લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૪૫. બીડી છાની કેમ પીધી ?

વિકિસ્રોતમાંથી
← ૪૪. ટીકુ અને બબલી આ તે શી માથાફોડ !
૪૫. બીડી છાની કેમ પીધી ?
ગિજુભાઈ બધેકા
૪૬. નાહકનું શું કામ ? →



: ૪૫ :
બીડી છાની કેમ પીધી ?

મને થયું, બસ રતુને શિક્ષા કરવી જ જોઇએ !

તેને મેં છાનોમાનો બીડી પીતાં જોયો. પણ મેં ખામોશી પકડી. હું વિચાર કરવા લાગ્યો કે શું કરવું ?

મને મારું નાનપણ યાદ આવ્યું. મેં પણ એકવાર છાનામાના બીડી પીધી હતી અને તે શા માટે ? બાપા બીડી પીતા હતા તે જોઇને મને તે કેવી લાગે તે જાણવાનું મન થયેલું. અને છાનામાના એટલા માટે કે મોટાભાઇને બાપાએ બીડી પીવા માટે મારેલો.

મને રતુ માટે શું કરવું તે સૂઝ્યું. મેં તેને બોલાવ્યો ને પૂછયું: “રતુ, બીડી પીવાનું મન કેમ થયું ?”

“બાપા નાના કાકા બીડી પીએ છે તે જોઇને.”

“પણ છાની શા માટે ?”

“તમે વઢો એટલા માટે”

“પણ હું શું કામ વઢું ?”

“અમે કંઇક એવું નવું નવું કરીએ ત્યારે તમે વઢો છો, એથી એમ લાગ્યું”

“પણ તો ન વઢું તો ?”

“તો છાનુંમાનું ન કરું.”

“પણ ઉઘાડું કરે તે સારું ન હોય તો ?”

“તો તમે કહેજો ને નહિતર અમને ખબર પડશે ના ?”

“કહે ત્યારે આ બીડી પીવી કેવી લાગી ?” “બીડી પીવી સારી તો નથી લાગી. પણ છાનોમાનો પીતો હતો, એટલે મજા આવતી હતી !”

“તેમાં મજા શી હતી ?”

“છાનો કરતો હતો, એ જ મજા, એ... કોઇને દેખવા દેતો નથી. કેવો હુશિયાર ? ના પાડે તે કરું છું. મારા જેવો કોઇ નહિ ! એમ.”

“ત્યારે તને બીડી પીવાની રજા આપું છું.”

“તો મને પીવી નથી ગમતી.”

“કેમ ?”

“એ ગમે એવી જ ક્યાં છે ? એ તો છાનામાનામાં મજા હતી. મારે બીડી ક્યાં પીવી છે ? એ તો જરા જોઇ જોયું કે કેવી છે ?”