આ તે શી માથાફોડ !/૫૦. નહિ બોલું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૪૯. પણ હું ના પાડું છું ના ! આ તે શી માથાફોડ !
૫૦. નહિ બોલું
ગિજુભાઈ બધેકા
૫૧. ધારે છે કે- →૧.

બા સાથે નહિ બોલું.

બા કહે છે: "પૂરી વણવા નહિ દઉં; વાંકીચૂકી થાય છે." તે જરાક તો વાંકીચૂકી થાય જ ના ? હું તો હજી નાનો છું.

બા કહે છે: "પાણી ભરવા નહિ દઉં; પાણી ઢોળાય છે." તે જરાક પાણી તો ઢોળાય જ ના ? હું તો હજી નાનો છું.

બા કહે છે: "શાક સુધારવા નહિ દઉં. છરી લાગી જાય છે." તે કો'કવાર તો લાગીયે જાય. હું તો હજી નાનો છું ના ?

બા કહે છે: "સાબુ લગાડવા નહિ દઉં; તને હજી ન આવડે." તે ધોયા વિના શી રીતે આવડે ? હું તો હજી નાનો છું.

બા સાથે નહિ બોલું.


૨.

બાપા સાથે નહિ બોલું.

બાપા કહે છે: "ચોપડી તને નહિ આપું. ફાટી જાય." હું કહું છું: "ચોપડી અમે નહિ ફાડીએ." તો ય બાપા ના પાડે છે.

બાપા કહે છે કે "કલમ તને નહિ આપું; તૂટી જાય." હું કહું છું: "સાચવીને લીંટી કાઢીશ." તો યે બાપા ના પાડે છે.

બાપા કહે છે: "લાકડી તને ન અપાય." હું કહું છું: "તમારી જેમ જ લાકડીને રાખીશ." તો યે બાપા ના પાડે છે.

બાપા કહે છે: "અહીંથી તમે ભાગી જાઓ; ગડબડ કરો છો."

હું કહું છું: "ગડબડ નહિ કરીએ." તો યે બાપા કાઢી મૂકે છે. બાપા સાથે નહિ બોલું.