આ તે શી માથાફોડ !/૨૫. ઘડિયાળ ઉઘાડી દ્યોને ?
← ૨૪. ચમચાનો કજિયો | આ તે શી માથાફોડ ! ૨૫. ઘડિયાળ ઉઘાડી દ્યોને ? ગિજુભાઈ બધેકા |
૨૬. નંદુબા કેમ મનાણાં? → |
ઘડિયાળ ઉઘાડી દ્યોને ?
“બાપા, આ ઘડિયાળ ઉઘાડી આપોને ?”
“પણ તારા હાથમાં ઘડિયાળ નહિ આપું હો; વખતે પડે તો તૂટી જાય.”
“ભલે, તમારા હાથમાં રાખજો. મને એનાં ચક્કર દેખાડજો, હો કે.”
પણ ટીકુ જેમ આંગળી નહિ અડાડાય હો. આંગળી વડે તો ચક્કર બગડે.”
“હો, ભાઈ હો. આંગળી નહિ અડાડીએ. હું કાંઈ ટીકુ જેવડો છું ?”
“પણ થોડીક વાર જ દેખાડીશ. વધારે વાર ઉઘાડી રહે તો તેમાં કચરો પડે.”
“કબૂલ. મારે જરીક જ વાર જોવું છે.”
“ઠીક, જરાક ઉભો રહે; આ કાગળ લખી લઉં. તું છરી લઇ આવ.”
“લ્યો આ છરી લઇ આવ્યો. હવે ઉઘાડો.”
“જો જરા આઘો ઊભો રહેઃ બરાબર અજવાળું આવવા દે.”
“લ્યો આ આઘો ઊભો રહ્યો.”
“લ્યો જૂઓ. જોયાં આ ચક્કર ? કેવાં કટકટ ચાલે છે ? જો ઓલ્યું નાનું ચક્કર કેવું ઝટ ઝટ ચાલે છે ? જો તો, ધારી ધારીને જો. બસ ! જોઇ લીધું ? ચાલો હવે બંધ કરીએ. મારે હવે કામ છે."
“ઠીક ત્યારે. બાપા, કાલે બતાવશો કે ?”
"કાલની વાત કાલે.”
"વારુ.”
“બાપા, આ ઘડિયાળ ઉઘાડી આપોને?”
“ના, એ ઘડિયાળ ન ઉઘાડાય.”
“પણ એ ઉઘાડાય તો છે કાલે તમે નો'તા ઉઘાડતા ?”
“પણ તને એ ઉઘાડીને ન અપાય.”
“પણ હું બગાડીશ નહિ; ટીકુ જેમ એમાં હું આંગળી નહિ અડાડું.”
“પણ ઉઘાડીએ તો એમાં કચરો પડે.”
“પણ જરાક જોઇને જ બંધ કરી દઇશ.”
“પણ તારા હાથમાંથી પડી જાય તો તૂટી જાયના ?”
“પણ બાપા, તમારા હાથમાં રાખીને ઉઘાડી બતાવો;પછી છે કાંઈ ?”
“પણ હમણાં મારે કામ છે. પછી આવજે.”
“પણ જરાક જ વાર લાગશે. આમ બોલશો ત્યાં તો ઘડિયાળ ઉઘાડીને બંધ પણ કરી શકાશે. મારે એનાં ચક્કર જ જોવાં છે.”
“પણ છરી જ ક્યાં છે ? ને હવે જાને, અત્યારે કનડતો !”
“લ્યો આ છરી રસોડામાંથી લઈ આવું. લ્યો આ લાવ્યો.”
“લે કોરે ખશ, હું નવરો નથી. જા કાલે ઉઘડી દઇશ.”
“પણ બાપા, ઉઘાડી આપોને ? જરાક વાર લાગશે.”
“ઠીક લે જા, હવે એક વાર ઉઘાડી આપું છું. લે ઝટ જોઇ લે.”