આ તે શી માથાફોડ !/૯૬. મતાગ્રહ અને સ્વાતંત્ર્ય

વિકિસ્રોતમાંથી
← ૯૫. બા અને બાળક આ તે શી માથાફોડ !
૯૬. મતાગ્રહ અને સ્વાતંત્ર્ય
ગિજુભાઈ બધેકા
૯૭. પ્રશ્ન કેમ પૂછતો નહોતો ? →


: ૯૬ :
મતાગ્રહ અને સ્વાતંત્ર્ય


હું કહું છું કે રોજ દેવદર્શને જવું જઈએ.

બસ ચોરણી જ પહેર; મને ચોરણી પહેરે તે જ ગમે.

જોને, આમ તે વાળ ઓળાય ? આમ મારી જેમ ઓળ.

તે એમાં શું ? થોડું થોડું મરચું ખાતાં યે શીખવું જોઈએ.

જો ભા, એમ ન બેસાય. એમ બેસીએ તો ભૂંડા લાગીએ.

એમ તે હાથ ધોવાય ? કોણી સુધી ધોવા જોઈએ.

બાજરાના રોટલા ભાવવા જ જોઈએ; મને તો બહુ જ ભાવે છે.

ભાઈ, જેને દેવદર્શને જવું હોય તે જાય.

તને ગમે તે પહેર; ચોરણી ગમે તો ચોરણી ને ઘાઘરી ગમે તો ઘાઘરી.


તને ગમે તેમ વાળ તેં ઓળ્યા, ને મને ગમે તેમ મેં ઓળ્યા.

ભાવે તો મરચું ખા; નહિતર આ શાક છે તે જરા મોળું છે.

જો ભા, આમ બેસીશ ? એમ બેસે તે સૌને જરા જગા વધે. જો આમ ઘસીને હાથ ધો; બગડ્યા હોય તેટલા ધોઈએ.

બાજરાનો રોટલો ન ભાવે તો ઘ‌ઉંનો ખા; કોઈકને ન પણ ભાવે.