આ તે શી માથાફોડ !/૧૧૩. મારી અસર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૧૨. માબાપો બોલે છે આ તે શી માથાફોડ !
૧૧૩. મારી અસર
ગિજુભાઈ બધેકા
૧૧૪. બે ઘરોમાં →


જ્યારે હું મનમાં ખૂબ ગુસ્સે થયેલો હતો, ત્યારે મારાં બાળકો બીજાં બાળકો ઉપર અને મારી ઉપર ગુસ્સે થતાં હતાં.

જ્યારે હું મનમાં ખૂબ ઈર્ષ્યાથી બળતો હતો, ત્યારે મારાં બાળકો બીજાં બાળકોનું સારું મોં ને સારાં કપડાં જોઈને રાજી થતાં ન હતાં; ઊલટાં તે જોઈને અકળાતાં હતાં.

જ્યારે હું મનમાં અન્યનું બૂરું કરવાના વિચારો કરતો હતો, ત્યારે મારાં બાળકો જેને તેને મારી આવતાં હતાં, જેનું તેનું સારું કામ બગાડી નાખતાં હતાં.

જ્યારે હું મનમાં અત્યંત અનુદાર, સંકુચિત અને સ્વાર્થી હતો ત્યારે મારાં બાળકો પોતાનામાંથી કશું આપવાની ના પાડતાં હતાં; ઊલટું કોઈને ઉપાડી લાવતાં હતાં.

જ્યારે હું મનમાં બેપરવા અને તોછડો હતો, ત્યારે મારાં બાળકો કોઈ બોલાવે તો જવાબ દેતાં ન હતાં, અતડાં રહેતાં હતા; તંગ રહેતાં હતાં. જ્યારે હું મનમાં અન્યને ધિક્કારતો હતો, ત્યારે મારાં બાળકો જેનો તેનો વાંક કાઢતાં હતાં, જેનું તેનું વાંકું બોલતાં હતાં. જ્યારે હું મનમાં આળસુ અને પ્રમાદી હતો, ત્યારે કહી કહીને થાકતો છતાં મારાં બાળકો કામ કરવા ઊભાં જ થતાં ન હતાં.