આરોગ્યની ચાવી/ભાગ બીજો:૪. તેજ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. આકાશ આરોગ્યની ચાવી
૪. તેજ
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. વાયુ - હવા →


૪. તેજ

જેમ આકાશાદિ તત્વો વિના તેમ તેજ એટલે પ્રકાશ વિના પણ મનુષ્યનો નિર્વાહ નહીં થઈ શકે. પ્રકાશમાત્ર સૂર્યની પાસેથી આવે છે. સૂર્ય ન હોય તો ન ગરમી હોય, ન પ્રકાશ હોય. આ પ્રકાશનો આપણે પૂરો ઉપયોગ નથી કરતા, તેથી પૂરું આરોગ્ય નથી ભોગવતા. જેમ આપણે પાણીમાં સ્નાન કરી સાફ થઈએ છીએ તેમ સૂર્ય સ્નાન પણ કરી શકાય. નબળો માણસ, જેનું લોહી ઊડી ગયું છે, તે જોસવારનો તડકો નગ્ન દશામાં લે, તો તેની ફીકાશ ને નબળાઈ જશે ને હોજરી મંદ હશે તો તે જાગ્રત થશે. આ સ્નાન સવારના, તાપ બહુ ન ચડ્યો હોય ત્યારે લેવાનું છે. જેને ઉઘાડે શરીરે સૂતાં કે બેસતાં ઠંડી લાગે તે જોઈતું કપડું ઓઢીને સૂએ, બેસે ને જેમ શરીર સહન કરે તેમ કપડું ખસેડે. નગ્ન સ્થિતિમાં આંટા પણ મારી શકાય. કોઈ ન દેખે એવી જગ્યા શોધી ત્યાં આ ક્રિયા થઈ શકે. એવી સગવડ મેળવવા દૂર જવું પડે, ને તેટલો વખત ન હોય તો ગુહ્ય ભાગો ઢાંકી શકાય એવી પાતળી લંગોટી પહેરીને સૂર્યસ્નાન લેવાય. આવા સૂર્યસ્નાનથી ઘણા માણસોને ફાયદો થયો છે. ક્ષયના રોગમાં એનો બહોળો ઉપયોગ થાય છે. સૂર્યસ્નાન કેવળ નૈસર્ગિક ઉપચારકોનો વિષય નથી રહ્યો. દાક્તરોની દેખરેખ નીચે એવાં મકાનો બનાવવામાં આવ્યાં છે કે જેમાં સૂર્યનાં કિરણો કાચની રક્ષા નીચે ઠંડી હવામાં પણ મળી શકે.

કેટલીક વાર ગૂમડાં થયાં હોય તે રુઝાતાં જ નથી. તેને સૂર્યસ્નાન આપવાથી તે રુઝાયાં છે.

પરસેવો લાવવા સારુ મેં દરદીઓને અગિયાર વાગ્યાના બળતા તાપમાં સૂવાડ્યાં છે ને તે પરસેવે રેબઝેબ થયા છે. આવા તાપમાં સુવડાવવા સારુ દરદીને માથે માટીનો પાટો મૂકવો જોઈએ. તેની ઉપર કેળના કે બીજાં મોટાં પાંદડા મુકાય કે જેથી માથું ઠંડુ અને સુરક્ષિત રહે. માથે સખત તડકો ન લેવો જોઈએ.