આ તે શી માથાફોડ !/૨૪. ચમચાનો કજિયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૩. રોવાથી વીંછી નહિ ઊતરે આ તે શી માથાફોડ !
૨૪. ચમચાનો કજિયો
ગિજુભાઈ બધેકા
૨૫. ઘડિયાળ ઉઘાડી દ્યોને ? →


: ૨૪ :
ચમચાનો કજિયો

“આ બચુડી આજ કજિયો કેમ કરે છે ?”

“બાઈ બચુડી તો બચુડી છે ! ઈ મીઠું મીઠું બોલે ત્યાં સુધી; વટકી તો પછી થઇ રહ્યું.”

“ઊં ઊં ઊં.”

“શું છે બચુડી ? શું છે બાપા ?”

“ઊં ઊં.”

“એમ ઈ નઈ બોલે. એમ તો ઉનાની ઓલી કોરની છે.”

“બચુ બાપા, શું છે ? શું જોવે છે ?”

“ઊં ઊં ઊં.”

“હવે છાની રહે છે કે?”

“ઊં ઊં ઊં.”

“એમ ઈ કાંઈ છાની રે'શે ? એમ તો છોકરાં બમણા થાય.”

“જૌં ફરી, પૂછવા દે શું છે. બચુબેન, શું છે ? આવો મારી પાસે આવો; મને કહો જોઇએ ?”

“ઊં ઊં ઊં." ટમટો...”

“ટમટો ? 'ટમટો' શું બેન ?”

“ટમટો... અમાલો ... ટમટો.”

“ભઈ, આ શું માગે છે ?”

“ચમચાની સળગી છે.”

“લ્યો આ ચમચો. આ જોવે છે.”

“નહિ એમ નહિ.”

“ત્યારે ?”

“એમાં એમ છે કે મેં ચમચો મગાવ્યો ને બબુ લઈ આવી એટલે હવે બચુ કજિયો કરે છે.”

“ત્યારે એમ કહોને ! બચુબેન, તમારે ચમચો લાવવો હતો ?”

“હું...અં”

“તે લાવોને, ના કોણ પાડે છે ! લ્યો હું ચમચો હતો ત્યાં પાછો મુકી દઉં; બસ ! હવે લાવો જોઇએ ?”

બચુઃ “બા, લે આ ટમટો. ટાલે જોવે છે ને ?”

બચુબેન રડતાં રહી ગયાં ને ચમચો આપી રાજી થયાં.