આ તે શી માથાફોડ !/૫૪. તમને હોંશ થઈ

વિકિસ્રોતમાંથી
← ૫૩. પૂતરનાં પગ પારણાંમાંથી આ તે શી માથાફોડ !
૫૪. તમને હોંશ થઈ
ગિજુભાઈ બધેકા
૫૫. એ મને ન ગમે →


: ૫૪ :
તમને હોંશ થઈ

તમને હોંશ થઈ કે આપણે બાળકને માટે કંઈક કરવું તો જોઈએ. તમે એક જ કંઈક કરવા માગો છો. તો શું કરશો ?

છોકરાંને મારવાં નહિ.

ધારો કે તમે કંઈક બે વાનાં કરવા માગો છો તો શું કરવું ? બાળકને વઢવું નહિ; તેનું અપમાન કરવું નહિ.

ધારો કે તમારે કંઈક ત્રણ કરવાં છે. તો શું કરવું ?

તો બાળકને બીવરાવવું નહિ, બાળકને લાલચ આપી સમજાવવું નહિ, બાળકને ભા-બાપા કરી ચડાવવું નહિ.

ધારો કે તમે બાળકને માટે કંઈક ચાર કરવા ધારો છો. તો શું કરવું ?

તો બાળકને વારે વારે શિખામણ દેવી નહિ; વારે વારે હુલાવવું ફુલાવવું નહિ; વારે વારે વાંક કાંઢ્યા કરવો નહિ; વારે વારે રોફ છાંટવો નહિ.

ધારો કે તમે પાંચ કંઈક કરવા હોંશ રાખો છો તો શું કરવું ?

તો બાળકને માગે તે કરી દેવું નહિ પણ તે કરતાં શીખવવું. બાળકને તે જે કરવા માગે તે કરવા દેવું; બાળકના કામને હલકું ગણવું નહિ; બાળકના કામમાં વચ્ચે પડવું નહિ; બાળકનું કામ લઈ લેવું નહિ.