આ તે શી માથાફોડ !/૧૧૯. પિતા વિષે
← ૧૧૮. આમ નહિ, પણ આમ. | આ તે શી માથાફોડ ! ૧૧૯.પિતા વિષે ગિજુભાઈ બધેકા |
૧૨૦. બા , હું તને અબોટ કરાવું ? → |
પિતા વિષે
ધીરી અને વિનુ ઓટલે બેસી વાતો કરતાં હતાં: “બાપુજીને કશું યે આવડતું નથી. વાળતાં, કપડાં ધોતાં, વાસણ માંજતાં, રસોઈ કરતાં, સીવતાં, અથાણું કરતાં, બાવાં પાડતાં, દાણા સાફ કરતાં, શાક સુધારતાં: કશુંયે આવડતું નથી.”
“બાપુ તો બેઠા બેઠા છાપાઓ અને ચોપડાઓ વાંચ્યા કરે છે. સારાકાકા અને નાનાલાલ આવે છે તેની સાથે નરી વાતો જ કર્યા કરે છે !” એક ખુરશીમાં બેસતાં અને વાતો કરતાં આવડે છે. આપણે જરા તાણીને બોલીએ તો ' એ ય, ગડબડ નહિ કરો !' આપણે એમની ઓરડીમાં જઈએ તો 'ચાલ્યાં જાઓ છોકરાઓ ! અહીં કેમ આવ્યાં ?' એમ બોલતા ને ધમકાવતાં આવડે છે. આપણે નિશાળે ન જવું હોય તો યે પરાણે મોકલતાં અને નિશાળે થી આવીએ કે તુરત જ પાઠ કરવા બેસાડતાં આવડે છે. અને વારે ઘડીએ પાણી લાવો, ચા લાવો, આ લાવો ને તે લાવો એમ મંગાવતાં જ આવડે છે; ને જરાકે મોડું થાય તો બા ઉપર અને આપણી ઉપર ખિજાતાં આવડે છે. બાકી તો બાપુને કશું યે આવડતું નથી અને એટલા જ માટે બા તો એમને કશું કાંઈ ચીંધતી જ નહિ હોય, અને બધું પોતે જ કર્યા કરતી હશે !”