આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૮. અફીણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ૭. માદક પદાર્થો આરોગ્યની ચાવી
૮. અફીણ
મોહનદાસ કરમચંદ ગાંધી
૯. તમાકુ →


૮. અફીણ

જે ટીકા મદ્યપાનને વિશે કરી તે જ અફીણને પણ લાગુ પડે છે. બે વ્યસનમાં ભેદ છે ખરો. મદ્યપાન નશો ટકે ત્યાં લગી માણસને તોફાની કરી મૂકે છે. અફીણ માણસને જડ બનાવે છે. અફીણી એદી બને છે, ઊંઘણશી થઈ જાય છે ને કંઈ કામનો નથી રહેતો.

મદ્યપાનનાં માઠાં ફળ આપનને રોજ નજરે જોઈ શકીએ છીએ તેમ અફીણની અસર તુરત નજરે નથી ચડતી. અફીણની ઝેરી અસર તુરત જોવી હોયતો તે ઓરિસા અને આસામમાં જોઈ શકાય છે. ત્યાં હજારો માણસો તે દુર્વ્યસનમાં ફસેલા જોવામા આવે છે. જેઓ તે વ્યસનથી ઘેરાયેલા છે તેઓ મરવાના વાંકે જીવતા હોય એવા લાગે છે. પણ અફીણની સૌથી વધારે ખરાબ અસર તો ચીનમાં થયેલી કહેવાય છે. ચીનાઓનાં શરીર હિંદુસ્તાનીના કરતાં વધારે મજબૂત હોય છે. પણ જેઓ અફીણના પાશમાં પડ્યા છે તે મડાં જેવા જોવામાં આવે છે. જેને અફીણની લત લાગી છે તે દીનહીન બની જાય છે ને અફીણ મેળવવાને સારુ ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય છે.

ચીના અને અંગ્રેજ વચ્ચે લડાઈ થયેલી તે અફીણની લડાઈને નામે ઓળખાય છે. ચીનને હિંદુસ્તાનું અફીણ નહોતું જોઈતું, જ્યારે અંગ્રેજને ચીન સાથે અફીણનો વ્યાપાર કરવો હતો. આ લડાઈમાં હિંદુસ્તાનનો પણ દોષ હતો. હિંદુસ્તાનમાં કેટલાક હિંદી અફીણના ઈજાર દાર હતા. તેમાંથી કમાણી સારી પેઠે થતી હતી. હિંદુસ્તાનની મહેસૂલમાં ચીનથી કરોડો રૂપિયા આવતા હતા. આ વ્યાપાર પ્રત્યક્ષ રીતે અનીતિનો હતો, છતાં ચાલ્યો. છેવટે ઇંગ્લંડમાં મોટું આંદોલન જાગ્યું ને અફીણનો વેપાર બંધ થયો. આમ જે વસ્તુ પ્રજાનો નાશ કરી શકે છે તેનું વ્યસન ક્ષણવાર પણ સહન કરવા જેવું નથી.

૧૧-૧૦-'૪૨

આટલું કહ્યાં પછી એમ કબૂલ કરવું જોઈએ કે, વૈદકશાસ્ત્રમાં અફીણને બહું મોટું સ્થાન છે. તે એવી દવા છે કે જેના વિના ન ચાલી શકે. એટલે અફીણનું વ્યસન મનુષ્ય સ્વેચ્છાએ છોડી દે એટલે ઊંચે સ્થાને પહોંચશે; ત્યારે પણ વૈદક્શાસ્ત્રમાં અફીણનું સ્થાન રહી જવાનું છે. પણ જે વસ્તુ દવા તરીકે આપણે લઈ શકીએ છીએ એ આપણે વ્યસન તરીકે થોડી જ લઈ શકીએ છીએ? લેવા જઈએ તો એ જ ઝેરરૂપ થઈ પડે છે. અફીણ તો પ્રત્યક્ષ ઝેર છે જ , એટલે વ્યસન રૂપે સર્વથા ત્યાજ્ય છે.