આ તે શી માથાફોડ !/૧૦૬. રડીએ તો ગાંડા કહેવાઈએ
← ૧૦૫. હું ગમ્યો નહિ કારણકે — | આ તે શી માથાફોડ ! ૧૦૬. રડીએ તો ગાંડા કહેવાઈએ ગિજુભાઈ બધેકા |
૧૦૭. આજે નિશાળે નથી જાવું → |
રડીએ તો ગાંડા કહેવાઈએ
નોકર : “રડીએ તો ગાંડા કહેવાઈએ.”
બાળક રડે છે કારણકે તે બાલમંદિરમાં પહેલવહેલું જ આવેલું છે; તેને આવું વાતાવરણ નવું લાગે છે; તે મનમાં ઘર, બા અને ભાંડુઓને સંભારે છે ને મૂંઝાઈ જઈ રડી પડે છે. નોકર તેને કહે છે : “રડીએ તો ગાંડા કહેવાઈએ.”
બાલમંદિરનો શિક્ષક નોકરને પૂછે છે : “તું રડે તો ગાંડો કહેવાય કે નહિ ?”
નોકર કહે : “ના, હું ન કહેવાઉં.”
શિક્ષક કહે : “ત્યારે આ બાળક શાનું કહેવાય ?”
નોકર : “બાળક તો કહેવાય.”
શિક્ષક : “એટલે બાળક રડે તો ગાંડું બની જાય, એમ તું ધારે છે ?”
નોકર : “ના, ગાંડું તો ન થઈ જાય; પણ તે રડે ત્યારે તેને એમ કહેવું જોઈએ કે રડીશ તો ગાંડો કહેવાઈશ.”
શિક્ષક : “એમ શા માટે કહેવું ?”
નોકર : “કેમ કે એમ કહેવાથી બાળક રડતું મટી જાય.”
શિક્ષક : “પણ બાળકને એમ નહિ લાગે કે જો રડીશ તો ગાંડો કહેવાઈશ; અને તેમ તેના મનમાં લગાડવું એ તો ખોટું કર્યું કહેવાય !”
નોકર : “ખોટું કે સાચું, અમારે તો બાળકોને જેમતેમ કરીને ઠેકાણે રાખવાં જોઈએ ના ? બાલકો તો એવાં છે કે ઘડીએ ને પહોરે રડ્યા કરે. રડવા દઈએ તો તમે ખિજાઓ, શેઠ અને શેઠાણી ખિજાય; પછી આવું કંઈક લાવવું જોઈએ ના ?”
શિક્ષક : “પણ શેઠ તને આવું કહેતાં સાંભળે તો ધમકાવે કે નહિ ?”
નોકર : “ના, રે; શેઠ અને શેઠાણી બન્ને બાળકને એક સો ને એક વાર કહે છે કે રડીએ તો ગાંડા કહેવાઈએ !”
શિક્ષક બાળકને પૂછે છે : “હેં ભાઈ, તમે ગાંડા છો કે ડાહ્યા ?”
બાળક : “હું તો ગાંડો છું.”
શિક્ષક : “કેમ ?”
બાળક : “હું ગાંડો છું એમ.”
શિક્ષક : “પણ ડાહ્યા નહિ ને ગાંડા કેમ ?”
બાળક : “હું રડું છું તેથી.”
શિક્ષક : “રડ્યાથી ગાંડા શું કામ ?”
બાળક : “બા કહે છે, બાપા કહે છે, આ નોકર પણ કહે છે કે રડીએ તો ગાંડા કહેવાઈએ. એટલે ગાંડા.”
શિક્ષક : “પણ તમે ગાંડા કે ડાહ્યા ?”
બાળક : “ગાંડા.”
શિક્ષક : “પણ ચાલો હું ગાંડા નથી કહેતો, ડાહ્યા કહું છું; તો ?”
બાળક : “પણ હું રડું તો છું; પછી ડાહ્યો કે ?”
શિક્ષક : “રડો છો શું કામ ?”
બાળક : “ઘરે જવું છે.”
શિક્ષક : “ત્યારે એમાં ગાંડા શું કામ ?”
બાળક : “બધાં કહે છે કે રડે તે ગાંડા.”