આ તે શી માથાફોડ !/૪૪. ટીકુ અને બબલી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪૩. બતાવે તો ? આ તે શી માથાફોડ !
૪૪. ટીકુ અને બબલી
ગિજુભાઈ બધેકા
૪૫. બીડી છાની કેમ પીધી ? →


: ૪૪ :
ટીકુ અને બબલી

અવાજ આવ્યો: “એં...એં...એં...”

અમારું ધ્યાન તે તરફ ગયું. બબલીબેનનાં માથામાંથી લોહી વહેતું હતું; વાળ ભીંજાયા હતા; કપડાં પર ટીપાં પડતાં હતાં. પાસે જઇને તેને તેના પિતાએ તેડી લીધી. સુવારીને ઘા પર કપડું દબાવ્યું ને દવા લેવા કોઇને દોડાવ્યું.

ટીકુ દૂર ઊભી ઊભી વીલે મોંએ એ જોતી હતી. મેં કહ્યું: “ટીકુ આવ, અહીં આવ, તારો ઘા લાગી ગયો કે ?” ટીકુ મારી દીકરી છે.

ટીકુએ ડોકું ધુણાવી ‘હા’ કહી ને ધીમે પગલે પાસે આવી.

મેં કહ્યું: “જો જોઇએ; કેવુંક લાગ્યું છે?”

ટીકુ બબલીની પાસે જઇને ગંભીરતાથી લોહીને જોઇ રહી. તેના મોં પર અસર થયાનાં ચિહ્નો હતાં.

પાટો બંધાઇ ગયો, બબલી ઊભી થઇ. મેં તક જોઇ કહ્યું: “ટીકુ, ઘા કરવો હોય તો સામે કોઇ ઊભું ન હોય ત્યાં કરવો; એટલે કોઇને એ લાગે નહિ.”

ટીકુએ ગંભીરતાથી ધ્યાન પર લીધું.

અમે અમારું કામ કરવા લાગ્યાં. થોડી વારમાં ટીકુ અને બબલીને સાથે રમતાં ને ગમ્મત કરતાં જોયાં.

બબલીનાં પિતા અને હું આ બાબતમાં લડ્યા નહિ, ખીજ્યા નહિ, ઘૂરક્યા નહિ, બાળકોને વઢ્યા નહિ, ડાહી ડાહી શિખામણ આપી નહિ. માત્ર ઉપર પ્રમાણે વર્ત્યા, બાળકો તે દિવસથી ગાઢ દોસ્તો બન્યાં છે; હંમેશા સાથે જ રમે છે.