આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૬. ચા, કૉફી, કોકો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૫. મસાલા આરોગ્યની ચાવી
૬. ચા, કૉફી, કોકો
મોહનદાસ કરમચંદ ગાંધી
૭. માદક પદાર્થો →


૬. ચા, કૉફી, કોકો

આ ત્રણેમાંથી એકેય ચીજની શરીરને જરૂર નથી. ચાનો ફેલાવો ચીનમાંથી થયો કહેવાય છે. ચીનમાં તેનો ખાસ ઉપયોગ છે. ચીનમાં પાણી ઘણાંખરાં ચોખ્ખાં નથી હોતાં. પાણી ઉકાળેલું પિવાય તો પાણીમાં રહેલો બગાડ દૂર કરી શકાય. કોઈ ચતુર ચીનાએ ચા નામનું ઘાસ શોધી કાઢ્યું. તે ધાસ બહુ થોડા પ્રમાણમાં ઊકળતા પાણીમાં નખાય તો તે પાણીને સોનેરી રંગ આવે છે. જો એ રંગ પાણી પકડે તો તે ઊકાળેલું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. એમ સાંભળ્યું છે કે, ચીનમાં લોકો આવી રીતે ચા ના ઘાસ વતી પાણીની પરીક્ષા કરે છે ને એજ પાણી પીએ છે. ચાની બીજી ખાસિયત એ છે કે, ચામાં એક જાતની ખુશબો રહેલી છે. ઉપર પ્રમાણે બનેલી ચા નિર્દોષ ગણાય. આવી ચા બનાવવાની આ રીત છે: એક ચમચી ચા એક ગળણીમાં નાખવી. એને કીટલી ઉપર્ મૂકવી.ગળણી ઉપર ઉકળતું પાણી ધીમે રેડવું. કીટલીમાં જે પાણી ઉતરે છે તેનો રંગ સોનેરી હોય તો જાણ્વું કે પાણી ખરેખર ઉકળ્યું છે.

૧૦-૯-'૪૨

જે ચા સામાન્યત: પિવાય છે તેમાં કંઈ ગુણ તો જાણ્યો નથી, પણ તેમાં એક મોટો દોષ રહેલો છે. તેમાં ટૅનિન રહેલું છે. ટૅનિન એ પદાર્થ છે જે ચામડાંને સખત કરવા સારુ વાપરવામાં આવે છે. એજ કામ ટૅનિનવાળી ચા હોજરીને વિશે કરે છે. હોજરીને ટૅનિન ચડે એટલે તેની ખોરાકને પચાવવાની શક્તિ ઓછી થાય છે. એથી અપચો ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે કે, ઇંગ્લંડમાં અસંખ્ય ઓરતો આવી જલદ ચાની આદતથી અનેક રોગોનો ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નિયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ચીની (ખાંડ) પડે છે ને થોડું દૂધ એ કદાચ એના ગુણમાં ગણી શકાય. એજ અર્થ સારા દૂધમાં શુદ્ધ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ચીની (ખાંડ) અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઊકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણું બને છે.

જે ચાને વિશે કહ્યું તે કૉફીને વિશે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. એને વિશે તો કહેવત છે કે

કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;
લોહૂકા પાની કરે, દો ગુન અવગુન તીન.

એમાં કેટલું તથ્ય છે તે હું નથી જાણતો.

૭-૧૦-'૪૨

જે અભિપ્રાય મેં ચા કૉફી વિશે આપ્યો છે તે જ કોકો વિશે છે. જેની હોજરી નિયમસર ચાલે છે તેને ચા, કૉફી, કોકોની મદદની જરૂર રહેતી નથી. સામાન્ય ખોરાકમાંથી તંદુરસ્ત મનુષ્યો બધો સંતોષ મેળવી શકે છે, એમ હું બહોળા અનુભવથી કહી શકું છું. મેં મજકૂર ત્રણે વસ્તુનું સારી પેઠે સેવન કર્યું છે. જ્યારે આવસ્તુઓ લેતો ત્યારે મને કંઈક ઉપદ્રવ તો રહ્યા જ કરતો. એ વસ્તુઓના ત્યાગથી મેં કશું ખોયું નથી અને ઘણું મેળવ્યું છે. જે સ્વાદ ચા ઈત્યાદિમાંથી મેળવતો તેના કરતાં અધિક સામાન્ય ભાજીઓના ઉકાળામાંથી મેળવું છું.