આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૩. પાણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨. હવા આરોગ્યની ચાવી
૩. પાણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૪. ખોરાક →


૩. પાણી

૧-૯-'૪૨

શરીરને ટકાવવામાં હવાથી બીજો દરજ્જો પાણીનો છે. હવા વિના માણસ થોડી ક્ષણ જ જીવી શકે છે. પાણી વિના કેટલાક દિવસ કાઢી શકાય. પાણીની બહુ જરૂરિયાત હોવાથી કુદરતે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પુરું પાડ્યું છે. પાણી વિનાની મરુભૂમિમાં માણસ વસી શકતો જ નથી, જેથી સહરાના રણ જેવા પ્રદેશમાં કંઈ વસ્તી જોવામાં નથી આવતી.

દરેક માણસે આરોગ્ય જાળવવાને સારુ પાંચ રતલ પાણી પેટમાં જાય તેટલું પ્રવાહી લેવું જોઈએ. પાણી સ્વચ્છ હોવું જોઈએ. ઘણે ઠેકાણે પાણી સ્વચ્છ હોતું નથી. કૂવાનું પાણી પીવામાં જોખમ હોય છે. છીછરા કૂવા કે વાવ જેમાં માણસ ઉતરી શકે છે તેનું પાણી પીવા લાયક નથી હોતું. દુઃખની વાત એ છે કે, પાણી પીવા લાયક છે કે નહીં એ આંખ હંમેશા બતાવી નહીં શકે, સ્વાદ પણ નહીં બતાવી શકે. નજરને અને સ્વાદને શુદ્ધ લાગતું પાણી પીવામાં ઝેરરૂપ હોઈ શકે. તેથી અજાણ્યા કૂવાનું કે અજાણ્યા ઘરનું પાણી ન પીવાની પ્રથા અનુસરવા જેવી છે. બંગાળમાં તળાવો હોય છે તેનાં પાણી ઘણી વેળા પીવા લાયક નથી હોતાં. મોટી નદીઓનાં પાણી પણ જ્યાં સ્ટીમરો ને વહાણોની આવજા હોય છે ત્યાં પીવા લાયક નથી હોતાં. આમ છતાં કરોડો માણસો આવાં પાણીને પીને ગુજારો કરે છે એ સાવ સાચી વાત છે, છતાં અનુસરવા લાયક ન જ ગણાય. કુદરતે જીવન શક્તિ બહોળા પ્રમાણમાં ન આપી હોત તો મનુષ્ય જે છૂટો લે છે તેથી તેનો ક્યારનો લોપ થઈ ગયો હોત. આપણે તો અહીં પાણીનો આરોગ્ય સાથેનો સંબંધ તપાસીએ છીએ. જ્યાં પાણીના શુદ્ધપણા વિશે શંકા હોય ત્યાંનું પાણી ઉકાળીને પીવું જોઈએ. આનો અર્થ એ થયો કે, માણસે પોતાને પીવાનું પાણી સાથે લઈને ફરવું જોઈએ. અસંખ્ય માણસો ધર્મને નામે મુસાફરીમાં પાણી નથી પીતા. અજ્ઞાની માણસો જે ધર્મના નામે કરે છે તે આરોગ્યના નિયમો જાણનાર આરોગ્યને ખાતર કાં ન કરે? પાણીને ગાળવાની પ્રથા વખાણવા લાયક છે. એથી પાણીમાંનો કચરો નીકળી જાય છે. પાણીમાંના સૂક્ષ્મ જંતુઓ તો નથી નીકળતાં. એનો નાશ કરવા સારુ પાણી ઉકાળ્યે જ છૂટકો. ગળણું હંમેશા સાફ હોવું જોઈએ. એમાં કાણાં ન હોવા જોઈએ.