આ તે શી માથાફોડ !/૯૫. બા અને બાળક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૯૪. એઠું કેમ ખાય છે ? આ તે શી માથાફોડ !
૯૫. બા અને બાળક
ગિજુભાઈ બધેકા
૯૬. મતાગ્રહ અને સ્વાતંત્ર્ય →


: ૯૫ :
બા અને બાળક

બા: “પણ તું સરખો તો ઊભો રહે ! થનગનથનગન શું કરે છે ?”

બાળક: “મને ટાઢ વાય છે; મારાથી ઊભું નથી રહેવાતું.”

×××

બા: “જોને, ચોરણી પહેરાવી નહિ ત્યાં તો કાઢી નાખી ! છેને પણ કાંઈ ?”

બાળક: “બા, એમાં એક કીડી હતી તે કરડતી હતી.”

×××

બા: 'જોજે, અહીં આવીશ તો મારી નાખીશ !”

બાળક: “ત્યારે માંદો પડું છું ત્યારે દવા શું કામ કરે છે ?”

×××

બા: “જોને, રકાબી પાડી નાખી ને ભાંગી નાખી.”

બાળક: “મેં રકાબી નથી પાડી; ચીકણી હતી તે લપસી ગઈ.”

×××

બા: 'મારે તે કરવું શું ? આ લૂગડાના તો કટકેકટકા કર્યા !”

બાળક: “ઘણા બધા કટકા નથી કર્યા; ફક્ત બે જ કટકા કર્યા છે. મારે પગે પાટો બાંધવો છે.”

×××

બા: ક્યારનો સળવળ સળવળ શું કરે છે ? સરખું સૂતાં યે નથી આવડતું ?

બાળક: “બા, મચ્છર ગણગણ કરી કાન આગળ આવે છે.”

×××

બા: “એ હવે કેમે કરીને નહાવા ઊઠશો ? ક્યાં સુધી રમશો ?” બાળક: “પણ તેં નથી કહ્યું કે બોલાવું ત્યારે આવજો ? એકે વાર તેં અમને બોલાવ્યા તો નથી !”

×××

બા: “જો કેવી ખરાબ ટેવ છે ! ખાતાં ખાતાં પાણી ઢીંચ્યું.”

બાળક: “પણ બા, શાક તીખું લાગે છે તે મોઢું બળે છે.”