આ તે શી માથાફોડ !/૯૪. એઠું કેમ ખાય છે ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે ? આ તે શી માથાફોડ !
૯૪. એઠું કેમ ખાય છે ?
ગિજુભાઈ બધેકા
૯૫. બા અને બાળક →


બાલમંદિરમાં રોજ નાસ્તો હોય છે. નાસ્તા પછી સૌ બાળકો રમવા નીકળે. ચંદ્રપ્રભા સૌથી છેલ્લે રહે; ધીમે ધીમે ખાય ને પાછળ રહે. રોજ છેલ્લી મોડી મોડી નીકળે.

શિક્ષકને થયું: "આનું કારણ તેની ધીમે ખાવાની ટેવ છે કે શું ?"

શિક્ષકે ઝીણી તપાસ રાખી. નજરે આવ્યું કે બધાં બાળકો ગયા પછી ચંદ્રપ્રભા બીજાં બાળકોના પ્યાલામાંથી વધેલું લઈ લે છે, ને ખાઈ જાય છે.

શિક્ષકે પ્રેમથી પૂછ્યું: "ચંદ્રપ્રભા, બીજાના પ્યાલામાંથી કેમ લો છો ?"

ચંદ્રપ્રભા કહે: "મને ભૂખ લાગે છે, ને તમે તો થોડું જ ખાવાનું આપો છો."

શિક્ષક કહે: "ત્યારે તમે ઘેર જમીને નથી આવતાં ?"

ચંદ્રપ્રભા કહે: "આવીએ છીએ, પણ બા પૂરું ખાવાનું નથી આપતી. બા કહે છે કે ઝાઝું ખાઈશ તો ઝાડા થશે ને માંદી પડીશ. એમ કહી અરધું ખવરાવી ઊભી કરે છે."

શિક્ષકને વાત સમજાઈ કે ચંદ્રપ્રભા એઠું કેમ ખાય છે.

*