લખાણ પર જાઓ

આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૨. હવા

વિકિસ્રોતમાંથી
← ૧. શરીર આરોગ્યની ચાવી
૨. હવા
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. પાણી →


૨. હવા

શરીરને સૌથી અગત્યની વસ્તુ હવા છે. તેથી જ કુદરતે હવાને વ્યાપક બનાવી છે. એ આપણને વગર પ્રયત્ને મળી રહે છે.

૩૧-૮-'૪૨

હવા આપણે નસકોરાં વડે ફેફસાંમાં ભરીએ છીએ. ફેંફસા ધમણનું કામ કરે છે. તે હવા લે છે ને કાઢે છે. બહાર રહેલી હવામાં પ્રાણવાયુ હોય છે. તે ન મળે તો મનુષ્ય જીવી ન શકે. જે વાયુ બહાર કાઢીએ છીએ એ ઝેરી હોય છે. તે જો તુરત આસપાસ ફેલાઈ ન જાય તો આપણે મરી જઈએ. તેટલા સારુ ઘર એવાં હોવાં જોઈએ કે તેમાં હવાની આવજા છૂટથી થયા કરે.

પણ આપણને હવાને ફેંફસામાં ભરતાં ને કાઢતાં બરોબર આવડતું નથી. તેથી જોઈએ એવી રક્તની શુદ્ધિ થતી નથી કેમકે હવાનું કામ રક્તની શુદ્ધિ કરવાનું હોય છે. કેટલાક તો મોઢેથી હવા લે છે. આ ખરાબ ટેવ છે. નાકમાં કુદરતે એક જાતની ચાળણી રાખી છે, જેથી હવામાં રહેલી નકામી વસ્તુઓ અંદર જવા નથી પામતી, તેમ જ તે ગરમ થાય છે. મોંથી લેતાં હવા સાફ થઈન અંદર નથી જતી ને ગરમ પણ નથી થતી. તેથી દરેક માણસે પ્રાણાયમ શીખી લેવાની જરૂર છે. એ ક્રિયા સહેલી તેટલી આવશ્યક છે, પ્રાણયમના જુદા જુદા પ્રકરો હોય છે, તે બધામાં પડવાની જરૂર હું નથી માનતો. તેમાં ફાયદો નથી એમ કહેવાની મતલબ નથી. પણ જે માણસનું જીવન નિયમ બદ્ધ ચાલે છે, અને તેની બધી ક્રિયા સહજરૂપે ચાલે છે, અને તેમાં જે લાભ છે તે અનેક પ્રક્રિયાઓ બતાવવામાં આવે છે તેમાંથી નથી મળતો.

હાલતાં, ચાલતાં, સૂતાં માણસે મોઢું બંધ રાખવું એટલે સહેજે નાક પોતાનું કામ કરશે જ. જેમ સવારના આપણે મોં સાફ કરી છીએ, તેમ જ નાક પણ સાફ કરવું જોઈએ. નાકમાં મેલ હોય તો તે કાઢી નાખવો. તેને સારુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ સાફ પાણી છે. જેનાથી ઠંડું સહન ન થાય તે નવશેકું કરીને લે. હાથ વતી કે એક કટોરા વતી પાણી નાકમાં ચડાવી શકાય છે એક નસકોરા વાટે ચડાવી બીજા વાટે કાઢી શકાય. નાકથી પાણી પી પણ શકાય છે.

હવા ચોખ્ખી જ લેવાની જરૂર છે. તેથી રાતના આકાશ નીચે અથવા ઓસરીમાં સૂવાની ટેવ પાડવી એ સારું છે. હવાથી શરદી લાગી જવાનો ડર ન રાખવો. ટાઢ વાય તો બરાબર ઓઢવું. નાક વાટે બહારની તાજી હવા રાતના પણ મળવી જ જોઈએ. મોઢું ઢાંકવાથી માણસો ગૂંગળાઈને મરી જાય છે. તેથી ઓઢવાનું ગળાની ઉપર ન જાય એમ સૂવું. માથે ઠંડી લાગે તે સહન ન થાય તો માથું એક રૂમાલ વડે ઢાંકવું.

સૂતી વખતે દિવસે પહેરેલાં કપડાં ન વાપરતાં બીજાં ને ઓછામાં ઓછાં વાપરવાં. લંગોટી માત્રથી કામ સરે છે. રાતના શરીરને આપણે ઢાંકીએ છીએ એટલે શરીરને આપણે ઢાંકીએ છીએ એટલે શરીર જેટલું મોકળું રખાય તેટલો તેટલો ફાયદો જ છે. દિવસના કપડાં પણ જેટલાં મોકળાં હોય તેમ સારું.

આપણી આસપાસેની હવા ચોખ્ખી જ હોય છે એમ નથી હોતું. બધી હવા એકસરખી હોય છે એમ પણ નથી હોતું. પ્રદેશે પ્રદેશે હવા બદલાય છે. પ્રદેશની પસંદગી આપણા હાથમાં નથી હોતી. પણ જે પ્રદેશમાં રહેવાનું થાય ત્યાં તો પસંદગીનો થોડો ઘણો અવકાશ હોય છે, હોવો જોઈએ. સામાન્ય નિયમ આમ મૂકી શકાય: જ્યાં બહુ ભીડ ન હોય, આસપાસ ગંદકી ન હોય, ત્યાં હવાઅજવાળાં બરોબર મળી શકે એવું ઘર શોધવું.