લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૧૧૬. બતાવો તો ?

વિકિસ્રોતમાંથી
← ૧૧૫. હું કહું ત્યારે કરજે આ તે શી માથાફોડ !
૧૧૬. બતાવો તો ?
ગિજુભાઈ બધેકા
૧૧૭. કોણ વધારે કેળ્વાયા છે ? →


​

: ૧૧૬ :
બતાવો તો ?

⁠બતાવો તો ?

⁠બાળકને પક્ષીઓની સુંદર વાતો કહેવાને બદલે તેને સુંદર પક્ષીઓ બતાવો તો ?

⁠બાળકને એન્જિનની કરામત પાટિયા પર સમજાવવાને બદલે તેને એન્જિન પાસે જ લઈ જઈ બતાવો તો ? બાળકને પૃથ્વીના ગર્ભમાં અનેક ખનિજો ભરેલાં છે તેની રસિક કથા કહેવાને બદલે ખનીજભરપૂર પૃથ્વી ખોદી બતાવો તો ?

⁠બાળકને ઘરમાં પડયાં પડયાં તારાઓની વાતો કહેવાને બદલે ફળિયામાં કે અગાશી પર લઈ જઈ તારાઓ બતાવો તો ?

⁠બાળકે કશાથી બીવું નહિ, બીવા જેવું કશું નથી, એમ તેને કહેવા કરતાં તેને સાથે લઈ અંધારામાં ફરવા નીકળો અને ભયનાં સ્થાનોમાં નિર્ભયતા બતાવો તો ?

⁠બાળકે મોટો થયા પછી મોટા મોટાં કામો કરવાં, બહાદુર ને હોશિયાર થવું, એવી શબ્દથી પ્રેરણા પાવા કરતાં તેના નાનાં નાનાં બહાદુરી અને હોંશિયારીના કામો કરવાનું બતાવો તો ?

⁠બાળકને દેશના લાખો ગરીબોની વાતો કરવા કરતાં તેને ગરીબોનાં ઝૂંપડાં બતાવો તો ?

⁠બાળકને પોતાના નોકરોને મારીઝૂડીને તેની પાસેથી કામ કરાવતા શેઠો અને કારખાનાના કામદારોની વાતો કહેવા કરતાં તે શેઠો, કામદારો અને કારખાનાં બતાવો તો ?

⁠તો બાળક વધારે સારું નહિ કેળવાય ?

❊