લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૧૦૯. કોઈ વાર પડદા પાછળથી જોશો ?

વિકિસ્રોતમાંથી
← ૧૦૮. તમારું બાળક તમને કહે કે — આ તે શી માથાફોડ !
૧૦૯. કોઈ વાર પડદા પાછળથી જોશો ?
ગિજુભાઈ બધેકા
૧૧૦. ચંપાનો નિશ્ચય →


: ૧૦૯ :
કોઈ વાર પડદા પાછળથી જોશો ?

ટ્યૂશન આપવા માટે રાખેલ શિક્ષક તમારા બાળકને ભણાવે છે કે બાળકને જે તે લખાવી તે પોતે છાપું વાંચે છે ?

ખાનગી માસ્તર છોકરાંઓ પાસેથી ઘરની છાની વાતો કઢાવી શેઠ-શેઠાણીને રાજી કરવા માટે તેનો કેવો ઉપયોગ કરવો તેની ખટપટમાં પડ્યો છે ?

કોઈ ન હોય ત્યારે માસ્તર “શેઠને કહી માર ખવરાવીશ” એવી ધમકી છોકરાંઓને આપી તેમની પાસે લેસન કરાવે છે ને પોતાની મહેનત ઓછી કરે છે ? માસ્તર છોકરાંની સાથે ભાઈબંધી કરવાના પ્રયત્નમાં પડેલ છે કે જેથી પોતાનો પગાર વગેરે વધારવામાં છોકરાંની પણ મદદ મળે ?

માસ્તર તોફાની છોકરાંઓની ખુશામત કરે છે ને તેને ભણાવી શકતો નથી અને છતાં દેખાવ રાખે છે કે પોતે ભણાવે છે ?

માસ્તર સાચેસાચ પૈસા લીધા હોય તેના પ્રમાણમાં ખરા અંતઃકરણથી સારી રીતે બાળકોને ભણાવવા મહેનત કરે છે ?