લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૬૧. એવા હેવા જ નહિ

વિકિસ્રોતમાંથી
← ૬૦. ટહે આ તે શી માથાફોડ !
૬૧. એવા હેવા જ નહિ
ગિજુભાઈ બધેકા
૬૨. ટીકા અને કદર →


: ૬૧ :
એવા હેવા જ નહિ

“જુઓ તો ચંપાબેન, તમારો છોટુ નટુનો ગરિયો રમતો રમતો અહીં લાવ્યો છે ?”

“ના રે રેવાબેન, મારા છોટુને એવા હેવા જ નહિ. કોઈનું કોઈ દિ' લાવે જ નહિ તો !”

×××

રાયચંદભાઈ ! છોટુને જરા કહેજો હો કે ! આજે એ અમારી ચંપી ઉપર થૂંકતો હતો.”

“ના રે લખમીચંદભાઈ, મારા છોટુને એવા હેવા જ નહિ. કોઈ દિ' કોઈના ઉપર થૂંકે જ નહિ તો !”

×××

“એલી ચંપા, લે જો તારો છોટુ ધરાર ખોટું બોલે છે. આને ધડ દઈને ધક્કો માર્યોને કહે છે કે હું તો ઊભો હતો !”

“ના બા, મારો છોટુ ખોટું ન બોલે. એ જેવું હોય એવું કહી દે એવો છે.”

×××

“રાયચંદભાઈ ! જરા છોટુને નજરવગો રાખજો. કાલે ઓલ્યા પાડોશીના કોળીના છોકરા સાથે ભૂંડું બોલતો હતો ને કાદવ ચૂંથતો હતો.”

“રઘુભાઈ, આ તમે શું બોલ્યા ? છોટુ કોળીના કાના સાથે રમતો જ નથી. ને એવી ટેવ તો એને છે જ નહિ. છોટુ ભૂંડું બોલે જ નહિ ને !”

આ મા અને બાપ છોટુ તરફ એટલાં પક્ષપાતી છે કે છોટુમાં દોષ હોવાનું વિચારી જ શકતાં નથી; છોટુમાં તેઓ આંધળાં છે. પણ ખરી વાત એ છે કે મેં મારી સગી આંખે એને ઉપરનું બધું કરતાં ભાળ્યો છે. એનાં માબાપ નથી ઓળખતાં પણ હું એને ઓળખું છું. મારો વિચાર છે કે એનાં માબાપને છોટુ વિષે સમજાવીને કહું. જો માને તો ઠીક છે, નહિતર છોટુ જાણે ને એનાં માબાપ જાણે. એટલું ખરું કે એમાં છોટુનું તો બગડશે જ.