લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૭૨. ભણતરના ખ્યાલો

વિકિસ્રોતમાંથી
← ૭૧. બાળકો વાતો કરે છે આ તે શી માથાફોડ !
૭૨. ભણતરના ખ્યાલો
ગિજુભાઈ બધેકા
૭૩. બા-બાપા ને નવરાશ છે →


: ૭૨ :
ભણતરના ખ્યાલો



વાળુ પછીનો વખત હતો. બાપુએ બૂમ પાડી કહ્યું: “ચાલો લેસન કરવા બેસી જાઓ. “રૂખી, ચંપા, નટુ, નવલ લેસન કરવા એકઠાં થયાં.

રાધાને આવતાં વાર લાગી ને બાપુએ ધમકાવી: “રાધા ! જો રોજની જેમ ધીમે ધીમે આવે છે. પછી કેમે કરી પૂરું જ નહિ થાય. બધાએ ચોપડીઓ કાઢી ને પાઠો ગોખવા માંડ્યા.

ઓરડામાં ગડબડ ગોટાળો થઈ રહ્યો. બાપુ કહે: “જો નટુ, આડું અવળું જોઈ રમત કરે છે ? આમ ભીંત સામે જોઈને બેસ. જો પછી બીજે ધ્યાન ન જાય.”


ચંપાએ ચીમનીની વાટ ધીમી કરી. નટુ કહે: “જુઓ તો બાપા, ચંપા તોફાન કરે છે.”

બાપુએ ચંપાને ખખડાવી: “એ ચંપલી ! દૂર બેસ. જો પેલી પેટી પાસે. આ બીજી બત્તી લઈને બેસ. તારા હાથ સખણા નહિ રહે.”

નટુને ઊંઘ આવવા લાગી. આંખો લાલ થઈ. બાપુ કહે: “કેમ નટુ, ઊંઘ આવે છે કે ? એટલું બધું શા માટે ખાય છે ? ચાલ, પાણી આંખે છાંટ જોઈએ; હમણાં ઊંઘ ઊડી જશે.”

નવલ બાપુને લેસન દેવા ગયો ને બાપુએ તે લઈ લીધું. બાપુ કહે: “જુઓ નવલ કેવો હોશિયાર છે ! સૌથી પહેલો છૂટી ગયો. ચાલ રાધા, ઝટ કર તો તારો નંબર બીજો.”

રાધા દોડતી દોડતી પાઠ દેવા આવી એટલે ભૂલ પડી ને બાપુએ એને ધમકાવી: “જો કાચું પાકું કરીને આવી છે. બરાબર ગોખી લાવ.”

રૂખી કહે: “બાપુ, હવે થોડું કાલે કરીશ.”

બાપુ કહે: “કાલે પછી ક્યાંથી થાય ? ને ન આવડે તો નંબર જાય ને ? તારું નામ તો ઊતરવું જ ન જોઈએ.”



વાળુ કરી પરવાર્યા. બાપુએ સાદ પાડ્યો: “એ રાધા, કુસુમ, જગુ, રેવુ, ચાલજો મારી સાથે અંતકડી રમવા.” રાધા-કુસુમ એક તરફ ને જગુ-રેવુ બીજી તરફ. બાપુ અડુકદડુકિયા. ખૂબખૂબા અંતકડી ચાલી. પછી કુસુમ કહે: “બાપુ, કાલની વાત હજી અધૂરી છે હો ! નહિ કહો તે નહિ ચાલે.

બાપુએ પછી વાર્તા માંડી, રેવુની આંખમાં ઊંઘ આવે પણ માળો ટટ્ટાર થઈને બેઠેલો ! જગુ તો જાણે ધ્યાન ધરવા બેઠો; હલે કે ચલે. કાન દઈને વાર્તા સાંભળ્યા જ કરે ! રાધા ને કુસુમને વાતો કરવી બહુ ગમે, પણ વાર્તા વખતે તો ચૂપચાપ.

અધૂરી વાર્તા પૂરી થઈ એટલે રાધાએ કહ્યું: “બાપુ, જુઓ તમે ઘણા દિવસથી વરતો નથી નાખતા,”

બાપુ કહે : “હવે સૂઈ જાઓ; કાલે પાછા પાઠો ક્યારે કરશો ?”

બધાં કહે : “પાઠો ? પાઠો તો અરધાપરધા કરી લીધા છે; ને બીજા પાઠો વહેલાં ઊઠીને કરશું. એકવાર વરતો નાખો; પછી બીજી વાત. પાઠ તો સટસટ કરી નાખશું.”

બાપુ કહે: “પણ જો, આ રેવુને તો ઊંઘ આવે છે !”

રેવુ કહે: “ના બાપુ, વરતો નાખો તો તો બાર વાગ્યા સુધી જાગું.”

બાપુએ વરતો નાખવા માંડ્યાં ને છોકરાંઓ જવાબ દેવા માંડ્યાં. અગિયાર થયા ને બાએ બૂમ પાડી: “એ હવે તો સૂઈ જાઓ. લેસનબેસન તો કરતાં નથી ને આ બધું શું કરો છો ? કાલે પાછું નિશાળમાં શું થશે ?”

બાપુ કહે: “ખરું લેસન તો આ છે. પાઠ તો રોજ ભણવાના જ છે ને ? છોકરાંને એની ક્યાં આળસ છે ?”

બધાં બાળકો લેસન કરતાં હતાં ત્યાં બા આવ્યાં. કહે: “એ હવે એને છોડો છોડો. બિચારાં થાકી જશે.”

બાપુ કહે: “તે ભણવું કાંઈ સહેલું નથી, અમે પણ એમ જ ભણેલાં.”