આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૭. માદક પદાર્થો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬. ચા, કૉફી, કોકો આરોગ્યની ચાવી
૭. માદક પદાર્થો
મોહનદાસ કરમચંદ ગાંધી
૮. અફીણ →


૭. માદક પદાર્થો

૮-૧૦-'૪૨

માદક પદાર્થોમાં હિંદુસ્તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મ્દિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને 'એરક' (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઈ પાર નથી. આ બધા સર્વથા ત્યાજ્ય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઈ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાંને ખુવાર કર્યાં છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.

એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. મને એ દલીલમાં કંઈ વજૂદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલોનો સ્વીકાર કરીએ તો પણ અનેક માણસો જે મર્યાદામાં રહી જ નથી શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.

તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદક્તા છે ખરી, પણ તાડીએ ખોરાક છે અને સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યું છે. પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઈ છે તે ઉપરથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરૂર નથી. ૯-૧૦-'૪૨

જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજૂરીના રસમાંથી બને છે. ખજૂરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધ રૂપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર એવી અસર મેં નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારમાં પી લે તો તેને બીજું કંઈ પીવા કે ખાવાની જરૂર ન રહેવી જોઈએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહુ સરસ ગોળ પેદા થાય છે. ખજૂરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઊગે છે. તે બધાંમાંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તુરત પિવાય તો કંઈ જોખમ ન વહોરવું પડે. તેમાં માદક્તા જલદી પેદા થઈ જાય છે. એટલે જ્યાં તેનો વપરાશ તુરત ન થઈ શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીનાં ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધુ માત્રામાં તે ખાઈ શકાય છે. ગ્રામ ઉદ્યોગ સંધની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમણમાં થવો જોઈએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવે, તો હિંદુસ્તાનમાં ગોળખાંડની તૂટ આવે જ નહીં, અને ગરીબોને સસ્તેભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ ક્ષારો વિનાની સાકર સમજવી. ખોરાક જે તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.

તાડીનું વર્ણન કરતાં સહેજે મારે નીરાનો ઉલ્લેખ કરવો પડ્યો ને તેને અંગે ગોળનો. પણ શરબ વિશે હજુ કહેવાનું બાકી રહે છે.

શરાબથી થતી બદીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જાહેર કામ કરનારા સેવકોમાંના કોઈને થયેલો મારી જાણમાં નથી. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટ (અર્ધ ગુલામી)માં જતા હિંદીઓમાંના ઘણાને શરાબ પીવાની આદત પડેલી હોય છે. ત્યાંના કાયદા પ્રમાણે હિંદીથી શરાબ ઘેર ન લઈ જવાય. પીવો હોય તેટલો પીઠા ઉપર જઈને પીએ. બૈરાંઓ પણ તેનો ભોગ થયેલાં હોય છે. તેઓની જે દશા મેં જોઈ એ અત્યંત કરુણાજનક હતી. તે જોનાર કોઈ દિવસ દારૂ પીવાનું સમર્થન ન કરે.

ત્યાં હબસીઓને સામાન્યપણે પોતાની મૂળ સ્થિતિમાં શરબ પીવાની ટેવ નથી હોતી. તેઓનો તો દારૂએ વિનાશ જ કર્યો છે એમ કહી શકાય. ઘણાં હબસી મજૂરો પોતાની કમાણી શરાબમાં હોમતા જોવામાં આવે છે. તેઓનું જીવન નિરર્થક બની જાય છે.

અને અંગ્રેજોનું? સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. આ અતિશયોક્તિ નથી. લડાઈને વખતે જેને ટ્રાન્સવાલ છોડવું પડ્યું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જિનિયર હતો. શરાબ ન પીધો હોય ત્યારે એના લક્ષણ બધા સારા હતાં. થિયૉસૉફિસ્ટ હતો. પન તેને શરાબ પીવાની લત હતી. જ્યારે એ પીએ ત્યારે તે છેક દીવાનો થઈ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સફળ ન થઈ શક્યો.

૧૦-૧૦-'૪૨

દક્ષિણ આફ્રિકાથી દેશ આવ્યો ત્યારે પણ દુઃખદ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનિક યુવકોને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. મજૂર વર્ગની સ્થિતિ તપાસીએ તો તે પણ દયાજનક છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ચર્ય નહીં પામે કે હું કેમ મદ્યપાનની વિરોધ કરું છું.

એક વાક્યમાં કહું તો મદ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ધિએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે.