આ તે શી માથાફોડ !/૧૧૪. બે ઘરોમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૧૩. મારી અસર આ તે શી માથાફોડ !
૧૧૪. બે ઘરોમાં
ગિજુભાઈ બધેકા
૧૧૫.હું કહું ત્યારે કરજે →


: ૧૧૪ :
બે ઘરોમાં

બાળકો નવી નવી રમતો રમતાં હતાં; અંદર અંદર હસતાં હતાં.

એકબીજાંને રમાડતાં હતાં ને હસતાં હતાં.

એકબીજાંને મદદ કરતાં હતાં ને મદદ લેતાં હતાં.

કંઈ કંઈ નવી નવી સૃષ્ટિઓ પેદા કરતાં હતાં ને તે જોઈ રાજી થતાં હતાં.

પરસ્પર સન્માનભર્યાં હતાં, હેતભર્યાં હતાં.

માતા વરંવાર ગૂહકાર્યમાંથી ડોકિયું કરી બાળકોને દૂરથી નીરખતી હતી. તેમના મધુર હાસ્યના પલકારમાં આનંદથી નહાતી હતી. તેમનાં સુલલિત ગુંજનથી કાનને તૃપ્ત કરતી હતી. વારંવાર જોઈ જોઈને પાછી જતી હતી, અને વળી વળીને જોવા માટે પાછી આવતી હતી.

બાળકો અને તેની માતાની પળો ધન્ય હતી, ભવ્ય હતી.

બાળકોને રમવાનું કશું સૂઝતું ન હતું. અંદર અંદર લડતાં હતાં; એકબીજાંને ધક્કો દેતાં હતાં ને એકબીજાંનું ઝૂંટવી લેતાં હતાં.

કોઈ કાંઈ નવું નવું કરવા જતું હતું તો બીજું તે બગાડી નાખતું હતું, અને પછી બધાં લડી પડતાં હતાં.

પરસ્પર ઘૂરકતાં હતાં; એકબીજાં સામે વખતોવખત ડોળા કાઢતાં હતાં.

માતા ઘરમાંથી અકળાઈને ઘાંટો પાડતી હતી: “એ મારા રડ્યાઓ, લડો મા. હમણાં આવીશ તો વાંસો ભાંગી નાખીશ.” માતા મનમાં બળતી જતી હતી, વારંવાર મોં બગાડતી હતી અને ઠામવાસણ પછાડતી હતી, અથવા જેને તેને વઢતી હતી. બાળકો બહુ લડી પડતાં ત્યારે તે તેમની પાસે આવતી હતી અને જેને તેને બેચાર ધબ્બા મારી પાછી ચાલી જતી હતી.

બાળકોની અને માતાની પળો અધન્ય હતી, દીન હતી.