લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે

વિકિસ્રોતમાંથી
← ૧૦૦. પોતાના રમતાં બાળકો પ્રત્યે આ તે શી માથાફોડ !
૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે
ગિજુભાઈ બધેકા
૧૦૨. બા મારે છે →


​
: ૧૦૧ :
અર્ધદગ્ધ આયા એટલે

⁠આયા એટલે એકાદ અર્ધદગ્ધ કાંઈક અંગ્રેજી ભણેલી ને પેટને માટે નોકરી કરનારી બાઈ.

⁠આયા એટલે શેઠને મન બાળકોને સાચવવા રાખવા માટેનું હોશિયાર અને લાયક માણસ !

⁠આયા એટલે શેઠાણીને મન છોકરાંને પોતાનાથી દૂર રાખવા માટેનું સોંપ્યા ઠેકાણું.

⁠આયા એટલે મોટે ભાગે છોકરાંઓને ન ગમે તેવા રૂપરંગની કૃતિ.

⁠આયા એટલે શ્રીમંતને મન ઘરનું એક આવશ્યક ઘરાણું.

⁠આયા એટલે અમીર ઉમરાવોને પદવી શોભાવવાનું એક વધારે સાધન.

⁠આયા એટલે કેળવણીમાં સમજવાનો દાવો કરનારને મન બાળકોને માટે અમે કંઈક કરીએ છીએ એવો સંતોષ લેવાનું સ્થળ.

⁠આયા એટલે વગર કારણે ઘરમાં વારંવાર શેઠશેઠાણી અને અન્ય નોકરો વચ્ચે ખટપટ જગાડનારું પાત્ર.

⁠આયા એટલે શેઠાણીનો શેઠ.

​⁠આયા એટલે શેઠાણીના માતૃપદનું જીવંત અપમાન.

⁠આયા એટલે શેઠશેઠાણીએ પોતાનાં બાળકો માટે રાખેલ ગોવાળ. આયા એટલે “ચૂપ રહો; ગરબડ નહિ, શેઠકુ બોલેગા” એમ કહીને બાળકોને ડાહ્યાં બનાવનાર શિક્ષક.

⁠આયા એટલે “કારણકે બાળક જંગલી બન્યું હતું.” એમ કહી શિક્ષા કરીને તેને સુધારનાર શિક્ષણશાસ્ત્રી.

⁠આયા એટલે બાળકોનો ’બિલાડો’ અગર ’વાઘ.’

⁠આયા એટલે બાળકને ચોંટિયો ભરી રડાવીને “કેમ રડે છે ?” એમ દમ મારીને પૂછનાર બાઈ.

⁠આયા એટલે ઝટ ઝટ બાળકોને લૂગડાં પહેરાવી, બૂટ પહેરાવી, ધીરજથી બાળકને તૈયાર કરવા દેવાને બદલે પોતે કરી દેનાર, ને કાશ કાઢનાર-બાળકને અપંગ બનાવનાર એક વૈદ્યશાસ્ત્રી.

⁠આયા એટલે ફરવા જાય ત્યાં ટોળે મળીને, ભેગી થઈને હલકી હલકી સામાજિક વાતો ચલાવે તેનો લાભ બાળકોને આપનાર, બાળકોનાં માબાપોએ ખર્ચ કરીને રાખેલ સમાજશાસ્ત્રી.

⁠આયા એટલે માબાપ પાસેથી કંઈક છૂટ અપાવનાર, માબાપ પાસેથી કંઈક હક્ક મેળવી આપનાર ને પોતાનું કહ્યું કરવું જોઈએ એવી શરતે કામ કરનાર બાળકોનો વકીલ.

⁠આયા એટલે ઘરમાં પેસી ગયેલ ઘૂસ. આ બધું જાણતાં ન હોય તેઓ આયાથી દૂર અને તેની પાછળ ઊભાં રહી જોઈ લે. માલૂમ પડશે કે આયા કેવું પ્રાણી છે.


❊