આ તે શી માથાફોડ !/૩૭. એક પ્રસંગ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૩૬. વિનુ અને શાક આ તે શી માથાફોડ !
૩૭. એક પ્રસંગ
ગિજુભાઈ બધેકા
૩૮. કોઈની દાઝ બાળક ઉપર →


હું હીંડોળા ઉપર બેઠો હતો. મારા મિત્ર હજામત કરાવતા હતા. શિક્ષણ વિષયક વાતો ચાલતી હતી. ઘરમાંથી અવાજ આવ્યો: "મારા રોયા, બહાર જાય છે કે ? આ હમણાં માર્યો સમજજે."

રડતો રડતો મોટો ભાઈ અમારી પાસે આવ્યો.

મિત્રે પૂછ્યું : "શું છે ?"

"નાનું, મારું ફેરકણું નથી આપતો."

વચ્ચે ઘરમાંથી અવાજ આવ્યો: "ઈ રોયાને મારવો જોશે. મારે તે ફેરકણાં ક્યાંથી દેવાં ?"

"હશે બેટા, કાલે નવું ફેરકણું લાવી દઈશ."

"એં...મારે ફેરક્ણું જોવે."

"કાલે મળશે."

ઘરમાંથી ફરી અવાજ આવ્યો: "રોયા આમ આવ્ય, આમ."

છોકરો અંદર ગયો. ઘરમાંથી ધબ્બાનો અવાજ સંભળાયો. છોકરો રડતો રડતો બહાર આવ્યો.

"પાછો આવ'છ કે નહિ ?"

છોકરો અંદર ગયો અંદરથી બારણાં વસાયાં; જરા પુષ્પાંજલિ થઈ.

"એં..." અંદરથી અવાજ આવ્યો.

મિત્રે હજામત કરાવતાં કહ્યું : "એમ શું કામ કરે છે ? એને ન મારીએ."

"મારીએ નહિ ત્યારે શું કરીએ ? મારે તે હવે મરવું ?"

છોકરો પાછો બહાર આવ્યો.

હું વિચારમાં ગરક થયો. હજામત ચાલુ હતી. મિત્ર અબોલ હતા. છોકરાની બાને તે કાંઈ કહેવા જતા હતા. મેં તેને રોક્યા ને કહ્યું : "અત્યારે રહેવા દ્યો. બહુ ગરમ થઈ ગયાં છે."

વાત ત્યાં અટકી પડી.

કરવું શું ?

*