લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૧૧૦. ચંપાનો નિશ્ચય

વિકિસ્રોતમાંથી
← ૧૦૯. કોઈ વાર પડદા પાછળથી જોશો ? આ તે શી માથાફોડ !
૧૧૦. ચંપાનો નિશ્ચય
ગિજુભાઈ બધેકા
૧૧૧. હરગિજ નહિ →


​
: ૧૧૦ :
ચંપાનો નિશ્ચય

⁠ચંપા પાંચ વર્ષની બાળા. દિવાળી ઉપર ફટાકડા ન ફોડાય એવું વાતાવરણ ચારે કોર છે. આસપાસનાં બાળકો કોઈ ફોડતાં નથી. ચંપાના મુરબ્બીઓએ પાંચ ફટાકડા ઘરમાં આણેલા હશે.

⁠ચંપાની સાથે વાત કરતાં વાત કાઢી : “જો ચંપા, ઓણ ફટાકડા ફોડાતા નથી, ખબર છે ને ? ઓણ તો ગામેગામનાં છોકરાંઓએ જ નક્કી કર્યું છે કે “અમારે ફટાકડા નથી ફોડવા.” ફટાકડા ફોડીએ એટલે તો ફટફટ થાય, ધુમાડો થાય ને પૈસા પાણીમાં જાય. ફટાકડાને બદલે ગળ્યું ગળ્યું ખાવાનું ન ખાઈએ ?”

⁠ચંપા સામે જોઈ રહી. તે વિચારમાં પડી ગઈ હતી. તે કહે : “હેં ! સાચે જ બધાં બાળકોએ એમ કર્યું છે ? ફટાકડા ફોડવા જ નહિ ?”

⁠મેં કહ્યું : “હા, છોકરાંઓએ એમ કર્યું છે.”

⁠ચંપા કહે : “પણ એ ખોટું નહિ બોલતા હોય ?”

⁠મેં પૂછ્યું : “એમ કેમ પૂછ્યું ?”

⁠ચંપા કહે : “ઘણા બાળકો ખોટું બોલે છે.”

⁠મેં કહ્યું : “પણ આ બાળકોએ તો બરાબર નક્કી કરીને કહ્યું છે.”

​⁠મેં કહ્યું : “પણ આ બાળકોએ તો બરાબર નક્કી કરીને કહ્યું છે.”

⁠ચંપા કહે : “તો પછી મારા ફટાકડા હું નહિ ફોડું આપણે એકલાં કાંઈ ફોડાય ?”

⁠થોડી વાર ચંપાએ વિચારી કહ્યું : “પણ કોઈ દિ‘ ફોડાય કે નહિ ?”

⁠મેં જોયું કે ચંપાને ફટાકડા ફોડવાનું મન છે અને સાથે સાથે બીજાંઓ ફોડતાં નથી માટે ફોડવું ગમતું પણ નથી. બાલસ્વભાવનું આ સાદું દર્શન જોઈ મને વાતમાં રસ પડતો હતો.

⁠મેં માર્ગ કાઢ્યો : “ફોડાય ફોડાય. મહાત્મા ગાંધી જેલમાં છે તે છૂટે ત્યારે ફોડાય. ત્યારે તો રાજી રાજી થઈ જવાનું ને કૂદાકૂદ કરવાની ને ફટાકડા પણ ધમધમ ફટફટ ફોડવાના.”

⁠ચંપાના મનને અત્યંત સમાધાન થયું. તે કહે : “ત્યારે તો હું મારા ફટાકડા કબાટમાં મૂકી રાખું. ગાંધીજી છૂટશે ત્યારે ફોડીશ.”

⁠મેં કહ્યું : “ઠીક”

⁠ચંપાએ નિશ્ચય કરી લીધો. તેણે તે બાને ને ફોઈને જાહેર પણ કર્યો : “ગાંધીજી છૂટશે ત્યારે ફટાકડા ફોડીશ.”

⁠બાળકોના અભ્યાસીઓને આ અનુભવ ઘણો ઉપયોગી થશે.

❊