. જે તેમાં નથી તે જગતમાં નથી. જે જગતમાં છે તે શરીરમાં છે. તેથી 'यथा पिंड ब्रह्मांडे' મહાવાક્ય નીકળ્યું છે. એટલે જો આપણે શરીરને પૂર્ણ રીતે ઓળખી શકીએ તો જગતને ઓળખીએ છીએ એમ કહેવાય. પણ એવી ઓળખ દાક્તરો, વૈદ્યો, હકીમો સુદ્ધાં નથી પામી શક્યા, તો આપણે સામન્ય પ્રાણી ક્યાંથી જ પામીએ? હજુ લગી કોઈ હથિયાર નથી શોધાયું કે જે મનને ઓળખે. તજ્જ્ઞો શરીરની અંદર ને બહાર જે ક્રિયાઓ ચાલે છે તેનું આકર્ષક વર્ણન આપી શકે છે, પણ ક્રિયાઓ કેમ ચાલે છે એ બતાવી નથી શક્યા. મોત શા સારુ આવે છે એ કોણે જાણ્યું? ક્યારે આવશે એ કોણ કહી શક્યું છે? અર્થાત્ મનુષ્યે ઘણું વાંચ્યું, વિચાર્યું, અનુભવ્યું, પણ પરિણામે તેને પોતાના અલ્પજ્ઞાનનું જ વધારે ભાન થયું છે.

શરીરની અંદર જે અદ્ભુત ક્રિયાઓ ચાલે છે તેની ઉપર ઈંન્દ્રિયોની સુખાકારીનો આધાર છે. શરીરમાં રહેલાં બધાં અંગો નિયમનમાં રહે તો વ્યવહાર સુંદર ચાલે એક પણ અંગ અટકે તો ગાડી અટકી પડે. તેમાંય હોજરી પોતાનું કામ બરોબર ન કરે તો તો શરીર ઢીલું થઈ જાય છે. તેથી અપચા કે બંધકોષને જે અવગણે છે તે શરીરના ધર્મ નથી જાણતા. અનેક રોગો એમાંથી ઉત્પન્ન થાય છે.

હવે શરીરનો ઉપયોગ શો છે તે વિચારીએ.

૩૦-૮-'૪૨

હરેક વસ્તુનો સદુપયોગ કે દુરુપયોગ હોઈ શકે છે. આ નિયમ શરીરને વિશે પણ લાગુ પડે છે. શરીર સ્વાર્થ કે સ્વચ્છંદને સારુ કે બીજાનું બગાડવા સારુ વપરાય તો તેનો દુરુપયોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધાય, તો તેનો સદુપયોગ થયો. મનુષ્ય શરીરને જો આપણે, આત્મા જે પરમાત્માનો અંશ છે, તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહેવાનું મંદિર બને છે.

શરીરને મળમૂત્રની ખાણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક રીતે વિચારતાં તેમાં જરાય અતિશયોક્તિ નથી. જો શરીરની એ જ ઓળખ હોય તો તેનું જતન કરવામાં કશો અર્થ નથી. પણ જુદી રીતે ઓળખીએ, તેને મળ મૂત્રની ખાણ કહેવાને બદલે તેમાં કુદરતે મળમૂત્રાદિને કાઢનારા નળો પણ મૂક્યા છે એમ સમજીએ, તો તેને સારું રાખીને તેને સાચવવાનો ધર્મ પેદા થાય છે. હીરાના કે સોનાની ખાણમાં જુઓ તો તે ખરે જ માટીની ખાણ છે, પણ તેમાં સોનું કે હીરા છે એ જ્ઞાન માણસની પાસે કરોડો રૂપિય ખરચાવે છે ને તેની પાછળ અનેક શાસ્ત્રજ્ઞોની બુદ્ધિ કામ કરે છે. તો આત્માના મંદિરરૂપ શરીરને સારુ શું ન કરીએ? આ જગતમાં જન્મ પામીએ છીએ તે જગતનું લેણ ચૂકવવા સારુ, એટલે તેની સેવા કરવા સારુ. એ દ્રષ્ટિએ જોતાં મનુષ્યે પોતાના શરીરના સંરક્ષક બનવાનું છે. એનું તેણે એવી રીતે જતન કરવું જોઈએ કે જેથી સેવાધર્મના પાલનમાં સંપૂર્ણ કામ આપી શકે.