લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૭૫. બાપુ

વિકિસ્રોતમાંથી
← ૭૪. બા બાપાને નવરાશ નથી આ તે શી માથાફોડ !
૭૫. બાપુ
ગિજુભાઈ બધેકા
૭૬. જરા વિચાર કર્યો હોત તો ? →


: ૭૫ :
બાપુ


“બાપુ કાલે ફરવા જઈશું ?”

“હા, હા, કાલે જઈશું.”

“બાપુ, આજે હવે જઈશું ના ? કાલે તમે કહ્યું હતું.”

“ના ભાઈ, આજે તો જરા કામ છે. હવે કાલે વાત.”

*

“બાપુ, કાલે વારતા કહેવાની કે નહિ ?”

“હા , કાલે તો ચોક્કસ જ કહેવાની.”

“બાપુ, ચાલો હવે કાલની અધૂરી વાત પૂરી કરીએ.”

“એંહ, આજ તો આળસ આવે છે. કાલે વાત કાલે.”

×××

“બાપુ આપણે પેલી દાજીવાળી સાઈકલ સમી ક્યારે કરીશું ?”

“કાલે નિરાંતે એ કામ કરીશું.”

“બાપુ, ચાલે સાઈકલ બહાર કાઢી છે.અમે બધાં તૈયાર છીએ.”

“જવાદ્યોને આજે ! આજે મારે આરામ લેવાનો વિચાર છે. કાલે વાત કાલે.”

“છોકરાંઓ, ત્યારે કાલે આપણે શાંતિભાઈને ત્યાં થઈને સરકસમાં જઈશું.”

“બાપુ, હવે સરકસમાં ક્યારે જઈશું ? ચાલોને વખત થયો છે. પણ આજે તો જીવરામ અહીં આવવાના છે. મેં તેમને વખત ચા પીવા બોલવ્યા છે. હવે આવતે રવિવારે જ જઈશું.”

×××

“છોકરાંઓ આવતીકાલે આપણે ફૂટબોલ રમવા જવનું છે. ચાર વાગે તૈયાર થજો.”

“ચાર વાગે ? બહુ સારું, તૈયર રહીશું.”

“શામજીભાઈ, આજે જરા ચાર વાગે મારે ત્યાં ચા પીવા પધારશો ? બે મહેમાન આવ્યા છે.”

“માફ કરો, નહિ આવી શકું. મેં આજે છોકરાંઓ સાથે રમવા જવાનું વચન આપ્યું છે.”

×××

“જીવનલાલ, રંભા, રસિક સહુ ક્યાં ગયાં ? ચાલો, કાલે કહ્યા મુજબ અજે વાર્તા પૂરી કરવી છે, ખરું ? ચાલો પછી મારે કાગળો લખવા બેસવું છે.”

×××

“બાપુ, આપણી ઓરડી ક્યારે સાફ કરવી છે ? કાલે કે પરમ દિવસ ?”

“કાલે વખત નથી. પરમ દિવસે વાત.”

“બાપુ ક્યાં છો ? ચાલો ઓરડીમાં. સાફ કરીએ.”

“અરે, હું ક્યારનોઇ ઓરડીમાં આવી ગયો છું !”

×××

“બાપુ આજે અમને વાજું અપાવવા ગામમાં તેડી જવાના હતાને ? ગયે રવિવારે તમે કહ્યું હતું ખરું ?”

“હા, તે તેનો જ વિચાર કરું છું. ચાલો તૈયાર થવા માંડો જવાનું તો છે જ.”