આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૯. તમાકુ

વિકિસ્રોતમાંથી
← ૮. અફીણ આરોગ્યની ચાવી
૯. તમાકુ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૦. બ્રહ્મચર્ય →


૯. તમાકુ

તમાકુએ તો આડો આંક વાળ્યો છે. તેના પંજામાંથી ભાગ્યો જ કોઈ છૂટે છે. આખું જગત એક કે બીજે રૂપે તેનું સેવન કરે છે. ટૉલ્સ્ટૉયે તો તેને બધા વ્યસનોમાં ખરાબ ગણાવી છે. એ ઋષિનું વચન ધ્યાન આપવા યોગ્ય છે, કેમકે તેમને શરાબ અને તમાકુનો બહોળો અનુભવ થયો હતો ને બન્નેના ગેરફાયદા પોતે જાણતા હતા. એમ છતાં મારે કબૂલ કરવું જોઈએ કે, શરાબ અને અફીણની જેમ તમાકુનાં માઠાં પરિણામો પ્રત્યક્ષ રૂપે હું પોતે બતાવી નથી શકતો. એટલું કહી શકું છું કે, એનો ફાયદોહું એકેય જાણતો નથી. એ પીનાર મોટા ખર્ચમાં ઊતરે છે એ હું જાણું છું. એક અંગ્રેજ મૅજિસ્ટ્રેટ તમાકુ ઉપર દર માસે પાંચ પાઉન્ડ એટલે રૂ ૭૫ ખર્ચતો હતો. એનો પગાર દર માસે પચીસ પાઉન્ડ હતો. એટલે પોતાની કમાણીનો પાંચમો ભાગ (વીસ ટકા) ધુમાડામાં જતો હતો.

તમાકુ પીનારની વૃત્તિ એવી બુઠ્ઠી થઈ જાય છે કે તે તમાકુ પીતી વેળાએ પડોશીની લાગણીનો ખ્યાલ નથી કરતો. રેલગાડીમાં મુસાફરી કરનારને એનો અનુભવ બરોબર મળે છે. તમાકુ નહીં પીનારથી તમાકુ પીવાથી નીકળતા ધુમાડા સહન નથી થઈ શકતા, પણ પીનાર ઘણે ભાગે પડોશીની લાગણીનો વિચાર નથી કરતો. તમાકુ પીનારને (ખાનારને) ઘણે ભાગે થૂંકવું પડે છે. તે ગમે ત્યાં થૂંકતા સંકોચાતો નથી.

તમાકુ પીનારને મોંમાંથી એક પ્રકારની અસહ્ય બદબો નીકળે છે. એવો સંભવ છે કે તમાકુ પીનારની સૂક્ષ્મ લાગણીઓ મરી જાય છે. એ મારવાને ખાતર માણસ તમાકુ પીતો થયો એ સંભવે છે. એમાં તો શક નથી જ કે, તમાકુ પીવાથી એક જાતનો કેફ ચડે છે અને તે કેફમાં માણસ પોતાની ચિંતા કે પોતાનું દુઃખ ભૂલે છે. ટૉલસ્ટૉયે પોતાના એક પાત્ર પાસે ઘોર કામ કરાવ્યું તેના પહેલાં તેને શરાબ પિવડાવ્યો. તેને કરવું હતું ભયંકર ખૂન. શરાબની અસર થતાં છતાં તે ખૂન કરતાં સંકોચાય છે. વિચાર કરતો કરતો સિગાર સળગાવે છે, તેના ધુમાડા કાઢે છે, ઊંચે ચડતો ધુમાડો નિહાળે છે, ને બોલી ઊઠે છે: "હું કેવો બીકણ છું! ખૂન કરવું એ કર્તવ્ય છે તો પછી સંકોચ શો? ચાલ ઊઠ ને તારુ કામ કર." એમ તેની ડહોળાયેલી બુદ્ધિએ તેની પાસે નિર્દોષ માણસનું ખૂન કરાવ્યું. હું જાણું છું કે આ દલીલથી બહુ અસર ન પડી શકે. બધા તમાકુ પીનાર કંઈ પાપી હોતા નથી. કરોડો પીનારા પોતાનું જીવન સામાન્યપણે સરળતાથી વિતાડે છે એમ કહી શકાય. છતાં વિચારવાને મજકૂર દ્રષ્ટાંતનું મનન કરવું ઘટે છે. ટૉલ્સ્ટૉયની મતલબ એ છે કે, તમાકુની અસરમાં આવી પીનાર ઝીણાં ઝીણાં પાપો કર્યા કરે છે.

હિંદુસ્તાનમાં આપણે તમાકુ ફૂંકીએ છીએ એટલું જ નહીં, પણ તે સૂંઘીએ છીએ, ને જરદાને રૂપે ચાવીએ પણ છીએ. કેટલાક એમ માને છે કે, તમાકુ સૂંઘવાથી લાભ થાય છે. વૈધ હકીમની સલાહથી તેઓ તમાકુ સૂંઘે છે. મારો અભિપ્રાય છે કે તેની કશી જરૂર નથી. તંદુરસ્ત માણસને આવી જરૂર ન જ હોવી જોઈએ.

જરદો ખાનારનું તો કહેવું જ શું? તમાકુ ફૂંકવી, સૂંઘવી અને ખાવી એ ત્રણમાં ખાવી એ સૌથી વધારે ગંદી વસ્તુ છે. એમાં જે ગુણ મનાય છે એ કેવળ ભ્રમણા છે.

આપણામાં કહેવત છે કે, ખાય તેનો ખૂણો; પીએ તેનું ઘર ને સૂંઘે તેનાં લૂઘડાં એ ત્રણે બરાબર.

જરદો ચાવનાર સાવધાન હોય તો તે થૂંકદાન રાખે છે ખરા, પણ ઘણાઓ પોતાના ઘરના ખૂણામાં અથવા દીવાલ ઉપર થૂંકતાં શરમાતા નથી. પીનાર ધુમાડાથી પોતાનું ઘર ભરી મૂકે છે અને છીંકણી સૂંઘનાર પોતાનાં કપડાં બગાડે છે. કોઈ પોતાની પાસે રૂમાલ રાખે છે તે અપવાદરૂપે છે. જેઓ આરોગ્યના પૂજારી છે તે દ્રઢ મન કરીને ગમે તે વ્યસનને ગુલામીમાંથી નીકળી જશે. ઘણાને આમાંના એક, બે કે ત્રણેય વ્યસન હોય છે, એટલે તેને સૂગ નથી ચડતી. પણ જો શાંત ચિત્તે વિચાર કરીએ તો ફૂંકવાની ક્રિયામાં કે લગભગ આખો દહડો જરદા કે પાનબીડાં વગેરેથી ગલોફાં ભરી રાખવામાં કે તમાકુની દાબડી ખોલી સૂંઘવામાં કંઈ શોભા નથી. એ ત્રણે વ્યસનો ગંદા છે.