લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૭૪. બા બાપાને નવરાશ નથી

વિકિસ્રોતમાંથી
← ૭૩. બા-બાપા ને નવરાશ છે આ તે શી માથાફોડ !
૭૪. બા બાપા ને નવરાશ નથી
ગિજુભાઈ બધેકા
૭૫. બાપુ →


: ૭૪ :
બા બાપા ને નવરાશ નથી

“બા, બા ! આ જો તો ? મેં મોતીની માળા કેવી સરસ કરી છે !”

“બાપુ, મને નવરાશ નથી. આઘી ખસને ! મારે ઠામ ઊટકવાં છે.”

“બા, બા ! આમ તો આવ. આ પપૈયા પર કેટલાં બધાં પપૈયા બૈઠાં છે ! જો તો. એક તો મોટું બધું છે” “બાપુ, મને નવરાશ નથી. તું તારે જાને મારે અબોટ કરવો છે”

“બા, તું આવીશ અમારી રમત જોવા ? અમે આજે નવી રમત રમીએ છીએ.”

“બાપુ, મને નવરાશ નથી. મારે કપડા ધોવા છે.”

“બા, એ બા ! ચાલ તો પણે ભાઇએ સુંદર બંગલો બનવ્યો છે. જોવા જેવો છે.”

“બાપુ, મને નવરાશ નથી. મારે હજી કપડાં સૂકવવાં છે.”

“એ બા, બા ! ચાલ તને કીકી હસે છે તે બતાવું. એવી ખડ ખડ હસે છે !”

“બાપુ, મને નવરાશ નથી. મારે તો હજી સંજવરી કાઢવી છે.”

“બાપુ, જુઓ તો આ ચોપડીનું પૂંઠું સુંદર છે ?”

“હમણાં જા; મને ફુરસદ નથી.” બાપુ પડ્યા પડ્યા ચોપડી વાંચે છે.

“બાપુ જુઓ તો આ સિક્કાને મેં રાખથી ઘસીને કેવો સરસ ઉજાળ્યો છે ?”

“હમણા જા; હું કામ માં છું” બાપુ પત્રો લખતા હતા.

“બાપુ, જુઓ તો અમારા ગલગોટાને આજે પહેલવહેલું ફૂલ બેઠું.”

“હમણાં નહી; મારે કામ છે. “બાપુ કાયદાની ચોપડીમાંથી ટાંચણ કરતા હતા.

“બાપુ, ચાલો તો તમને બિલાડીને સાંકળે બાંધી છે તે બતાવું.”

“જો હમણા નવરાશ નથી. તું બિલડી સાથે રમ.” બાપુ, અસીલો સાથે બેઠા બેઠા વાતો કરતા હતા.

“બાપુ, અહીં તો અવો ! આજે અમે નવી અભરાઈ પર અમારો સામાન ગોઠવ્યો છે.”

“હમણાં નહી; નિરાંતે જોશું.” બાપુ મિત્રો સાથે નિરાંતે ચા પીતા હતા.

“બાપુ, ઊભા રહો; હું મારી નવી ચોપડી જોવા લાવું. પુંઠૂં લીલું સુંદર છે ! “

“જો મારે ઝટ જવું છે. હમણાં નવરાશ નથી.” બાપુ પોતાના ભાઇબંધો સાથે લાકડી લઇ ફરવા જતા હતા.