આ તે શી માથાફોડ !/૧૦૦. પોતાના રમતાં બાળકો પ્રત્યે

વિકિસ્રોતમાંથી
← ૯૯. શેઠાણી, ગાડીવાન અને છોકરાઓ આ તે શી માથાફોડ !
૧૦૦. પોતાના રમતાં બાળકો પ્રત્યે
ગિજુભાઈ બધેકા
૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે →


: ૧૦૦ :
પોતાના રમતાં બાળકો પ્રત્યે

ફોજદાર : “એઈ, ચૂપ રહો ! ગડબડ કોણ કરે છે ? માર ખાવો છે કે ?”

વકીલ : “એઈ, ગડબડ નહિ. પેલી બાજુએ જાઓ જોઈએ ? અહીં કામ ચાલે છે.”

પ્રોફેસર : “જુઓ તો; પેલાંઓને કહોને કે પેલી બાજુ રમે. આ હું જરા વાંચવામાં છું.”

દાક્તર: છોકરાંઓ, અલ્યાં ભાગ્યાં, કે દવાબવા પીવી છે ?”

માસ્તર : “રતુડા, જીવલી ! આટલી વધી ગડબડ ! બંધ કરો, બંધ કરો.”

મોન્ટીસોરી શિક્ષક : “પેલી જગ્યાએ રમશો કે ? અહીં હું જરા કામ કરું છું.”

કિન્ડરગાર્ટન શિક્ષક : “અલ્યાંઓ ! પણે પણે; ઓ પેલી જગા. કેવી સરસ ? બહુ સરસ ! ત્યાં જાઓ, કેવું મજાનું છે ?”

મુલાયમ પિતા : “અરે ભાઈઓ, ગડબડ કરોમાં ને ! મને અડચણ પડે છે.”

યુક્તિબાજ પિતા : “ચંદુ, કંચન કેવાં ડાહ્યાં છોકરાં છે ! અહીં ન રમીએ હં; અહીં હું કામ કરું છું. પણે જાઓ બેટા !”

થાકેલો પિતા : “ઉહ્‌ ! આ બાળકો તો બહુ કંટાળો આપે છે ! એ, જરા જાઓને ? પેલી બાજુ રમોને ?”

ચિડાયેલો પિતા : “કેમ પેલી બાજુ જાઓ છો કે ? જાઓ છો કે નહિ ? નહિ જાઓ તો...”

કુંભાર : “એલા ગધેડાઓ, ભાગો છો કે ? આ ઊભો થયોને, તો ડફણાવીશ હો કે ?

લુહાર : “ભાગો છો કે નહિ ? નહિંતર આ કોયલો છૂટો માર્યો સમજો.”

હજામ : “માળા, આ છોકરા જોને ફાટ્યા છે ? પણે મૂંડાવો, પણે. બે ઘડી બેસવા તો દ્યો. !”

અબૂજ બા : “આ છોકરાંએ તો હરવાળ્યાં ! એલા રતુ, ટપુ, આઘા મરો છો કે નહિ ?”

રાંધતી બા : “કેમ રે લીલુ, વિનુ, અહિંથી ખસો છો કે વેલણ છૂટું મારું ?”

ચોપડી વાંચતી બા : “કોણ બે ગડબડ કરે છે ? જાઓ, પેલી ઓરડીમાં બેસો ને વાંચો. લેસન નથી કરતાં ને રખડો છો કે ?”

શેઠાણી : “જોને, મહેતાજી હજી કેમ નથી આવ્યા ? આ છોકરાએ માથું પકવી નાખ્યું. મહેતાજીને કહેવું જોશે કે વહેલા આવે.”

અભણ સ્ત્રી: “ઈ ધકોડા નહિ ચાલે ! જાઓ રોયા શેરીમાં; એ...મોટી પડી છે.”

વિદ્વાન પિતા : “રમેશ, વધુલક્ષ્મી, અહીં ના રમીએ, જુઓને, અહીં અમે પ્રવૃત્તિમાં છીએ. પેલી બાજુએ ખેલીએ.”

ઘાંચી : “અલ્યાઓ, ત્યાંથી નાસો છો કે ? આ બળદને બદલે ઘાણીએ જોડ્યા જાણજો.”

મોચી : “માળા, આ છોકરાંઓ તો ફાટ્યા લાગે છે ! એ, પેલી ભીંત પાસે રમો છોકે ? આ રાંપી જોઈ છે ?”

વાણિયો : “આમ આવો, આમ. પાઠ કર્યા વિના રમવા ક્યાં ચાલ્યા ? ચાલો જોઈએ, ભણવા બેસો જોઈએ. રમ્યા કરશો તો ભણશો શું ?”

બ્રાહ્મણ : “હવે રમવું બંધ રાખવું છે કે ? રમ્યારમ કરશો તો ભીખ માગશો, ભીખ ! છાનાંમાનાં ભણવા બેસો, ભણવા !”

અમલદાર : “એ જસમત, આ છોકરાં ઘરમાં ગડબડ કરે છે તે ફરવા લઈ જા જા, બાગમાં બે ઘડી લઈ જા.”

દરજી : “એ સા......રમ્યે દિ' નહિ વળે. સખણો મર્ય. સખણો !”