આ તે શી માથાફોડ !/૬૨. ટીકા અને કદર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬૧. એવા હેવા જ નહિ આ તે શી માથાફોડ !
૬૨. ટીકા અને કદર
ગિજુભાઈ બધેકા
૬૩. હજી તો ધાવણો છે →



: ૬૨ :
ટીકા અને કદર

“એ છોકરાં ! આ વાળ તો સરખા રાખ ? વાઘરા જેવો લાગે છે.”

“સુશીલા ! અત્યારમાં આ કાં આદર્યું ? મૂક કોરે. બીજો ધંધો છે કે ?”

“જોને, ઘરમાં સૌનાં કપડાં રખડે છે. આતે ઘર છે કે ધોબીની દુકાન છે ?”

“એ છોકરા ! અત્યારે આરડવા ક્યાં લાગ્યો ? આ તો બપોર છે. તેં તો માથું પકાવ્યું !”

“જોને, માથું ઓળતાં આવડ્યું છે ?”

“જોને, કોટ કાંઈ મેલો પહેર્યો છે !”

“જોને, હાથ કાંઈ ધોયા છે ! આ ધુળ તો ચોંટી છે.”

“જોને, કાંઈ ખાતાં ખાતાં એઠું પડ્યું છે !”

“આ ચોપડી તો ઊંધી ગોઠવી છે ! જો ચોપડીઓ ગોઠવી !” “જોને, ચાંદલો કરતાં આવડ્યો છે ? ક્યાં જાતો ઊંચે કર્યો છે !”

“વાળ્યું ખરું, પણ પગે તો ધૂળ ચોંટે છે !”

“ચોખા બધા દઝાડી દીધા. ધ્યાન રાખે છે ?”


“બચુ, આ વાળ તો કોઈએ સરસ કાપ્યા છે ! હવે એ ઓળવાથી વધારે સરસ લાગે.”

“બેન, જો પણે શાક છે તે સુધારી નાખને ? આ કામ જરા પછી લેજે.”

“ચાલ તો, આ કપડાં ઉપાડી લઈએ. બધા ધૂળે ભરાય છે; જરા મૂકી દઈએ.”

“અરે ભાઈ, આમ આવ. જો સંગીત સાંજે કે સવારે શોભે. અત્યારે જરાં વાંચીએ લખીએ.”

“માથામાં તેલ સરસ નાખ્યું છે !”

“કોટનાં બુતાન ટંકાવ્યાં ? સારું કર્યું.”

“હાથ ઠીક ધોવાયા છે; ઘણી બધી ધૂળ તો વહી ગઈ છે.”

“કાલે તો આના કરતાં વધારે પડ્યું હતું; હવે ખાતાં આવડતું જાય છે.”

“વાહ ! આ ગોઠવણ તો સારી થઈ છે. આ ચોપડ જરા આમ મૂકું ?”

“હવે ચાંદલો તું હાથે કરતાં શીખી. હવે ઠીક થશે.”

“ઠીક વાળ્યું છે; બીજી વાર વાળશો એટલે બધી ધૂળ વહી જશે.”

“ઠીક થયું, વહેલા ઉતાર્યા; નહિતર સાવ દાઝી જાત. કાલથી ધ્યાન રાખજે.”